ડૉક્ટરની ડાયરી:મુઝે હમરુહ સચ્ચા ચાહિયે થા,મેરે હક મેં ખુદા ને ‘તૂ’ લિખા હૈ

ડૉ. શરદ ઠાકર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘સાહેબ, ચામડીની તકલીફ તો ચાલુ જ છે. તમારી દવાથી કોઇ ફરક પડ્યો નથી.’ ડોક્ટરે એમની તરફ જોઇને ટકોર કરી, ‘તમારાં કપડાંમાં પણ ક્યાં કોઇ ફરક પડ્યો છે?

ક્લિનિકનો વેઇટિંગ રૂમ દર્દીઓથી ચિક્કાર ભરેલો હતો. સ્કિન સ્પેશિયલિસ્ટ ડો. મહેશ નાકરાણી એક પછી એક દર્દીને તપાસતા જતા હતા. પટ્ટાવાળો બાબુ વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દીઓ અને કન્સલ્ટિંગ રૂમમાં બેઠેલા ડોક્ટર વચ્ચે સંયોજનની જવાબદારી સંભાળી રહ્યો હતો. નવી નવી પ્રેક્ટિસ હતી પણ જામતી જતી ખ્યાતિ હતી. આખા શહેરમાં ચર્ચા ચાલતી હતી કે ડો. મહેશભાઇ લાંબી રેસનો ઘોડો પુરવાર થશે. એમનું જ્ઞાન અને એના કરતાંય વધારે એમની પ્રામાણિકતા એમને કામયાબી અપાવીને જ રહેશે. ત્રીસેક વર્ષની ઉંમરના ભવાનીસિંહ ગોહિલ વેઇટિંગ રૂમમાં દાખલ થયા અને લાકડાંની બેન્ચ પર એકમાત્ર જગ્યા ખાલી હતી ત્યાં બેસી ગયા. બાબુએ પૂછ્યું, ‘ડોક્ટરને બતાવવાનું છે? કેસ કઢાવવો પડશે. શું તકલીફ છે તમને?’ ભવાનીસિંહ ગોહિલ વંશના ખાનદાની રાજપૂત. વિવેક અને સંસ્કારિતા રાજપૂતોના ડી.એન.એ.માં પ્રિન્ટ થયેલી હોય છે. એમણે ક્લિનિકની શાંતિનો ભંગ ન થાય એનો ખ્યાલ રાખીને ધીમા અવાજમાં, ઓછા શબ્દોમાં જવાબ આપ્યો, ‘ના, ભાઇ. હું દર્દી તરીકે નથી આવ્યો. હું તો ડોક્ટરસાહેબને મળવા આવ્યો છું.’ બાબુનો પેટાપ્રશ્ન, ‘ડોક્ટરસાહેબ તમને ઓળખે છે?’ ભવાનીસિંહજી હસ્યા, ‘હા અને ના. તમે ડોક્ટરસાહેબને આટલું કહો કે ત્રાપજથી ભવાનીસિંહ મળવા આવ્યા છે. એમને કહેજો કે મને ઉતાવળ નથી. મને છેલ્લો બોલાવશે તો પણ ચાલશે.’ બાબુએ અંદર જઇને ડોક્ટરને મેસેજ આપ્યો. ડોક્ટરે સૂચના આપી, ‘ઓહોહો! ભવાનીસિંહજી પધાર્યા છે? એમને તો પહેલાં જ બોલાવવા પડે પણ આટલા બધા દર્દીઓનું શું? બાપુને કહો કે વાંધો ન હોય તો...’ બાપુને ક્યાં વાંધો હતો? ક્ષત્રિયોને જો કોઇને મારવા કે મરવા જવું હોય તો ઉતાવળ હોય, કોઇને મળવા માટે ન હોય. પૂરા બે કલાક બેસવું પડ્યું. ત્યાં સુધી ભવાનીસિંહજી મેગેઝિનનાં પાનાં ફેરવતા રહ્યાં. ભવાનીસિંહજી શિક્ષક હતા. હાલમાં તો એમની ઉંમર 71 વર્ષની છે. આચાર્યપદેથી નિવૃત્ત થયા એ વાતને પણ 13 વર્ષ થઇ ગયા છે. આ ઘટના તો વર્ષો પહેલાંની છે. ત્યારે તેઓ યુવાન હતા અને શિક્ષક તરીકે સાવ નવાસવા હતા. એમને વાંચનનો શોખ હતો. ક્યારેક લખતા પણ હતા. તે સમયના સ્થાનિક અખબારમાં ધર્મ વિષયક કટાર પણ ચલાવતા હતા. આથી જ ત્રાપજ જેવા નાનકડા ગામમાં રહેતા હોવા છતાં આખા જિલ્લામાં એમનું નામ જાણીતું બની ગયું હતું. સારે માઠે પ્રસંગે લોકો એમને યાદ કરતા હતા. ડો. મહેશભાઇએ પણ એમને યાદ કર્યા હતા. એકાદ મહિના પહેલાં એમના ક્લિનિકનો શુભારંભ થયો હતો ત્યારે એમણે ભવાનીસિંહજીને નામજોગ આમંત્રણ પાઠવ્યું હતું. બાપુ વ્યસ્તતાને કારણે જઇ શક્યા ન હતા. એટલે જ એમને થયું કે એક વાર ડોક્ટરને મળીને શુભેચ્છા આપી આવું. પણ અહીં આવ્યા પછી બાપુને સમજાઇ ગયું કે ડોક્ટરને શુભેચ્છાની જરૂર રહી ન હતી. એમની પ્રેક્ટિસ બહુ ઓછા સમયમાં જામી ગઇ હતી. વેઇટિંગ રૂમમાં બે કલાક પ્રતીક્ષા કરતા બેસી રહ્યા. એ દરમિયાન બાપુએ હોઠ બંધ અને કાન ખુલ્લા રાખ્યા હતા. એમના કાનમાં ત્યાં ઉપસ્થિત દર્દીઓ દ્વારા ડોક્ટર વિશે ઉચ્ચારાયેલી પ્રશંસા રેડાતી રહી હતી. આખરે એમનો વારો આવ્યો. તેઓ કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશ્યા. ફેસ ટુ ફેસ બંને પ્રથમ વાર મળી રહ્યા હતા. બાબુએ નામ જણાવ્યું હતું એટલે ડોક્ટર ભવાનીસિંહજીને આવકારવા માટે ઊભા થઇ ગયા. બે હાથ જોડીને આદરપૂર્વક બોલ્યા, ‘પધારો બાપુ! બહોત દેર કર દી હુજૂર આતે આતે.’ સામે પડેલા સોફામાં સ્થાન ગ્રહણ કરીને ભવાનીસિંહજી બોલ્યા, ‘શુભેચ્છા આપવા નથી આવ્યો પણ તમને શાબાશી આપવા આવ્યો છું. બહુ ઓછા સમયમાં ખૂબ સારું નામ કમાયા છો.’ બંને સાત્વિક પુરુષો એકાદ કલાક સુધી વાતો કરતા રહ્યા. ડોક્ટરે વિનમ્રતાપૂર્વક પોતાની વિચારધારા અને કાર્યપદ્ધતિ વિશે ફોડ પાડ્યો, ‘મારો પરિવાર પેઢીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયને માનતો આવ્યો છે. હું મારા દરેક દર્દીમાં શ્રીજી ભગવાનને જ જોઉં છું. મારે વધારે પૈસા કમાઇને નામ નથી કમાવવું, પણ મારે તો સારું નામ કમાઇને પૈસા કમાવવા છે. દર્દીઓને સાચી સલાહ આપવી અને એની આર્થિક સ્થિતિ જાણીને એને પરવડે એટલી ફી લેવી. આ મારો મુદ્રાલેખ છે. આનાથી વિશેષ કંઇ કરવા જેવું હોય તો મને જણાવો.’ ભવાનીસિંહજીએ પ્રસન્ન થઇ જઇને ડોક્ટરને બિરદાવ્યા અને કહ્યું, ‘જે વિદ્યાર્થી બધું શીખીને બેઠા હોય એને મારા જેવો શિક્ષક પણ વધું કંઇ શીખવી ન શકે. કેરી ઓન, ડોક્ટર!’ શુભેચ્છા મુલાકાત પૂરી કરીને ભવાનીસિંહજી વિદાય થયા. છએક મહિના વીતી ગયા. ફરી પાછા તેઓ ડો. મહેશભાઇના ક્લિનિકની મુલાકાતે આવ્યા. આ વખતે પણ દર્દીઓની ભીડ જામી હતી. બાબુ ઓળખી ગયો. એણે કહ્યું, ‘સાહેબને મળવા માટે આવ્યા છો? બેસો નિરાંતે. રાહ જુઓ.’ ‘ના, આજે હું દર્દી તરીકે આવ્યો છું. મારો વારો આવે એ પ્રમાણે મને અંદર જવા દેજે.’ બાપુએ જવાબ આપ્યો. એકાદ કલાકમાં એમનો વારો આવી ગયો. ડોક્ટર એમને જોઇને ખુશ થયા. બાપુએ પોતાની તકલીફ રજૂ કરી, ‘છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી મને આખા શરીરે ખંજવાળ આવે છે. ચામડી લાલ થઇ ગઇ છે. નાની નાની ફોલ્લીઓ ઊપસી આવી છે. અમારા ગામડાના ડોક્ટરે લખી આપેલી ટ્યૂબ અજમાવી જોઇ. જરા પણ ફેર પડ્યો નથી.’ ડો. મહેશભાઇએ ઘણાબધા પ્રશ્નો પૂછ્યા. આહાર-વિહાર, કપડાં, સાબુ, ક્રીમ, પાઉડર, તેલ જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી લીધી. પછી દર્દીને ટેબલ પર સૂવડાવીને ચામડીની તપાસ કરી લીધી. એ પછી એમણે નિદાન જણાવ્યું, ‘ચિંતા કરવા જેવું કંઇ નથી. માત્ર એલર્જિક રિએક્શન છે. તમે ટેરીકોટનનાં કપડાં પહેરવાનું બંધ કરીને ખાદીનાં કપડાં પહેરવાનું શરૂ કરી દો. હું પાંચેક દિવસ માટે સામાન્ય ટેબ્લેટ્સ લખી આપું છું એ લેજો. સારું થઇ જશે.’ ભવાનીસિંહજીએ આગ્રહપૂર્વક ફી આપી દીધી અને ડોક્ટરે અચકાતા મન સાથે સ્વીકારી લીધી. દસેક દિવસ પછી ભવાનીસિંહજી ફરી પાછા પધાર્યા. આ વખતે બે ફરિયાદો લઇને આવ્યા હતા. ‘સાહેબ, ચામડીની તકલીફ તો ચાલુ જ છે. બીજી ફરિયાદ એ છે કે તમારી દવાથી કોઇ ફરક પડ્યો નથી.’ ડોક્ટરે એમની તરફ જોઇને ટકોર કરી, ‘તમારાં કપડાંમાં પણ ક્યાં કોઇ ફરક પડ્યો છે? હજી પણ ટેરીકોટનનાં વસ્ત્રો પહરેવાનું ચાલુ જ રાખ્યું છે. દરેક બીમારીમાં દવાની જરૂર નથી હોતી. ક્યારેક સલાહ પણ કામ કરી જાય છે. મેં લખી આપેલી ગોળીઓ બીજા પાંચ દિવસ સુધી ચાલુ રાખો. સારું થઇ જશે.’ બાપુ કચવાતા મન સાથે વિદાય થયા. અઠવાડિયા પછી ફરી પાછા આવવા માટે. આ વખતે બાપુ બોલે એ પહેલાં ડોક્ટરે ફરિયાદ કરી, ‘તમે હજુ પણ ખાદી પહેરવાનું ચાલુ નથી કર્યુ? ઠીક છે.’ આટલું કહીને ડો. મહેશભાઇ એમના પ્રીસ્ક્રિપ્શન પેડમાં કશુંક લખવા લાગ્યા. દર વખતે તો દવા લખતા એમને થોડીક જ વાર લાગતી હતી. આ વખતે સારો એવો સમય લાગ્યો. આખું પાનું ભરાઇ ગયું. સામેની તરફ બેઠેલા ભવાનીસિંહજી મનોમન ખુશ થતા હતા કે આ વખતે ડોક્ટર સારી દવા લખી આપતા હોય એવું લાગે છે. દસેક મિનિટ પછી ડો. મહેશભાઇએ માથું ઊંચું કર્યું. પ્રીસ્ક્રિપ્શન પેપર બાપુને આપીને એમણે કહ્યું, ‘આમાં આપણા શહેરના બીજા તમામ સ્કિન સ્પેશિયલિસ્ટ્સનાં સરનામાં અને ફોન નંબર લખી આપ્યાં છે. એ લોકો કેટલા મહિના સુધી સારવાર લંબાવશે અને તમારી પાસેથી કેટલા રૂપિયા લેશે એ પણ મેં જણાવી દીધું છે. તમે જાતે અનુભવ કરી આવો. મારી પાસે તમારા જેવા દર્દીઓ માટે હવે કોઇ દવા નથી. મારી સલાહ એ જ મારી સારવાર છે.’ ભવાનીસિંહજી ચૂપચાપ ઊભા થઇ ગયા. ક્લિનિકની બહાર આવીને તેમણે પેલો કાગળ ફાડી નાખ્યો. પછી સીધા શહેરના એક જાણીતા ખાદી વસ્ત્ર ભંડારમાં જઇ પહોંચ્યા. બે જોડી લેંઘા અને ઝભ્ભાની ખરીદી કરી અને પાછા ડોક્ટર પાસે પહોંચી ગયા. પેકેટ બતાવીને બોલ્યા, ‘આ વખતે તમારી સલાહ પણ માનું છું. જો સારું ન થયું તો કેટલા દિવસ પછી પાછો આવું?’ ડો. મહેશભાઇએ કહ્યું, ‘બીમારી માટે પાછા નહીં આવવું પડે. આભાર માનવા માટે જરૂર આવી શકો છો.’ બાપુને ખરેખર મટી ગયું. બન્યું એવું હતું કે ભવાનીસિંહજી પહેલેથી જ કોટનનાં વસ્ત્રો પહેરતાં હતાં પણ શાળામાં નોકરી મળી ત્યારે તેમણે વિચાર્યુ કે વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવા માટે ટેરીકોટનનાં પેન્ટ-શર્ટ પહેરવાં જોઇએ. એમને ક્યાં ખબર હતી કે આ ભૂમિ પર દેહ હોય કે દેશ, સૌથી ઊંડો પ્રભાવ ખાદીનો જ પડે છે. (ડોક્ટરનું નામ બદલ્યું છે.) ⬛ drsharadthaker10@gmail.com શીર્ષક પંક્તિ : શબનમ

અન્ય સમાચારો પણ છે...