ડૉક્ટરની ડાયરી:એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે,બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર

ડૉ. શરદ ઠાકર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ કોલેજમાં પગ મૂકતા પહેલાં જે મિત્રનો પરિચય મળ્યો હતો એ પ્રત્યક્ષ મળ્યા વગર અનંતની યાત્રાએ ઊપડી ગયો. જિંદગી લાંબી નથી. જેને મળવાની ઇચ્છા હોય એને તરત જ મળી લેવું

દિવસો અને કલાકોના આયોજન ઉપર થોડીક ક્ષણોમાં પાણી ફરી જાય એવું બને ખરું? મારી સાથે તો આવું અનેકવાર બન્યું છે અને કારણ પણ કેવું નાનુંઅમથું? પાંચેક વર્ષ પહેલાંની ઘટના. અમદાવાદથી જૂનાગઢ જવાના માર્ગ ઉપર પૂરપાટ વેગે ગાડી દોડી રહી હતી. ડ્રાઇવર કાર ચલાવતો હતો. અમદાવાદથી નીકળ્યા ત્યારથી સતત હું ગોંડલ સ્થિત મારા ક્લાસમેટ ડો. પ્રકાશ રાવલની સાથે મેસેજીસ દ્વારા સંપર્કમાં હતો. લીમડી ગયું… ચોટીલા ચા પીવા રોકાયા… રાજકોટને બાયપાસમાં પણ કાઢ્યું… હવે ગમે તે ઘડીએ ગોંડલ પહોંચીશું… પૂરાં ચાલીસ વર્ષ પછી હું ડો. રાવલને મળવાનો હતો. અમારા બંનેના મનમાં રોમાંચ ઉછાળા મારતો હતો. આવો જ રોમાંચ 1972માં જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યારે અમે અનુભવ્યો હતો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી પ્રી-સાયન્સનું વર્ષ ઝળહળતા પરિણામ સાથે પાસ કરીને હું જામનગરમાં ડોક્ટર બનવા માટે રવાના થયો હતો. વર્તમાન સમયમાં કોઇના માનવામાં નહીં આવે પણ 17 વર્ષની ઉંમર સુધીમાં હું મારા પરિવારથી દૂર એકલો ક્યાંય ગયો ન હતો. મોસાળમાં પણ નહીં કે સ્કૂલના પ્રવાસમાં પણ નહીં. ત્યારે હું પૂરેપૂરો માવડિયો હતો. અત્યારે અસંખ્ય પ્રવાસો ખેડતો રહું છું પણ મનથી તો હું માવડિયો જ રહ્યો છું. ક્યાંય પણ ગયો હોઉં મારા મનમાં જલદી ઘરે પહોંચી જવાની ઉતા‌વળ રહેતી હોય છે. આવા બહારની દુનિયાથી અપરિચિત ટીનએજરને રાતોરાત અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકોની વચ્ચે મૂકી દેવામાં આવે તો એની માનસિક હાલત કેવી હોય? જૂનાગઢમાં મારા પિતાજીના પારિવારિક મિત્રો મને વિદાય આપવા માટે આવતા ત્યારે આવું અચૂક કહેતા હતા, ‘તું મૂંઝાતો નહીં. ત્યાં અમારા ફલાણા સગા રહે છે. તને જ્યારે હોમ-સિકનેસ જેવું લાગે ત્યારે એમના ઘરે પહોંચી જજે. ત્યાં તને ચા-નાસ્તો, ભોજન બધું મળી રહેશે. લે, આ કાગ‌ળમાં એમનું સરનામું લખ્યું છે.’ પોલીસથી લઇને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, શિક્ષકો, વેપારીઓ અને પટ્ટાવાળા સુધીના લોકોનાં સરનામાંઓથી મારું પાકીટ ભરાઇ ગયું હતું. એક પારિવારિક આંટીએ જે ઓળખાણ આપી તે યાદ રહી ગઇ છે, ‘તું જામનગર ડોક્ટર બનવા માટે જાય છે, ત્યાં તને પ્રકાશ મળશે. તે મારો ભાણેજ છે. ભણવામાં તારા જેવો જ હોશિયાર છે. એ જામનગરમાં જ રહે છે. એટલે તને ખૂબ જ મદદરૂપ થઇ શકશે. ‘ મેડિકલ કોલેજમાં વર્ગો ચાલુ થઇ ગયા. સૌરાષ્ટ્રભરમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પહેલીવાર એક જ છત નીચે ભેગા થઇ રહ્યા હતા. એડમિશનની પ્રક્રિયા હજુ ચાલુ જ હતી. હું દરેક અજાણ્યા સ્ટુડન્ટમાં પ્રકાશને શોધી રહ્યો હતો. એક દિવસ પ્રથમ લેક્ચર શરૂ થાય એ પહેલાં એક લાંબા, પાતળા સ્ટુડન્ટે હસતા ચહેરા સાથે મારી પાસે આવીને પૂછ્યું, ‘પાર્ટનર, તમે જૂનાગઢથી આવો છો? તમારું નામ શરદ ઠાકર છે? માય સેલ્ફ પ્રકાશ રાવલ.’ અમે પ્રેમથી મળ્યા. થોડી વારમાં લેક્ચર શરૂ થવા માટેનો ઘંટ વાગ્યો. પ્રકાશ પોતાના સ્થાન પર બેસવા માટે ચાલ્યો ગયો. અમારી વચ્ચે એના માસીનાં નામનો સંદર્ભ કાયમ રહ્યો. અમે પૂરાં સાડા પાંચ વર્ષ સાથે ભણ્યા. અમારા અલગ અલગ મિત્રોનાં અલગ અલગ ગ્રૂપ્સ હતાં. એટલે હું અને પ્રકાશ જેટલા આવવા જોઇએ એટલા નજીક ન આવી શક્યા પણ અમારી વચ્ચે આત્મીયતાનો ભાવ કાયમ માટે બની રહ્યો. પ્રકાશ ભલો, નિરુપદ્રવી અને મોજીલો છોકરો હતો. એને પાન ખાવાનો ગજબનો શોખ હતો. કેમ્પસમાં એનું નામ ‘પાનબાપુ’ પડી ગયું હતું. 1977માં એમ. બી. બી. એસ. પૂરું કરીને અમે છૂટા પડ્યા. એ પછી અમે ક્યારેય મળ્યા નહીં. એના વિશેના સમાચાર અલપઝલપ મળતા રહ્યા. ડો. પ્રકાશ રાવલ બાળ રોગ નિષ્ણાત બનીને ગોંડલમાં સ્થાયી થયા હતા એવું જાણવા મળ્યું. મારે કાર્યક્રમોને લઇને ગુજરાતના લગભગ તમામ નાનાંમોટાં શહેરોમાં જવાનું થતું હોય છે. દરેક ગામ કે શહેરમાં પ્રેક્ટિસ કરતા મારા સહાધ્યાયી મિત્રોને મળતો રહું છું, પણ ગોંડલ જવાનું ક્યારેય બન્યું નહીં. સોશિયલ મીડિયાના કેટલાક ફાયદાઓ પણ છે. મેડિકલ કોલેજમાં સાથે ભણતા તમામ મિત્રોનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું, જેમાં દાયકાઓ પછી અમે બધાં એક પ્લેટફોર્મ પર ભેગાં થયાં. અમેરિકા, યુરોપ, આફ્રિકામાં જઇને વસેલા મિત્રોની ભાળ મળી. વર્ષોથી દબાઇ રહેલાં મૈત્રીનાં મોજાં મેસેજીસ દ્વારા ગ્રૂપમાં ઠલવાઇ રહ્યાં. એક દિવસ ગ્રૂપમાં મેં મેસેજ મૂક્યો: ‘એક કાર્યક્રમ માટે જૂનાગઢ જઇ રહ્યો છું.’ અમદાવાદથી જૂનાગઢ જવાના માર્ગમાં જેટલા ડોક્ટરમિત્રો રહેતા હતા એ બધાએ પોતાના ઘરે આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું. એમાં ડો. પ્રકાશ રાવલ પણ હતા. અમારું જૂનું અનુસંધાન યાદ કરીને મેં એમનું આમંત્રણ સ્વીકાર્યું. મને બરાબર યાદ છે કે એમણે ગોંડલની સાથે ગાય, ગાંડા અને ગાંઠિયાને જોડીને રમૂજ પણ કરી હતી. અમદાવાદથી કારમાં પ્રવાસ શરૂ કર્યો ત્યારથી હું સતત ડો. પ્રકાશના સંપર્કમાં હતો. એનો આગ્રહ ભોજન માટે રોકવાનો હતો. મેં મજાક કરી હતી, ‘સાંભળ્યું છે કે તારાં પત્ની એડવોકેટ છે. હવે જજ બન્યાં છે. એમને રસોઇ બનાવવાની તકલીફ ન અપાય. ક્યાંક મને જેલમાં પૂરી દે. ભોજનનું જૂનાગઢમાં ગોઠવાઇ ગયું છે. તારે ત્યાં ચા પીવા આવીશ.’ રાજકોટ છોડ્યું. મને ઘર શોધવામાં તકલીફ ન પડે એટલા માટે ડોૅ. પ્રકાશે ગોંડલના જાહેર માર્ગ પર એક ચોક્કસ જાણીતા લેન્ડમાર્ક પર ઊભા રહેવાની તૈયારી દર્શાવી. મેં એની વાત સ્વીકારી લીધી પણ છેક છેલ્લી મિનિટે ગરબડ થઇ ગઇ. પૂરપાટ વેગે ગાડી દોડી રહી હતી. હું ડ્રાઇવરને કહેવાનું ચૂકી ગયો કે આપણે ગોંડલને બાયપાસમાં કાઢવાનું નથી. ડાબી તરફ આવતા પ્રવેશદ્વારમાંથી ગોંડલ ગામમાં જવાનું છે. મને મારી ભૂલ સમજાઇ ત્યાં સુધીમાં કાર જેતપુરની દિશામાં આગળ નીકળી ગઇ હતી. મેં ડો. પ્રકાશને ફોન કર્યો, ‘દોસ્ત, આવું થઇ ગયું છે. ગોંડલ પાછળ રહી ગયું છે.’ ‘એવું કેમ ચાલે? હું બજાર વચ્ચે તારી રાહ જોઇ રહ્યો છું. ગાડીને પાછી વાળ.’ પ્રકાશે આદેશ ફરમાવ્યો. મેં એને માંડ માંડ સમજાવ્યો, ‘પાછા ફરવાનું શક્ય નથી. સમયની તંગી છે. આવવા-જવામાં જ અડધો કલાક વેડફાઇ જશે. જૂનાગઢ પહોંચતા મોડું થશે. શક્ય હશે તો પાછા વળતી વખતે તારા ઘરે આવીશ.’ અમે બંને નિરાશ થયા. આવું કેમ બન્યું હશે? કદાચ વિધાતાનો કોઇ સંકેત હશે? એ વખતે મનમાં એવી ગણતરી હતી કે જિંદગી બહુ લાંબી પડી છે. ક્યારેક, ક્યાંક મળી જવાશે. જૂનાગઢનો કાર્યક્રમ પતાવીને પાછા ફરતી વખતે મધરાતના બાર વાગ્યા હતા. એટલે ડો. પ્રકાશને મળવાનો સવાલ જ ન રહ્યો. આ ન યોજાયેલી મુલાકાતનો વસવસો ભાંગવા માટે જ કદાચ કોઇ નવી યોજના આકાર પામી હશે! ડો. પ્રકાશે ગોંડલ છોડીને અમદાવાદમાં શિફ્ટ થવાનું વિચાર્યું. કદાચ એનાં પત્ની નિવૃત્ત થઇ ગયાં હતાં. ડો. પ્રકાશ એના દીકરાની કારકિર્દી માટે અમદાવાદને વધુ યોગ્ય ગણતા હશે. ગોંડલની વર્ષો જૂની પ્રેક્ટિસ છોડીને એમણે અમદાવાદના એક દૂરના વિસ્તારમાં ક્લિનિક શરૂ કર્યું. ગ્રૂપમાં આમંત્રણ કાર્ડ પણ મૂક્યું. બહારગામના લોકો ના આવી શકે એ સમજાય, પણ અમદાવાદના મિત્રો તો આવે જ એવો એનો પ્રેમાગ્રહ હતો. કમનસીબે હું એ દિવસે બહારગામ હોવાથી ન જઇ શક્યો. મેં વિચાર્યું જિંદગી બહુ લાંબી છે. હવે તો અમે બંને એક જ શહેરમાં રહીએ છીએ. ભવિષ્યમાં ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે કારણથી મળી જઇશું. ‘છોટી સી યહ દુનિયા, પહેચાને રાસ્તે હૈ, કહીં તો મિલોગે તો પૂછેંગે હાલ…’ આ વાતને પણ સારો એવો સમય થઇ ગયો. વીતતાં ક્યાં વાર લાગે છે વરસને? ત્રણ-ચાર વર્ષ વીતી ગયાં. અચાનક થોડા દિવસો પહેલાં અમારા ગ્રૂપમાં એક ડોક્ટરમિત્રે મેસેજ મૂક્યો: ‘વેરી સેડ ન્યૂઝ. આપણી સાથે ભણતા ડૉ. પ્રકાશ રાવલ જીવનમરણનો જંગ લડી રહ્યા છે. કોરોનાની કોમ્પ્લિકેશન પછી બે મહિનાથી તેઓ વેન્ટિલેટર ઉપર છે.’ અમારા ગ્રૂપમાં ડો. પ્રકાશની જિંદગી બચાવી લેવા માટે પ્રાર્થનાઓનો વરસાદ વરસ્યો. પછી એ જ મિત્ર દ્વારા અમંગળ સમાચાર વાંચવા મળ્યા. મારી 17 વર્ષની ઉંમરે મેડિકલ કોલેજમાં પગ મૂકતા પહેલાં જે મિત્રનો પરિચય મળ્યો હતો એ પ્રત્યક્ષ મળ્યા વગર અનંતની યાત્રાએ ઊપડી ગયો. જિંદગી બહુ લાંબી નથી. જેને મળવાની ઇચ્છા હોય એને તરત જ મળી લેવું. મિત્રનું ઘર બાયપાસમાં ન કાઢો. જો ભૂલથી આગળ નીકળી જવાય તો અચૂક પાછા ‌વળી જવું. જિંદગી તમને મિલનનો અવસર આપે છે પણ વારંવાર નથી આપતી. દોસ્ત પ્રકાશ, જ્યારે પણ ગલોફામાં પાન જમાવેલા કોઇ મોજીલા ચહેરાને જોઇશ ત્યારે તમે અચૂક યાદ આવી જશો. અલવિદા, પાનબાપુ!⬛ શીર્ષકપંક્તિ: લવ સિંહા drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...