તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગોચર પડછાયા:હું વેમ્પાયર છું, રોજ રાત્રે શિકાર પર નીકળું છું

જગદીશ મેકવાન11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે તો હું ધરાયેલી છું. તું કાલે મને મળ, પછી તને બતાવું

નિકોલ નામની એ છોકરી રોજ રાત્રે સ્ટીવનને મળતી. સ્ટીવન રોજ એને લિફ્ટ આપતો અને એ રોજ એમ જ કહેતી કે એ એક વેમ્પાયર છે. જે માણસોનું લોહી પીને જીવે છે. આ સિલસિલો છેલ્લા પંદર દિવસથી ચાલુ હતો. પંદર દિવસ પહેલાં અમાસની રાત્રે, સ્ટીવન રોજની માફક પોતાનો બાર બંધ કરીને ઘરે જવા નીકળ્યો હતો. ત્યાં એને સૂમસામ સડક પર એકલીઅટૂલી ઊભેલી નિકોલ દેખાઈ અને એણે નિકોલને લિફ્ટ આપવા પોતાની કાર થોભાવી. નિકોલે લિફ્ટ નહોતી માંગી, તેમ છતાંયે. નિકોલ પણ જબરી છોકરી નીકળી. સાવ અજાણ્યા પુરુષની કારમાં બિનધાસ્ત બેસી ગઈ. એના ચહેરા પર ડરનું નામોનિશાન ન હતું. સ્ટીવને એના ચહેરા તરફ નજર નાખી. એનો ચહેરો અતિશય સુંદર, પરંતુ એકદમ જડ હતો. આંખોની કીકી લાલ રંગની, એકદમ બિહામણી હતી. ‘તમને બીક નથી લાગતી આવી રીતે, અડધી રાત્રે સાવ અજાણી વ્યકિત સાથે કારમાં જતાં?’ સ્ટીવને સવાલ કર્યો. ‘આ જ સવાલ હું તમને કરું તો?’ સવાલના જવાબમાં નિકોલે સવાલ કર્યો. જવાબમાં સ્ટીવનના ચહેરા પર એક હળવી મુસ્કાન તરવરી ઊઠી. એ બોલ્યો, ‘મને શા માટે બીક લાગે? તમે કાંઈ ભૂત થોડા છો?’ ‘છું.’, ‘હેં!’ ‘હા, હું ભૂત જ છું. વેમ્પાયર છું. રોજ રાત્રે શિકાર પર નીકળું છું. મને રોજ રાત્રે માણસનું લોહી પીવા જોઈએ છે.’ નિકોલે ઠંડે કલેજે જવાબ આપ્યો. ‘તો આજે મારો શિકાર કરશો? એમ?’ સ્ટીવનને મજા પડી રહી હોય એમ એણે સવાલ કર્યો. એના ચહેરા પર સ્મિત તરવરી રહ્યું હતું. એ જોઈને નિકોલ છંછેડાઈ ગઈ હોય એમ બોલી ઊઠી, ‘મજાક લાગે છે મારી વાત? તો જો...’ કહીને એણે પોતાના ચહેરા પર સ્માર્ટફોનની ટોર્ચ વડે પ્રકાશ પાડીને એક ઘુરકિયું કર્યું. ટોર્ચના પ્રકાશમાં એના બે તીણા રાક્ષસી દાંત ચમકી ઊઠ્યા. ‘વાઊ...’ સ્ટીવનને મજા પડી હોય એમ એ બોલી ઊઠ્યો, ‘મસ્ત ચોકઠું છે.’ ‘ચોકઠું નથી.’ નિકોલના અવાજમાં ગુસ્સો ઊમેરાયો. તે બોલી, ‘બચકું ભરીને બતાવું?’ ‘ના, હડકવાના ઇન્જેક્શન મૂકાવવાનો ટાઈમ કોની પાસે છે?’ ‘મસ્તી સૂઝે છે તને? મસ્તી સૂઝે છે?’ કહીને અકળાયેલી નિકોલ સ્ટીવનના ગળા તરફ ધસી. સ્ટીવન બોલી ઊઠ્યો, ‘ઓય... રિલેક્સ... રિલેક્સ...મેં લિફ્ટ આપી અને મને જ શિકાર બનાવીશ?’ ‘તું માનવા તૈયાર નથી તો શું કરું?’ ‘ઓકે ચાલ. માની લઊં છું. તું વેમ્પાયર છે. બસ? હવે બોલ, તને ક્યાં છોડું?’ ‘નોર્થ વે બ્રીજના છેડા પર.’ નિકોલે જડ સ્વરે જવાબ આપ્યો અને ચૂપ થઈ ગઈ. પછી જ્યાં સુધી નોર્થ વે બ્રીજનો છેડો ના આવ્યો ત્યાં સુધી બંને ચૂપ જ રહ્યાં. જ્યારે નોર્થ વે બ્રીજ ના છેડા પર નિકોલ ઊતરી ત્યારે સ્ટીવને સવાલ કર્યો, ‘તું વેમ્પાયર છે તો તેં મારુ લોહી કેમ ના પીધું.?’ ‘કેમ કે તું મને મળ્યો એ પહેલાં જ મેં એક ટ્રક ડ્રાઈવર પાસે લિફ્ટ માંગીને એનું લોહી ચૂસી લીધું હતું. આજે તો હું ધરાયેલી છું. તું કાલે મને મળ, પછી તને બતાવું, વેમ્પાયર કોને કહેવાય?’ ‘ડન. કાલે મળીએ. આજે મળેલા એ જ જગ્યાએ.’ બોલીને સ્ટીવને કાર મારી મૂકી. પછી બીજે દિવસે બંનેની મુલાકાત અગાઉ જ્યાં મળેલા એનાથી પાંચેક કિલોમીટર દૂર થઈ. નિકોલને જોતાં જ સ્ટીવને બરાબર એની બાજુમાં જ કાર થોભાવી. અને બોલ્યો, ‘ઓય, મિસ વેમ્પાયર... લિફ્ટ જોઈએ છે?’ ‘ના.’ નિકોલે ઘસીને ના પાડી દીધી, પણ સ્ટીવનને તો જાણે એને લિફ્ટ આપવી જ હોય એમ નિકોલને કારમાં બેસી જવાનો આગ્રહ કર્યો. એની હિંમત જોઈને નિકોલ એને બે ઘડી તો આશ્ચર્યથી તાકી રહી. પછી કારમાં બેસતાં બોલી, ‘તને હિંમતવાન કહેવો કે મૂર્ખ, એ સમજાતું નથી. એક વેમ્પાયરને સામેથી લિફ્ટ આપે છે? પણ છે તું કિસ્મતવાળો. આજે પણ હું શિકાર કરી ચૂકી છું. એટલે આજે પણ તું બચી ગયો.’ ‘થેંન્ક ગોડ.’ સ્ટીવન હસતાં હસતાં બોલ્યો અને ઉમેર્યું, ‘પેલું તારું પર્મેનેન્ટ ચોકઠું બતાવને.’ ‘મસ્તી સૂજે છે?’ બોલીને નિકોલે ઘુરકિયું કર્યું. એના ચાર રાક્ષસી દાંત ચમકી ઊઠ્યાં. એ જોઈને સ્ટીવનના ચહેરા પર સ્મિત પ્રગટ્યું. એટલે નિકોલના ચહેરા પર પણ સ્મિત પ્રગટ્યું. પછી તો બંને જણ વચ્ચે ઘણી વાતો થઈ અને એમ રોજ મુલાકાતોનો સિલસિલો ચાલ્યો. સ્ટીવન રોજ રાત્રે બાર બંધ કરીને ઘર તરફ જતો અને રસ્તામાં એને નિકોલ મળતી. એમની મુલાકાતનો આજે પંદરમો દિવસ હતો. આજે સ્ટીવનના આગ્રહથી બંને જણ સાંજે મળ્યાં. સ્ટીવને એને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. બંને જણ સ્ટીવનના ઘરે ગયા. લગભગ રાતના આઠ વાગ્યા એટલે નિકોલે વિદાય લેવાની તૈયારી કરી, પણ સ્ટીવને એને રાત્રે ત્યાં જ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. એટલે નિકોલ બોલી, ‘જો, એક વાત બરાબર સમજી લે. તું માણસ છે અને હું છું વેમ્પાયર. દરરોજ જ્યારે આપણે મળીએ છીએ, ત્યારે હું કોઈ ને કોઈ મનુષ્યનો શિકાર કરી ચૂકી હોઉં છું. એટલે તું આટલા દિવસોથી સલામત છે, પણ આજે હજી સુધી મેં કોઈ મનુષ્યનો શિકાર નથી કર્યો. મને જો ભૂખ લાગશે તો હું મારી જાતને કંટ્રોલ નહીં કરી શકું અને તારો શિકાર કરી નાખીશ. પછી પાછળથી મને, મારી એ હરકતનો અફસોસ થશે, પણ એક વાર તો હું તને પતાવી જ દઈશ. એટલે મને જવા દે. એવું હોય તો હું કોઈ શિકાર પતાવીને પાછી આવું. આમેય આજે પૂનમ છે. એટલે મને વધારે ભૂખ લાગશે.’ ‘પૂનમના દિવસે તો મને પણ ભૂખ લાગે છે.’ બોલીને સ્ટીવન એના ડ્રોઈંગરૂમની વિશાળ બારી પાસે પહોંચ્યો. અને પડદો પકડીને બોલ્યો, ‘તું દરરોજ માનવોનો શિકાર કરે છે, તો આજે મારો વારો. હું દર પૂનમે વેમ્પાયરનો શિકાર કરું છું. એટલે જ તો મેં તારી સાથે દોસ્તી કરી કે જેથી મને ભૂખ લાગે ત્યારે મારો શિકાર હાથવગો હોય.’ આટલું બોલીને એણે એક ઝાટકા સાથે બારીનો પડદો ખોલી નાખ્યો. એના પર પૂનમના ચંદ્રનો પ્રકાશ પડ્યો. ને જોતજોતામાં તો એ એક વિશાળ વરુમાનવમાં ફેરવાઈ ગયો. એ જોઈને નિકોલ બીકની મારી ચીસ પાડીને જીવ બચાવવા નાઠી, પણ વ્યર્થ. મનુષ્યોના ગળામાં પોતાનાં દાંત ખૂંપાવી દઈને એમનું લોહી ચૂસી લેનારી નિકોલના ગળામાં ભયાનક વરુમાનવના દાંત ખૂંપી ચૂકયા હતાં... બીજે દિવસે સાંજે સ્ટીવન ક્લબમાં ગયો. ત્યાં એની નજર એક યુવક પર પડી. એ પોતાના સ્માર્ટફોનમાં કંઈક જોઈને એકલો એકલો હસી રહ્યો હતો. એના ચાર તીણા રાક્ષસી દાંત ચમકી રહ્યા હતાં. એ જોઈને સ્ટીવનના ચહેરા પર એક કુટિલ મુસ્કાન તરી આવી. એને થયું કે ચલો... આવતી પૂનમનો બંદોબસ્ત થઈ ગયો. ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો