અંદાઝે બયાં:પતિ-પત્ની ઔર વો અજીબ દાસ્તાં: કકળાટ કેવા કેવા!

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ ઇશ્ક ને ઇજા પત્યા પછી જ સમજાય! (છેલવાણી) રાજકારણમાં વિરોધી પાર્ટીઓ વચ્ચે, ચાલીમાં જાહેર નળ પર પાણી ભરતી સ્ત્રીઓ વચ્ચે, જલનખોર સાહિત્યકારો વચ્ચે, ફેસબુકિયા લેખકો-પત્રકારો મિત્રો વચ્ચે અને એવરેજ પતિ-પત્ની વચ્ચે કકળાટ ચાલ્યા જ કરતો હોય છે. એવું ના થાય તો સૃષ્ટિનો અંત છે એમ સમજવું! કાળી ચૌદસે આપણે ત્યાં કકળાટ કાઢવાનો રિવાજ છે, પણ કકળાટ હૈ કિ ખૂટતા નહીં…રૂકતા હી નહીં! જો કે આ બધામાં એવાં કેટલાંક પતિ-પત્ની પણ હોય છે કે જેમની વચ્ચે વર્ષો બાદ પણ અપાર પ્રેમ ને અતૂટ બંધન હોય છે! ( એમ? હા…જગતના બધાં રહસ્યો હજીયે ઉકેલાયા નથી!) જો કે કેટલાક પતિઓને બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય છે તો કેટલીક પત્નીઓ સામે ચાલીને પતિને છુટ આપે છે ને વળી પતિના બીજા પ્રેમને પ્રેમથી પણ આવકારે પણ છે! (વૈધાનિક ચેતવણી - સામાન્ય પતિઓએ પત્નીની ઉદારતાની આશાએ કોઇ અખતરા કરવા નહીં!) આવા અવનવા કિસ્સાઓ માનવજીવનની બસ્તીઓમાં ને સાહિત્યની પસ્તીઓમાં ઘણાં જોવા મળશે…પણ અગેઇન, બહુ આવી વાર્તાઓથી કોઇએ ઉશ્કેરાવું નહીં વર્ના વેર ને વેલણના ડંખ ખમવા પડશે! અપ્ટન સિંકલેર નામના લેખકે પોતાની આત્મકથા (પ્રેમની યાત્રા!)માં પોતાના લગ્નજીવનની ઉબડખાબડ રસિક દાસ્તાં લખી છે કે : અપ્ટને લવમેરેજ કર્યાં. દસેક વર્ષ થયેલાં. એક બાળક પણ થયું. પત્નીને શહેરમાં નહોતું ગમતું એટલે પાસેનાં હિલસ્ટેશન પર ઘર લીધું ને પત્નીને ત્યાં રાખી. અપ્ટન, દર રવિવારે પત્નીને મળવા આવતો ને આખું અઠવાડિયું શહેરમાં નોકરી કરતો. હવે થયું એવું કે પત્નીને ત્યાંના લોકલ પાદરી સાથે પ્રેમ થઇ ગયો! પત્નીએ અપ્ટનને જણાવ્યું તો અપ્ટન હેબતાઈ ગયો કે જેની ખુશી માટે હું આટઆટલી મજૂરી કરું છું, એ જ મને છોડીને જવાની વાત કરે છે? પછી શાંત ચિત્તે વિચાર્યું ને પત્નીને કહ્યું, ‘ભલે તારી પસંદગીના પુરુષ સાથે પરણી જા. તને કલંક ન લાગે એટલા માટે હું સામેથી છૂટાછેડા આપીશ. બસ?’….ને તેણે પેલા પાદરીને સમાચાર મોકલાવ્યા કે મારી પત્ની સાથે તું હવે પરણી શકે છે. આ તરફ પેલા પાદરીની હિંમત ના ચાલી! કારણ કે ચર્ચમાં તેની નોકરી હતી. એને તો પ્રિયતમાને માણવામાં રસ હતો, લગ્ન કરવામાં નહીં. તે દેશ છોડીને ભાગી ગયો. અપ્ટને કહ્યું, ‘ડરપોક, ભાગી ગયો. પ્રેમ કરવો છે પણ નિભાવવાની હિંમત નથી!’ …ને અપ્ટને પ્રેમ નિભાવ્યો! ઇંટરવલ: દીવાનગીએ હદ કરી તારા ગયાં પછી પૂછું છું હર મકાનને આ કોનું મકાન છે? (અમર પાલનપુરી) મહાન સંત કવિ કબીરજીની જિંદગીમાં પણ આવું બનેલું. કબીરજી પરણ્યા ને પત્નીએ કહ્યું કે મારો પ્રેમી મારી રાહ જુએ છે. કબીરજી કહે કે ચાલ, હું તને એની પાસે મૂકી જાઉં. વરસાદની સીઝન હતી. ઠેર ઠેર પાણી ભરાયેલાં. પત્નીથી ચલાતું નહોતું. કબીરજીએ તેને ખભે બેસાડી અને નદી પાર કરાવી, થાકને લીધે એક ઝાડ નીચે તેને ઉતારી. પત્નીને થયું કે જે માણસ મારી આટલી દરકાર કરે છે એને હું છોડી રહી છું? આની આગળ પ્રેમી તો કંઈ વિસાતમાં નથી!…ને તેણે કબીરજીની માફી માગી. બંને ત્યાંથી જ પાછાં વળી ગયાં! ગુજરાતની જાણીતી લોકકથા છે - દેવરો આણલદે. જેમાં દેવરો આણલદે પ્રેમમાં હોય છે. આણલદેનાં લગ્ન ઢોલા આયર સાથે થાય છે. આણલદે લગ્નના પહેલા જ દિવસે ઢોલાને પોતાના પ્રેમની વાત જણાવે છે. મહાન ઢોલો સામે ચાલીને દેવરાને બોલાવે છે ને પોતાની પત્ની આણલદે તેને પાછી સોંપે છે! મુંબઇના જાણીતા લેખક ચંદુલાલ સેલારકાના કિસ્સામાં આવું જ કૈંક થયેલું પણ કહાની મેં ટ્વિસ્ટ હૈ. સેલારકા દંપત્તિને સંતાન નહોતું ને પત્નીને ખબર હતી કે સેલારકાનું સેક્રેટરી સાથે સિક્રેટ અફેર છે તો પત્નીના જ આગ્રહથી તેમણે પેલી સ્ત્રી સાથે બીજાં લગ્ન કરેલાં ને પછી તો બાળકો પણ થયાં. તેમની પણ બંને પત્નીઓ સાથે જ હળીમળીને રહેતી! આનાથી સાવ અલગ કિસ્સો મહાન લેખક-કવિ-નાટ્યકાર ચંદ્રવદન મહેતા ઉર્ફે ચં.ચી.નો હતો. ચં.ચીની પત્ની તેના પ્રેમી સાથે ભાગીને પરણી ગઈ. થોડા સમય પછી પત્નીનું અવસાન થયું. ચં.ચી. પત્નીના પ્રેમીને મળવા ગયા. પેલો માણસ રડતો હતો. એવામાં ચં.ચી. શું કહે? પણ આ તો હ્યુમરિસ્ટ ચં.ચી. હતા! તેમણે કહ્યું. ‘દોસ્ત, રડ નહીં. તારા માટે હું બીજાં લગ્ન કરીશ, તો તને બીજી મળી રહેશે!.’ આવો ડાયલોગ ચં.ચી. જ ફટકારી શકે. ઇનશોર્ટ, સંબંધોના તાણાંવાણાંની ફિલસુફી પર પર દર સપ્તાહે ચીકણાં ચીકણાં શબ્દો ઠલવાય છે પણ માનવમન કેટલું અજીબ છેને? પ્રેમ, કોઈ ગલગલિયાં કરતા કોલમિયાની ફોર્મ્યુલામાં સમાતો નથી.. એમાંયે લવ-ત્રિકોણમાં ‘કોણ’-’કોણ’ કેટલું સહે છે કે માણે છે એ સર્ચ-રિસર્ચનો વિષય છે, ઇન શોર્ટ, કાળી ચૌદસે, સૌ-સૌની ‘કકળાટ-મુક્તિ’ મુબારક! એન્ડ ટાઇટલ્સ: ઇવ: આપણો 7 જનમનો પ્રેમ છેને? આદમ: હા પણ સાંજે 7 વાગે જમવામાં શું છે?{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...