સમયના હસ્તાક્ષર:મતદાન પહેલાંની નરેન્દ્ર-શૈલી પરિણામ પર કેવો પ્રભાવ પાડશે?

વિષ્ણુ પંડ્યા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજીવ રેડ્ડીના નિયમથી નરેન્દ્ર મોદી એટલા તો ચોક્કસ અલગ પડે છે કે તે માત્ર પક્ષને બદલે સમાજ અને દેશને પણ નજરમાં રાખે છે એવું માનનારો ઘણો મોટો વર્ગ છે એ તેની તરફેણનું પરિબળ છે

કોંગ્રેસના પીઢ નેતા, રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડી યાદ છે? ગુજરાતમાં ડિસેમ્બરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી સમયે તેમની યાદ આવી ગઈ. એટલા માટે નહીં કે કોંગ્રેસના વિભાજનમાં તેઓ પણ કારણ હતા. એટલા માટે પણ નહીં કે રાષ્ટ્રપતિ બન્યા પછી વિવાદાસ્પદ નિર્ણયો આપ્યા હતા. તેમણે અહીં ભાવનગરના ગધેડીયા ફિલ્ડ નામે જાણીતા મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અધ્યક્ષપદેથી જાહેર કરી દીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાને હોદ્દા પર- પછી તે સરકારમાં દસ વર્ષ થઈ ગયાં હોય તેમણે હોદ્દો છોડવો પડશે. આ જાહેરાતથી સોપો પડી ગયો. ભારે કરી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ એક તૃતીયાંશ ધારાસભ્યોએ અને સાંસદોને સંગઠનમાં જોતરવાનો નિર્ણય પણ લીધો. આની પહેલી અસર ગુજરાતમાં થઈ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ડો. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા હતા ત્યારે જ પક્ષમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયેલો. તે પણ પ્રજામાં નહીં, પક્ષમાં. 1962ની ચૂંટણી આવી રહી હતી. જીવરાજ મહેતા તો નહીં જ, એવો ઊહાપોહ હતો. ઠાકોરભાઈ દેસાઇ, બળવંતરાય મહેતા જેવાં નામો ચર્ચામાં આવવા માંડ્યાં. જવાહરલાલે નારાજી વ્યક્ત કરી કે આ દસ વર્ષનો નિયમ જડતાથી લાગુ પાડી શકાય નહીં. સંજીવ રેડ્ડીએ ફેરવી તોળ્યું કે મેં નિયમ તરીકે આ સૂચન કર્યું જ નહોતું, પણ ગુજરાત કોંગ્રેસે તો એક પછી એક નિર્ણય લેવા માંડ્યા. ચૂંટણીમાં એવા જ ઉમેદવારો પસંદ કરવા જેણે દસ વર્ષ પૂરાં કર્યા ના હોય. નિશાન જીવરાજ હતા. બીજા 40 ધારાસભ્યો-સાંસદો મુસીબતમાં આવી ગયા. મોરારજી અને આઠ પૂર્વ મંત્રીઓને ટિકિટ મળી, તેમાં જીવરાજ મહેતા, રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી પણ હતા, જેમને જીત્યા પછી પણ ઘર ભેગા થવાનું નસીબ નક્કી હતું. 1962માં ચૂંટણી થઈ, તે પહેલાં જીવરાજ મહેતાએ પક્ષના સંગઠનમાં આડેધડ નિર્ણયો લેવા સામે એકાવન પાનાંનો પીટીઆર રાષ્ટ્રીય પ્રમુખ અને વડાપ્રધાનને લખ્યો, પણ કશું વળ્યું નહીં. ચાર સિવાય બાકીના કેટલાકને 10 વર્ષનો નિયમ લાગુ પાડી દેવાયો, ટિકિટ મળી નહીં. થોડાક કૃપાપાત્રો ફાવ્યા પણ ખરા. તેના જોખમી પરિણામ પણ આવ્યાં. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઠાકોરભાઈ ગણદેવી બેઠક પર હાર્યા, ભાવનગરમાં બલવંતરાય જીતી શક્યા નહીં જેમને ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રસ્તુત કરાયા હતા. સ્વતંત્ર પક્ષ મજબૂત થયો, 26 બેઠકો મેળવી. મહાગુજરાતનું આંદોલન કરનારી જનતા પરિષદને માંડ 4.24 ટકા મત મળ્યા. કચ્છમાં પાંચે પાંચ બેઠકો વિરોધ પક્ષોને ફાળે ગઈ, કનૈયાલાલ મુનશીનાં પત્ની લીલાવતી હાર્યાં, ઢેબરભાઈ અને મોરારજીભાઇ જીત્યા તે લોકસભા બેઠકો