તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:ગાંજાની ચલમ ફૂંકીને ‘ગંજેરી’ બની ગયેલા પતિએ નિદ્રાધીન પત્ની ને પાંચ બાળકોનાં ગળાં કાપી નાખ્યાં

6 મહિનો પહેલાલેખક: જયદેવ પટેલ
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશમાં ચકચાર મચાવનાર કારમો હત્યાકાંડ
  • ગામલોકો તરફથી જગદેવા ગાંજાની ચલમો ફૂંકીને ‘મહાગંજેરી’ બની ગયાની વાતને સમર્થન સાંપડ્યું હતું

ધ્યપ્રદેશના નિમચ જિલ્લાના માનસા ગામેે બે દાયકા પૂર્વે પરિવારના છ સભ્યોના ગળા મટન કાપવાના ધારદાર છરાથી રહેંસી નાખીને અઘોર અપરાધને અંજામ આપનાર ભયાનક ગુનેગારની ફાંસીના ફંદામાંથી છટકી જવા સુપ્રીમકોર્ટમાં કરવામાં આવેલી અપીલ સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચે ફગાવી દઇને ફાંસીની સજા કાયમ રાખી હતી. મધ્યપ્રદેશમાં ત્યારે જબરદસ્ત આક્રોશ સાથે સનસનાટી મચાવનાર સામૂહિક હત્યાકાંડની કથા અત્રે રજૂ કરી છે. નિમચ જિલ્લાના માનસા ગામે બે દાયકા પૂર્વે તા. 19-20 ઓગસ્ટની મધરાતના પરિવારના છ સભ્યોની ઘાતકી હત્યાનો આ બનાવ બન્યો હતો. જેમાં જગદેવા નામના ગુનેગાર નિદ્રાધીન પત્ની તથા પાંચ માસૂમ બાળકોનાં ગળાં રહેંસી નાખીને તેમને મોતની ગોદમાં સુવડાવી દીધા હતા. કાળજું કંપાવી મૂકનાર આ કરુણ ઘટનાના બીજા દિવસના સવારના આગમન સાથે માનસાના ગ્રામજનોને જાણ થઇ ત્યારે જબરદસ્ત હડકંપ મચી ગયો હતો. માત્ર માનસા ગામના જ નહીં, આજુબાજુના ગામોના થોકબંધ ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનિક પોલીસે પણ બનાવના સ્થળે થીજી ગયેલા લોહીના ખાબોચિયાંમાં પાંચ માસૂમ બાળકો તથા તેમની માતાની લાશો જોઇ ત્યારે તેમના મુખમાંથી પણ અફસોસનો સૂર સરી પડ્યો હતો. નાનકડી ઓરડીની ભોંય તથા કાચી માટીની દીવાલો પર જ્યાં જુઓ ત્યાં થીજી ગયેલા લોહીના રેલા તથા છાંટા જોવા મળતા હતા. ભયાનક હત્યાકાંડ આચરનાર હત્યારો જગદેવા લોહીથી લથપથ થઇ ગયેલા કપડાંમાં ઓરડીના એક ખૂણામાં સૂનમૂન બેસી રહ્યો હતો. ભોંય ઉપર પડેલી પત્ની તથા પાંચ સંતાનોની લાશોને તે ફાટી આંખે નિહાળી રહ્યો હતો. પોલીસે પરિવારના છ સભ્યોની લાશોને પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલમાં મોકલી આપવા સાથે જગદેવાના હાથમાં બેડી પહેરાવી દીધી હતી. આ કેસની ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે – છેલ્લાં કેટલાય વર્ષોથી હત્યારો જગદેવા ગાંજાની ચલમો ફૂંકી-ફૂંકીને ગંજેરી બની ગયો છે. પરિવારના છ સભ્યોની ઘાતકી ઘટનાની સમી સાંજે પણ આરોપીએ ગાંજાની ઉપરાછાપરી ચલમો ફૂંકીને સૂધબૂધ ગુમાવી દીધી હતી. સરકારી વકીલ સી.ડી. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની સરકારે પણ આ હત્યાકાંડની ઘટનાને અત્યંત ગંભીર ગણીને માનસા ગામમાં તપાસ કરાવી હતી. જેમાં પણ ગામલોકો તરફથી પણ જગદેવા ગાંજાની ચલમો ફૂંકીને ‘મહાગંજેરી’ બની ગયાની વાતને સમર્થન સાંપડ્યું હતું. આ ઉપરાંત, કેસની સુનાવણી દરમિયાન ગામલોકોએ સાક્ષી તરીકે હાજર રહીને અઘોર અપરાધને અંજામ આપ્યાની હકીકત જુબાની દરમિયાન જણાવી હતી. સાક્ષીઓની જુબાની તથા ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા સાંયોગિક પુરાવાને જિલ્લાની ટ્રાયલ કોર્ટે માન્ય રાખીને હત્યારા જગદેવાને હાઇકોર્ટની મંજૂરીની અપેક્ષા સાથે ફાંસીની સજા ફરમાવી હતી. ફાંસીની સજા રદ કરાવવા મધ્યપ્રદેશના આરોપીએ ત્યાંની હાઇકોર્ટમાં અપીલ પણ કરી હતી. હાઇકોર્ટે આ ભયાનક અપરાધનો ‘રેરેસ્ટ ઓફ રેર’ના ગુનાની વ્યાખ્યામાં આવતો હોવાનું ઠરાવીને ફાંસીની સજાનો હુકમ કાયમ રાખતા ટ્રાયલ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદા ગેરકાયદેસર અને રદબાતલ ઠરાવવાના છેલ્લા ઉપાય તરીકે હત્યારા જગદેવાએ વર્ષ 2007ના માર્ચ મહિનામાં સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં લ્યુનેટિક એક્ટ (પાગલપણાને સ્પર્શતા કાયદા)ની જોગવાઇનો લાભ મેળવવાની અપેક્ષા સાથે રજૂઆત કરવામાં આવી હતી કે – આરોપી પાગલ જેવો બની ગયો હતો. ગાંડપણના આવેશમાં આવીને સૂધબૂધ ગુમાવીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીની માનસિક હાલતની સુપ્રીમકોર્ટે નોંધ લઇને ફાંસીની સજાનો હુકમ રદ કરીને આજીવન કારાવાસની સજા ફરમાવવા દાદ માંગી હતી. સુપ્રીમકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ એચ.એસ. બેદી તથા ન્યાયમૂર્તિ જે.એમ. પંચાલની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલની આખરી સુનાવણી નીકળી હતી. આરોપીએ

