કિંચિત્:હાસ્ય નિબંધ અને બીમારી

મયૂર ખાવડુ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી જૂજવે રૂપે અનંત ભાસે

જ્યોતીન્દ્ર દવે વિશે અહીં બે ફકરામાં પ્રથમ માહિતી આપવી પડતી હોય તો એનાથી માઠી દશા તો શું હોય? ભારતના ટોપ દસ હાસ્ય લેખકોમાં જ્યોતીન્દ્રનો સમાવેશ થાય જ. હાસ્ય સાથે જેને છત્રીસનો આંકડો હોય એવા ગંભીર સજ્જનોને પણ જ્યોતીન્દ્ર વાંચવા આપીએ તો એ હસી જ પડે. કહેવાની વાત એ પણ છે કે શ્રીમાન જ્યોતીન્દ્રના કેટલાક નિબંધો આપણને શા કારણે હસાવતા નથી. તેનું એકમાત્ર કારણ છે ઉઘરાણી. જ્યોતીન્દ્ર પાસેથી થતી હાસ્ય નિબંધોની વારંવાર ઉઘરાણીના કારણે તેમનું હાસ્ય લેખનનું સ્તર કથળ્યું હતું. આ વિષય ઉપર પણ જ્યોતીન્દ્રએ ‘નથી’નું મહત્ત્વ નામે હાસ્ય નિબંધ લખ્યો જ છે. પરંતુ તેનાથી જ્યોતીન્દ્રની છબીને નુકસાન નથી પહોંચ્યું. ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ નામના પુસ્તકમાં વિનોદ ભટ્ટે જ્યોતીન્દ્રના ચાલીસ શ્રેષ્ઠ નિબંધો તારવ્યા છે. આટલી મોટી સંખ્યામાં ‘શ્રેષ્ઠ’ હાસ્ય નિબંધો લખવા એ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે નર્મદે કહ્યું છે એ રીતે, નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી તો હાસ્ય નિબંધ લખવા એ તો તદ્દન જેવા તેવાનું કામ નથી. નિબંધમાં અને ખાસ કરીને હાસ્ય નિબંધમાં ‘હું’ કેન્દ્રસ્થાને હોય છે. લેખકે એમાં જે પણ લખ્યું તે બધું સત્ય નથી હોતું. કેટલીક વખત એ કલ્પનાનો સહારો લેતો હોય છે. ખાસ કરીને જ્યારે વાત હાસ્ય નિબંધની આવે ત્યારે. તો જ્યોતીન્દ્રના નિબંધમાં આવી કલ્પના કેટલી? તો કહે ખૂબ જ ઓછા પ્રમાણમાં. એમનું શરીર નાનપણથી લેવાઈ ગયું હતું એ વિશે એમણે ભરપૂર લખ્યું છે. ‘મારી વ્યાયામસાધના’માં તેઓ શરીરને ખડતલ બનાવવાની અને ‘બાટલીનું ઉદ્્ઘાટન’માં એક સામાન્ય બાટલીનું ઢાંકણું નથી ખૂલી રહ્યું તેને લઈ સ્વયં પર વ્યંગ અને હાસ્ય કરી જાણે છે. તેઓ પોતાની કાયા ઉપર જ ‘રવિના ઉપવાસ’, ‘ટાલ’, ‘વાળ વધારવાના ઉપાયો’, ‘યાદશક્તિ’, ‘અશક્તિ’, ‘ઉદરનું મહત્ત્વ’ સહિતના નિબંધો લખે છે. હળવી શૈલીમાં લખાયેલી પોતાની ‘પોકેટ’ આત્મકથા ‘વ્યતીતને વાગોળું છું’નું પ્રથમ પ્રકરણ છે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી જૂજવે રૂપે અનંત ભાસે.’ અને પાંચમું પ્રકરણ છે, ‘માબાપની ઈચ્છા વિરુદ્ધ વારસામાં મળતા રોગ.’ ધનસુખલાલ મહેતા સાથે લખેલી એમની ક્લાસિક નવલકથા ‘અમે બધાં’નું પ્રથમ પ્રકરણ પણ પ્રસૂતાની પીડાથી શરૂ થાય છે. વિનોદ ભટ્ટની આત્મકથા ‘એવા રે અમે એવા’નો આરંભ પણ માંદગીથી જ. ક્યાંક ક્યાંક જ્યોતીન્દ્ર કરતા પણ ચડિયાતા હાસ્ય નિબંધો આપી પોતાની એક સ્વચ્છંદી શૈલીથી વર્ષો સુધી એકલહાથે હાસ્યમાં ટોચનું આધિપત્ય ભોગવનારા વિનોદ ભટ્ટે માંદગી ઉપર સૌથી વધારે લખ્યું છે. ‘હાસ્યોપચાર’ અને ‘પહેલું સુખ તે માંદા પડ્યા’ પુસ્તક સહિતના કેટલાક છૂટાછવાયા નિબંધો. વિનોદ ભટ્ટ એટલે પણ શક્તિશાળી નિબંધકાર છે, કારણ કે ‘પ્રભુને ગમ્યું તે ખરું’ નામના પુસ્તકમાં તેમણે ગમતાં સ્વજનોની વિદાયની વાતો વિષાદની સાથે હાસ્યનો મરી મસાલો ભભરાવીને કરી છે, જેથી એને વાંચતા ક્યાંય દુ:ખની તલવાર તો છાતીમાં ભોંકાય જ નહીં. હા, સમયાંતરે આંખોમાંથી અશ્રુઓ વહાવી દે. રતિલાલ બોરીસાગરનો એક જ માંદગી ઉપરનો નાનો પણ વિશાળ કહી શકીએ એવો હાસ્ય નિબંધ એટલે એન્જિયોગ્રાફી. જે રીતે વિનોદ ભટ્ટે ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નામનો એક શહેર પર હળવી શૈલીમાં સૌથી મોટો નિબંધ લખ્યો એ રીતે જ રતિલાલ બોરીસાગર સાહેબે પોતાની માંદગી પર જ હળવી શૈલીમાં અદ્્ભુત નિબંધ લખ્યો છે. આ નિબંધ વાંચવાનો તો આનંદ છે જ પરંતુ જ્યારે તેઓ આ નિબંધ અંગે વક્તવ્ય આપે છે ત્યારે તેની રસિકતા બેવડાઈ જાય છે. આ લેખક ‘મોજમાં રે’વું રે!’ સંગ્રહમાં ‘હું, ડોક્ટરો અને નિદાન’, ‘વિનોદના વૈકુંઠ’ પુસ્તકમાં ‘રોગ અને યોગ’, ‘ભજ્ આનન્દમ્’ સંગ્રહમાં ‘મોતિયાનું ઓપરેશન : કેટલીક ઉત્તકક્રિયાઓ’ જેવા નિબંધો આપે છે. અભિનેતા અને માર્શલ આર્ટિસ્ટ બ્રુસલીએ કહ્યું હતું, ‘Don’t speak negatively about yourself, even as a joke. Your body doesn’t know the difference. Words are energy and cast spells, that’s why it’s called spelling.’ આ અવતરણ વિશે એવું પણ કહેવાય છે કે તે બ્રુસલીનું નથી. તે એના નામે મારીમચડીને ચડાવી દેવામાં આવ્યું છે, જેથી નિવેદનનું મહત્ત્વ વધે. જેનું હોય તેનું પણ એ નિવેદન સાવ ખોટું તો નથી લાગી રહ્યું. આપણા આ ત્રણે સમર્થ અને વિદ્વાન સર્જકોએ પોતપોતાની માંદગી વિશે જે રીતે હાસ્ય નિબંધોમાં ચર્ચા કરી એ પછી તેઓ લાંબું તો જીવ્યા જ છે અને એમાંથી બોરીસાગરજી તો દીર્ઘાયુષ્ય ભોગવે એવી ઈચ્છા, પરંતુ માંદગીએ તેમનો કે તેમણે હાસ્યમાં માંદગીનો સાથ ત્યજ્યો નથી.⬛ cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...