પર. મણિબહેન પટેલ અને બાબુભાઇ પટેલને પણ હાર મળી. પરંતુ 1962ની ચૂંટણી પછી કોંગ્રેસની બહુમતી છતાં મુખ્યમંત્રી પદેથી જીવરાજ મહેતા અને તેમના સાથીદારોને જવું પડ્યું. વિરોધ પક્ષ અવિશ્વાસ દરખાસ્ત લાવે તે તો જાણે સમજ્યા, અહીં તો કોંગ્રેસની એક છાવણી જ પોતાના મુખ્યમંત્રી સામે અવિશ્વાસ ઠરાવ લાવવાની હતી! એટલે 19 સપ્ટેમ્બર, 1962માં મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રાજીનામું આપી દીધું. કેટલાકે તેને જવાહરલાલ વિરુદ્ધ મોરારજીભાઇ કશ્મકશમાં સંગઠનની જીત ગણાવી. 2022માં ગુજરાતમાં ભાજપ ફરી એકવાર મોટી બહુમતીથી જીતે તેને માટે જે પગલાં લેવાયાં તેમાં મંત્રીમંડળ સમગ્રપણે બદલાવવામાં આવ્યું ત્યારથી આરંભ થયો. ભાજપની પરંપરા જનસંઘની છે એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામે રાજીનામું આપ્યું અને ઓડા-અનુભવી ભૂપેન્દ્ર પટેલને આ જવાબદારી સોંપવામાં આવી, તેમાં શું મેળવ્યું-ગુમાવ્યુંનો પૂરો હિસાબ થાય તે પહેલાં તો 2022ની ચૂંટણી આવી પડી છે, તેમાં ઉમેદવારોની પસંદગીમાં ઠીક ઠીક કહેવાય તેવા ધરમૂળથી ફેરફારો જોવા મળે છે. તેમાં સંજીવ રેડ્ડીના ‘દસ વર્ષીય’ નિયમનો આંશિક અમલ છે તે નરેન્દ્ર મોદીની શૈલીનો છે. અહીં 1962માં ગુજરાત કોંગ્રેસમાં જેવા અને જેટલા આંતરિક વિરોધો હતા તેવા ભાજપમાં નથી. બધાની ચાહના અને વફાદારી નરેન્દ્ર મોદી સાથે છે, કારણ કે તેઓ માને છે કે 1952થી શરૂ થયેલા રાજકીય પ્રયાણમાં પુરોગામી શ્યામાપ્રસાદ મુખર્જી, દિનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીના ક્રમમા નરેન્દ્ર મોદીએ વ્યૂહરચના અને સંઘર્ષ કરીને વધુ સફળતા મેળવી છે. એટલે તેમના નિર્ણયો સ્વીકૃત રહે છે તેની નવાઈ રાજકીય પંડિતોને પણ લાગે છે એટલે આ માણસ એકચક્રી, એકાધિકારવાદી છે, પોતે જ બધા નિર્ણયો લે છે એવી છાપ પેદા કરવાના નિમિત્ત તો આ વિશ્લેષકો કરતા આવ્યા છે, પણ મોદી-શૈલીનું લક્ષણ એ લક્ષણ છે કે બહારનાં વિરોધી પરિબળોનો વિરોધ હોવા છતાં પોતે લીધેલા નિર્ણયને તે લાગુ પાડે છે, પણ તે પહેલાં તેનાં તમામ પાસાં ચકાશી લે છે અને તેને માટે સલાહ પરામર્શ કરે છે. પોતે જે કરે તે દેશ, સમાજ અને પક્ષ માટે હિતકારક છે કે નહીં તેનો ગંભીરતાથી વિચાર કરે છે. ગુજરાત ચૂંટણીમાં પક્ષમાં ઉમેદવારી માટેના ફેરફારો આવી જ નરેન્દ્ર-શૈલીનું પરિણામ છે અને તેમાં જેમને ટિકિટ મળી છે, નથી મળી તે બધાં, સંગઠન અને સરકારના પૂર્વ-વર્તમાન મંત્રીઓ સંમત છે, નાની-મોટી ઘટનાને બાદ કરતાં બાકી બધું ઠીકઠાક રહેશે એવું પક્ષની નેતાગીરી માને છે, કોંગ્રેસ એવું માનતી નથી અને તેને માટે તે સ્વાભાવિક પણ છે. કોંગ્રેસ છોડીને આવેલાઓમાંથી કેટલાકને ટિકિટ મળી છે, જૂના ઘણાને બાકાત રાખ્યા તેનો રોષ વગેરે બાબતો પાર્ટી કઈ રીતે ઉકેલે છે, સર્વસામાન્ય સમસ્યાઓ અને સરકારે યોજનાઓ થકી આપેલા લાભ ઉપરાંત ઉમેદવારની સજ્જતા અને નાગરિક સાથેનો સંબંધ... આ મુદ્દાઓ છે અને તેમાંના કેટલાક તો વિપક્ષોને પણ નડવાના છે, પણ સંજીવ રેડ્ડીના નિયમથી નરેન્દ્ર મોદી એટલા તો ચોક્કસ અલગ પડે છે કે તે માત્ર પક્ષને બદલે સમાજ અને દેશને પણ નજરમાં રાખે છે એવું માનનારો ઘણો મોટો વર્ગ છે એ તેની તરફેણનું પરિબળ છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...