સાયન્સ અફેર્સ:ભૂખ અને દિવાળીના નાસ્તા

નિમિતા શેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કાજુ કતરી ખાઈએ કે તરત બીજી ખાવાની ઈચ્છા કેમ થાય? એનું પણ ખાસ વિજ્ઞાન છે

તળેલા નાસ્તા અને મીઠાઈની સિઝન ચાલુ થવામાં છે. મેદો, ખાંડ અને તેલની ઊંચી માત્રા ધરાવતી વાનગીઓ આપણી રાહ જોઈ રહી છે. ડબ્બા ભરીને નાસ્તા પડ્યા હોય અને દિવાળીની રજાઓ હોય પછી મન ક્યાંથી ઝાલ્યું રહે? સંશોધનો કહે છે કે, નવરાશના સમયમાં વધુ ભૂખ લાગે. નવરાં હોઈએ ત્યારે શરીર ઓછી કેલરી વાપરે, તો ભૂખ પણ ઓછી લાગવી જોઈએ ને? પણ ભૂખનું વિજ્ઞાન સમજવું એટલું સરળ નથી. બોક્સમાંથી એક કાજુ કતરી કાઢીને ખાશો તો તરત બીજી ખાવાની ઈચ્છા થશે. ઘણીવાર આપણને અમુક ચોક્કસ વસ્તુની ભૂખ પણ લાગતી હોય છે. જેમ કે, ‘આજે તો ભજિયાં જ ખાવા છે’ કે ‘પાણીપૂરી ખાવાની બહુ ઈચ્છા થઈ છે’. શરીરને ઊર્જા આપવા માટે ખોરાક અનિવાર્ય છે. ઊર્જાના અભાવમાં આપણું શરીર આપણને કેલરી મેળવી લેવા જે સંદેશ આપે છે એ ‘ભૂખ’ તરીકે ઓળખાય છે, પણ ભૂખ કાયમ શરીરની ઊર્જાની માગ સાથે સંકળાયેલી નથી હોતી. ભૂખનો બીજો ઉદ્દેશ હોય છે આનંદ મેળવવાનો. શરીરને ઊર્જા મેળવી લેવા મગજ જે સંદેશા આપે છે તેને હોમિયોસ્ટેટિક ભૂખ (homeostatic hunger) કહે છે. જ્યારે આનંદ મેળવવા માટે મગજ આપણને ખાવાનો આગ્રહ કરે છે, તેને હેડોનિક ભૂખ (hedonic hunger) કહેવાય છે. ભૂખના આ બે અંતિમો છે. આપણને ભૂખ લાગે ત્યારે મોટાભાગે આ બન્ને પ્રકારની સંવેદનાનું મિશ્રણ હોય છે. ખોરાક લીધાને ઘણાં કલાકો વીતી ગયા હશે એ સમયે હોમિયોસ્ટેટિક ભૂખ વધુ હશે. હોમિયોસ્ટેટિક ભૂખનો એક જ ઉપાય છે: ‘જમી લો.’ કારણ કે, શરીર વાજબી રીતે ઊર્જા માંગી રહ્યું છે. બીજી તરફ, હેડોનિક ભૂખ શરીર માટે ખરેખર ખલનાયક છે. જીભને મજા આવે એવી એક વસ્તુ ખાશો એટલે મગજ તરત આનંદની એ ક્ષણોનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. વિશેષ કરીને ખાંડ અને મેદો આપણાં મગજમાં આવેલા હાયપોથેલેમસ નામના ભાગ પર અસર કરે છે. હાયપોથેલેમસના ઘણાં કામ પૈકીનું એક છે આપણને કહેવાનું કે, ‘બસ કરો હવે. પેટ ભરાઈ ગયું છે. શરીરને જરૂરી ઊર્જા મળી ચૂકી છે.’ ખાંડ અને મેદો હાયપોથેલેમસને ખોટાં સિગ્નલ આપે છે, અને આપણને ઉલટાની વધુ ભૂખ લાગે છે. તમે જોશો કે જ્યારે પણ તમે પેટ ભરીને મીઠાઈ કે ફક્ત કાર્બોહાઈડ્રેટવાળું ભોજન લીધું હશે ત્યારે જમ્યા પછી તરત ફરીથી ભૂખ લાગશે. ત્યારે સમજવાનું કે આપણાં શરીર માટે જરૂરી ઊર્જા કરતાં ઘણી વધુ ઊર્જા આપણે મેળવી લીધી છે, પણ હાયપોથેલેમસ ઉલ્લુ બની ગયું હોવાને કારણે ભૂખ લાગી છે, જે hedonic hunger છે. ચરબી અને કાર્બોહાઈડ્રેટયુક્ત ખોરાક મેદસ્વિતા વધારે છે. પ્રોટીનથી સભર આહાર વજનને કાબૂમાં કરવા મદદરૂપ છે જ્યારે ખાંડવાળી અને મેદાથી બનેલી વાનગીઓ આરોગવાથી ઊંધી અસર થાય છે. Hedonic શબ્દનો મતલબ છે : ‘સુખ અને ઉપભોગને લગતું’. જીવનમાં આવી તમામ આકર્ષક પણ નુકસાનકારક વસ્તુઓથી બચવું.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...