તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:મૈં મરને ચલા થા

અશોક દવે10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંધ્યાકાળના સમયે ઘરમાં એકલો હોય ત્યારે ડ્રિન્ક્સ બનાવવાનો એને ચોક્કસ સોટો ચઢે. અત્યારે ફૂલ ક્વોટાનો સોટો ચઢ્યો હતો. ડ્રોઈંગ રૂમના સોફા પર ટીવી સામે બેઠો હતો. લંબાવેલા એક પગ ઉપર બીજો ચઢાવીને વાળમાં વારંવાર આંગળા ફેરવતો એ બેઠો હતો. શર્ટના ઉપરથી ત્રણ બટન ખુલ્લાં. અત્યારની ફેશન મુજબ, ઘરમાં એ શોર્ટ્સ પહેરતો. પગમાં કોઈ રૂંવાટી ન હોવાથી લાંબા લિસ્સા પગ ‘પિયા તૂ અબ તો આજા’વાળી હેલન જેવા લાગતા હતા. ટેબલ ઉપર એક રિવોલ્વર, તડબુચ કપાય એવી લાંબી છરી, ઊંઘની ગોળીઓ 28-ગોળીઓ, આખરી ઘડીએ સ્ટોપર ન ખુલે તો પ્લાન નક્કામો જાય, એ હિસાબે બાલ્કનીના કાચના દરવાજાની સ્ટોપર આઠ-દસ વાર ઉઘાડ-બંધ કરી જોઈ હતી. અને આ બધાંથી ઉપર, એક દોસ્તની ફેક્ટરીમાંથી પોટેશિયમ સાયનાઈડની શીશી પગ પાસે જ તૈયાર રાખી હતી, જેથી અચાનક બારણું ખખડે તો કાચી સેકન્ડમાં સાયનાઈડ ગટગટાવી જવાય! એને આત્મહત્યા કરવી હતી, એકલે હાથે… કોઈની મદદ વિના! એને ટાગોરની કવિતા મોંઢે હતી. ‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે…!’ કાચો માલ ટેબલ ઉપર તૈયાર રાખ્યો હતો. એનું મરવું નિશ્ચિત હતું. ઘણાં લોકો આમાંય વળી ફાંસ મારવા આવે છે. ‘આત્મહત્યા પાપ છે.’ એવી સલાહો આપે છે. હંહ… એ લોકો મરતા હોય ત્યારે આપણે વચ્ચે ડાહ્યા થવા જઈએ છીએ? એવો ગુસ્સો એને આવી જતો. હવે રસ્તો સાફ છે અને કોઈ માઈનો લાલ હવે મને જીવાડવા આવી શકે એમ નથી, એ નક્કી થઈ ગયું! ને ત્યાં જ…! અચાનક એક ફોન આવ્યો…! *** નામ તો અમર હતું, પણ બારે માસ ડિપ્રેશનમાં રહેતો. એ તો કોઈને બોલાવે એવો સવાલ જ પેદા થતો નહીં, પણ કોઈ એને પ્રેમ અને વહાલથી બોલાવે, તોય પોલીસવાળો પાનવાળાની દુકાને હપ્તો માંગવા આવ્યો હોય, એવી અકળામણ થતી. પપ્પા-મમ્મી અને એને ખૂબ વહાલ કરતા ભાઈ-ભાભી એના મમ્મી-પપ્પા બન્યાં હતાં. આજ સુધી એમનાં બાળકો અમર માટે અફ કોર્સ, ઈશ્વરે મોકલેલા દેવદૂતો હતા. એને મમ્મી-પપ્પા કે ભાઈ-ભાભી વગર તો હજીય ચાલે, પણ એમના ભટૂરીયાઓ વગર તો એ સુવા પણ નહોતો જતો. પણ આ કેવો ઈશ્વરી ઈન્સાફ કે, એક વખત ડિપ્રેશનના ખાડામાં ઉતરી ગયા પછી શ્રીરામ-સીતા જેવાં મા-બાપ કે લક્ષ્મણ-ઊર્મિલા જેવાં ભાઈ-ભાભીનાંય મોઢાં જોવા એ તૈયાર નહોતો. કોઈ ગમે તેટલું બોલાવે, એ એના રૂમના ખૂણામાં બે પગ વચ્ચે માથું દબાવી ભોંય ઉપર બેસી રહેતો. એને શેનું ડિપ્રેશન હતું કે કઈ ચિંતા એને ખાઈ જતી હતી, એ ઘરમાં કોઈને ખબર પડે તો ઈલાજની દોડધામ થાય! ભાભી તો ખાસ એને ખૂબ ભાવતી ખાંડવી રોજ બનાવી દેતાં ને રોજ એ એંઠવાડમાં