આપણી વાત:અમેરિકામાં એ વતનપ્રેમી કહેવાય કે ગદ્દાર?

એક વર્ષ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
  • જેમને ભારત સાથે કોઈ લેવાદેવા નથી, એ વિદેશીઓને ભારતીય ગણવાનો મોહ શું કામ?

ભારતની સંસદીય ચૂંટણીમાં મૂળ ઇટાલિયન કુળના સોનિયા ગાંધીની જીતના સમાચાર સાંભળતાંની સાથે આખા ઇટાલીમાં ખુશી છવાઈ ગઇ. ત્યાંના દરેક અખબારે એને મોટું કવરેજ આપ્યું. ઇટાલિયન રાજકારણીઓને આશા જાગી છે કે ભારતીય સરકાર હવે પ્રો ઇટાલી વલણ દાખવશે. સોનિયાજી જન્મે કેથલિક હોવાને કારણે ભારતના ખ્રિસ્તીઓ પણ રાજી થયા છે. સોનિયાજીના પૈતૃક નિવાસસ્થાને ત્યાં રહેતા માઈનો પરિવારને અભિનંદન આપવા લોકોનાં ટોળા ઉમટ્યાં. દરેકના હોઠ પર એક જ વાત હતી કે ઇટાલીની બેટીએ ઇન્ડિયામાં જઈને અમારું નામ રોશન કર્યું. લોકોએ એનાં વિજય માટે ચર્ચમાં જઈને માનતાઓ માનેલી. સોનિયાજી કહે છે કે ઇન્ડિયામાં વ્યસ્ત હોવાને કારણે રોજ તો રસોઈ બનાવવાનો સમય નથી મળતો, પરંતુ ઘરના લોકો રજાને દિવસે એમનાં હાથે બનેલું ઇટાલિયન ફૂડ ખાવાની જ જીદ કરે છે. પતિ ભારતીય હિન્દુ હોવા છતાં ઘરમાં ખ્રિસ્તી તહેવારોની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે.

- આટલું વાંચીને કેવું લાગ્યું? હકીકતમાં એમાંથી એકેય શબ્દ સાચો નથી. ભારતમાં સોનિયા ગાંધીની કોઈપણ જીત વખતે ઇટાલીના લોકો ખુશ થયાં હોય તોયે આપણને ખબર નથી, કારણ કે એમણે કોઈ ઢોલ-નગારાં વગાડ્યાં નથી. કદાચ એ જાણે છે કે ભારતમાં સોનિયા જીતે કે હારે, ઇટાલીમાં એમને કોઈ ફાયદો-ફરક નથી પડવાનો, પણ ઉપરના સમાચાર સાચા હોત તો ભારતમાં હાહાકાર મચી જાત. સોનિયા ગાંધીની ભારતનિષ્ઠા પર પાછું પ્રશ્નાર્થચિહ્્ન લાગી જાત. કારણ સિમ્પલ છે. આપણે એવું માનીએ છીએ કે સોનિયા ભલે જન્મે ઇટાલિયન હોય, પણ લગ્ન કરીને ભારત આવ્યાં પછી એ કાનૂનથી જ નહીં, હૃદયથી પણ ભારતીય થઇ જવાં જોઈએ, એમની કે એમનાં બાળકોની પણ કોઈ વાતમાં ઇટાલીનો ઉલ્લેખ ન થવો જોઈએ, એમણે ઇટાલીની તરફેણ કરવાનું તો છોડો, ત્યાંના કોઈ સ્થાપત્ય કે ફૂડ આઇટમની પ્રશંસા કરતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો તો ગદ્દાર ગણાઈ જવાનું અને એમની જીતથી ઇટાલિયન લોકો ખુશ થાય તો નક્કી કંઈ ગરબડ હોવી જોઈએ.

પરંતુ હવે બીજી તરફ નજર નાખો - વિદેશમાં રહેતી કોઈ પણ ભારતીય વંશજની વ્યક્તિ ત્યાંની નાની સરખી ચૂંટણી પણ જીતે, તો ત્યાંના એનઆરઆઈ જ નહીં,આપણે અહીં ભારતમાં કેટલાં હરખપદુડા થઇ જઈએ છીએ. અરે, જે વ્યક્તિ કે એનાં મા-બાપનો જન્મ પણ ભારતની બહાર થયો હોય, ત્યાંના જ નાગરિક હોય એમને પણ આપણે ભારપૂર્વક ભારતીય ગણીએ છીએ, કારણ કે એના દાદા કે નાનાજી ભારતીય હોય, અને આ કારણસર એની ત્રીજી કે ચોથી પેઢીની જીત કે સિદ્ધિ ભારત અને ભારતીયતાની ગણીએ. તાજો દાખલો છે, અમેરિકન ચૂંટણીનો. આ લખાય છે, ત્યાં સુધીમાં જે પણ અમેરિકન ઇન્ડિયન ચૂંટાઈ ગયાં, એને આપણી જીત ગણીને ઇન્ડિયન અખબારોએ વધાવ્યાં અને અસંખ્ય ભારતીયો રાજીના રેડ થઇ ગયાં. તમે આ વાંચતાં હશો, ત્યાં સુધીમાં અમેરિકાની ચૂંટણીના અંતિમ પરિણામ આવી ગયા હશે કે નહીં, એ શંકાનો વિષય છે, પરંતુ જો ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઉપપ્રમુખ બની ગયાં તો તો અમેરિકામાં રહેતા મૂળ ભારતીયો જ નહીં, ભારતમાં રહેતા ભારતીયો, જેમને અમેરિકા સાથે કંઈ લાગતુંવળગતું નથી, એ પણ બેગાની શાદીમાં દીવાના અબ્દુલ્લા થવાનાં. કમલા હેરિસની જીતથી ભારતને શું ફાયદો થઇ શકે એની ચર્ચા તો ક્યારની શરૂ થઇ ગઈ છે.

