બ્લેક એન્ડ વ્હાઈટ:નામરૂપ જૂજવાં અંતે તો નરકનું નરક જ!

આશુ પટેલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાન નરક સમાન બની ગયું છે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે સાચા નરક વિશે થોડું જાણીએ

તાલિબાનોએ અફઘાનિસ્તાન ઉપર કબજો જમાવી દીધો અને પ્રજા ઉપર જુલમ કરવાનું શરૂ કર્યું અને દરરોજ રુવાડાં ઊભાં કરી દે, કમકમાટી આવી જાય એવા કોઈ ને કોઈ સમાચાર તાલિબાનથી આવી રહ્યા છે ને હવે તો તાલિબાનોએ જાહેર કર્યું છે કે ‘ગુનેગારો’ના હાથ કે માથું કાપવાની સજા અમે ફરી શરૂ કરવાના છીએ. આ સ્થિતિમાં ઘણાં લોકો એવું કહી રહ્યાં છે કે અફઘાનિસ્તાનની હાલત નરક સમાન બની ગઈ છે. એના પરથી મને નરક વિશે લખવાનો વિચાર આવ્યો. નરક વિશે માહિતી મેળવવા માટે મેં પહેલાં કેટલાંક વિદ્વાન અને જ્ઞાની વડીલ મિત્રોની મદદ માગી, પણ તેમણે આપેલી માહિતીથી મને સંતોષ ન થયો. પછી મને ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ દીર્ઘદૃષ્ટિ વાપરીને ગઈ સદીમાં તૈયાર કરાવેલા ભગવદ્ગોમંડલની યાદ આવી. સદ્્ભાગ્યે મારી પર્સનલ લાઇબ્રેરીમાં ભગવદ્ગોમંડલના બધા જ ભાગ છે. ભગવદ્ગોમંડલમાં નરકના અનેક અર્થ સવિસ્તાર અપાયા છે (નરક નામનો એક રાક્ષસ પણ હતો. પુરાણોમાં કહેવાયું છે કે તે પૃથ્વીનો પુત્ર હતો. મહાભારત અને વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે તે દાનવ પ્રાગ્જ્યોતિય નામના મજબૂત કિલ્લામાંથી અદિતીનાં રત્નો ઉઠાવી ગયો હતો. દેવોની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણ ત્યાં ગયા અને એ રાક્ષસ નરકનો નાશ કરીને તેમણે એ રત્નો પાછાં મેળવ્યાં હતાં. તો હરિવંશમાં તેના સંબંધી આવી દંતકથા છે: નરક પ્રાગ્જ્યોતિયનો રાજા હતો અને દેવોનો કટ્ટર દુશ્મન હતો. તે હાથીનું સ્વરૂપ લઈને વિશ્વકર્માની પુત્રીઓ તથા અપ્સરાઓને ઉઠાવી જવા લાગ્યો. આમ તેણે 16,000 સ્ત્રીઓને પરાણે પોતાની પત્નીઓ બનાવી. તેઓ માટે તેણે સુંદર મહેલો બંધાવ્યા. આ ઉપરાંત તેની પાસે અસંખ્ય રત્નો હતાં અને અમાપ દોલત પણ હતી). જોકે, આપણે અહીં નરક જે અર્થમાં પ્રચલિત છે એના વિશે વાત કરવી છે. સામાન્ય માન્યતા એવી છે કે પાપી માણસોએ મૃત્યુ પછી સજા ભોગવવા નરકમાં જવું પડે છે. ભગવદ્ગોમંડલ કહે છે કે નરક એટલે પ્રાણીને તેના મરણ પછી શિક્ષા ભોગવવા માટે રહેવાનું સ્થાન, ઘાતકીજનોની સજા સારુ યમલોકમાં નિર્માણ કરેલ સ્થળ. એ દોજખ, દલનક, નરકલોક તરીકે પણ ઓળખાય છે. અનેક પુરાણો તથા ધર્મશાસ્ત્રોમાં નરક સંબંધમાં અનેક પ્રકારના ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેનાથી અધિક પ્રાચીન ગ્રંથોમાં નરકનો ઉલ્લેખ નથી. એવું મનાય છે કે વૈદિક સમયમાં લોકોમાં નરકની ભાવના નહોતી. વૈદિક કાળમાં નરકનો ઉલ્લેખ જોવા મળતો નથી એટલે કે એ સમયનાં લોકો એવું માનતાં નહોતાં કે નરક જેવી કોઈ જગ્યા છે. જુદાં-જુદાં પુરાણોમાં જણાવેલાં 28 નરકોનાં નામો આવાં છે: તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તત્પસૂચિ, વજ્રકંટક શાલ્મલિ, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિરાસન, લાલાભક્ષ, સારનેયાદન, અવીચિ, અય:પાન, ક્ષારકર્દમ, રક્ષોગણભોજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. ભાગવતમાં કહેવાયું છે કે; નરક પાતાળની નીચે ગર્લોદક નામના જળની ઉપર જે ગોરા હજાર યોજનનું અંતર રહ્યું છે ત્યાં આવેલાં છે. પાપી પુરુષ કોઈ કોઈ વાર ઘોર નામના નરકમાં જાય છે. તો કોઈ સુપોર નામના નરકમાં જાય છે. વળી કોઈ અતિઘોર નરકમાં, તો કોઈ મહાઘોરમાં, કોઈ ઘોરરૂપમાં, કોઈ કરાલમાં, કોઈ જાયાનકમાં કોઈ કાલમત્રીમાં, કોઈ ભયોત્કટમાં, કોઈ ચંડમાં, કોઈ મહાચંડમાં, કોઈ ચંડકોલાદકમાં, કોઈ પ્રચંડમાં, કોઈ પદ્મમાં, કોઈ ભીષણમાં, કોઈ કરાલવિકરાલમાં, કોઈ વજ્રમાં, કોઈ ત્રિકોણમાં, કોઈ ગોલમાં, કોઈ પદ્માવતી પદ્મકોણમાં, કોઈ સુદીર્ધમાં, કોઈ જીમમાં અને કોઈ રૌરવમાં જાય છે. એ પ્રમાણે પાપીઓને વિવિધ નરકોમાં સભા કરવી પડે છે. મનુસ્મૃતિમાં નરકની સંખ્યા 21 બતાવી છે; તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌૈરવ, નરક, મહાનરક, સંદાત, કાલોલ, કડ્મલ, પ્રતિમૂર્તિક, લોહશંક, ઋજીવ, શાલ્મલી, વૈતરણી, પછી અસિપત્રવન અને લોહદારક. ભારતમાં પણ 21 નરકનું વર્ણન છે. તેનાં નામ : તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસૂચિ, વજ્રકંટક શાલ્મલિ, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિરાસન, લાલાભક્ષ, સારનેયાદન, અવીચિ અને અપ:પાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રક્ષોગણભોજન, શૂલપ્રોત, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ એમ સાત નરક પણ માનેલ છે. વળી વસાકુંડ, તપ્તકુંડ, સર્પકુંડ, ચક્રકુંડ વગેરે ઘણા નરકકુંડ પુરાણોમાં માનેલા છે. ભિન્ન ભિન્ન પાપ કરવાના કારણે મનુષ્યના આત્માને ભિન્ન ભિન્ન નરકમાં હજારો વર્ષ સુધી રહેવું પડે છે. જોકે, આજના સમયમાં જે રીતે લોકો કડવાશ સાથે જીવતાં થઈ ગયાં છે ત્યારે મોટા ભાગનાં લોકોએ તો નરકમાં જવા માટે જવાની જરૂર જ નથી. અને ઘણાં લોકો માટે તો આ દુનિયામાં આગવું નરક ઊભું થઈ ગયું છે. એનું નામ છે: સોશિયલ મીડિયા! {

અન્ય સમાચારો પણ છે...