ડૉક્ટરની ડાયરી:ઈન ચરાગોં મેં તેલ હી કમ થા ક્યૂં ગિલા ફિર હમેં હવા સે રહ

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો.આસિત મહેતાએ વોટ્સએપ ખોલ્યું. અંદર મેસેજ વાંચવા મળ્યો : ‘ડોક્ટર, તમે મારા ભગવાન છો. તમે મારા પ્રાણ બચાવ્યા છે. તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.’ ત્યાં જ સ્ક્રીન પર એસ. એમ. એસ. ઝબૂક્યો. એમાં લખેલું હતું, ‘ડોક્ટર, તમે મને નવી જિંદગી આપી છે. તમારું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ?’ લખાયેલા શબ્દોથી મહેશભાઇને સંતોષ નહીં થયો હોય, એટલે એમણે બે મિનિટ્સ પછી ફોન કર્યો, ‘ડોક્ટર, યુ આર નોટ લેસ ધેન ગોડ ફોર મી. તમે ફક્ત મારા માટે જ નહીં, મારા આખા ફેમિલી માટે ઇશ્વર બનીને આવ્યા છો. બધાં ડોક્ટરો તમારા જેવા હોય તો આ દુનિયાની સૂરત બદલાઇ જાય.’ ડો. આસિતભાઇ જવાબમાં વિનમ્રતાપૂર્વક કહેતા રહ્યા, ‘હું માણસ છું, મને માણસ તરીકે જ રહેવા દો, મહેશભાઇ. મેં કંઇ વિશેષ નથી કર્યું. તમારા પરિવારને આ મહામારીના કપરા સમયમાં કોઇ સારા ડોક્ટરનાં સાચાં માર્ગદર્શનની જરૂર હતી અને એ માર્ગદર્શન આપવાની ઇશ્વરે મને તક આપી. પરિણામ સારું મળ્યું એ મારાં-તમારાં નસીબની વાત છે. આપણે મિત્રો છીએ અને જીવનભર સારા મિત્રો બની રહીશું. તમે મારી કદર કરી એ બદલ તમારો આભાર.’ કોરોનાની બીજી લહેર ચાલતી હતી એ સમયની ઘટના છે. દેશભરમાં હાહાકાર પ્રસરી ગયો હતો. હોસ્પિટલોમાં પથારી ખાલી ન હતી. ઓક્સિજનની તીવ્ર અછત હતી. એક લાખ રૂપિયામાં પાંચ ઇન્જેક્શનો તો મારા મિત્રોએ ખરીદવા પડ્યા હતા. બીજી લહેરમાં વાઇરસ એવો શક્તિશાળી હતો કે મોટા ભાગના દર્દીઓને સરકારી અથવા પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવા પડતાં હતાં. ઠેર-ઠેરથી મૃત્યુના સમાચાર આવી રહ્યા હતા. સાંભળવા પ્રમાણે ખાનગી ડોક્ટરોએ પણ રોકડી કરવામાં કંઇ બાકી રાખ્યું ન હતું. સાત-આઠ દિવસની સારવારના બદલામાં બારથી પંદર લાખનું બિલ તો સાવ સામાન્ય રીતે બની જતું હતું. ગંભીર કિસ્સાઓમાં ત્રીસથી ચાલીસ લાખનું બિલ ચૂકવવું પડતું હતું. આવા વાતાવરણમાં ડો. મહેતા જેવા માનવતાવાદી તબીબોએ અદ્ભૂત સેવા બજાવી હતી. ડો. મહેતા એક ખાનગી કોવિડ હોસ્પિટલ સાથે જોડાયેલા હતા. હોસ્પિટલ એમના મિત્રની હતી, પણ આટલા બધા દર્દીઓને કોઇ એક ડોક્ટર સંભાળી શકે નહીં એટલે ડો. મહેતા જેવા અન્ય ડોક્ટરો વ્યાવસાયિક ધોરણે પોતાની સેવા આપવા માટે ખાનગી નર્સિંગ હોમ સાથે જોડાતા હતા. એમાં કમાવાનું ખાસ વધારે ન હતું પણ બદલામાં જોખમ જિંદગીને દાવ પર મૂકવાનું રહેતું હતું. આ ઉપરાંત, ડો. મહેતાએ અંગત કેપેસિટીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને