બુધવારની બપોરે:બીમારી તો બહાનું છે

13 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

ઘણાં એવાં છે, જેમને બીમાર પડવાની તો કોઈ મઝા નથી આવતી, પણ ‘પોતે બીમાર છે’, એવી જાહેરાતો કરવાના ગજબના સોટા ચઢે છે. આમ પાછું, એમની ખબર કાઢવા કોઈ ‘ઘેર’ આવે એ ન ગમે, પણ બહાર નીકળ્યા પછી કોઈ રસ્તે મળે ને એમની બીમારીના હાલચાલ પૂછે, એમાં તો ભાઈ ગેલમાં આવી જાય ને વિસ્તારથી વાતો શરૂ કરી દે. ભલે ને બીમારીમાંથી રીપેર થઈ ગયાને છ મહિના થઈ ગયા હોય! એ લોકો ઘેર ખબર કાઢવા આવે તો 4-5 મેંગો શેઈકના આ મોટા ગ્લાસ ઠોકી જાય ને આવા તો આવતા જ રહે, એમાં બીમારીનો ખર્ચો દવા કરતાંય તોતિંગ આવે!, સુઉં કિયો છો? ઠાકુરની બીમારીના હાલ સાંભળનારો મરવાનો થાય છે. મહેમાન ઘરની નીચે ઊભા હોય તો ઉપર ન લઈ જાય, પણ ત્યાં જ, ‘અરે ભ’ઈ, સુઉં વાત કરું... મને ગયા ડિસેમ્બરમાં નાનો અમથો તાવ ચઢ્યો... વાત સાંભળવા જેવી છે... મૂળ તો મને દુ:ખાવો આ જગ્યાએ... જુઓ જરા... આ જગ્યાએ ઉપડ્યો હતો...!’ ત્યાંથી વાત શરૂ કરે એમાં તમે જે સ્થળે ઊભા છો, ત્યાં તમને લાવીને મૂકી દે, ત્યાં સુધી એમની બીમારીનો પૂરો ચિતાર આપે. એમની બીમારી એટલે કોઈ લાવણ્યમયી સ્ત્રીનું વર્ણન કરતા હોય, એવા ઝગારાથી કરે. વાત વાતમાં તમારો ખભો દબાવે, ક્યારેક અચાનક અટકી જાય ને ક્યારેક હોસ્પિટલની નર્સો કેવી કાબરચીતરી હતી, પણ એક સાલી જોરદાર હતી ને હાથમાં આવે એવી હતી, પણ તમારી ભાભી 24 કલાક હાજર જ હોય, પછી કંકોડાય હાથમાં આવે? એની વાતો આવે. બીમારી કોઈ મિસ વર્લ્ડ હોય એવા આસક્ત થઈને ‘એ’ બીમારીને વળગી પડ્યા હશે, એવું લાગે. કોમિકની વાત એ છે કે, એમના જેવી બીમારીઓ વિશ્વમાં અબજો લોકોને થઈ ચૂકી છે, છતાં બીજા કરતાં એમનાવાળી કેવી જુદી પડે છે, 34 લાખ તો હોસ્પિટલવાળાઓએ ઠોકી લીધા હતા... બીજા દવા-દારૂના નહીં ગણવાના? ભ’ઈ, પચ્ચા લાખમાં એ માંદગી પડી! બીમારી ભલે ટચૂકડી હતી, પણ પોતે બીજા કરતાં કેવો તોતિંગ સામનો કર્યો હતો, એ તડાકા ને ફડાકાથી કહી સંભળાવે. ‘બોસ, તમારી ‘બાયપાસ’ તો કાંઈ નથી. મારી જોવા આવ્યા હોત તો ખબર પડત કે, આવી બાયપાસોમાંથી તો ફક્ત યોગુભ’ઈ જ બચી શકે! ઘણા બાયપાસોમાંથી બચી જાય છે, એમાં શું તડાકા માર્યા... બાયપાસ પછી આ યોગુભ’ઈ જેવું ‘જીવી’ બતાવો, ઠાકુર!’ ઘડીભર તો આપણા જીવો ભડકે બળે કે, સાલી આટલી મનોરંજક બીમારી આપણને કેમ ન થી? જોકે, એમની વાતો સાચી માની લઈએ તો ચોક્કસ થાય કે, આપણને થઈ હોત તો આમનો અહેવાલ સાંભળવામાંથી બચી ગયા હોત... ભલે આપણે વહેલા ઉપડી ગયા હોત! ‘ભ’ઈ જાણું છું, જાણું છું કે... મારા જેવું જ કૂતરું તમને કયડ્યું’તું, પણ મારાવાળું તો રામ જાણે કઈ ઔલાદનું હતું, તે ડાબા થાપે કયડ્યું’તું ને દુ:ખાવો જમણા થાપે ઉપડ્યો, બોલો... મેં તો સલામતી ખાતર બંને થાપે ‘ચૌદ-દૂ-અઠ્યાવીસ’ ઈન્જેક્શનો લેવડાવી લીધાં! જુઓ જરા અહીં જુઓ... અહીં અડી જુઓ... અહીં ઈન્જેક્શનો લીધાં... લાગે છે ને હજી ગરમ ગરમ?’ સાલું, એ કહે ત્યાં આપણે જોવું તો ઠીક, અડવું શું કામ જોઈએ, એનું લોજિક સમજાય નહીં! અડવા જઈએ તો આપણી બા ના ખીજાય? આપણે એમના સશક્ત મોંઢા સામે જોઈને એટલી જ શંકા કરીએ કે, ‘આ હિસાબે કૂતરાએ પોતે કેટલાં ઈન્જેક્શનો લેવાં પડ્યાં હશે?’ આવી પ્રોપર્ટીને કૂતરું નહીં, મગર કરડવા જેવો હતો, એવું એમનાથી છૂટ્યા પછી લાગે. લોકો માંદા શું પડે છે કે, ગામ આખા સામે ‘આજતક’ બની જાય છે. કેમ જાણે આપણે બીજા કોઈ સમાચાર જોવાના જ ન હોય! એ વહેલું પૂરું કરે, એ માટે હિંમત કરીને આપણી બીમારીનો નાનકડો કિસ્સો ઘૂસાડવા માંગતા હોઈએ, એમાં એ વધારે ફોર્સમાં આવી જાય, ‘અરે દાદુ... તમારી ‘બાયપાસ’ તો કાંઈ ન કહેવાય... એમાં એટલીસ્ટ, તમે બચી તો ગયેલા ને? અહીં તો, સાવ જાય જ, એવો કિસ્સો થઈ ગયેલો. વાઈફનું પ્રચંડ ગુસ્સામાં આમ પૂરજોશ બાથરૂમનો દરવાજો બંધ કરવો, આ બાજુ મારું એ દરવાજાની ધાર પર હાથ મૂકવો, યૂ નો! અરે બાપ... જે તાકાતથી એણે દરવાજો પછાડ્યો છે, એમાં એ ભોળીને ખ્યાલ જ નહીં કે, વચ્ચે મારી આંગળીઓ છે... (ઠોંડાની એ અક્કલ ચાલી જ ન હોય કે, વાઈફને તારી આંગળીઓ ક્યાં સેટ થયેલી છે, એની બધી ખબર હતી! : સ્પષ્ટતા પૂરી) અને પછી તો હું જે કૂદ્યો છું, જે કૂદ્યો છું...! હવે કહો... આટલા ફોર્સથી તમારી આંગળીઓ બાથરૂમના દરવાજા વચ્ચે ક્યારેય આવી છે?’ દરવાજામાં આંગળીઓ આવી જવી એમની સિદ્ધિ હોય, એવા અંદાજથી તેઓ લહેરાયા હતા. મને થયું કે કહું, ‘સાહેબ, હવે બીજી વાર આવું થાય ત્યારે ચોક્કસ કહેવડાવજો. મેં તો બારણામાં કોઈની આંગળી આવેલી જોઈ જ નથી. એક વાર ચાન્સ આપજો.’ હવે તો કોરોનાની મૌસમ પણ ગઈ અને જે કાંઈ ચાલે છે, એમાં જોખમ જેવું કાંઈ નથી, એવું એટલીસ્ટ, પરિણામોથી તો દેખાય છે. પૂરી દુનિયામાં ભારત એકમાત્ર દેશ છે, જ્યાં કોરોનો આવતો-જતો હોય પણ કાંઈ કરી શકતો નથી. મોદીએ 100 કરોડથી વધુ લોકોને રસી મરાવી દીધી, એનું સુખદ પરિણામ દેશ આખો એન્જોય કરી રહ્યો છે, તો પણ... લોકોની પાસે કોરોનાની સ્ટોરીઓ ખૂટતી નથી. સમજો ને, કોરોનો આપણને બધાંને એક વાર તો થઈ ચૂક્યો છે. ઘણાંને તો સાજા થયા પછી ખબર પડી હતી કે, ‘હેં... મને કોરોના થયો હતો?’ પણ લોકો પાસે સ્ટોરીઓ ખૂટતી નથી. એમના ઘરમાં કેટલાને થયો હતો ને બાજુવાળા તો કોરોનામાં જ ડક થઈ ગયા ને એમના પોતાના ફેમિલીમાંથી કેટલા ‘ગયા’, એ બધી બોરિંગ વાતો સાંભળીને 41મા માળેથી ભૂસકો મારવાનું ઝનુન ઉપડે. (આ તો, અમદાવાદમાં 41 માળનું એકેય બિલ્ડિંગ નથી, એટલે લખ્યું!){ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...