તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાં ગોળીબાર:મારી કલમને ખરજવું થયું છે

એક મહિનો પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • આજે મારી ફેફસાંની નસોનાં ટેરવામાં કૂંપળો ફૂટી છે...

મારા પડછાયામાં તિરાડ પડી છે. મારા અરીસામાં સળ પડી છે. મનના પ્રતિબિંબો ઉપર ઇસ્ત્રી ફેરવી શકાતી નથી. પડછાયાને સાંધી શકાતો નથી. અંધારું માત્ર પડછાયાને ગાયબ કરે છે. અરીસો ન હોય એટલે કંઈ ચહેરો ખોવાઈ જતો નથી. પોતાની ઓળખ ગુમાવી બેસનારે ક્યાં જઈને એફઆઈઆર કરવાની? લાગણીઓનાં સેલ નથી હોતાં, મનનાં ડિસ્કાઉન્ટ નથી હોતાં, બિલ ચુકવવાથી કંઈ વિચારો ખરીદી શકાતા નથી, છતાં આજે મારે એક વિચાર વેચવા માટે મૂકવો છે... તમને થતું હશે કે આજે મન્નુભાઈનું કાં તો ચસકી ગયું છે અથવા તો ભાઈસાહેબ આજે જ કોઈ મેન્ટલ હોસ્પિટલમાંથી સારવાર લીધા વિના બહાર આ‌વી ગયા છે! નહિતર આવા લવારા લખે નહીં... પણ દોસ્તો, ગેરસમજ તમારી છે, મારી નહીં. ‘દિવ્ય ભાસ્કર’ના આ પાને અહીં ‘હવામાં ગોળીબાર’ ખાતે જે લખાય એ જ ફની હોય એવું કોણે કહ્યું? ઘણા સિરિયસ લોકો આવું બધું ફની-ફની લખતા હોય છે! એટલું જ નહીં, અનેક સિરિયસ વાચકો આવું ફની લખાણ સિરિયસલી વાંચતા પણ હોય છે. જુઓ આ નમૂનો... મારા પડછાયામાં તડ પડી છે. મારા અરીસામાં સળ પડી છે... સોરી સોરી, આ તો પાછું પેલું જ આવી ગયું. આપણે ‘શ્વાસ’ વિશે કંઈક લખવાનું છે ને? તો જુઓ, એમાં શ્વાસનું નામ જ નહીં લેવાનું! આ રીતે... આજે મારી ફેફસાંની નસોનાં ટેરવામાં કૂંપળો ફૂટી છે. આજે મારા ઘૂંટણમાં કાંટા ફૂટ્યા છે. મારી કોણીએ રોજ એક નારિયેળીનો છોડ ઊગીને સૂકાઈ જાય છે. શું તમે કદી નારિયેળીનું બાળપણ જોયું છે? બાળપણમાં નારિયેળીનું થડ રુક્ષ નથી હોતું, પાંદડાં તીક્ષ્ણ નથી હોતાં. વાઘનું બચ્ચું નાનું હોય ત્યારે સૌને વહાલું લાગે છે, કારણ કે તેના કુમળા નહોર વડે રાક્ષસને પણ ગલગલીયાં થઈ શકે છે. ફેફસાંમાં આકાશ ભરીને જીવવું આજે અશક્ય થઈ ગયું છે, કારણ કે સૌએ પોતપોતાની સગવડ પ્રમાણે NH1નાં માસ્ક મોં ઉપર લગાવી લીધાં છે. મારે મારા ઘરનાં આંગણે ઓક્સિજનનું મેઘધનુષ રોપવું છે, પણ જો તે મારા પગની ટચલી આંગળીને અડશે તો મારે ડોક્ટરને બતાવવું પડશે, કેમ કે મને એ જ આંગળી નીચે કણી થઈ છે. શ્વાસમાં ખૂંચતી કણીનો કોઈ ઉપાય નથી હોતો. હોસ્પિટલોમાં ભટકતો શ્વાસ ક્યારેય સ્મશાનોમાં લટાર મારીને પાછો આવતો હોય છે. ડોક્ટરો સ્વચ્છ હવાનાં પ્રિસ્ક્રિપ્શનો લખી આપશે એ દિવસો ક્યારે આવશે? આજે 3 ફેબ્રુઆરી છે. શું 14 ફેબ્રુઆરી સુધીમાં એ દિવસ આવશે ખરો? વેલેન્ટાઈન ડે ગુલાબી શ્વાસોનો દિવસ છે. આ વખતે હું પીળા શ્વાસનું માસ્ક પહેરવાનો છું... - જોયું? કેટલું સહેલું છે! ફોર્મ્યુલા સાવ સહેલી છે. સૌથી પહેલાં થોડા પોચા-પોચા રૂપાળા શબ્દો શોધી રાખવાના. જેમ કે, શ્વાસ, મેઘધનુષ, હિંચકો, કૂંપળ, ટેરવાં, ઝરણું, ઝાકળ, ઝણઝણાટી... વગેરે. પછી એનાં લાકડે માંકડાં ગોઠવવાનાં! જેમ કે ‘આજે મારા શ્વાસની ઝણઝણાટીમાંથી એક મેઘધનુષનું ઝરણું ફૂટ્યું છે... આમાં બહુ લોજિક નહીં વિચારવાનું કે અલ્યા શ્વાસમાં ‘ઝણઝણાટી’ થતી હોય તો ક્યાંક કોરોનાની અસર તો નથી ને? ભાઈ સાહેબ, આવું વિચારવા રહેશો તો તમે લખી રહ્યા! અચ્છા, બીજી પણ એક ફોર્મ્યુલા છે. આમાં શું કરવાનું કે, વચ્ચે વચ્ચે હાઈટેક અંગ્રેજી શબ્દો ભભરાવ્યા કરવાના! જુઓ... અરીસાઓના કેટ-સ્કેન રિપોર્ટનું ડાયગ્નોસિસ કોણ કરશે? મેઘધનુષમાં હિમોગ્લોબિન ખૂટી જશે તો તેનાં સિમ્પટમ્સ કોને દેખાશે? દરિયાની માછલીઓને ડિ-હાઈડ્રેશન થાય અને ડોલ્ફિનને ડિપ્રેશન આવે ત્યારે કઈ ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ જોવા મળશે? પ્રસિદ્ધ ફ્રેન્ચ ફિલોસોફર ‘જ્યાં-પોલ-ત્યાં-બખોલ’ લખી ગયા છે કે હથેળીની રેખાઓને હાઈપરટેન્શન થશે તે દિવસે જગતના ઇતિહાસને ‘ફ્યુચર-શોક’નો અહેસાસ થશે! ચાલો, હવે પૂરું કરીએ, કેમ કે મારી હથેળીમાં એક નવી સગડી ઊગી રહી છે... ⬛

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો