તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉક્ટરની ડાયરી:ઉસને પૂછા ક્યા પસંદ હૈ તુમ્હે? મૈં બહુત દેર તક દેખતા રહા ઉસે

ડૉ. શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ આખી સાંજ મનિયો ચાર નંબર પર જ ચોંટી રહ્યો. વીણા તો શું, વીણાનો એક સૂર પણ સંભળાયો નહીં. જાતજાતનો ઓર્ડર આપીને મસ્તમોટું બિલ ચૂકવીને પરાજિત યોદ્ધા જેવો મનિયો પરાણે ઊભો થયો

1970ના દશકનાં શરૂઆતી વર્ષો. જામનગરની મેડિકલ કોલેજનું કેમ્પસ. જામનગરની મેડિકલ કોલેજ એણે આપેલા અનેક તેજસ્વી ડોક્ટરો માટે પ્રખ્યાત છે. તો એની હોસ્ટેલ્સ એ જ વિદ્યાર્થીઓનાં તોફાનો માટે જાણીતી છે. સામાન્ય રીતે મેડિકલ સ્ટુડન્ટ્સની છાપ તેજસ્વી, સમજદાર, ઠરેલ અને શાંત વિદ્યાર્થીઓની હોય છે, પણ વિદ્યાર્થી અવસ્થામાં આ બધાં પણ ખૂબ રમૂજી અને ક્રિએટિવ તોફાનો કરી ચૂક્યા હોય છે. મારાથી એક વર્ષ સિનિયર ડો. મોહન રાબડિયા (હાલમાં ભાણવડ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે.) એમણે એક સરસ તોફાની કિસ્સો લખી મોકલ્યો છે. મહામારીના આ ઉદાસીકાળમાં આ કિસ્સો થોડી ઘણી રમૂજમિશ્રિત રાહત પ્રસરાવશે એવી અપેક્ષા છે. રાબડિયા, વહાણવટી (મામુ), ગાંધી તથા બીજા ચાર-પાંચ મિત્રો આદમની કેન્ટીનમાં બેસીને ચાના ઘૂંટ સાથે ગપ્પાંની લિજ્જત માણી રહ્યા હતા. ત્યાં કોઇકે વિચાર રમતો મૂક્યો, આજકાલ કેમ્પસમાં બધું ઠંડું ચાલી રહ્યું છે. કુછ તુફાની હો જાયે. આ વાક્ય પૂરું થાય ત્યાં જ કેન્ટીન પાસેથી મનીષ પસાર થયો. મનીષ અમારા કેમ્પસનું એક જાણીતું કેરેક્ટર હતું. એ હંમેશાં હવામાં જ ઊડતો હોય. વાચાળતાનું વરદાન પામેલો મનીષ કોલેજનાં નાટકોમાં કોમેડિયનનું પાત્ર ભજવતો હતો. ભણવામાં હોશિયાર. સાડા ચાર ફીટની હાઇટ પણ વહેમ ફિલ્મી હીરોનો. મનમાં એવો વહેમ પાળીને ફરે કે કોલેજની બધી છોકરીઓ એની ઉપર મરે છે. ચાય પે ચર્ચા ચાલી. આ મનિયાને બકરો બનાવીએ. ઠરાવ સર્વાનુમતે પસાર થઇ ગયો. હવે તોફાનની રૂપરેખા વિશે મંત્રણા ચાલી. હોસ્ટેલ લાઇફમાં સૌથી હાથવગું તોફાન બીજું કયું હોઇ શકે? એક મિત્રે સૂચન કર્યું, ‘આપણા મનુભાઇ પેલી વીણાના વહેમમાં ફરે છે. આપણે એ દિશામાં કંઇક વિચારીએ.’ નિર્ણય લેવાઇ ગયોઃ વીણાનાં નામથી મનીષને એક લવલેટર મોકલી આપીએ. લલિત નામનો એક મિત્ર પત્ર લખવા બેઠો. લલિત હસ્તાક્ષરો બદલવામાં નિપુણ હતો. એણે છોકરી જેવા અક્ષરોમાં પત્રોનું ડ્રાફ્ટિંગ કરી આપ્યું: પ્રિય મનીષ, તું મારા મનનો ઇશ છે. જે દિવસે મેં તને પ્રથમ વાર જોયો તે જ દિવસથી તું મારા હૃદયમાં વસી ગયો હતો. ઘણા સમયથી મારા દિલની વાત હું તને જણાવવા માગતી હતી, પણ મારી હિંમત ચાલતી ન હતી. ક્યાં તું અને ક્યાં હું? તું નાટકના મંચ પર અભિનયનાં અજવાળાં પાથરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી મૂકતો સુપરડુપર અભિનેતા અને હું ભણવાનાં પુસ્તકોમાં ખોવાયેલી રહેતી એક મામૂલી છોકરી. તારી પર્સનાલિટી ઉપર તો કેમ્પસની તમામ છોકરીઓ મરી પડે છે. મારા જેવી શરમાળ છોકરીને તારા જેવો ડેશિંગ યુવાન ક્યાંથી ભાવ આપવાનો હતો? છતાં આજે હિંમત કરીને આ પત્ર લખવા બેઠી છું. જો તને મારો પ્રેમ-પ્રસ્તાવ મંજૂર હોય તો આવતીકાલે સાંજે પાંચ વાગે તીન બત્તી પાસે આવેલી પ્રખ્યાત રેસ્ટોરાંમાં આવજે. ત્યાં ટેબલ નં: 4 પર હું તને મળવા આવીશ. જો તું નહીં આવે તો હું સમજી લઇશ કે તને મારો પ્રેમ કબૂલ નથી. પત્રનું ડ્રાફ્ટિંગ વાંચીને ભેગા થયેલા મિત્રો ત્યાં અને ત્યારે જ હસી પડ્યા. હસવાનું કારણ એ હતું કે પત્રમાં લખાયેલી બધી વાતો ખોટી હતી. હકીકતમાં વીણા અમારા કેમ્પસની સૌથી સુંદર છોકરી હતી. કેમ્પસના બધા સ્ટુડન્ટ એની આસપાસ મંડરાતા હતા. વીણા કોઇને ભાવ આપતી ન હતી. સાડા ચાર ફીટના મનીષના મનમાં સહેજ અમથો વહેમ હતો કે વીણા એને ચાહે છે. લલિતે પત્ર લખીને આ વહેમને દૃઢ કરી આપ્યો હતો. યોગાનુયોગ આ સમયે મનીષનો રૂમ પાર્ટનર ભરત પણ ઘટનાસ્થળે હાજર હતો. મિત્રોએ એને પણ વિશ્વાસમાં લઇ લીધો, ‘જો ભરતિયા, આપણું આ તોફાન સાવ નિર્દોષ છે. તું મનિયાની એક-એક ગતિવિધિ ઉપર નજર રાખતો રહેજે. જ્યારે તને એમ લાગે કે આપણું તોફાન મજાકની સરહદ વટાવીને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે તું અમને ચેતવી દેજે.’ ભરત સાથ આપવા માટે માની ગયો. પત્ર પોસ્ટ કરી દેવામાં આવ્યો. લોકલ પોસ્ટ હતી. બીજા દિવસે બપોર સુધીમાં પત્ર મનીષના હાથમાં પહોંચી ગયો. મનીષ જ્યારે પત્ર વાંચી રહ્યો હતો ત્યારે રૂમ પાર્ટનર ભરત લવ એન્ડ બેલીની સર્જરીની બુક વાંચવાનો ડોળ કરતો એની પ્રતિક્રિયા જોઇ રહ્યો હતો. પત્ર વાંચીને મનીષના બત્રીસે કોઠે વાસંતી કેસૂડો ખીલી ઊઠ્યો. જાણીતી હિંદી ફિલ્મનું ગીત ગણગણતા એણે ભરતને કહ્યું, ‘ચાલ, ભરત આજે તો હું તને ચા-નાસ્તો કરાવું.’ ભરત બાથરૂમ જવાને બહાને રૂમની બહાર નીકળ્યો અને એ જ લોબીમાં રહેતા મોહન રાબડિયાને કહી આવ્યો, ‘તમારા બનાવટી લવલેટરથી મનીષને ફાયદો થશે કે નહીં એ હું નથી જાણતો પણ મને તો ફાયદો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ કડકાએ ક્યારેય મને અડધી ચા નથી પીવડાવી. આજે હું તગડું બિલ બનાવીને જ એને છોડીશ.’ ચા-નાસ્તા વખતે પણ મનીષ જોરદાર રોમેન્ટિક મૂડમાં જણાતો હતો. આજે એને આખું જગત ગુલાબી ભાસતું હતું. ભરતે શંકા ન પડે એ રીતે પૂછ્યું પણ ખરું, ‘શું વાત છે મનીષ? આટલો ખુશ તો મેં તને ક્યારેય જોયો નથી. ઘરેથી વધારે રૂપિયાનું મનીઓર્ડર આવ્યું છે કે શું?’ ફોડ પાડે તો અભિનેતા શેનો? મનીષે જવાબ આપ્યો, ‘તને નહીં સમજાય, ભરત. મારી ખુશીની આગળ દુનિયાભરની દોલત તુચ્છ છે. મારી તો આજે લાઇફ બની ગઇ. હું તને વધારે કંઇ કહી શકતો નથી, પણ ચાર-પાંચ દિવસમાં હું તારી થનારી ભાભી સાથે ઓળખાણ કરાવીશ. આ વાત હમણાં તારા સુધી જ રાખજે.’ ભરતે એમ જ કર્યું. ભરપેટ નાસ્તો કર્યા પછી એ સીધો રાબડિયાની રૂમમાં પહોંચી ગયો અને કમ્પ્લિટ રિપોર્ટિંગ કરી દીધું. બીજા દિવસે મનિયો એની પ્રેમિકાને મળવા માટે તૈયાર થઇને નીકળ્યો. ષડયંત્રકારી મિત્રો કેમ્પસથી લઇને રેસ્ટોરાં સુધીના માર્ગમાં દોઢસો-બસ્સો મીટરનાં અંતરે ઊભા રહી ગયા જેથી મનીષની દરેક હિલચાલ ઉપર નજર રાખી શકાય. મનીષને પગપાળા જવામાં નાનમ લાગી હશે. કેમ્પસમાં એ જમાનામાં કોઇની પાસે સ્કૂટર કે બાઇક ન હતું. સુખી ઘરના પાંચ-સાત વિદ્યાર્થીઓ પાસે પોતાની સાઇકલ હતી. મનીષે કોઇની સાઇકલ ઉછીની માગી લીધી અને પ્રેમિકાને મળવા માટે પ્રયાણ કર્યું. એ દૃશ્ય જોવા જેવું હતું. વામન દેહ ધરાવતા મનિયાના બંને પગ એકસાથે પેડલ્સ સુધી પહોંચી શકતા ન હતા. જમણું પેડલ મારતી વખતે મનિયો જમણી બાજુએ લટકી પડતો હતો. ડાબું પેડલ મારતી વખતે મુરતિયો ડાબેરી બની જતો હતો. આવા હાલકડોલક મનિયાને જોઇને દર દોઢસો મીટરે ઊભેલા જાસૂસોના ગળામાંથી હાસ્યના ફુવારા ફૂટી નીકળતા હતા. પેડલ મારીમારીને પરસેવાથી રેબઝેબ થઇ ગયેલા શર્ટવાળો મનિયો છેવટે રેસ્ટોરાંમાં જઇ પહોંચ્યો. ચાલુ દિવસ હોવાથી એ સમયે રેસ્ટોરાં લગભગ ખાલી હતી. વેઇટરે નજીકના ખાલી ટેબલ તરફ જોઇને ઇશારો કર્યો, પણ મનીષે માથું હલાવ્યું, ‘ના, હું તો ચાર નંબરના ટેબલ પાસે જ બેસીશ.’ એ આખી સાંજ મનિયો ચાર નંબર પર જ ચોંટી રહ્યો. વીણા તો શું, વીણાનો એક સૂર પણ સંભળાયો નહીં. વાટ જોવામાં ચાર કલાક નીકળી ગયા. જાતજાતનો ઓર્ડર આપીને મસ્તમોટું બિલ ચૂકવીને પરાજિત યોદ્ધા જેવો મનિયો પરાણે ઊભો થયો. હવે એનામાં પેડલ મારવાના પણ હોશ બચ્યા ન હતા. સાઇકલને દોરતો, ચાલતો-ચાલતો એ હોસ્ટેલમાં પહોંચ્યો. હોસ્ટેલનાં પગથિયાં પાસે જ સાત મિત્રો સપ્તર્ષિના આકારમાં તેની રાહ જોતા બેઠા હતા. જેવો મનીષ એમની પાસેથી પસાર થયો એ સાથે જ લલિતે પ્રેમપત્રની સ્ક્રિપ્ટ બોલવાનું શરૂ કર્યું, ‘ક્યાં તું અને ક્યાં હું? તું નાટકના મંચ પર અભિનયનાં અજવાળાં પાથરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી મૂકતો સુપરડુપર અભિનેતા અને હું ભણવાનાં પુસ્તકોમાં ખોવાયેલી રહેતી એક મામૂલી છોકરી...’ એ પછી મનિયો જે શબ્દોમાં મિત્રો પર વરસી પડ્યો એ અહીં લખી શકાય તેમ નથી. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...