શિયાળામાં શરદી, ઉધરસ, તાવ, ત્વચાના રોગો થવા સામાન્ય બાબત બની જાય છે. જે લોકો સમય રહેતાં સાવધાન થઈ જાય છે તેઓ ઋતુ અનુસાર પોતાની કાળજી લેવા માંડે છે. એ લોકોથી શિયાળાની બધી બીમારી દૂર રહે છે, પરંતુ જેઓ બદલાતી ઋતુ મુજબ શરીરની જરૂરિયાતોનું ધ્યાન નથી રાખતા તેમના સુધી બહુ ઝડપથી પહોંચવા માટે આ બીમારીઓ આતુર રહે છે. તેથી સાવચેતી રાખીને સ્વસ્થ રહેવું જ ઉત્તમ પગલું છે. શરદી-ખાંસી : તેને કોમન કોલ્ડ પણ કહે છે, જે તાપમાનમાં પરિવર્તનને કારણે થાય છે. જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે, તેમને ઝડપથી અસર થાય છે. સંક્રમણવાળી આ બીમારીના વાઈરસથી બચવા માટે સાફસફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વારંવાર હાથ સાબુથી ધોતાં રહેવું જોઈએ કે જેથી સંક્રમણથી બચી શકાય. આ વાઈરલ ઈન્ફેક્શન છે. તેથી એમાં એન્ટીબાયોટિકની જરૂર નથી અને પાંચથી સાત દિવસમાં આરામ થઈ જાય છે. એમાં એન્ટી એલર્જીક દવા આપવામાં આવે છે કે જેથી દર્દીને આરામ મળે. ખાસ કરીને મીઠાનાં પાણીના કોગળા કરવા વધારે લાભદાયક છે. આ ઉપરાંત નાસ લેવામાં આવે છે. એમાં ગરમ પ્રવાહી પદાર્થોનો ઉપયોગ વધુ કરવો જોઈએ. તરત ગરમમાંથી ઠંડું કંઈ ન લેશો કે ઠંડું લીધા પછી ગરમ ન લેશો.
હાઈપોથર્મિયા : એમાં હાથ-પગ ઠંડા થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હાર્ટ બીટ વધી જાય છે તેમજ બીપી ઘટી જાય છે. શરીરનું તાપમાન ઘટી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. તેથી સખત ઠંડીનો સામનો ન કરશો. ટૉન્સિલાઈટિસ : બાળકોમાં જોવા મળતી આ સામાન્ય સમસ્યા પણ ટોન્સિલમાં સંક્રમણને કારણે થાય છે. એમાં ગળામાં ખૂબ જ દુખાવો થાય છે. ખોરાક ખાવામાં તકલીફ પડે છે, સખત તાવ પણ આવી શકે છે. આ બેક્ટેરિયલ કે વાઈરલ સંક્રમણથી પણ થઈ શકે છે. એનાથી બચવા માટે આ ઋતુમાં ઠંડી વસ્તુઓ ન ખાશો. ગરમ ભોજન લેવાનું રાખો અને નવશેકા પાણીનો ઉપયોગ કરો. અસ્થમા : આ એક એલર્જીક બીમારી છે. શિયાળામાં શ્વાસનળીમાં સોજો વધી જાય છે, જેના કારણે શ્વાસ લેવાનો માર્ગ ટૂંકો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે. ગંભીર પરિસ્થિતિમાં દર્દીને અસ્થમાનો અેટેક આવે છે. પ્રદૂષણ, સિગારેટનો ધુમાડો અને શરદી પણ તેનું કારણ હોઇ શકે છે. અસ્થમા એટેકને અટકાવવા માટે જરૂરી છે કે તાપમાન ખૂબ જ ઓછુ હોવાને લીધે ઘરની અંદર જ રહેવાનો પ્રયત્ન કરવો. જો તમારે બહાર જવું પડે તો શ્વાસ લેતાં પહેલાં પોતાનાં નાક અને મોઢાને સ્કાર્ફથી સારી રીતે ઢાંકી લો. બેલ્સ પાલ્સી : તેને ફેસિયલ પેરાલિસિસ કહે છે. એમાં મોઢું વાંકુ થઈ શકે છે, આંખો ખરાબ થઈ શકે છે. કાન પાસેથી સેવન્થ ક્રેનિયલ નસ પસાર થાય છે અને તે સખત ઠંડીમાં સંકોચાઈ જાય છે. આ કારણે આ બીમારી લાગુ પડે છે. એમાં મોઢામાંથી ફીણ પણ નીકળે છે. આ ઉપરાંત બોલવામાં તકલીફ પડે છે અને આંખોમાંથી પાણી વહે છે. જો તમે લાંબા સમય સુધી વધુ પડતી ઠંડીનો સામનો કરો છો ત્યારે કાનની નસને નુકસાન પહોંચે છે. ખાસ કરીને ડ્રાઈવિંગ કરનારાં લોકો, રાત્રે માથું ઢાંક્યા વિના જતાં લોકોને આનું જોખમ વધુ રહે છે. ડ્રાય સ્કિન : શિયાળામાં શરીરને જરૂરી મોઈશ્ચર મળતું નથી અને ત્વચા સખત ડ્રાય થઈ જાય છે અને ફાટે છે. આ માટે મોઈશ્ચરાઈઝર લગાવો અને મલાઈ કે તેલનો ઉપયોગ કરી શકો છો. આર્થરાઈટિસ : શિયાળાની શરૂઆત થાય એટલે આર્થરાઈટિસનું જોખમ ખૂબ જ વધી જાય છે. એક સાથે ડેરી પ્રોડક્ટ, તળેલાં અને રિફાઈન્ડ ફૂડ, નોનવેજ અને આલ્કોહોલનું નિયમિત સેવન પાચનપ્રક્રિયા ઉપર ખરાબ અસર કરે છે. પરિણામે ટોક્સિન કોલનમાં સડવા લાગે છે, પછી લોહી દ્વારા તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ કારણે ઝેરી તત્ત્વો સાંધામાં જમા થવા લાગે છે. સખત ઠંડીમાં ઘણી વાર તડકો પણ નીકળતો નથી, જેના લીધે વિટામિન-ડીની ઊણપ સર્જાય છે. ફિઝિકલ એક્ટિવિટીની કમી, બેરોમેટ્રિક પ્રેશરમાં પરિવર્તન, સખત ઠંડી અને ભેજવાળું વાતાવરણ પણ આર્થરાઈટિસ જેવી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.