તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:‘હું સ્પેશિયલ છું, તમે સમજતા કેમ નથી?’

ડૉ. પ્રશાંત ભીમાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવાં લોકો પોતે પાવરફુલ અને દેખાવડાં, અતિશય બુદ્ધિશાળી હોવાના તરંગોમાં રાચે છે

‘ડોક્ટર, હવે પિસ્તાલીસ વર્ષની ઉંમરે જો કોઇ પચ્ચીસ વર્ષની યંગ છોકરી જેવા દેખાવાનો પ્રયત્ન કરે તો કેવું લાગે? આ મારી વાઇફ રૂપશ્રીને એવું છે કે એની ઉંમર હજુ ટીનેજની આસપાસ જ છે. અમારા ઘરની લગભગ બધી દીવાલો ઉપર નાના-મોટા અરીસાઓ લાગેલા છે. રૂપશ્રીને એવું છે કે એના જેટલી બ્યૂટીફૂલ અને ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ આસપાસમાં કોઇ છે જ નહીં. એને બધી હિરોઇનોમાં પણ કોઇ ને કોઇ ખામી દેખાય જ. ‘બસ હું જ સૌથી સુંદર છું.’ એની આવી ઘેલછાથી અમે બધાં પરેશાન થઇ ગયાં છીએ.’ દીપકભાઇએ વાત આગળ વધારી. એની દુનિયા પોતાની જાતથી જ શરૂ થાય છે અને પોતાની જાત પર જ પૂરી થાય છે. પોતાની જાતને બીજા કરતાં વેંત ઊંચી સમજે છે. બાકી બધાં લોકો અણસમજદાર અને ક્ષુલ્લક છે એવું હંમેશાં માને છે. એને એવું પણ છે કે બધાંએ એની વાત માનવી જોઇએ અને એની સેવામાં જ રહેવું જોઇએ. આખો દિવસ મેક-અપ કરીને પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા કરે. જો સહેજ પણ આડીઅવળી કોમેન્ટ આવે તો સામેવાળાનું આવી બન્યું. પોતે જાણે સ્વઘોષિત મિસ યુનિવર્સ હોય એવું માને છે. એની બ્યૂટી અને ફેમ બાબતે એ કોઇ પણ હદે જઇ શકે છે. લોકો સાથે ઘણી વાર ઝઘડી પણ પડે છે. અમને બધાંને એની ચિંતા થાય છે. રૂપશ્રી જેવાં લોકોની સમસ્યા ‘નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર’ તરીકે ઓળખાય છે. જેને સ્વ-રતિ કે સ્વ-પ્રેમની વ્યક્તિત્વ વિકૃતિ તરીકે પણ ઓળખી શકાય. સ્પષ્ટ છે કે આ વ્યક્તિત્વ વિકૃતિમાં વ્યક્તિ પોતાના જ ઘેલછાયુક્ત પ્રેમમાં હોય છે. વ્યક્તિને એવું લાગે છે કે પોતે કંઇક મહાન અને વિશિષ્ટ વ્યક્તિ છે. પોતાનામાં અમાપ ટેલેન્ટ છે. પોતે અતિશય બુદ્ધિશાળી, પાવરફુલ અને દેખાવડાં હોવાનાં તરંગોમાં રાચે છે. ‘હું સ્પેશિયલ છું અને મને મારાં જેવાં સ્પેશિયલ લોકો જ ઓળખી શકે’ તેવી માન્યતા દૃઢ હોય છે તેમજ મિત્રો પણ ઊંચા સ્ટેટસવાળા, પૈસાવાળા કે દેખાવડા જ શોધે છે. જે પોતાની વાહ-વાહ કરે એ જ બરાબર છે એમ માને છે. આવાં લોકો સતત પ્રશંસાનાં ભૂખ્યાં હોય છે. બીજા લોકોની માનસિક કે ભાવનાત્મક જરૂરિયાત પ્રત્યે બેદરકાર હોય છે. એટલે સંબંધો સાચવી શકાતા નથી. પોતે બીજાની ઇર્ષ્યા કરે રાખે છે અને એવું પણ માને છે કે લોકો સતત મારી ઇર્ષ્યા કરે છે, કારણ કે, હું એ બધાં કરતા સુપીરિયર છું. આવાં લોકોનો અહંકાર ચરમસીમાએ ફૂંફાડા મારતો હોય છે. જો લોકો રિજેક્ટ કરે તો ડિપ્રેશનમાં સરી પડે છે. રૂપશ્રીની મમ્મી જૂના જમાનાની થિયેટર એક્ટર હતી. એ હંમેશાં પોતાના દેખાવ પ્રત્યે અતિશય સભાન રહેતી. માતા-પિતા વચ્ચે શંકા અને સંઘર્ષો રોજિંદી ઘટના બની ગયાં હતાં. રૂપશ્રી ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ ભાગ લેતી, પણ ક્યારેય અવ્વલ આવી શકતી નહોતી. એ હતાશા અને લઘુતાગ્રંથિ અચેતન માનસમાં પડી-પડી પોતાની નકારાત્મક અસરો બતાવવા લાગી હતી. નાનપણથી જ રૂપશ્રીને પણ પોતાના દેખાવ વિશે વધુ પડતી સંવેદનશીલતા હતી જે મોટી ઉંમરે નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરમાં પરિણમી. રૂપશ્રીના કિસ્સામાં પહેલાં તો એ પોતાને આ વિકૃતિ છે એવું તો સીધેસીધું સ્વીકારી જ નહોતી શકતી, પણ લોકો સાથે ઝઘડા થયા કરતા અને એમાંથી આવેલા ડિપ્રેશન માટે તે જેમ-તેમ કરીને સારવાર માટે તૈયાર થઇ. આમ તો આ વિકૃતિ ધરાવતાં લોકોની સારવાર કઠિન હોય છે, પણ, જેમ-તેમ કરીને રૂપશ્રી તૈયાર થઇ. સાઈકોથેરેપી દ્વારા એના અચેતન મનમાં રહેલા સંઘર્ષો અને ખોટા ખ્યાલોને દૂર કરવામાં આવ્યા. આવા દર્દીઓમાં અન્ય લોકો પ્રત્યે સહાનુભૂતિ અને એમનો સ્વીકાર ઊભો થાય તે ખૂબ જરૂરી હોય છે, જે કાઉન્સેલિંગથી શક્ય બને છે. આ વિકૃતિમાં દર્દી સારવાર માટે તૈયાર થાય તે માટે સગાં-વ્હાલાંઓએ પ્રયત્નો કરવા પડે છે. તદુપરાંત લાંબા સમયની સાઈકોથેરેપી માટે ધીરજ પણ આવશ્યક છે. વિનિંગ સ્ટ્રોકઃ સામાજિક, ધાર્મિક અને રાજકીય સરમુખત્યારોમાં સ્વ-રતિની વિકૃતિ વ્યક્તિત્વનું અભિન્ન અંગ હોય છે. સ્વીકૃતિની સમજથી જ આ વિકૃતિ હળવી બને. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...