જતી… (ભાભી નહીં, ખાંડવી!) આઠેક મહિના થવા આવ્યા છતાં અમર કોઈની સાથે બોલતો જ નહોતો. કાંઈ બોલે તો ખબર પડે ને! ત્યાં જ… એક સુંદર સવારે…! *** કૌમિલ પહેલેથી કંઈ વધારે પડતો શાંત હતો. બાજુવાળા પટેલ એના ફાધરને લેવાદેવા વગરના બે લપડાક મારી ગયા હતા. ત્યારે, જૈન ધર્મમાં આવું કોઈ મારી જાય તોય ક્ષમા આપવી, એવો ઉપદેશ હોવા છતાં એ હાથ જોડીને પટેલની ક્ષમા માંગવા ગયો હતો. પણ એક ગોઝારી સવારે અચાનક કૌમિલ ફાટ્યો. ગાર્ડનમાં ચાલવા જાય ત્યાં કોઈને ઊંધા હાથની બે ઠોકતો આવ્યો. પછી તો એ વાતેવાતે ગુસ્સે થઈ જવા માંડ્યો. મારામારી રોજની અને માર ખાઈને પણ રોજ ઘેર આવવાનું, એ બધું નવું ડેવલપમેન્ટ હતું. પણ કાચી સેકન્ડમાં ગુસ્સો પિચ્ચોતેરમાં આસમાને જતો રહે, એવું સાલું હમણાં-હમણાંથી જ બનવા માંડ્યું હતું. એ તો ઘરમાંય કોઈને ઠોકી દેતો, એમાં 82 વર્ષનાં બા અને 83 વર્ષના બાપુજી ઘરમાંય ક્રિકેટરો જેવી હેલમેટ પહેરીને રહેવા માંડ્યાં. બારમાસી ગુસ્સામાં રહેતા કૌમિલના ફાધર પહેલાં તો ફક્ત બાજુવાળા પટેલ અને ઘરવાળી વાઈફથી જ ડરતા… હવે સુપુત્રથી ડરવાનો કોર્સ ચાલુ કરવો પડ્યો. દીકરાના પર્મેનેન્ટ ગુસ્સાને કારણે, ફાધર લેવાદેવા વગરના શાંત પડી ગયા હતા. તપાસ તો બધી કરાવી લીધી હતી કે, કોકની સાથે સેટ થયા પછી એનું લશ્કર રદબાતલ થયું છે? ક્લબના કાર્ડ-રૂમમાં બધાંને પુછાવી જોયું કે, ‘કૌમિલ કોઈ બહુ મોટી રકમ હાર્યો છે?’ ત્યાંથી જવાબ મળ્યો કે, ‘મારે બે રાણી નીકળી’તી ને એને બે ગલ્લા નીકળ્યા, એમાંય તમારા છોકરાએ આડા હાથની ઠોકી દીધી… આ જુઓ. આ તૂટેલા નાક ઉપર તમારો કૌમિલ ચોંટ્યો છે!’ … અને આવો કૌમિલ પણ તદ્દન શાંત થઈ ગયો… અચાનક, કેવી રીતે? *** ઓહ… આ ત્રણેય કહાનીના હીરાઓ પાછા પરફેક્ટ લાઈનમાં આવી ગયા. પેલાએ આપઘાત માંડી તો વાળ્યો, પણ એના ત્રાસથી એની સાસુ લટકવા જતી હતી, એનેય ટાઈમસર છોડાવીને નોર્મલ બનાવી. અમરનું ડિપ્રેશન તો બહુ દૂરની વાત છે. પોળના ઓટલા નીચે કોઈ ગાય શાંતિમય ઢબે બેઠી હતી, તો એ ડિપ્રેશનમાં હશે, એમ સમજીને પલભરમાં એનેય ઊભી કરી દીધી… ‘ઊભી કરી દીધી’, એટલે એના ડિપ્રેશનમાંથી! કૌમિલ ગુસ્સામાં હવે તો પોતાના ગાલેય થપ્પડો મારતો નથી. એણે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો અને વાતો સ્વામી વિવેકાનંદની કરવા લાગ્યો. આ બધા અકલ્પનીય સુધારા આવ્યા કેવી રીતે? તમારા ઘરમાં કે ઘરની બહાર આવો કોઈ કેસ પડ્યો હોય તો અમારી પાસે એક ઉત્તમ રસ્તો છે. ગુજરાતભરમાં હવે કેટલીક એવી સંસ્થાઓ નીકળી છે, જે આવા માર્ગ ભૂલેલાઓને સલામત રસ્તે લાવી, એમનું જીવન નોર્મલ કરી આપે છે. મને પૂછી શકો છો, ‘કેવી રીતે?’ { ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...