અત્ર-તત્ર-સર્વત્ર:સૂર્ય જો હંમેશને માટે આથમી જાય તો…

ભરત ઘેલાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જોખરેખર એવું થાય તો એ થથરાવી મૂકે એવી કલ્પના છે. રોજ સવારે પૂર્વમાં સૂરજ ઊગે અને રોજ સાંજે એના નિયત સમયે પશ્ચિમમાં આથમી જાય એ આપણી સમસ્ત માનવજાત માટે એક એવું સનાતન સત્ય છે કે સવારે એ ઊગી જ ગયો હશે એમ માનીને આપણે સૂર્યોદય જોવાનીય પરવા કરતા નથી. જોકે, આવા સૂર્યોદય ભવિષ્યમાં નહીં થાય એવી વસમી વેળા માટે સાબદા રહેવાનું વિશ્વના જાણીતા ખગોળશાસ્ત્રીઓ આપણને કહી રહ્યા છે. એ બધા કંઈ પેલા ફૂટપાથ પર બેઠેલા ચકલી જ્યોતિષી નથી કે ઈન્સ્ટન્ટ કોફી જેવાં વરતારા કરે. આકાશી નક્ષત્રો-સૂર્ય-ચંદ્ર જેવા ગ્રહો-ઉપગ્રહોના પરિભ્રમણ વગેરેનો અધિકૃત અભ્યાસ કરીને આ ખગોળશાસ્ત્રીઓ એમનાં વિધિવત તારણ કાઢે છે. તાજેતરમાં વિખ્યાત જર્નલ નેચરમાં એમણે અમુક તારણો દર્શાવી સૂર્યના અંત વિશે કેટલીક ચોંકાવનારી આગાહી કરી છે. એમના વિજ્ઞાની વરતારા વાસ્તવિક બને એ પહેલાં તો યુગોના યુગો વીતી ગયા હશે. આમ છતાં, અમલમાં આવનારી એ કુદરતી ક્રિયા-પ્રકિયા તથા એની સંભવિત આડ-અસરોથી આપણે અવગત જરૂર રહેવું જોઈએ. આ તબક્કે હવે આપણી પૃથ્વીના જીવનદાતા સમાન સૂર્યના સામ્રાજ્ય વિશે પણ ઝડપથી જાણી લઈએ, જેથી સંભવિત ત્રાટકનારી અવકાશી આફત વિશે એક સ્પષ્ટ ચિત્ર ઊપસે. આપણી પૃથ્વીથી આશરે 14 કરોડ 95 લાખના અંતરે આવેલો સૂર્ય એક આપમેળે પ્રકાશિત સ્ટાર અર્થાત તારો છે, જે 4.6 અબજ વર્ષથી પૃથ્વી તેમજ આસપાસના અન્ય ગ્રહોને અવિરત પ્રકાશિત કરી રહ્યો છે. સૂર્યના પ્રકાશને આપણે સુધી પહોંચતા 8 મિનિટ અને 16.6 સેકન્ડનો સમય લાગે છે. આપણી પૃથ્વીથી 28 ગણું વધુ ગુરુત્વાકર્ષણ ધરાવતો સૂર્ય પ્રચંડ ગરમ વાયુપિંડ છે. એની સપાટીનું તાપમાન 6 હજાર સેલ્સિયસ અને એના કેન્દ્રનું ટેમ્પરેચર-તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ હોવાથી 12 હજાર અબજ ટન કોલસો બાળવા જેટલી જે ઊર્જા પેદા થાય એટલી ઊર્જા સૂર્યમાં પ્રતિ સેકન્ડે સર્જાય છે! આમાંથી આપણી ધરતી પર જે પણ પ્રકાશ-ઊર્જા પહોંચે છે એના કારણે આપણે ત્યાં જીવન-નવજીવન શક્ય બને છે. …પણ જો સૂરજ હંમેશને લીધે આથમી જાય તો પૃથ્વીનું શું? આવા જ પ્રશ્નના ઉત્તર શોધી રહ્યા છે ખગોળશાસ્ત્રીઓ. એમનાં અત્યાર સુધીનાં તારણ કહે છે કે આપણી ધરતીથી 6500 પ્રકાશવર્ષના અંતરે આવેલો આપણી સૂર્યમાળાના જ્યૂપિટર જેવો જ એક ગ્રહ કોઈ એક મરેલા સૂર્યની ભ્રમણકક્ષામાં ફરી રહ્યો છે. એટલું જ નહીં, પેલા જ્યૂપિટર જેવા ગ્રહમાં જીવનનું અસ્તિત્વ હોવાની શક્યતા પણ છે એટલે કદાચ આપણો સૂર્ય પણ ગુજરી જાય તોય આપણી પૃથ્વી પણ કદાચ પેલા જ્યૂપિટર જેમ જીવી જશે. જોકે, આશા જગાડે એવી આ કલ્પનાનો સીધો છેદ ઊડાવી દે છે મુંબઈ નહેરુ પ્લેનેટેરિયમના પૂર્વ વડા ડો. જે. જે. રાવલ. આજે ખગોળશાસ્ત્ર ક્ષેત્રે અનન્ય પ્રદાન કરી રહેલા 79 વર્ષીય આ ખગોાળવિજ્ઞાની રાવલસાહેબ કહે છે કે આપણા આ સૂર્યની ઉંમર એક ચોક્કસ વૈજ્ઞાનિક ગણતરી મુજબ આજે 4.603 અબજ વર્ષ છે અને આ જ ગણતરી મુજબ આગામી પાંચ અબજ વર્ષ પછી ઊર્જા-પ્રકાશ ઉત્પન્ન કરતો સૂર્યનો હાઈડ્રોજન-હિલિયમનો જથ્થો ખતમ થઈ જશે પછી એનું ગુરુત્વાકર્ષણ પડી ભાંગશે અને એ એક વિરાટ લાલ તારો બનશે. એ લાલ ગોળો એની આસપાસના મંગળ સુધીના ગ્રહોને ગળી જશે. એ બાદ સૂર્ય એક એવા તબક્કામાં પ્રવેશશે કે એ ધીરે ધીરે સંકોચાતો જશે ને વાઈટ ડવાર્ફ-શ્વેત વામન બનીને ન ક્લ્પી હોય એવી ઊર્જા ધરાવતો એ વાયુપિંડ સૂર્ય આપમેળે ક્રમશ: અવસાન પામશે. એની સાથે પૃથ્વી પરનું જીવન પણ નાશ પામશે. જોકે, પ્રખર આશાવાદી એવા અનેક વિજ્ઞાનીઓ-ખગોળશાસ્ત્રીઓ કહે છે કે પાંચ અબજ વર્ષ દરમિયાન ઘણું બધું બદલાઈ ગયું હશે. ત્યારે પલટાયેલા પર્યાવરણમાં જીવન ટકાવી રાખવા માનવી શારીરિક-માનસિક રીતે વધુ સક્ષમ થયો હશે. એ ભાવિ યુગમાં તો કુદરતે માનવી માટે બીજા અનેક નવા સૂરજ–ચંદ્ર પણ સર્જી દીધા હશે માટે મોજ કરો, સીટી મારો. ⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...