નીલે ગગન કે તલે:તૂં કહે અગર

મધુ રાય2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માણસજાતમાં પણ પરસ્પર આકર્ષણ દર્શાવવાની ને તેનો ઉભાર અભિવ્યક્ત કરવાની એક ક્રિયા છે, ફ્લર્ટિંગ

લેખ ‘ફ્લર્ટિંગ’ વિશે છે, ને ફ્લર્ટિંગનું ગુજરાતી કાંઈ થતું નથી, બલકે હિન્દી કે બંગાળી કે મરાઠીમાં પણ ફ્લર્ટિંગ નામની નમકીન ચીજ માટે કોઈ શબ્દ નથી. ફ્લર્ટિંગ એટલે એક દિલચશ્પ ખેલ, જાણીબૂઝીને વહોરેલી બે ઘડીની દીવાનગી. ટોળ, ટીખળ. સાળીઓ વરરાજાનાં ચંપલ સંતાડે એવી ઉન્માદપ્રેરક મસ્તી, ઓહ યાહ, પુષ્પધન્વાના ધનુરમાંથી ઊડીને શય્યામાં પડેલી પુષ્પની પાંખડી, રંગીલી હોગી રાત! પાર્ટીઓમાં, ટ્રેનોમાં કે બસમાં કે કોઈનાં દીવાનખાનામાં એક નિર્દોષ નટખટ ગમ્મત. આંખોથી થાય, વાતોથી થાય, હાવથી થાય ને ભાવથી થાય. એલિઝાબેથ હૂપર નામનાં મનોવિજ્ઞાની કહે છે કે ઢેલ સામે મોર નાચે તે, ને શ્વાની આગળપાછળ શ્વાન ગોળગોળ ઘૂમે, તેમ માણસજાતમાં પણ પરસ્પર આકર્ષણ દર્શાવવાની ને તેનો ઉભાર અભિવ્યક્ત કરવાની એક ક્રિયા છે, ફ્લર્ટિંગ. કોઈ કોઈ મનોવિજ્ઞાનીઓ તો કહે છે કે તે માનસિક તંદુરસ્તી માટે ગુણકારક છે ફ્લર્ટિંગ. પણ ફ્લર્ટિંગ એટલે આમ શું? તમે કાલું કાલું પૂછો છો? ફ્લર્ટિંગ મીન્સ કે સામને વાલી ખિડકીમાં રહેતી ચન્દ્રમાની કટકી તમારી સામે એક ભમ્મર તિરછી કરે ને ઊફ્ફ યૂં નાહ! તે ભમ્મર તમને પૂછે છે, બચ્ચુ, આતે ક્યા ખંડાલા? તે ભમ્મર પ્લેટોનિક ભાવ પણ બતાવે ને ટાઇટેનિક પ્રભાવ પણ દર્શાવે, જેના જેવા સંજોગ ને જેનાં જેવાં કરમ! પાર્ટીમાં કે બારમાં કે કઝિનના મેરેજમાં તમે ગયા હોવ તો ભ્રૂભંગ પછી એક કાચીપાકી મુસ્કાન, સુરાહીદાર ગર્દનનો મનભાવન મરોડ, અને પર્સન ‘એ’ પર્સન ‘બી’ની નજીક સરકે, પૂછે, ડૂ યુ કમ હિયર ઓફન? હેંહેંહંે, તે પછી તમારા ફિક્કા જોક્સ ઉપર ખિલખિલ હસવું, એકાદ ધબ્બો તમારી પીઠ ઉપર, અથવા ખોટેખોટે ગુસ્સે થવાનો દેખાવ, આ સર્વ ક્રમેક્રમે તમારી નજદીક આવવાનો શિરસ્તો છે. પરિચય વધે, સામસામે શ્રદ્ધા બેસે, ને એક સંબંધ બંધાય, પ્લેટોનિક કે રોમેન્ટિક, પર્સન ટુ પર્સન. અથવા બીજી મિનિટે બધું ફિટુસ બી