કોઈને યાદ કરવું એટલે શું? એક પંક્તિ છે- ‘હમ જીન્હે ભૂલના ચાહે વો અકસર યાદ આતે હૈ.’ અને એકવાર યાદોની બારાત નીકળે એટલે ધૂમધડાકા સાથે નીકળે. ક્યાંક બેન્ડબાજા તો ક્યાંક ડીજે, ક્યાંક ત્રાંસાં અને ઢોલનગારાં આ બધાના ભરચક અને સંગીતમય અવાજમાં પણ કોઈક વ્યક્તિ સાવ નિકટથી જાણે કે કાનમાં કહી જાય- ‘શું ચાલે છે? હું યાદ આવું છું?’ ‘જમવાનો સમય તો બરાબર જળવાય છે ને? અને હા... તમારી રોજની દવાઓ?’ ‘હું ભલે સાથે નથી પણ અલગ પણ નથી.’ આ યાદોની સાથે સાથે કેટલીક મધુર ક્ષણો જાણે કે દાંડિયારાસ રમતી આવે છે. ગોકુળ છોડીને મથુરા જતા કાનાને રોકવા માટેનો રાધાનો હઠાગ્રહ, એના બંને ગાલ પર લસરી જતાં મોતી જેવાં આંસુ, અને છેવટે કૃષ્ણના રથની આગળ સૂઈ જઈને એમને રોકવાનો પ્રયાસ... રાધા કૃષ્ણ વિના સંભવી જ ન શકે, પહેલાં રાધા અને પછી કૃષ્ણ, એટલે રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ...! અને રાધા વગર... આધે કૃષ્ણ... આધે કૃષ્ણ...! અને રાધા કેમેય કરી ન માને ત્યારે કૃષ્ણ વિવશ બનીને પોતાના પ્રાણથીય પ્યારી, જેને હોઠ પર મૂકે એટલે મનમોહક વાંસળીનો સાદ મગજને તરબતર કરી દે, કૃષ્ણને જેટલી રાધા વહાલી હતી એટલી જ વાંસળી પણ! રાધાની રજા લેવા માટેના આખરી ઉપાય તરીકે કૃષ્ણ એ વાંસળી રાધાની બાજુમાં મૂકી દે છે. એ કહે છે- હવે જીવનમાં ક્યારેય વાંસળી નહીં વગાડે. ત્યાર પછીના સમયમાં કૃષ્ણે શંખ ફૂંક્યો છે, સુદર્શન ચલાવ્યું છે અને રથનું પૈડું લઈને પણ દોડ્યા છે, પણ વાંસળીને હોઠે નથી લગાડી. રાધાજીએ તો કૃષ્ણનો વિયોગ સહ્યો પણ કૃષ્ણ તો રાધાજી અને બંસરી બંનેથી વિખૂટા પડ્યા. કાનો દ્વારકાધીશ તો બન્યો પણ એણે કેટકેટલું ગુમાવ્યું? એણે એક આંગળી ઉપર ભરોસો મૂકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને ભૂલવી પડી! એણે ભગવદ્ ગીતા રચી જેમાં ક્યાંય રાધાના નામનો ઉલ્લેખ કર્યો નથી અને છતાં ભગવદ્ ગીતાના પાઠ પછી લોકો રાધે રાધે બોલે છે. કાનો યમુનાનાં મીઠાં જળ છોડીને દ્વારકાના દરિયાનાં ખારાં પાણી સુધી પહોંચ્યો, પણ કાનામાંથી દ્વારકાધીશ બનવામાં એણે ઘણું બધું ગુમાવ્યું! સમય કોઈનો રોક્યો થોડો રોકાય છે? અને ક્યારેક સુવર્ણની દ્વારિકાનો ધણી કૃષ્ણ પોતાની પટરાણીઓથી અલગ થઈને કોઈ અંધારી રાતે આભલે મઢ્યાં તારા જોતાં કે પછી અજવાળિયાની શીતળ ચાંદનીથી દાઝતા તંદ્રામાં સરી જાય છે. એના મનમાં જાણે કે રાધા જીવંત થઈ ઊઠે છે. આ યાદ છે અને આ યાદને પોતે જ વર્ણવી શકાય કે માણી શકાય, પોતે જ અનુભવી શકાય. દૂર બેઠેલા પોતાના પ્રિય પાત્રની તીવ્ર યાદને કારણે માનસપટલ પર એક સંદેશો ઝબકે છે – I Miss You! અને એક ઊંડો નિશ્વાસ નખાઈ જાય છે. પ્રેમ એ સતત આપણા પ્રિય પાત્રને આપણા દિલના ધબકાર સાથે જીવંત રાખવાની પ્રક્રિયા છે. જેને આપણે તહેદિલથી પ્રેમ કરીએ છીએ તે પછી, પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, મિત્ર હોય કે પ્રેમિકા, આપણા અસ્તિત્વનો ભાગ બની જાય છે, આપણા હૃદયનો ધબકાર બની જાય છે. આપણી સ્મૃતિ અને શ્વાસમાં સતત એ જીવંત રહે છે. કદાચ ઘડી બે ઘડી જુદાઇનો અહેસાસ થાય પણ એ જુદાઇ શરીરની છે. આત્મા અને મનની જુદાઇ સંભવિત નથી. અને એટલે આપણે ‘Miss You’ કહીએ તે સદંતર અયોગ્ય છે. જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ જેને આપણે આટલી તીવ્રતાથી ચાહીએ છીએ તેનો વિયોગ અજંપો જરૂર ઊભો કરે પણ એ અજંપો સતત વધુ ઉત્કટ પ્રેમ અને લાગણી તરફ દોરી જાય ત્યારે તમારી લાગણીનું ઊર્ધ્વીકરણ થયું છે. તમે માત્ર પેલા ક્ષણિક આવેગમાં બોલાઈ જતાં અથવા લખાઈ જતાં ‘I Love You’થી ઘણા આગળ નીકળીને શાશ્વત પ્રેમના અલૌકિક લાગણીના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા છો. પ્રેમની આ પરાકાષ્ઠા છે. ચાહતની આ ચરમસીમા છે. એ ક્યારેય પોતાના હૃદયના ટુકડાને Miss You નહીં કહે. જેમ માનું કલેજું એના એકે એક ટુકડામાંથી દીકરા માટે ‘ખમ્મા’ જ કહે તેમ જેને આપણે ચાહતા હોઈએ, જે આપણાં અસ્તિત્વનો ભાગ હોય તેને ‘I Miss You’ નહીં પણ Love You જ કહેવાય. અંકિત ત્રિવેદી સાચું કહે છે, જ્યારે આપણે આપણી અત્યંત પ્રિય વ્યક્તિના ઉત્કટ વિરહને અનુભવીએ છીએ ત્યારે સામે ઉત્કટ પ્રેમની અનુભૂતિ વહાલપના વહેણ સરજે છે. અને બરાબર ત્યારે જ વિરહની એ ચરમસીમાએ એક નાનકડું સ્મિત અને હૃદયમાં શબ્દો પડઘાય છે ‘I Love You.’⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.