ગાંડપણના આવેશમાં ભાન ભૂલીને આ ગુનો આચર્યો હતો કે પછી ગણતરીપૂર્વક હત્યાકાંડને અંજામ આપ્યો હતો? તે પ્રશ્નના સંદર્ભમાં ન્યાયમૂર્તિઓએ વિશદ છણાવટ કરી હતી. જેમાં ફરિયાદી પક્ષની સમગ્ર રજૂઆત ગ્રાહ્ય રાખી હતી. ન્યાયમૂર્તિઓએ ચુકાદામાં ભારપૂર્વક નોંધ્યું હતું કે – આ ભયાનક ખૂની ખેલનો ખેલાડી પાગલ હતો કે પછી તેની તબીબી સારવાર ચાલી રહી હતી તેવો કોઇ જ પુરાવો બચાવ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, હત્યાકાંડની અંધારી રાત્રે આરોપી પાગલ બની ગયો હતો, તેનો પણ કોઇ જ પુરાવો બચાવ પક્ષ તરફથી રજૂ થતો નથી. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ એચ.એસ. બેદી તથા ન્યાયમૂર્તિ જે.એમ. પંચાલે પાગલપન (ઇન્સેનિટી)ની બચાવની દલીલ ફગાવી દીધી હતી અને આ ઘટનાને ‘કોલ્ડ બ્લડેડ મર્ડર’ (ઠંડા કલેજે હત્યા) ઠરાવીને ફાંસીની સજા કાયમ રાખી હતી. આ સાથે જ ચુકાદામાં અફસોસ અને દુ:ખ વ્યક્ત કરતાં એવી નોંધ પણ કરી હતી કે – આ ગંભીર બનાવમાં ભોગ બનનાર પત્ની તથા પાંચ માસૂમ બાળકો સાવ નિર્દોષ અને નિ:સહાય હતા. તેમને હત્યારાએ મોતના જડબામાં ધકેલી દીધા છે. આવા અઘોર અપરાધને અંજામ આપનાર ઘાતકી હત્યારાને ફાંસીના માંચડે લટકાવી દેવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ રહેતો નથી. આમ, ચુકાદાનું સમાપન કરતા પૂર્વે સુપ્રીમકોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિઓને ગાંડપણની ઘેલછામાં ભાન ભૂલીને પરિવારના છ-છ સભ્યોની હસ્તી મિટાવી દીધી હોવાની દલીલને બેબુનિયાદ અને વાહિયાત ઠરાવીને ફાંસીની સજાનો હુકમ કાયમ રાખ્યો હોવાની ચુકાદામાં ભારપૂર્વક અને અફસોસ સાથે નોંધ લીધી હતી. {

અન્ય સમાચારો પણ છે...