થાય. બોલ્યા વિના થતું ફ્લર્ટિંગ જગતભરમાં થાય છે પણ તેની ઢબછબ બારબાર ગાઉએ બદલાતી હોય છે. સન 2010માં જેફરી હોલ નામના વિજ્ઞાનીએ એક અભ્યાસ માટે 5,000 વ્યક્તિઓને પૂછેલું કે તમે સામી વ્યક્તિ પ્રત્યે તમારી આસક્તિ કઈ રીતે દર્શાવો છો? તે અભ્યાસમાંથી એવું તારણ થયું કે ફ્લર્ટિંગની પાંચ મુખ્ય રીતો છે: સર્વમાન્ય: એટલે કે પુરુષ સામે ચાલીને સ્ત્રીને પોતાના અનુરાગની વાત કરે, ને સ્ત્રી અંગૂઠાથી જમીન ખોતરે! સ્ત્રી પુરુષને સામેથી કહે કે તમે મને ગમો છો, એવું ઓછું બને. આ રીતે પોતાનો ભાવ શરમાયા વિના વ્યક્ત કરનાર એક્સટ્રોવર્ટ યાને બહિર્મુખ હોય છે. શારીરિક: કેટલાંક એનાથીય વધુ ઇશ્કી હોય તો તે પ્રેમપાત્રને બોલીને તેમ જ મદિર સ્પર્શથી પણ પોતાની આસક્તિ જણાવતા હોય છે. એમાં જાતીય આકર્ષણ ધુંઆધાર હોય છે અને પરસ્પરના સ્વભાવ કે વ્યક્તિત્વનો પરિચય ઓછો. આત્મીય: આ પ્રકારનાં ફ્લર્ટિંગમાં પરસ્પરનાં શરીરનાં ખેંચાણની સાથેસાથે પરસ્પરને માણસ તરીકે હૃદયપૂર્વક સમજવાનો, ચાહવાનો મોહ પણ હોય છે. દિલ્લગી ખાતર: કેટલીક વાર સામાજિક વહેવાર તરીકે, લોકો ફક્ત ગમ્મત માટે, ઘડીભર પરસ્પર દિલબહેલાવ માટે ફ્લર્ટ કરે તે કોઈ ગંભીર ઇરાદાથી નહીં સંબંધ બાંધવાના આશયથી નહીં પણ દિલ્લગી ખાતર કે સભારંજન ખાતર પણ કરાતું હોય છે. સૌજન્ય ખાતર: કેટલીક વાર સામી વ્યક્તિને આનંદમાં રાખવા સૌજન્યપૂર્વક પણ ફ્લર્ટિંગ થતું હોય છે, પરંતુ તેમાં લેશમાત્ર પણ અજુગતો વહેવાર ન થાય કે કશું બેફામ બોલી ન જવાય તેની તકેદારી રખાય છે. કેટલાંક વર્તુળોમાં સૌજન્ય ખાતર કરાતું ફ્લર્ટિંગ વહેવારિક વર્તન ગણાય છે. અલબત્ત, દરેક અભ્યાસ કે તારણની માફક આ તારણ પણ સર્વાંગી નથી. કોઈવાર એવું પણ બને કે આ પાંચ–ફાંચ પ્રકારના પાંજરામાં ન હોય એવું ન બોલ્યા વિના, ન બોલીને ફ્લર્ટિંગ થતાંથતાં અટકી જાય! જીભ ભારે થઈ જાય, હૈડિયો ઊંચોનીચો થાય! એવું જેને થતું હોય તે સામી વ્યક્તિ હાજર ન હોય ત્યારે જ પ્રેમપાત્રને યાદ કરીકરીને ‘ફ્લર્ટિંગ’ ઉપર નિબંધ લખે. કેમકે વાસ્તવ કરતાં તરંગ જ્યાદા જાયકેદાર છે. જય મજરૂહ સુલતાનપુરી! ⬛ madhu.thaker@gmail.com