અગોચર પડછાયા:મારી સામે હાજર કોઈ પણ એક જણને હું ખાઈ શકીશ

જગદીશ મેકવાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બગદાદ સમૃદ્ધ હતું, પણ યાકુબ નહીં. આસપાસનાં અમીર ઉમરાવોનાં ઘરમાં કામ કરીને રેહાના પરિવાર માટે બે ટંકની રોટીનો બંદોબસ્ત તો કરી જ લેતી. યાકુબ પણ આખો દિવસ મજૂરી કરતો. એ જે દિવસે સારું કમાતો એ દિવસે નાન અને તંદૂરી ભઠિયારવાડમાંથી આવતાં અને ત્રણેય મોજથી ખાતાં. ત્રણેયમાં ત્રીજો એમનો અગિયાર વર્ષનો અપંગ, મંદબુદ્ધિ દીકરો શબ્બીર. રેહાના જે અમીરના ઘરે કામ કરતી હતી, એની બીવીએ એક વાર ભંગાર કાઢ્યો અને એમાંથી જે બરતન કામવાળીઓને જોઈતાં હોય એ લઈ જવાની છૂટ આપી. એ સમયે રેહાના કોઈ કામમાં હતી. એટલે એ ત્યાં મોજૂદ ન હતી. મોકાનો લાભ ઊઠાવી બધી કામવાળીઓએ બરતન વહેંચી લીધાં. રેહાના આવી ત્યારે માત્ર એક ચિરાગ ત્યાં પડેલો હતો. રેહાનાએ એ ચિરાગ લીધો અને માલકિનને શુક્રિયા અદા કરીને ઘરે ગઈ. સાંજે યાકુબ આવ્યો એટલે એણે એને એ ચિરાગ બતાવ્યો. એ ચિરાગને જોઈને શબ્બીર ખુશ થઈ ગયો અને એણે એ ચિરાગ રમવા માટે લીધો. રમતાં રમતાં એ ચિરાગ ઘસ્યો અને અચાનક જ એમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. ત્રણેય જણે ગભરાઈને ચિરાગ સામે જોયુ. ચિરાગમાંથી નીકળતો ધુમાડો બંધ થયો અને એક જીન પ્રગટ થયો. એનો દેખાવ બિહામણો હતો. એને જોઈને ત્રણેય બી ગયાં. જીન બોલ્યો, ‘હું જીન છું.’ ‘અલાઉદ્દીનના ચિરાગવાળા?’ રેહાનાએ બીતાં બીતાં સવાલ કર્યો. ‘ના. એ તો અમારા આકા કહેવાય. હું તો નાનો જીન છું.’ ‘તમે અમારી ખ્વાહિશ પૂરી કરશો?’ ‘કરીશ, પણ ફક્ત બે જ ખ્વાહિશ.’ ‘ચાલશે.’ યાકુબ ઊતાવળા સ્વરે બોલ્યો એટલે જીને એને અટકાવતા કહ્યું, ‘સબર...સબર...ઊતાવળ ના કર. પહેલાં આખી વાત ધ્યાનથી સાંભળી લે. ચિરાગમાં રહેવું એ બદદુઆ છે. મને બદદુઆ મળેલી છે કે મારે હંમેશાં ચિરાગમાં રહેવું પડશે. જ્યારે કોઈ એ ચિરાગ ઘસશે ત્યારે જ હું બહાર આવી શકીશ. જેણે એ ચિરાગ ઘસ્યો હશે એનો હું અહેસાનમંદ હોવાથી મારે એની બે ખ્વાહિશ પૂરી કરવી પડશે અને હું આટલા વખતથી ચિરાગમાં રહ્યો હોવાથી મને ભૂખ લાગી હોવાને કારણે હું એ ભૂખને સંતોષવા મારી સામે હાજર કોઈ પણ એક જણને ખાઈ જઈ શકીશ.’ ‘કોને ખાઈ જશો?’ રેહાના ધ્રૂજી ઊઠી. ‘એ તમે નક્કી કરો.’ જીન બોલ્યો. ‘મતલબ?’ ‘મતલબ. જો કોઈ એકલો ઈન્સાન, જાનવર, હેવાન કે મારા જેવો જીન...કોઈ પણ મારી સામે હોય તો હું એને ખાઈ જઈ શકું, પણ એકથી વધારે હોય તો એ લોકો નક્કી કરે કે એ લોકોમાંથી મારે કોને ખાવો. એ લોકો જેને કહે એને જ હું ખાઈ શકું.’ જીન બોલ્યો અને ઊમેર્યું, ‘તો નક્કી કરો કે તમારે શું જોઈએ છે? અને એ પણ નક્કી કરો કે મારે તમારા ત્રણમાંથી કોને ખાવાનો છે?’ જીનની વાત સાંભળીને બંને જણ સ્તબ્ધ થઈ ગયાં. યાકુબે રેહાનાને કહ્યું, ‘આપણે પહેલાં તો એ માંગીએ કે આપણો શબ્બીર સાજો થઈ જાય અને બીજું માગીએ દૌલત.’ ‘અને પછી એ આપણામાંથી એક જણને ખાઈ જશે એનું શું?’ રેહાના ફાટેલા અવાજે બોલી. ‘મને ખાઈ જાય. તું અને શબ્બીર જીવજો.’ યાકુબ લાગણીભર્યા સ્વરે બોલ્યો. રેહાનાએ કંઈક બોલવા મોં ખોલ્યું, પણ એની આંખમાં આંસુ ધસી આવ્યાં. યાકુબ પણ રડી પડ્યો. મા-બાપને રડતાં જોઈને શબ્બીર પણ રડવા લાગ્યો એટલે જીન બોલ્યો, ‘જલદી કરો. મને ભૂખ લાગી છે.’ ‘મને માંગવા દો.’ રેહાનાએ કંઈક વિચારીને યાકુબને કહ્યું. એટલે યાકુબ બોલ્યો, ‘તું માંગ, પણ કુરબાની તો હું જ દઈશ.’ ‘અમારી પહેલી ખ્વાહિશ છે, અમારો છોકરો શબ્બીર સાજો-સમો થઈ જાય.’ રેહાનાએ માંગણી મૂકી. જીને જાદૂ કર્યો અને શબ્બીર સાજો થઈ ગયો. મા-બાપની આંખો ખુશીઓથી છલકાઈ ગઈ. મા-બાપને બીજુ શું જોઈએ? ‘મારી બીજી ખ્વાહિશ છે તમે જે ચિરાગમાંથી નીકળ્યા એવો જ, તમારા જેવા જ જીનવાળો બીજો ચિરાગ અમને આપો.’ ‘વિચારી લેજો એવું માંગતા પહેલા.’ જીને ચેતવણી આપી, ‘કેમ કે એ જીન મારા જેવો જ હોવાથી તમારી બે ખ્વાહિશ તો પૂરી કરશે, પણ એક જણને ખાઈ જશે.’ ‘સોચી લીધું. તમે આપો.’ રેહાના મક્કમતાથી બોલી અને જીને એની એ માંગણી પણ પૂરી કરી. રેહાનાએ બીજો ચિરાગ ઘસ્યો. જીન પ્રગટ થયો. રેહાનાએ એની પાસે દૌલત માંગી અને પહેલા જીન પાસે માંગેલો એવી રીતે જ ચિરાગ માંગ્યો. બંને જીન ફાટી આંખે રેહાનાને તાકી રહ્યા. બીજા જીને એને ત્રીજો ચિરાગ આપ્યો અને એ હવે ચોથો ચિરાગ માંગશે એ બીકે પહેલા જીને કહ્યું, ‘મારે કોને ખાવાનો છે?’ ‘અને મારે પણ.’ બીજા જીને પણ કહ્યું. જવાબમાં રેહાનાએ કહ્યું, ‘તમે બંને જીન પણ અહીં અમારી સાથે જ હાજર છો અને તમે જ કહેલું કે ઈન્સાન, જાનવર, હેવાન કે તમારા જેવો જીન...કોઈ પણ હોય એને તમે ખાઈ શકો છો. તો અમે ત્રણેય જણ એમ નક્કી કરીએ છીએ કે તમે બંને એકબીજાને ખાઈ જાઓ.’ * * * હવે એ પરિવારનું બાકીનું જીવન શાંતિથી વીતવાનું હતું. માટે પોતપોતાના ચિરાગમાં પાછાં ભરાઈ ગયેલા જીનવાળા એ બંને ચિરાગને એ જ ઘરમાં ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા અને ત્રીજા ચિરાગને સાચવીને રાખવામાં આવ્યો, જેથી જરૂર પડે તો એનો ઉપયોગ પણ કરાય અને ભવિષ્ય માટે નવો ચિરાગ પણ મેળવી શકાય.⬛ makwanjagdish@yahoo.comબ

અન્ય સમાચારો પણ છે...