ક્રાઈમ ઝોન:સુખી દાંપત્યજીવનમાં થયું એક માલદાર પુરુષનું આગમન અને બધું બદલાઈ ગયું

11 દિવસ પહેલાલેખક: પ્રફુલ શાહ
  • કૉપી લિંક
  • જેની સુપારી અપાઈ એ જીવી ગયો જેણે સુપારી આપી એ માર્યો ગયો!
  • રસ્તામાં બે અપહરણકારોની એની સાથે દોસ્તી થઈ ગઈ. તામિલનાડુ ગયા પછી પણ એની હત્યા કરવાની વાત વિસરાઈ ગઈ

ઘણીવાર રિયલ લાઈફ સ્ટોરીમાં આવતા ચડાવ-ઉતાર ભલભલી રોમાંચકથા અને ફિલ્મના ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ્સને સાવ ઝાંખા પાડી દે એવા જોરદાર હોય. કોઈક પરફેક્ટ પ્લાન કરે અને પરિણામ એવું વિરોધાભાસી આવે કે જેની કોઈએ કલ્પના સુદ્ધાં ન કરી હોય. તાજેતરમાં કર્ણાટકના બેંગ્લુરુમાં બનેલા આવા એક કિસ્સાની હજીય ચર્ચા થઈ રહી છે.

બેંગ્લુરુમાં પીન્યા નામક પરાના દોડબીટ્રાકુલ્લુમાં એક યુગલ સુખેથી રહે : નવીનકુમાર અનુપલ્લવી. નવીનકુમાર ટેક્સી ડ્રાઈવર અને અનુપલ્લવી ગૃહિણી. ઘરે બે બાળકો. અનુપલ્લવીનાં માતાય સાથે રહે. નવીનકુમાર મહેનત કરે અને આખું ઘર સુખેથી રહે. નવીનકુમારને મહેનત આકરી લાગતી નહોતી. બંને બાળકોના હસતા ચહેરા જોઈને એનો થાક છૂમંતર થઈ જતો. અનુપલ્લવી જેવી પ્રેમાળ પત્ની મળવા બદલ એ રોજ સવાર-સાંજ ઈશ્વરનો આભાર માને.

ટેક્સી દોડાવવામાં, પરિવારને ચાહવામાં અને પત્નીના પ્રેમ બદલ ગર્વ અનુભવવામાં ગળાડૂબ નવીનકુમારની પીઠ પાછળ કંઈ ભળતું જ રંધાઈ રહ્યું હતું. અનુપલ્લવીના જીવનમાં નવા પુરુષનો પ્રવેશ થયો હતો- હિમાવતકુમાર. આ પ્રેમી વેપારી અને ઘણો ધનવાન હતો. પરંતુ અનુપલ્લવી અને હિમાવતકુમારને સતત ડર રહેતો કે ક્યાંક નવીનકુમાર જોઈ ગયો તો? એને ખબર પડી ગઈ તો? સતત ફફડાટ અને તાણ વચ્ચે બંનેને પ્રેમ કરવામાં મજા નહોતી આવતી, પણ કરવું શું?

એક દિવસ હિમાવતકુમારે હિંમત કરી નાખી. તેણે અનુપલ્લવીને અચકાટ સાથે સૂચન કર્યું કે નવીનકુમાર નામના કાંટાને રસ્તામાંથી કાયમ માટે હટાવી દઈએ તો કેવું? અનુપલ્લવી ગુસ્સો કરશે કે એકદમ નારાજ થઈ જશે એવી ધારણાથી વિપરીત એ તો તરત તૈયાર થઈ ગઈ. આ ષડયંત્રની જાણ અનુપલ્લવીની માતા અમ્માજામ્માને થઈ. દીકરીને વારવા, સમજાવવા કે ઠપકો આપવાને બદલે મમ્મીજીય જમાઈનું કાસળ કાઢવાના કાવતરામાં જોતરાઈ ગયાં. અમ્માજામ્માને થતું કે નવીનકુમાર કરતાં વધુ સારી રીતે મારી દીકરી અને એનાં બાળકોને હિમાવતકુમાર રાખી શકશે.

આ અણધાર્યા સપોર્ટથી બંને પ્રેમી એકદમ જોશમાં આવી ગયાં. હિમાવતકુમારે બેંગ્લુરુમાં જ બે માણસને રોકી લીધા. આ હરીશ અને નાગરાજે નક્કી કર્યું કે નવીનકુમારને દૂર લઈ જઈને પતાવી દેવો એટલે વાત બેંગ્લુરુ સુધી પહોંચે જ નહીં અને કદાચ રેલો બેંગ્લુરુ પહોંચે તોય ઘણો સમય લાગે અને પોતે સલામત સ્થળે જઈ શકે. આ બંને મવાલીએ તામિલનાડુના મુગીલન અને કાન્નન પાસે સુપારી ફેરવી નાખી. સુપારીની રકમ સાથે હિમાવતકુમારે એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી. એક એક બાબતની ઝીણવટભરી ચર્ચા સાથે ખૂની ખેલની ઉલટી ગણતરી શરૂ થઈ.

23મી જુલાઈએ નવીનકુમારની ટેક્સીમાં હરીશ અને નાગરાજ બેઠા. રસ્તામાં યેનકેન પ્રકારેણ નવીનકુમારનું અપહરણ કરીને તામિલનાડુના વિરુદનગર લઈ જવાયો. અનુપલ્લવી, હિમાવતકુમાર અને અમ્માજામ્મા ગુડ ન્યૂઝની રાહ જોવા માંડ્યાં. કલાકો અને દિવસો વીતવા માંડ્યા. બેસબ્રી સાથે ફફડાટ વધ્યો કે પ્લાન સાવ ફ્લોપ તો થયો નહીં હોય ને! એવું થાય તો આપણું શું થશે?

સુપારીબાજ ક્યારેક ફોન ન ઉપાડે, ક્યારેક બેલ વાગતી રહે. એકવાર જવાબ મળ્યો કે પ્લીઝ રાહ જુઓ, જલદી પરિણામ મળી જશે. અંતે 31મી જુલાઈએ ફોટા અને વિડીયોકોલ થકી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. નવીનકુમારના લોહીલુહાણ ફોટા મળ્યા અને વિડીયો પણ જોયો. કાવતરું સાંગોપાંગ પાર પડી ગયું. એની બાંહેધરી મળી ગઈ. હવે સોનાનો સૂરજ જલદી ઊગવાની આશા બળ કરવા માંડી. આયોજન મુજબ પોતાનો પતિ લાપતા હોવાની અનુપલ્લવીએ ફરિયાદ નોંધાવી દીધી. હિમાવતકુમાર ઘડી ઘડી મોબાઈલફોનમાં નવીનકુમારના ફોટા જુએ. અચાનક એને પરસેવો વળવા માંડ્યો. ખૂનનો કેસ વહેલોમોડો પોલીસ ઉકેલી જ નાખશે. ભવિષ્ય અંધકારમય જ નહીં, ભયાનક ભાસવા માંડ્યું. પોલીસના સંભવિત ટોર્ચર અને બદનામીએ હિમાવતકુમારને તન-મનથી હચમચાવી નાખ્યો અને હિમાવતકુમારે પહેલી ઓગસ્ટે આપઘાત કરી લીધો. બેંગ્લુરુ પોલીસ સ્ટેશનમાં આપઘાતનો કેસ નોંધાયો, પણ આત્મહત્યા કરવા માટેનું કોઈ કારણ દેખાતું નહોતું.

અનુપલ્લવી અને એની મમ્મી માટે આ બહુ મોટો આંચકો હતો, પણ આ તો શરૂઆત હતી. અચાનક નવીનકુમાર ઘરે પાછો ફર્યો. એને જોઈને મા-દીકરીની આંખો ફાટી ને ફાટી રહી ગઈ. માત્ર મોઢામાંથી ‘ભૂત ભૂત’ની ચીસો નીકળવાનું બાકી રહી ગયું. નવીનકુમારે પોલીસને બધી જાણકારી આપી અને એમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ હતી, પરંતુ માત્ર વાતોથી પોલીસને ક્યાં સંતોષ થવાનો હતો. બેંગ્લુરુની પીન્યા પોલીસે કાબેલિયત અને સતર્કતાથી એક આરોપી મુગીલનને ઝડપી લીધો. પોલીસના વ્યવસ્થિત ચમત્કાર બાદ એનું મોઢું ખુલી ગયું.

નવીનકુમારનું અપહરણ થઈ ગયું. રસ્તામાં બે અપહરણકારોની એની સાથે દોસ્તી થઈ ગઈ. પાર્ટી પણ કરી. તામિલનાડુ ગયા પછી પણ એની હત્યા કરવાની વાત વિસરાઈ જ ગઈ. હિમાવતકુમારના ફોન પર ફોન આવવાથી ટેન્શન વધવા માંડ્યું. એ પૈસા પાછા માંગશે તો? એનોય ઉપાય વિચારી કઢાયો. નવીનકુમારને ભરપેટ દારૂ પીવડાવીને લગભગ બેહોશ કરી નખાયો. પછી એનાં કપડાં, ચહેરા અને હાથ-પગ પર ટોમેટો કેચઅપનો છંટકાવ કરીને હિમાવતકુમારને ફોટા અને વિડીયો મોકલી દેવાયા. ત્યાર બાદ એ લોકો બેભાન નવીનકુમારને લૂંટીને એની ટેક્સી લઈને રફૂચક્કર થઈ ગયા.

આ સુપારી કેસથી હિમાવતકુમારની આત્મહત્યાનો કેસ ઉકલી ગયો. પોતાની હત્યાના પ્રયાસ માટે પત્ની, સાસુ અને ત્રણ ગુનેગારને તરત જ પોલીસે પકડી લીધાં. વિધિની વક્રતા જુઓ કે મરવાનું હતું એ જીવી ગયો, જીવીને લહેર કરવાના હતા એ મરી ગયો. જે બાળકોના સારા દિવસો માટે આ કારસો રચાયો એ બંને નિર્દોષ હવે સાવ નોંધારા થઈ ગયા. નિયતિના આવા ખેલ વાસ્તવિક જીવનમાં બને એ કલ્પના સુદ્ધાંય મુશ્કેલ લાગે હોં.

અન્ય સમાચારો પણ છે...