કેટલાક એપિસોડ્સ પહેલાં (29-12-21) મેં ‘ડોક્ટરની ડાયરી’માં ડો. શાહની પત્ની તૃપ્તિબહેનને થયેલા અસહ્ય માથાના દુખાવા વિશે લખ્યું હતું. એ વાંચીને ગુજરાતના અને દેશના અન્ય ભાગોમાંથી અનેક વાચકોએ મને પૂછપરછ કરતા ફોનકોલ્સ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, લંડન અને નૈરોબીમાં વસતા ગુજરાતીઓએ પણ અધરાતે-મધરાતે ફોન કરીને મને ઊંઘમાંથી જગાડ્યો હતો. માથાંની બાબતમાં એ બધાં સમદુ:ખિયા હતા. તેઓ જાણવા માગતા હતા કે ડો. શાહની પત્નીનો માથાંનો દુખાવો મટાડી આપનાર ડો. પ્રકાશ અત્યારે ક્યાં છે? અને એમનો સંપર્ક કેવી રીતે થઇ શકે? બધાં બે જ સવાલો પૂછતા હતા: ‘ ડો. શાહનો નંબર આપો. ડો. પ્રકાશને મળવું હોય તો ક્યાં મળી શકાય?’ મેં બધાંને સમજાવ્યું કે ડો. શાહની પત્નીવાળી ઘટના થોડાંક વર્ષો પહેલાંની હતી. એ પછી મેડિકલ સાયન્સમાં અનેક નવાં આવિષ્કારો થતાં રહ્યાં છે. તબીબી જગતમાં રોજરોજ એટલી બધી નવી શોધખોળો થતી રહે છે કે સારવારનાં રૂપરંગ વર્ષે-બે વર્ષે બદલાઇ જાય છે. વધારામાં બધાં જ માથાંના દુખાવાનું કારણ એકસરખું હોઇ શકે નહીં. ડો. શાહની પત્નીને એન્યુરિઝમ થયું હતું. એટલે વિશ્વભરમાં તમામ દર્દીઓના હેડ-એકનું કારણ એ જ હોઇ શકે નહીં. પણ એ અંગે થયેલા લેટેસ્ટ રિસર્ચ વર્ક વિશે આજે વાત કરીશ. ડો. શાહની પત્નીને થયેલા અસહ્ય માથાંના દુખાવાનું નિદાન કરનાર ડો. પ્રકાશ (અધૂરું નામ) સાઉથ ઇન્ડિયન ન્યૂરોફિઝિશિયન હતા. એમણે કરેલું નિદાન અત્યંત રેર હતું. સેરેબ્રલ આર્ટરિયલ એમ્બોલિઝમની સારવાર અત્યાર સુધી માત્ર સર્જરી દ્વારા જ શક્ય બનતી હતી. ડો. શાહ એમની પત્નીને મુંબઇ લઇ ગયાં હતાં અને એનું ઓપરેશન કરાવ્યાં પછી એમના પત્ની સાજા થઇ ગયાં હતાં. એની પહેલાંના જમાનામાં મારી જાણમાં કેટલાય દર્દીઓને એન્યુરિઝમ ફાટવાને કારણે મૃત્યુ પામતા મેં સાંભળ્યા છે. ડો. શાહની પત્નીની જેવું રક્તવાહિનીઓનું એન્યુરિઝમ અત્યારે જો કોઈને થયું તો નવી ટેક્નિક દ્વારા તેની સારવાર થઇ શકે છે. આ ટેક્નિકમાં રિસ્કી અને મેજર સર્જરીની જરૂર પડતી નથી. આ સારવાર કોઇ પણ હોશિયાર અને અનુભવી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ કરી શકે છે. આ પદ્ધતિમાં સોનોગ્રાફી દ્વારા એક અત્યંત પાતળું કેથેટર દર્દીની રક્તવાહિનીમાં દાખલ કરવામાં આવે છે. ધીમે ધીમે કેથેટરને રક્તવાહિનીમાં અસર પામેલા ભાગ સુધી લઈ જવામાં આવે છે. પછી કેથેટરના બાહ્ય છેડામાંથી એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય જે અત્યંત સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે તે ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ દ્રવ્ય અસરગ્રસ્ત સ્થાન પર જઈને રક્તવાહિનીની દીવાલના ફુગ્ગા જેવા પાતળા ભાગને ભરી દે છે. એટલે એ દીવાલ મજબૂત બની જાય છે અને તેની રપ્ચર થવાની શક્યતા નહીંવત્ થઇ જાય છે. આ નવી ટેક્નિકનો યશ જાપાનના એક ડોક્ટરને આપવો પડે. શરૂઆતમાં એની શોધ તરફ બહુ ઓછા ડોક્ટરોનું ધ્યાન ખેંચાયું હતું. ગુજરાતમાં આ ટેક્નિકનું આગમન બહુ અણધારી રીતે થયું. 2020માં માર્ચ મહિનામાં કોરોનાની મહામારીના પગલે પહેલી વાર લોકડાઉન લાદવામાં આવ્યું. આખા દેશની જેમ ગુજરાતની જનતા પણ પોતાનાં મકાનોમાં કેદ થઈ ગઈ. મોટાભાગના ડોક્ટરો કાં તો સાવ નવરા થઈ ગયા અથવા જરૂર પૂરતી પ્રેક્ટિસ કરવા લાગ્યા. જે ડોક્ટરો કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતા હતા એમની આ વાત નથી. એ સિવાયના મોટાભાગના ડોક્ટરો ઘરમાં રહીને ટાઈમ પાસ કરવા માટે મોબાઈલ ફોન મચડતા રહેતા હતા. આવા જ એક ડો. બેન્કર સોશિયલ મીડિયા પર સાયન્ટિફિક વિડીયોઝ શોધતા હતા. અચાનક એમની નજર જાપાનના ડોક્ટરની એક વિડીયો ક્લિપ પર પડી ગઈ. એ વિડીયોમાં ‘જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન’ વિશે વાત કરવામાં આવી હતી. મૂળભૂત રીતે આ ટેક્નિક ગોઠણના સાંધાના દુખાવાની સારવાર માટે શોધવામાં આવી હતી. જો આ ટેક્નિકનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ‘ની જોઇન્ટ’ના ઘસારાની સારવારમાં ચમત્કાર સર્જાઈ જાય. હાલમાં ઓસ્ટિઓઆર્થ્રાઇટિસનાં કારણે જે લોકો ચાલવામાં અસહ્ય પીડા વેઠે છે એમને ‘ની જોઇન્ટ રિપ્લેસમેન્ટ’ કરાવવાની જરૂર પડે છે. આ ઓપરેશન ભારે ખર્ચાળ છે. એમાં ગોઠણનો સાંધો ખોલવો પડે છે. ઈશ્વરે આપેલા સાંધાનું સ્થાન કોઇ પણ કૃત્રિમ સાંધો ભરી શકતો નથી. નવા સાંધા સાથે માણસ ઉભડક અથવા પલાંઠી વાળીને બેસી શકતો નથી. આવા દર્દીઓ માટે જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશનની પદ્ધતિ આશીર્વાદરૂપ બની રહે છે. અમદાવાદના યુવાન રેડિયોલોજિસ્ટને આ ટેક્નિકમાં ઊંડો રસ પડ્યો. એમણે પહેલા અને બીજા લોકડાઉનની નવરાશમાં 200થી પણ વધુ લોકોના વિડીયોઝ જોઈ નાખ્યા. પછી એમનાથી જુનિયર એવા બીજા રેડિયોલોજિસ્ટ મિત્ર ડો. રોઝિલ ગાંધી સાથે ચર્ચા વિચારણા કરી. એ પછી બંનેએ સાથે મળીને ભારતમાં સૌપ્રથમ વાર આ ટેક્નિકની પ્રાયોગિક શરૂઆત કરી. જે પરિણામો મળ્યાં એ અત્યંત ઉત્સાહવર્ધક હતાં. આનાં કારણે બધાં તો નહીં પરંતુ ઘણાબધા દર્દીઓ સાંધો બદલવાના ખર્ચાળ ઓપરેશનમાંથી બચી જાય એવી સંભાવના છે. આ દિશામાં ગુજરાતના અન્ય ડોક્ટરો પણ ઘણુંબધું કામ કરશે ત્યારે સાચી ખબર પડશે કે નવી સારવારની કુખમાંથી શક્યતારૂપી સંતાન જન્મ લેશે તે કેવું હશે. ગોઠણના સાંધાના દુખાવાનું એક કારણ એટલા ભાગમાં થયેલો સોજો માનવામાં આવે છે. જાપાનના ડોકટરે શોધેલી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન વડે આ સોજો મટાડવામાં આવે છે. જો સાંધાનો ઘસારો વધુ પ્રમાણમાં હોય તો જ સાંધો બદલવાની જરૂર પડે છે. એક નવી પ્રોસિજર પણ સારું પરિણામ આપી રહી છે. તેને મેડિકલ પરિભાષામાં ‘હાઈ ટિબિયલ ઓસ્ટીઓટોમી’ કહે છે. ગુજરાતના જ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડો. મહેશ્વરીએ આ દિશામાં સુંદર કામ કર્યું છે. એક ડગલું ભરવામાં પણ અસહ્ય દુખાવો થતો હોય તેવા દર્દીઓને આ ટેક્નિકથી માઈનર સર્જરી દ્વારા હરતાંફરતાં અને પગથિયાં ચડઊતર કરતા કરી દેવાયા છે. આ પદ્ધતિમાં એક સ્ક્રૂની મદદથી હાડકાંનું એલાઈનમેન્ટ સરખું કરી દેવામાં આવે છે. બધા જ કિસ્સાઓમાં કારનું ટાયર બદલવાની જરૂર હોતી નથી; માત્ર વ્હીલ્સનું એલાઈનમેન્ટ બરાબર કરી દેવામાં આવે તો કાર સરસ રીતે દોડવા માંડે છે. આ જ રીતે સાંધાના દુખાવામાં બધા જ દર્દીઓને ‘ની જોઇન્ટ રિપ્લેસમેન્ટ’ની જરૂર હોતી નથી. એ માટેની વૈકલ્પિક ટેક્નિક શોધાઈ ચૂકી છે. આ બધી સારવારનો ખર્ચ ‘જોઇન્ટ રિપ્લેસમેન્ટ’ના ખર્ચ કરતાં ફક્ત ત્રીજા ભાગનો આવે છે. અલબત્ત, જ્યાં સાંધાનો ઘસારો ગંભીર સ્ટેજમાં પહોંચી ગયો હોય તેવા કેસમાં સાંધો બદલાવી નાખવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.⬛ (શીર્ષકપંક્તિ: બશીર બદ્ર) drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.