મેનેજમેન્ટની abcd:ઇમ્પ્રેશન મેનેજમેન્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌ કોઈને વખાણ વહાલાં છે, પણ ખુશામત અને પ્રશંસામાં તફાવત છે તે યાદ રાખો

- બી.એન. દસ્તૂર

સફળતા માટેના સેંકડો ફોર્મ્યુલાઓમાંથી એકની જ પસંદગી કરવી હોય તો એ છે ઇમ્પ્રેશન મેનેજમેન્ટ. આમ જુઓ તો જિંદગી આખી આપણે અન્યને ઇમ્પ્રેશ કરવામાં વીતાવતા હોઈએ છીએ. સારા કપડાં, ઉત્તમ મકાન, ચકાચક કાર, જીભ ઉપર સરસ્વતી, હાવભાવમાં મેચ્યોરિટી, આંખમાં પ્યૂરિટી. વર્કપ્લેસમાં ઇમ્પ્રેશન મેનેજમેન્ટમાં કાચા પડો તો કારકિર્દીની સફરમાં ઠોકરો ખાતા રહો, ફ્રસ્ટ્રેટ થતા રહો. તમે તમારા કામમાં કેટલા ઉસ્તાદ છો તે અગત્યનું નથી. તમારા બોસે સ્ટેકહોલ્ડરોએ, સહકાર્યકર્તાઓએ તમને ઉસ્તાદ પર્સિવ કરવા જોઈએ. જે વ્યક્તિ તમારું મૂલ્યાંકન કરે છે તેની નજરમાં તમે ખૂબ અસરકારક ‘દેખાવા’ જોઈએ. પર્સિવ થવા જોઈએ. મોડેવહેલે મારા કામની કદર થશે જ એવા વહેમોમાં રહેવાની જ સખ્ત મનાઈ છે. અનુભવ અને દુનિયાભરમાં કરવામાં આવેલા અભ્યાસોમાં એ પુરવાર થયું છે કે ઇમ્પ્રેશન મેનેજ કરનાર વ્યક્તિ ઈન્ટરવ્યૂમાં ઉત્તમ દેખાવ કરી શકે છે. દોસ્તી શોધી, કરી નિભાવીને નિખારી શકે છે. સારો પગાર અને ઝડપી પ્રમોશનો મેળવી શકે છે. ***

પ્રસંગ અને કંપનીના કલ્ચરને અનુરૂપ કપડાં પહેરો, હેરસ્ટાઈલ અપનાવો. સમુદ્ર મંથનમાં દેવોના દેવ શંકર ગયા ચામડું પહેરીને અને એમના ભાગે આવ્યું વિષ. વિષ્ણુ બનીઠનીને ગયા તો લક્ષ્મી લઈ આવ્યા. પિતાંમ્બરં વીક્ષ્ય દદૌ સ્વકન્યા ચર્મામ્બરં વીક્ષ્ય વિષં સમુદ્રં સમુદ્રે સુંદર પિતાબંર પહેરેલ વિષ્ણુને પોતાની કન્યા આપી અને ચામડું પહેરેલાં મહાદેવને વિષ. ઇમ્પ્રેશન મેનેજમેન્ટની અગત્યતાનો અંદાજ આવશે અબજો ડોલરની કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીથી. નવમા ધોરણમાં ભણતા બાળકને ખબર હોય છે કે ચામડીનું પિગમેન્ટ બદલવું અશક્ય છે, પણ ગોરા દેખાવા માટેના ક્રિમોનું કરોડોમાં વેચાણ થાય છે. ફેશન ડિઝાયનરોને, હેલ્થ ક્લબના માલિકોને, વાંકાચૂંકા દાંત સીધા કરનાર ઓર્થોડેન્ટિસ્ટોને, પ્લાસ્ટિક સર્જનોને ખરેખર ઘી-કેળાં છે. 87 વર્ષની ઉંમરે હું મોં ઉપર, હાથ ઉપર મોઈશ્ચરાઈઝિંગ ક્રિમના લેપડા કરું છું. શુદ્ધ સફેદ વાળ ઉપર લિપસ્ટિકની ડિઝાઈનમાં આવતી ડાઈસ્ટિક લગાડું છું. મારા બેસણામાં મૂકવા માટેની ફોટોફ્રેમમાં મારો ત્રીસ વર્ષ પહેલાં પડાવેલ ફોટો રાખ્યો છે. તમારા વ્યવસાયમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા બાદ કપડાં, દેખાવમાં બેદરકારી રાખશો તો ચાલી જશે. એમ.એફ. હુસેને નામ કમાયા બાદ ઉઘાડા પગે ફરવાની હિંમત કરેલી. ***

વગર અપવાદે સૌને મેનેજિંગ ડાયરેક્ટરથી પટાવાળા સુધી દરેકને પોઝિટિવ સ્ટ્રોક્સ આપતા રહો. સ્મિત (સ્માઈલ) એક અફલાતૂન પોઝિટિવ સ્ટ્રોક છે. એનો સંદેશો છે (તમને જોઈને મને ખૂબ જ આનંદ થયો. તું મને ગમે છે.) દરેક સંબંધની દોસ્તીની શરૂઆત સ્મિતથી થાય છે. અભિવાદન કરો તો સામેની વ્યક્તિની રસમ પ્રમાણે :

⬛ પારસીને સહેબજી ⬛ શીખને ‘સત શ્રી અકાલ’ ⬛ વૈષ્ણવને જય શ્રીકૃષ્ણ ⬛ મદ્રાસીને વણક્કમ ⬛ મુસ્લિમને અજ સલામવાલેકુમ- આદાબ તમારી નોકરીમાં પરદેશ જવાની ફરજ હોય તો ‘KISS BOW OR SHAKE HANDS’ નામની કિતાબ ખરીદી લેવી ફરજિયાત છે. લેખકો છે Terry Morrision અને Wagne A. Conaway. આ કિતાબ ઓનલાઈન મળશે. સૌ કોઈને વખાણ વહાલાં છે, પણ ખુશામત અને પ્રશંસામાં તફાવત છે તે યાદ રાખો. *** કાંઈ બફાય તો બહાનાં કાઢવાની ટેવ લાંબેગાળે નુકસાન કરે છે, પણ અંદર અક્કલનો વઘાર કરો તો ઇમ્પ્રેસ કરી શકશો. ‘કમબખ્ત કમ્પ્યૂટરે ન ધારેલો દગો દીધો. ‘ફોન રીસાઈ ગયો.’ *** કાંઈ ધાડ મારી હોય કે સારું પરિણામ આવ્યું હોય તો તેનો યશ લેતાં શીખી લો. ‘રિપોર્ટ સારો બન્યો. ત્રણ રાતના ઉજાગરા વસૂલ થઈ ગયા.’ *** સામેની વ્યક્તિની વાતોનું, વિચાર, વાણી, વર્તનનું સમર્થન કરતા રહો. બોસના વિચાર સાથે સંમત ન હો તો એની ચર્ચા બોસ જોડે ખાનગીમાં કરો. જાહેરમાં ટેકો આપો. (ક્રમશ:) baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...