અગોચર પડછાયા:હકીકતમાં તો તે ડ્રેક્યુલાનો ચાહક હતો

જગદીશ મેકવાન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રનું એક કિરણ પેલા પથ્થર પર પડતાં જ પથ્થર એના સ્થાનેથી ખસી ગયો અને કોફિનમાંથી એક દેખાવડો યુવક ઊભો થયો. એને જોઈને રોબિન ભડક્યો. તે બોલ્યો, ‘તું કોણ છે?’

ટેક્સી સડસડાટ કાઉન્ટ ડ્રેક્યુલાના કિલ્લા તરફ જઈ રહી હતી. વર્ષે દહાડે હજારો પ્રવાસીઓ એ કિલ્લાની મુલાકાત લેતા. રોબિન પણ એવો જ એક પ્રવાસી હતો, પણ તે આ કિલ્લામાં રહેવા આવ્યો હતો. હકીકતમાં તે ડ્રેક્યુલાનો ચાહક હતો. ‘ડ્રેક્યુલા’ નવલકથાના લાખો વાચકોની માફક તેને પણ ઊંડે ઊંડે શ્રદ્ધા હતી કે ડ્રેક્યુલાનું પાત્ર કાલ્પનિક નહીં હોય. વળી, ઈતિહાસમાં એક એવા કાઉન્ટનો પણ ઉલ્લેખ હતો કે જે ડ્રેક્યુલાની માફક જ વર્તતો હતો અને એ જ કાઉન્ટનો આ કિલ્લો હતો. રોબિનને પૂરી ખાતરી હતી કે જો ભૂતકાળમાં ખરેખર ડ્રેક્યુલા જેવું કંઈક હશે તો આ કિલ્લામાં એની એકાદી નાની અમથી નિશાની તો મળી જ આવશે અને એટલે જ તે ડેમી સાથે અહીં આવ્યો હતો. ડેમી સાથે તેની મુલાકાત 25 દિવસ પહેલાં થઈ હતી. બંને જણ લાઇબ્રેરીમાં મળ્યાં હતાં. રોબિને લેખક બ્રામ સ્ટોકરની ‘ડ્રેક્યુલા’ નવલકથા વાંચવા લીધી. એ જોઈને ડેમીએ સામેથી રોબિન સાથે વાત શરૂ કરી. વાતચીત દરમિયાન બંને એકબીજા પ્રત્યે આકર્ષાયાં. એકબીજાનો સાથ મળતાં જ બંને જણે આ કિલ્લો જોવાની યોજના ઘડી કાઢી. આ કિલ્લો ખરેખર નવલકથાવાળા ડ્રેક્યુલાનો ન હતો. એ કથા તો કાલ્પનિક હતી. આ કિલ્લો તો એ ડ્રેક્યુલાનો હતો, જેના વિશે કહેવાય છે કે એને ખૂનની પ્યાસ હતી. એ જ્યારે જમવા બેસતો, ત્યારે તેને મોટું પાત્ર ભરીને માનવલોહી પીરસવામાં આવતું. મૃત્યુદંડની સજા પામેલાંઓનાં મસ્તક કાપીને તેના ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવતાં. ઘણા કેદીઓને તેની સામે જ શૂળી પર ચડાવવામાં આવતા. ઘણાની ચામડી ઉતારી લેવામાં આવતી. અને આ બધાં દૃશ્યો જોતાં જોતાં જ તે ભોજન લેતો. આવાં જુગુપ્સાપ્રેરક દૃશ્યો જુએ તો જ તેને ભોજન સ્વાદિષ્ટ લાગતું. એકવાર કોઈ રાજા પોતાના વિશાળ સૈન્ય સાથે તેના કિલ્લા પર ચઢી આવ્યો. ત્યારે તેણે પેલા રાજાને બીવડાવવા પોતાના જ 10000 પ્રજાજનોનાં શરીરમાં 30-40 ફૂટ ઊંચા અણીદાર વાંસ પરોવીને તે બધા વાંસને પોતાના કિલ્લાની બહાર જમીનમાં ખોડાવ્યા. આવું ભયંકર બિહામણું દૃશ્ય જોઈને બીકનો માર્યો એ રાજા પોતાનું સૈન્ય લઈને પાછો નાઠો. વર્ષો પછી કંટાળીને પ્રજાએ બળવો કર્યો અને કાઉન્ટ ડ્રેક્યુલાને ખતમ કરી દીધો. પછી તો એ કિલ્લો સૂનો પડ્યો. નવલકથામાં આવતો ડ્રેક્યુલા તે આ જ કે બીજો કોઈ કે પછી નરી કપોળ કલ્પના, એ વાત રોબિન જાણવા માગતો હતો અને એ માટે જ તે ડેમી સાથે આ કિલ્લામાં આવ્યો હતો. તે આવ્યો ત્યારે સાંજ પડી ચૂકી હતી. જેમ જેમ અંધારું ઘેરાવા લાગ્યું એમ એક પછી એક બધા ટુરિસ્ટ જતા રહ્યા. હવે કિલ્લામાં માત્ર ડેમી અને રોબિન જ રહ્યા. હાથમાં બેટરીઓ સાથે બંને જણ એક પછી એક ખંડમાં ફરવા લાગ્યા. ડેમી વધારે હોશિયાર હતી. તેણે એક છૂપો દરવાજો શોધી કાઢ્યો. બંને જણ એ દરવાજામાં પ્રવેશ્યાં. ત્યાં નીચે ઊતરવાનાં પગથિયાં હતાં. ડેમી આગળ અને રોબિન પાછળ, એમ બંને જણ કાળજીપૂર્વક નીચે ઊતર્યાં. નીચે મોટો ખંડ હતો. એ ખંડમાં ચોતરફ કરોળિયાનાં જાળાં બાઝેલાં હતાં. રોબિને આમતેમ નજર નાખી. એક ખૂણામાં તેની નજર પડતાં જ તે બોલી ઊઠ્યો, ‘ઈટ્સ ટ્રુ.’ ત્યાં એક ખૂણામાં હાડપિંજર સાથે ચોંટી ગયેલી ચામડીવાળી લાશોનો ઢગલો હતો. તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી રોબિન બોલ્યો, ‘જો ડેમી, ડ્રેક્યુલા એ કલ્પના નથી, હકીકત છે. પણ આ કદાચ પેલો નવલકથાવાળો ડ્રેક્યુલા હોય. કદાચ ના પણ હોય. આ કેદખાનું પણ હોઈ શકે.’ એ ખંડની બરાબર વચ્ચે એક પથ્થરનું કોફિન હતું. તેને એક પથ્થરના ઢાંકણથી બંધ કરેલું હતું. ડેમી બોલી, ‘આ ખોલીને જોઈએ.’ બંને જણે પથ્થર હટાવવા એકસાથે જોર લગાવ્યું, પણ પથ્થર તેના સ્થાનેથી ટસનો મસ ન થયો. રોબિન બોલ્યો, ‘મને નથી લાગતું કે આ પથ્થર હલે.’ ‘હલશે. ચંદ્ર નીકળશે પછી હલશે.’ ડેમી બોલી. અને એ જ સમયે ચંદ્ર નીકળ્યો. તેનું એક કિરણ પેલા પથ્થર પર પડતાં જ પથ્થર એના સ્થાનેથી ખસી ગયો અને કોફિનમાંથી એક દેખાવડો યુવક ઊભો થયો. એને જોઈને રોબિન ભડક્યો. તે બોલ્યો, ‘તું કોણ છે?’ ‘ડ્રેક્યુલા.’ યુવક બોલ્યો. એ સાંભળતાં જ રોબિને ડેમીનો હાથ પકડીને ચીસ પાડી, ‘ભાગ…’ પણ ડેમી એના સ્થાનેથી ટસની મસ ન થઈ. તે તો જડની જેમ જ ઊભી રહી. ગભરાયેલો રોબિન ડેમીને આમ ઊભેલી જોઈને વધુ ગભરાયો. તેણે ડેમીને ખભેથી પકડીને હલાવી નાખી. ‘શાબાશ ડેમી.’ ડ્રેક્યુલા હસતો હસતો બોલ્યો, ‘તું 99મો શિકાર પણ લઈ આવી. છેલ્લાં 400 વર્ષોથી હું આ કિલ્લામાં પડી રહ્યો હતો. એ તો તું 10 વર્ષ પહેલાં અહીં આવી. તેં મને શોધી કાઢ્યો. તારા લોહીથી મને જગાડ્યો અને મને બહારની દુનિયામાં પગ મૂકવા શક્તિમાન બનાવવા 99 શિકાર લઈ આવી.’ ‘એટલે... એટલે ડેમી તું આની સાથે ભળેલી છે?’ રોબિને ધ્રૂજતા સ્વરે પ્રશ્ન કર્યો અને ડ્રેક્યુલા તરફ જોઇને બોલ્યો, ‘તો આ ડ્રેક્યુલાની વાત સાચી છે? ડેમી તું…’ પણ એ આગળ બોલી ન શક્યો. ડ્રેક્યુલાના તીણા દાંત રોબિનની ગરદનમાં ખૂંપી ચૂક્યા હતા. થોડી પળો પછી તેનું લોહી વિનાનું શબ પેલી લાશોના ઢગલા તરફ ફેંકાયું. ડ્રેક્યુલાએ ડેમીને સ્મિત આપ્યું. ડેમી પ્રેમભર્યા સ્વરે બોલી, ‘મેં બીજો પણ એક મરઘો ફસાવ્યો છે. એકાદ મહિનામાં એને અહીંથી લઈ આવીશ. પછી સો શિકાર પૂરા અને મારા સરતાજ, પછી તમે આઝાદ થઈ જશો. પછી તો તમે અને હું. બસ મહિનાની વાર છે.’ ‘ના ડેમી. મહિના સુધી રાહ જોવી ઘણી અઘરી વાત છે. હું તો અત્યારે જ આઝાદ થઈ જવા માગું છું.’ ‘અત્યારે? પણ સોમો શિકાર ક્યાં છે?’ ‘તું છે ને.’ ડ્રેક્યુલા બોલ્યો અને ડેમી કંઇ સમજે વિચારે એ પહેલાં તો તેની ગરદનમાં ડ્રેક્યુલાના દાંત ખૂંપી ગયા. ચોતરફ વરુનાં રુદનનો અવાજ શરૂ થઈ ગયો. ચામાચીડિયાં ઊડવા લાગ્યાં. ચંદ્ર એકદમ જ ગાયબ થઈ ગયો. અંધારું છવાઈ ગયું અને એ અંધારામાં કિલ્લાની દીવાલ પરથી ગરોળીની માફક એક ઓળો ઉતરીને નજીકના શહેર તરફ જવાના રસ્તા તરફ વળી ગયો. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...