તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:હેં!? બિરયાની માટે ભારત-પાક વચ્ચે યુદ્ધ?

17 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • બંને દેશો આની માલિકી ભાગીદારીમાં મેળવશે તો કહેવાશે કે બે દુશ્મન દેશના લોકોને સાહિત્ય-સંગીત-કલાની જેમ બાસમતી પણ જોડી શકે છે

ટાઇટલ્સ: ખીચડી એ આપણો રાષ્ટ્રીય ખોરાક છે. (છેલવાણી) 80ના દાયકામાં, ‘અર્જુન’ કે ‘બેતાબ’ જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક, રાહુલ રવૈલ પાકિસ્તાનના લાહોરમાં ટેક્સીમાં સફર કરતા હતા ને મિત્ર સાથે જોરજોરથી ચર્ચા કરતા હતા. ટેક્સીમાં લતા મંગેશકરનું કોઇ ગીત વાગી રહ્યું હતું. ટેક્સી ડ્રાઇવરે ટેક્સી અચાનક ઊભી રાખીને બંનેને વઢી નાખ્યા: ‘અજીબ બદ્તમીઝ આદમી હો! યહાં લતાજી ગાના ગા રહી હૈં ઔર આપ સુનને કે બજાયે બોલે જા રહે હો?’ આવો છે પાકિસ્તાનનાં લોકોનો ભારતીય ફિલ્મો માટેનો આદર. રાજ કપૂરના મૃત્યુ બાદ ત્યાં એક દિવસ રાષ્ટ્રીય શોક પાળવામાં આવેલો, કારણ કે રાજ કપૂર પેશાવરના હતા. હમણાં દિલીપકુમાર જ્યાં જન્મેલા અને મોટા થયેલા એ મકાનને હેરિટેજ પ્રોપર્ટી તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યાં બોલિવૂડની ફિલ્મો ખૂબ જોવાય છે અને આપણી ફિલ્મોની રીમેક પણ થાય છે. (અમારી પોતાની શાહરૂખવાળી ફિલ્મ ‘યેસ બોસ’ની રીમેક પણ થયેલી.) એટલું જ નહીં ત્યાં શહીદ ભગત સિંહનું સમારક પણ છે. આ બધું કહેવાનો અર્થ જરાય એવો નથી કે પાકિસ્તાન કેટલું સારું કે ભલું-ભોળું છે, પણ આ વખતે ભારત-પાકના ઝઘડા માટે તદ્દન ફ્રેશ મુદ્દો મળી આવ્યો છે: બાસમતી ચોખા! જી હાં, બિરયાનીની જાન એવા લાંબા મઘમઘતાં બાસમતી રાઇસ! બંને દેશોએ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જી.આઈ.) આગળ યુરોપિયન યુનિયનમાં દાવો કર્યો છે કે બાસમતી ચોખાને ત્યાંની બજારમાં વેચવાનો હક તેમનો એકલાનો છે. ટેક્સાસમાં આવેલી કંપની ‘રાઈસ ટેક’એ 1990માં બાસમતી રાઈસ ઉપર પેટન્ટ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે વિરોધ કર્યો. ભારતીય કૃષિ વૈજ્ઞાનિકોએ ઐતિહાસિક રેકોર્ડમાંથી શોધી કાઢ્યું કે બાસમતી ચોખાનો ઉલ્લેખ પંજાબી કવિતા ‘હીર-રાંઝા’માં થયેલો છે, જે 1766માં વારિસ અલી શાહે લખેલી. એવો સપનેય ખ્યાલ પણ નહીં હોય કે બાસમતીના ચોખાના કોપીરાઇટ્સ માટે બિચારાં હીર-રાંઝા સલવાઇ જશે! ઇન્ટરવલ: કુછ સમજો ઓર સમજાઓ દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ 2018માં ભારતે યુરોપિયન યુનિયનમાં જી. આઈ. ટેગ માટે એપ્લાય કર્યું કે, જેથી તેને એકલાને નિકાસ કરવાના હક મળે. પાકિસ્તાન પાસે ડોમેસ્ટિક જી. આઈ.ને લગતા કાયદા હતા નહીં, પણ છેક સપ્ટેમ્બર 2020માં દાવો કર્યો કે બાસમતી પહેલાં માત્ર પાકિસ્તાનમાં જ ઊગતાં હતાં અને ભારતે ત્યાંથી ચોખાનું બીજ લીધું છે. તેમણે પણ ‘હીર-રાંઝા’ કવિતાનો ઉલ્લેખ કરીને પોતાનો દાવો માંડ્યો, કારણ કે ‘હીર-રાંઝા’ જ્યાંની વાર્તા છે, તે શહેર ‘જંગ’ પશ્ચિમ પંજાબમાં (હાલના પાકિસ્તાન) આવેલું છે. ભારતને જો જી. આઇ. ટેગ મળે તો તેની બાસમતી ચોખાની નિકાસ 500 મિલિયન ડોલર થઈ જાય. એક ન્યૂઝ એ પણ છે કે છે કે બંને દેશો આની માલિકી ભાગીદારીમાં મેળવવાનું વિચારી રહ્યા છે. ઇન શોર્ટ, બે દુશ્મન દેશના લોકોને સાહિત્ય-સંગીત-કલાની જેમ બાસમતી પણ જોડી શકે છે! વારે-તહેવારે હિંદુ-મુસ્લિમ ભેગાં મળીને બાસમતી ચોખાની મજેદાર બિરયાની માણતાં જ હોય છે તો કવિ હરિવંશરાયની ‘મધુશાલા’ કવિતાની માફી સાથે એમ કહી શકાય કે: ‘ભારત-પાક સરહદ બૈર કરાતી, મેલ કરાતી બિરયાની!’ એક ચોખવટ: ગુજરાતી કોલમ લેખકોને, સસ્તાં કોલમ ચોખા પોસાય એટલા જ પૈસા મળતાં હોવાથી અમને મોંઘા બાસમતી રાઇસ પરવડતાં નથી કે એનો કોઇ શોખ નથી! એન્ડ ટાઇટલ્સ: આદમ: બિરયાની ખાધી? ઇવ: ના પીધી! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...