સાયન્સ અફેર્સ:અવકાશી કચરા વિશે ચિંતા કેટલી વાજબી?

નિમિતા શેઠ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપગ્રહોનો કાટમાળ આપણને પૃથ્વીની બહાર નીકળતાં રોકશે

15 નવેમ્બરે રશિયાએ પોતાના એક સેટેલાઇટને ખતમ કરવા માટે મિસાઇલ છોડી. આ પ્રકારની મિસાઇલને ‘એન્ટી સેટેલાઇટ વેપન’ કહેવાય છે. આને કારણે નાશ પામેલાં સેટેલાઇટના 1500 જેટલા નાના મોટા ટુકડા અવકાશમાં પૃથ્વીની આસપાસ ચક્કર મારતા થઈ ગયા, પણ આ કોઈ પહેલી ઘટના નથી કે જેમાં જાણે-અજાણે માનવનિર્મિત કાટમાળ પૃથ્વીથી નજીકના અવકાશમાં તરતો મૂકાયો હોય. 2019 સુધીમાં 1 સેમીથી નાના 12.8 કરોડ, 1થી 10 સેમી કદના 9 લાખ અને 10 સેમીથી મોટા 34 હજાર ટુકડાઓ પૃથ્વીનું પરિભ્રમણ કરતા નોંધાયા છે. તે ઉપરાંત 7500 સક્રિય કૃત્રિમ ઉપગ્રહો તો ખરા જ. પૃથ્વીથી 2000 કિમી સુધીના ક્ષેત્રમાં આટલો બધો ભંગાર વિવિધ કારણોથી ભેગો થયેલો છે. નિષ્ક્રિય થઈ ગયેલા કે તૂટી ગયેલા સેટેલાઇટ, બે સેટેલાઇટ્સ વચ્ચે અથડામણ થવાથી થતો કચરો, એન્ટી સેટેલાઇટ ટેસ્ટના કારણે થયેલો કાટમાળ, સ્પેસ ક્રાફ્ટથી છૂટાં પડી ગયેલાં સ્પેર પાર્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. 1 સેમીથી મોટા કદનો કોઈ પણ ટુકડો સક્રિય સેટેલાઇટ કે સ્પેસક્રાફ્ટનો સંપૂર્ણ નાશ કરી શકે. જૂન, 2021માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોડે આવો એક ઝીણો ટુકડો અથડાવાથી નુકસાન થયું હતું. અંદર કામ કરતા અવકાશયાત્રીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. સેટેલાઇટનાં માર્કેટમાં પ્રાઇવેટ કંપનીઓએ પણ ઝંપલાવ્યું હોવાથી આવતા દસકામાં પૃથ્વીની આસપાસ લાખોની સંખ્યામાં સેટેલાઇટ ફરતા થવાની મજબૂત શક્યતા છે. શનિ ગ્રહની ફરતે કુદરતી વલય છે, તેવા કૃત્રિમ ભંગારના વલય પૃથ્વી ફરતે બનવાની શરૂઆત થશે. આટલા બધા ઉપગ્રહો અને કાટમાળ પૃથ્વીથી નજીકના અવકાશમાં હશે તો અથડામણોનું એક એવું ચક્ર ચાલુ થશે જેનાથી ચોતરફ અવકાશી કચરો વધતો જ જશે. ભંગારનાં આ આવરણને કારણે એક સમય એવો પણ આવશે કે આપણે કોઈ નવું સ્પેસક્રાફ્ટ કે સેટેલાઇટ અવકાશમાં છોડી નહીં શકીએ. જો અવકાશી કચરાનું પ્રમાણ નિયંત્રિત નહીં કરવામાં આવે તો બીજા ગ્રહો પર માનવ વસાહતો બનાવવાનું આપણું સપનું કદી પૂરું નહીં થાય. આ શક્યતાને કેસલર સિન્ડ્રોમ (Kessler syndrome) કહેવામાં આવે છે. અવકાશી કાટમાળના નિકાલ માટેની એક પણ પદ્ધતિની અસરકારકતા માટે હજુ વૈજ્ઞાનિકો એકમત નથી. અવકાશી કચરાથી ઊભું થયેલું બીજું જોખમ પ્રકાશ પ્રદૂષણનું (light pollution) છે. મોટાભાગનો ભંગાર ધાતુનો બનેલો હોય છે. ધાતુ અરીસાની જેમ જ પ્રકાશને પરાવર્તિત કરીને ફરી પૃથ્વી પર મોકલે છે. અવકાશમાં કાટમાળ જેટલો વધતો જશે, આપણને રાત્રિનું આકાશ એટલું વધુ પ્રકાશિત દેખાતું જશે. એક સંશોધન કહે છે કે, ભવિષ્યમાં રાતનો 8% પ્રકાશ કૃત્રિમ ઉપગ્રહો, કાટમાળના કારણે આવતો હશે. રાતે દેખાતા દર 10 તારામાંથી એક તારો સેટેલાઇટ હશે. આવું થશે તો ખગોળશાસ્ત્રીઓને દૂરના તારાઓનો અભ્યાસ કરવામાં પણ તકલીફ પડશે. આપણાં હવામાનની દેખરેખ, કોમ્યુનિકેશનનાં નેટવર્ક, આર્થિક લેવડ દેવડ, સંશોધન જેવી તમામ બાબતો માટે ઉપગ્રહો અનિવાર્ય છે, પણ અવકાશમાં થતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા આપણે અવકાશી પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવી પડશે. ⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...