દેશી ઓઠાં:ભૂખી બકરી

અરવિંદ બારોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મગન માખી, ખાધેપીધે સુખી માણસ, પણ લોભનું જાળું. નામ તો એનું મગન મૂળજી, પણ આખું ગામ એને ‘મગન માખી’ જ કહેતું. આ નામ કેમ પડ્યું એનીય એક વાત છે. મગન એકવાર વાણિયાની હાટડીએ તેલ લેવા ગ્યો. વેપારીએ ત્રણ પળી તેલ બરણીમાં ભરી દીધું. પૈસા ચૂકવીને મગન ઊઠવા જાય ત્યાં ધ્યાન ગ્યું કે તેલમાં માખી પડી છે. મગને આંગળી નાખીને ચડપ કરીને માખીને તેલમાંથી કાઢીને બે આંગળીની ચપટીમાં લઈને ચૂસી લીધી: ‘એમ કાંઈ બે ટીપાં તેલ જાવા થોડું દેવાય!’ આ વાત ગામમાં ફેલાણી, ને નામ પડ્યું ‘મગન મખ્ખીચૂસ’ અને પછી ‘મગન માખી’ નામ કાયમી થઈ ગયું. મગન માંદો પડ્યો. વૈદરાજે બકરીનું દૂધ પીવાનું કીધું. મગને એક બકરી લીધી, પણ એને ચરાવવા કોણ જાય? અને વેચાતો ચારો લેતાં તો ખર્ચો થાય! દમડી તો છૂટે નહીં ! મગને ગામમાં વાત વહેતી મૂકી કે મારી બકરીને જે કોઈ ચરાવવા લઈ જાય અને ધરવ કરાવીને પાછી લાવે એને દસ રૂપિયા આપીશ. એ વખતે દસ રૂપિયા તો મોટી રકમ. ભકો પૂગી ગ્યો. આખો દિવસ બકરીને વગડામાં ચરાવી. સાંજે આવીને બોલ્યો: લ્યો, મગનકાકા! આ તમારી બકરી, ધરાઈને ટબ્બા જેવી થઈ ગઈ છે! ‘એમ નો હાલે, ભકા! બકરી ભૂખી છે કે ધરાણી છે એની ખાતરી તો કરવી પડે!’ મગને બે-ચાર લીલાં પાંદડાં બકરી સામે ધર્યાં. બકરીનો સ્વભાવ છે કે ગમે તેટલી ધરાયેલી હોય તોય મોઢું તો મારે જ. બકરીએ પાંદડાં ખાધાં. ‘જો ભકા! બકરી ભૂખી છે…’ ભકો વીલે મોંઢે પાછો વળી ગયો. બીજે દી કાનો આવ્યો, ત્રીજે દી મેપો..એમ રોજરોજ મફતના મજૂર મળતા ગ્યા ને મગન મફતનું દૂધ પીતો રહ્યો. એક દી બકરીને ચરાવવા લવજી લઈ ગ્યો. સીમમાં જઈને એણે દોઢેક હાથની લાકડી લીધી. બકરીની સામે લીલાં પાંદડાં ધર્યાં. બકરી ખાવા ગઈ તો એક લાકડી ફટકારી. બકરી મોઢું ફેરવી ગઈ. એકવાર...બેવાર..ત્રણવાર એમ થોડી થોડી વારે આ કીમિયો કર્યો. સાંજે લવજી ગામમાં આવ્યો. ‘કાકા! લ્યો તમારી બકરી!’ મગને નિયમ પરમાણે લીલો ચારો દેખાડ્યો. બકરી મોઢું ફેરવી ગઈ. ચાર-પાંચ વાર આમ કર્યું. બકરી ખાતી નથી. ‘બકરી ધરાઈ ગઈ છે, મગનકાકા! લાવો દહ રૂપિયા!⬛

અન્ય સમાચારો પણ છે...