મફતમાં સારવાર આપવાનું ઉમદા કાર્ય કરી બતાવ્યું. બસોથી અધિક દર્દીઓને વિડિયો કોલ્સ દ્વારા, જરૂર પડ્યે એમનાં ઘરે જઇને, ટેમ્પરેચર-પલ્સ-ઓક્સિજન લેવલ વગેરે તપાસીને ટ્રીટમેન્ટ તેમ જ સારવાર આપી આવવાનું કામ ડો. મહેતાએ પાર પાડ્યું, એ પણ એક પૈસો લીધા વગર. જે દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનોની જરૂર પડી એમના માટે મૂળ કિંમતે વ્યવસ્થા કરી આપી. આવી જ સેવા ડો. મહેતાએ એમના મિત્ર મહેશભાઇના પૂરા પરિવારને પૂરી પાડી, એટલે તો મહેશભાઇ એમનો આભાર માનતા થાકતા ન હતા. મહેશભાઇ સાથેનો પરિચય ત્રણ-ચાર વર્ષથી વધુ જૂનો ન હતો. સમાન રસ-રુચિના કારણેે એક સંસ્થામાં ભેગા થઇ ગયા હતા. પછી મિત્રો બની ગયા. મહેશભાઇનું ફેમિલી મોટું હતું. એમનાં વૃદ્ધ માતા-પિતા, એ અને એમનાં પત્ની, બે દીકરાઓ, બે પુત્રવધૂઓ, ચાર પૌત્ર-પૌત્રીઓ, એક યુવાન દીકરી. બન્યું એવું કે આખું ફેમિલી કોરોનાની ઝપટમાં આવી ગયું. શરૂઆત મહેશભાઇ અને એમનાં પત્ની મીનાબહેનથી થઇ. ડો. આસિતભાઇ મહેતાને ફોન કરવામાં આવ્યો. ડો. મહેતા એવું કહી શકતા હતા કે બંને જણાં કોઇ ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ થઇ જાઓ, પણ ખાલી ખાટલો મળવો જોઇએ ને? ડો. મહેતા જાતે જઇને બંનેને તપાસી આવ્યા. આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો. રીપોર્ટ્સ પોઝિટિવ આવ્યા. તાવની ડીગ્રી ત્યારે ન હતી. ઓક્સિજન સેચ્યુરેશન ચોરાણું પ્રતિશતની ઉપર રહેતું હતું. આવા દર્દીઓને ડોમેસ્ટિક ટ્રીટમેન્ટ આપી શકાય. ડો. મહેતાએ સારવાર શરૂ કરી દીધી. એક સાંજે મહેશભાઇના જયેષ્ઠ પુત્રનો ફોન આવ્યો, ‘ડોક્ટર અંકલ, પપ્પાને ગભરામણ થઇ રહી છે.’ ડો. મહેતા તરત દોડી ગયા. ઓક્સિજન સેચ્યુરેશન નેવુંથી નીચે જઇ રહ્યું હતું. બીજી કોઇ હોસ્પિટલમાં બેડ ખાલી ન હતી. આખરે ડો. મહેતાએ સલાહ આપી, ‘મારા મિત્રની હોસ્પિટલમાં એક બેડ ખાલી છે. તમે કહો તો ત્યાં એડમિટ કરાવી દઉં. જોકે ત્યાં વેન્ટિલેટરની સુવિધા નથી. ધારો કે કેસ ગંભીર થઇ જાય તો તમારે બીજે ક્યાંક શિફ્ટ થવું પડે.’ મહેશભાઇએ તરત સંમતિ આપી દીધી. ડો. મહેતાએ સાથે રહીને બધી વ્યવસ્થા કરી આપી. મહેશભાઇને પૂરા સાત દિવસ ત્યાં રાખવા પડ્યા. પણ સદ્નસીબે એ સાજા થઇ ગયા. આ બાજુ એમના ફેમિલીના બીજા સભ્યો પણ એક પછી એક કોરોનાના સકંજામાં સપડાવા લાગ્યા. મહેશભાઇની દીકરીનો ફોન આવ્યો, ‘ડોક્ટર અંકલ, ઘરનાં વધુ સાત સભ્યોના રીપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. મમ્મીની હાલત બગડતી જાય છે.’ પાછા ડો. મહેતા દોડી ગયા. મીનાબહેનની સ્થિતિ દાખલ કરવા જેવી હતી. પચાસેક ફોન કર્યા ત્યારે માંડ એક મિત્રના ખાનગી હોસ્પિટલમાં પથારી મળી શકી. બાકીના સભ્યોની સારવાર ડો. મહેતાએ પોતે જ સંભાળી લીધી. સદ્નસીબે એ બધાં સાજા થઇ ગયાં. મહેશભાઇ પણ સાજા થઇને ઘરે આવી ગયા. એ એટલા બધા ગદ્દગદ્ થઇ ગયા હતા કે એમના મનમાં જે સૂઝ્યું એ રીતથી એ ડોક્ટરનો આભાર માનવા લાગ્યા. ‘તમે તો અમારા ભગવાન છો’ આ વાક્ય એમની ધ્રુવપંક્તિ જેવું બની ગયું. ચિંતાના સમાચાર એ હતા કે મીનાબહેનની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જતી હતી. ડોક્ટર મિત્રોની ટીમ ખડે પગે એમને બચાવી લેવા માટે ઝઝૂમતી હતી, પણ મીનાબહેનનાં બંને ફેફસાં વાઇરસની અસરમાં આવી ગયા હતા. આખરે એમને બીજી હાઇ-ફાઇ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર ઊભી થઇ. મિનિસ્ટરની ભલામણથી પણ બેડ ન મળે એવા માહોલમાં અથાગ પ્રયાસ કરીને ડો. મહેતાએ મીનાબહેન માટે ખાલી બેડની વ્યવસ્થા કરી આપી. મીનાબહેનનાં ફેફસાં જવાબ દઇ રહ્યા હતા, ઓક્સિજન સેચ્યુરેશન સતત ઘટતું જતું હતું. તબીબોના દિવસ-રાતનાં પ્રયત્નો છતાં આખરે મીનાબહેન જિંદગીનો જંગ હારી ગયાં. એમનાં મૃત્યુથી આખા પરિવારમાં શોક પ્રસરી ગયો. ડો. મહેતા પણ દુ:ખી હતા. એક માત્ર મીનાબહેનને બાદ કરતાં બાકીનાં તમામ સભ્યોને એ બચાવી શક્યા હતા. એ માટે ડોક્ટર પરમ તત્ત્વને જ શ્રેય આપતા હતા. જે દિવસે મીનાબહેનનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે નિકટના સ્વજનો પણ આવ્યાં નહીં. આ વાત સમજી શકાય તેવી હતી. કોઇ ન આવે તે જનતાના હિતમાં હતું. ડો. મહેતા પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા. એમણે આઘાતપૂર્વક જોયું કે બધાં સભ્યો નફરતભરી નજરથી એમની તરફ જોઇ રહ્યાં હતાં. મહેશભાઇએ આંખોના ભાવને વાણીમાં વ્યક્ત કરી દીધો, ‘ડોક્ટર, તમે રાક્ષસ છો. રૂપિયાના ભૂખ્યા છો. મારી મીનાને તમે જ મારી નાંખી છે. હવે શું મોં લઇને આવ્યા છો તમે?’ ડો. મહેતા આજ સુધી સમજી શક્યા નથી કે મીનાબહેનનાં મૃત્યુ માટે કોરોનાનો વાઇરસ જવાબદાર ગણાય કે એ પોતે? જે સભ્યો બચી ગયાં એમનું શું? અગાઉના વાક્યો (ડોક્ટર, તમે તો ભગવાન છો) એ રાતોરાત બદલાઇ કેવી રીતે ગયું? બાય ધી વે, મીનાબહેનનાં સાત દિવસના હોસ્પિટલનું બિલ માત્ર સિત્તેર હજાર રૂપિયા જ લેવામાં આવ્યું હતું, જે બીજી કોઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં બારથી પંદર લાખ જેવું થઇ શક્યું હોત. અફસોસની વાત એ છે કે આજે ડો. મહેતા અને મહેશભાઇ વચ્ચે દોસ્તી જેવું કંઇ બચ્યું નથી, બચી છે માત્ર ગેરસમજ અને એમાંથી નિપજેલું દુ:ખ. ⬛ શીર્ષક પંક્તિઃ જાવેદ અખ્તર drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...