તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ : ‘સ્વ’ પર શંકા કરવાની કુટેવ

ડૉ. પ્રશાંત ભીમાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમ્પોસ્ટર સિન્ડ્રોમને લીધે વ્યક્તિમાં તણાવ અને હતાશાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે

મને લાગે છે કે બધું વ્યર્થ છે. મારી એમ.બી.બી.એસ.ની ડિગ્રીનો કોઇ અર્થ નથી. મારે તો પ્રેક્ટિસ જ છોડી દેવી છે. આના કરતાં તો કોઇ ગમે તે જોબ કરી લઇશ અથવા ખબર નથી શું થશે, પણ આઇ એમ નોટ વર્થ...’ સ્મિતની આંખોમાં આંસુ હતાં. ‘પણ, શું થયું? તને કેમ આવું લાગે છે?’ મેં પૂછ્યું. ‘હું એક ડોક્ટર હોવા છતાં મારી મમ્મીને કોરોનાથી ન બચાવી શક્યો. છ મહિના પહેલાં એ એ જ હોસ્પિટલમાં ગુજરી ગઇ, જ્યાં હું આઇ.સી.યુ.માં જોબ કરતો હતો. કેટકેટલી મહેનતથી મારી મમ્મીએ મને ભણાવ્યો, પણ હું એનું ખરે સમયે ધ્યાન રાખી ન શક્યો. મને લાગે છે કે હું ડોક્ટર થવાને લાયક જ નથી.’ સ્મિત બોલ્યો. આમ તો આ સ્વાભાવિક પ્રતિક્રિયા લાગે, પણ સ્મિતની આગળની હિસ્ટ્રી પરથી એક વાત ધ્યાનમાં આવી કે એને અગાઉ પણ આવી આત્મવિશ્વાસના અભાવની લાગણી અને પોતાની શક્તિઓ પર વારંવાર શંકા કરવાની ટેવ હતી જ. પોતે યુનિવર્સિટી રેન્કર હોવા છતાં સતત ઇનસિક્યોરિટી અને નકારાત્મકતાથી ઘેરાયેલો રહેતો. આ સ્થિતિ ડિપ્રેશનનો રોગ નહોતી. આને મનોવિજ્ઞાનમાં ‘ઇમ્પોસ્ટર ફિનોમિનન’ કે ‘ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ’ તરીકે ઓળખવામાં આવે છે. અલબત્ત, આ કોઇ વર્ગીકૃત વિકૃતિ નથી, પણ એવી માનસિક અનુભવજન્ય ઘટના છે, જે વિશ્વનાં આશરે 82 ટકા સુધીનાં લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવાય છે. વ્યક્તિને સતત પોતાની શક્તિઓ કે અચિવમેન્ટ્સ માટે શંકા રહ્યાં કરે છે. પોતે બૌદ્ધિક રીતે ચીટિંગ કર્યું હોય એવી લાગણી ડંખ્યા કરે છે, પછી ભલે ને ગમે તેવી શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કેમ ન કરી હોય! ઇમ્પોસ્ટર સિન્ડ્રોમને લીધે વ્યક્તિમાં તણાવ અને હતાશા વધે છે. કારકિર્દીમાં જોખમ લેવાનું વ્યક્તિ ટાળે છે. ઝડપથી રિટાયર્ડ થવાનું વિચારે છે તેમજ પોતાનાં સફળ કામથી પણ થાકી જાય છે. પાછી આમાં એક વિચિત્ર બાબત એ છે કે આવા ઇમ્પોસ્ટર ફિનોમિનનનો અનુભવ કરનાર વ્યક્તિને એવું લાગે છે કે ‘માત્ર હું જ આવો ઇન્ટેલેક્ચ્યુઅલ ચીટર છું.’ જ્યારે વાસ્તવમાં એવું કંઇ નથી હોતું. હળવી નિષ્ફળતા કે ખામીને વ્યક્તિ પોતાનાં પર એટલી બધી હાવી થવા દે છે કે ભલભલી સિદ્ધિઓ ઢંકાઇ જાય છે. અન્ય લોકો સાથેના સંબંધો જતે દિવસે બગડતા જાય છે. કામમાં પણ સતત સ્ટ્રેસ રહે છે. બાળપણમાં કે તરુણાવસ્થામાં જ્યારે સંતાન પાસેથી હદ કરતાં વધુ અપેક્ષાઓ રાખવામાં આવે ત્યારે સેલ્ફ-ડાઉટ અથવા આત્મશંકાની સ્થિતિ ઊભી થાય છે. ખાસ કરીને બુદ્ધિશાળી હોય પરંતુ ઓવર-ઇમોશનલ સંતાનોમાં કોઇ કારણસર ભયની લાગણી ઘર કરી જાય છે ત્યારે મોટી ઉંમરે ‘ઇમ્પોસ્ટર અનુભવ’ થઇ શકે છે. સ્મિતના કિસ્સામાં પણ આવું જ હતું. છેક પહેલાં ધોરણથી જ તેની પાસે નંબર વન રહેવા માટેની ભારોભાર અપેક્ષા રાખવામાં આવતી. જો એ કોઇપણ સ્પોર્ટ્સમાં ભાગ લે તો પણ આ દબાણ એના પર રહેતું. જો પરિવારમાં કોઇને શંકા કે ભ્રમણાની બીમારી હોય તો આ સ્થિતિ ધીરે-ધીરે બગડતી જાય છે. સ્મિત જેવા લોકોએ એ સમજવું જરૂરી છે કે દરેક કાર્ય 100 ટકા સફળ થવું જ જોઇએ, એ અતાર્કિક વિચાર છે અને એવું કોઇ પણ સફળ વ્યક્તિના જીવનમાં થતું નથી. નિષ્ફળતાઓ કે ત્રુટિઓ પણ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. બહુ બધાં વર્ષોની મહેનત પછી પ્રાપ્ત કરેલાં સ્થાન માટે પોતે લાયક નથી એમ માનવું સામાજિક નમ્રતા કરતાં ક્યારેક અસલામતી વધુ હોય છે. પોતાનાં જ ક્ષેત્રનાં લોકો ક્યારેક હુંસાતુંસી કે નકારાત્મક સ્પર્ધામાં ગળાડૂબ હોય તેવામાં ઘણી વાર અન્ય ક્ષેત્રનાં લોકો વધુ સારું મૂલ્યાંકન કરી શકે છે. એટલે એવા વિશ્વાસપાત્ર સાથી સમક્ષ પોતાના મનના વિચારો રજૂ કરી શકાય. પોતાની નિષ્ફળતાઓ કે ક્ષતિઓ વિશે નિકટની વ્યક્તિ સમક્ષ વાત કરવાથી હળવાશ અને દૃઢતા બંને મળે છે. પોતાની ઓવર પરફેક્શનિઝમની કુટેવને છોડી ઇઝી રહેવા પ્રયાસ કરવો જરૂરી છે. સફળતાને સેલિબ્રેટ કરવામાં કોઇ પાપ નથી. વિનિંગ સ્ટ્રોકઃ પોતાની જાત પ્રત્યે પણ કરૂણા રાખવી જરૂરી છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...