ઈમિગ્રેશન:ફરીથી ઈન્ટરવ્યૂની એપોઈન્ટમેન્ટ કેવી રીતે મળે?

રમેશ રાવલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સવાલ : મારી સિસ્ટરે ફાઈલ કરેલ F-4ની પિટિશનને લીધે મારા ફેમિલીનાં બે બાળકો સહિત અમને ચારેયને 2018માં 2028 સુધીની વેલિડિટીવાળા ગ્રીનકાર્ડ મળી ગયાં પછી અમેરિકાથી અમે પતિ-પત્ની ઈન્ડિયામાં 25-2-2020ના રોજ પરત આવી ગયેલાં. અમારે અમેરિકા પરત જવું હતું, પરંતુ 2020ના માર્ચ મહિનાથી કોરોનાની જબરદસ્ત બીમારી શરૂ થઈ જવાથી અમે અમેરિકા પાછાં ન જઈ શક્યાં, કારણ બધી જ ફ્લાઈટ્સ બંધ થઈ ગયેલી. આ ઉપરાંત આ 2021ના વર્ષમાં મારાં માતા-પિતાને ગંભીરપણે કોરોના થવાથી હજી સુધી અમેરિકા પાછાં જઈ શક્યાં નથી. હવે આ ગ્રીનકાર્ડના આધારે પાછાં જવું હોય તો જઈ શકાય? - મૌલિક પટેલ, અમદાવાદ જવાબ : નિયમ પ્રમાણે અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવનાર વ્યક્તિ ઈન્ડિયામાં એક વર્ષ એટલે કે 365 દિવસથી વધારે એક પણ દિવસ રહી ન શકે. તેથી એક વર્ષ પૂરું થાય એ પહેલાં તમારે અમેરિકા પાછાં જવું જોઈએ, તેના બદલે તમે એક વર્ષથી વધુ ઈન્ડિયામાં રહ્યાં છો તેથી હું જણાવું તેટલા ડોક્યુમેન્ટ્સ, પુરાવા તેમજ સચોટ કારણો ઈન્ડિયામાં રહેવાના અને ત્યાંના એરપોર્ટ ઉપર પૂછાતા સવાલ-જવાબ બરાબર તૈયાર કરીને જાઓ તો જ પાછાં જવાનો ચાન્સ લઈ શકાય. આ ઉપરાંત એક બીજો કાયદેસરનો વિકલ્પ એ છે કે તમે મુંબઈ કોન્સ્યુલેટમાં રીટર્નિંગ રેસિડન્ટ સ્ટેટસ માટે એક પિટિશન ફાઈલ કરો અને તેના ઈન્ટરવ્યૂમાં તમે તે વિઝા મળે તો કાયદેસર અમેરિકા પરત જઈ શકો. એક અત્યંત અગત્યની વાત યાદ રાખો કે, ગ્રીનકાર્ડ દ્વારા ઈન્ડિયામાં એક વર્ષથી વધુ રહ્યાં પછી અમેરિકા જાઓ ત્યારે એરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીનો તમને અમેરિકામાં દાખલ થવા દેવા કે દાખલ થવા દેવા નહીં તેનો નિર્ણય ફાઈનલ ગણાશે, જેથી તેની નોંધ લેશો. સવાલ : મારા સીટીઝન પુત્રએ અમેરિકામાં તેનાં માતા-પિતા એટલે કે અમારાં બંને માટે ગ્રીનકાર્ડ અપાવવા ઈમિડિયેટ રિલેટિવ્સની કેટેગરીમાં ઈમિગ્રેશન પિટિશન ફાઈલ કરેલી, જેનો વિઝા કોલનો ઈન્ટરવ્યૂ ઓગસ્ટ 2020માં હતો, પરંતુ તે સમય દરમિયાન કોરોના વાઈરસ હોવાથી મુંબઈ કોન્સ્યુલેટના પત્રથી અમારો ઈન્ટરવ્યૂ કેન્સલ કરેલો. અમે મેડિકલ, પોલીસ ક્લીઅરન્સ, વીઝા ફી ને જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા હતાં જ. હવે અમને ફરીથી ઈન્ટરવ્યૂની એપોઈન્ટમેન્ટ કેવી રીતે મળે? - રામભાઈ પટેલ, સુરત જવાબ : હા, જરૂરથી ફરી વાર ઈમિગ્રેશન માટે ઈન્ટરવ્યૂની તારીખ મળી જ શકે. ઈન્ટરવ્યૂની તારીખ મેળવવા માટે પહેલાના ઈન્ટરવ્યૂ વખતના ડોક્યુમેન્ટ્સ, પિટિશનની કોપી, ફી ભર્યાની રસીદ, બંનેના પાસપોર્ટની કોપી અને પહેલા ઈન્ટરવ્યૂના લેટરની કોપી મોકલી આપવાથી ઈન્ટરવ્યૂની નવી તારીખ લઈ શકાશે. ખાસ કરીને તમારે એક વાર ફરીથી પ્રોસિજર કરવી પડશે. જેમકે, પોલીસ ક્લીઅરન્સ, કેટલાક મેડિકલ ટેસ્ટ જરૂર પડે તો જ અને કેટલીક વાર ઈન્ટરવ્યૂમાં પૂછાતા સવાલો અને જવાબો મને ઈમેલ કરી જાણી લેવા જરૂરી છે. કેટલાક આ પ્રકારના ઈમિગ્રેશનના ઈન્ટરવ્યૂમાં ઘણા સવાલો વિઝા ઓફિસર પૂછે છે જે સવાલો તથા તેના આપવા પડતા જવાબો જાણી લેવા જોઈએ. ઈન્ટરવ્યૂમાં કયા કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવા જોઈએ અને કયા ડોક્યુમેન્ટ્સ ન લઈ જવા જોઈએ તે જાણી લેવું તે મહત્ત્વની બાબત છે. સવાલ : મુંબઈ કોન્સ્યુલેટમાં અમારી ફેમિલીનો ગ્રીનકાર્ડ અંગેનો ઈમિગ્રન્ટ વિઝાનો ઈન્ટરવ્યૂ થયા પછી અમને ઈમિગ્રન્ટ વિઝા આપેલા, પરંતુ વિઝાની શરત પ્રમાણે અમારે 6 મહિનાની અંદર અમેરિકા પહોંચી જવું જોઈએ, પણ કોવિડને કારણે, અંગત કારણોસર હજુ અમેરિકા જઈ શક્યા નથી અને 6 મહિનાનો શરતભંગ થયો છે. તો શું અમને ફરીથી એપ્લાય કરવાથી ઈમિગ્રન્ટ વિઝા મળી શકે? - એક વાચક, સુરત જવાબ : હા, એપ્લાય કરી શકાય. જો તમે 6 મહિના પૂરા થયા પહેલાં અમેરિકા જઈ શક્યા નહીં તેના સચોટ પુરાવા, એર ટિકિટનું બુકિંગ, કેટલાક ડોક્યુમેન્ટ્સ, મેડિકલ પેપર્સ તેમજ અંગત કારણો વગેરે દર્શાવી શકતા હો તો એપ્લાય કરીને એપોઈન્ટમેન્ટ લેવા પ્રયત્ન કરી શકો, પરંતુ આ પ્રોસિજર કરતાં પહેલાં ઈમિગ્રેશનના જાણકાર લોયરની સલાહ લેવી. સવાલ : મેં 12મું કમ્પ્લીટ કર્યું છે. મને અમેરિકન કોલેજ ઓફ કોમર્સ એન્ડ ટેક્નિકલમાંથી સ્ટુડન્ટ વિઝા માટે I-20 મળ્યું છે. તેમ છતાં મુંબઈ કોન્સ્યુલેટમાં મારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે. હવે હું સ્ટુડન્ટ વિઝા માટે ફરીથી એપ્લાય કરવા માગું છું. તો મને સ્ટુડન્ટ વિઝા મળવાના કેટલા ચાન્સીસ છે? મારું ઈંગ્લિશ બહુ જ સારું છે. - વિશાલ પટેલ, અમદાવાદ જવાબ : અમેરિકાની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળે એટલે અમેરિકા સ્ટડી કરવા જવા માટે સ્ટુડન્ટ વિઝા મળે જ એવો નિયમ નથી. ફરીથી એપ્લાય કરવાથી વિઝા મળવાના ચાન્સીસ તમારા કેસમાં કહી શકાય નહીં. તેમ છતાં તમારા વિઝા ફોર્મની કોપી તથા ઈન્ટરવ્યૂના સવાલ-જવાબ મળ્યા પછી જ માર્ગદર્શન આપી શકું. ravalindia@gmail.com (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

અન્ય સમાચારો પણ છે...