કમલાની માતાએ 19 વર્ષની ઉંમરે અમેરિકા આવવા તામિલનાડુ છોડ્યું હતું. ત્યાંના એક ગામમાં કમલાના વિજય માટે યજ્ઞ થયેલો. કમલાનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલો. એના પિતા બ્રિટિશ જમૈકાથી અમેરિકા આવેલા. એના પતિ ડોનાલ્ડ હેરિસ અમેરિકન છે. એનું ભણતર યુએસ, કેનેડામાં થયું અને પછી 1990થી એ ત્યાંના કાયદા અને રાજકારણના ક્ષેત્રમાં છે, ટૂંકમાં, કમલા હેરિસ હન્ડ્રેડ પરસેન્ટ અમેરિકન છે, પરંતુ એ ભારતીયોની નાડ પારખે છે, એટલે ચૂંટણી પ્રચારમાં એણે ત્યાં રહેતા એનઆરઆઈ પાસે જઈને પોતાનાં નાનીમા અને ઈડલી-ઢોસાની વાત કરી, સાડી પહેરી અને ત્યાંના ભારતીય-અમેરિકનો જ નહીં, અહીં મુંબઈ, મહેસાણામાં રહેતાં લોકો પણ હરખઘેલાં થઇ ગયાં. આવા સંજોગોમાં અમેરિકનોને, મતલબ ત્યાંના બ્લેક એન્ડ વ્હાઇટ નાગરિકોને ગુસ્સો આવે, કમલા અને એનઆરઆઈ નાગરિકોની દેશભક્તિ પર શંકા જાગે, એમને ‘ગો બેક ટુ ઇન્ડિયા’ના મ્હેણાંટોણાં મરાય તો?

આપણે ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતી પ્રજા છીએ. વિદેશ જઈને વસીએ તોયે આ ગુણ વારસામાં લઇ જઈએ છીએ. કમલા હેરિસ કે એનાં જેવી બીજી કોઈપણ વ્યક્તિ, જેનો કે જેનાં મા-બાપનો જન્મ પણ અમેરિકામાં થયો હોય તોયે એમને આપણે ભારતીય કહીએ છીએ અને એ લોકો ભારતીય સંસ્કૃતિને માન, પ્રોત્સાહન આપે, ભારત પ્રત્યે કૂણું વલણ રાખે એવી અપેક્ષા રાખીએ છીએ. બીજી તરફ વિદેશમાં જન્મેલી અને ભારત આવીને ફેમસ થયેલી કોઈ વ્યક્તિ એની જન્મભૂમિ પ્રત્યે જાહેરમાં એવો પ્રેમ દાખવે તો આપણે રાતાંપીળા થઇ જઈએ. અરે, ભારતમાં જન્મેલી, પણ દેશ છોડીને વિદેશ ગયેલી, ત્યાંજ નામદામ કમાનારી વ્યક્તિ ખાનગીમાં ભલે ભારતને ઉતારી પાડે, પરંતુ જાહેરમાં તો એણે ‘આઈ લવ માય ઇન્ડિયા’ જ ગાવાનું. એટલુંજ નહીં, ત્યાંની મૂળ પ્રજાએ આ બદમાશી સહન પણ કરી લેવાની એવી અપેક્ષા આપણે રાખીએ. અમેરિકામાં જન્મેલા બોબી જિંદાલે 2016માં કહ્યું કે આપણે હવે ઇન્ડિયન અમેરિકન તરીકેની ઓળખ નકારીને માત્ર અમેરિકન તરીકે રહેવું જોઈએ તો ત્યાંના જ નહીં, અહીંના ભારતીયોને પણ ખોટું લાગી ગયું. ગવર્નરમાંથી પ્રમુખ બનવાના બોબીના સપનાં ધૂળમાં મળી ગયાં. અત્યારે ત્યાં ચૂંટાયેલા કોઈ ઇન્ડિયન અમેરિકને આ ભૂલ નથી કરી.

એ ભલે અમેરિકામાં જન્મ્યાં હોય પણ ભારતીયોના બેવડાં ધોરણવાળી માનસિકતા બરાબર સમજે છે. અને હા, સત્તા પર આવ્યાં પછી ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને બીજા વિજેતા ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ભારતમાં સીએએના વિરોધ અને કાશ્મીરમાં સ્વતંત્રતાની લડત પ્રત્યે કૂણું વલણ દાખવશે ત્યારે કેટલાં ઇન્ડિયન્સ અને નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ખુશી અને ગૌરવ અનુભવશે, એ જોઈશું. viji@msn.com

અન્ય સમાચારો પણ છે...