સ્ત્રી તત્ત્વ પ્રકૃતિનું અવિભાજ્ય અંગ છે. માત્ર વિચાર કરો કે એના વિના કોઈ જન્મ થઈ ખરાં? અરે, સ્ત્રી બાળકને જન્મ આપે છે, એ સમયે ખુદ પ્રકૃતિ એનો ઉપયોગ કરે છે જીવનને આગળ વધારવા માટે. જેમ, પક્ષીઓ વૃક્ષ ઉપર માળા બાંધે છે એમ જ પ્રકૃતિ પણ આ સ્ત્રી ઊર્જા દ્વારા મનુષ્ય જાતિને ટકાવી રાખવા માગે છે, પણ એ કડવી વાસ્તવિકતા છે કે આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ભલે ગમે તે ક્ષેત્રે આગળ વધી હોય પણ પરંપરાગત સ્ત્રીની ભૂમિકા ના ભજવે ત્યાં સુધી તે ખરા અર્થમાં સ્ત્રી નથી. તો શું સ્ત્રીનું અસ્તિત્વ એટલું જ છે જે માત્રામાં તે પુરુષ સાથે જોડાયેલી હોય છે?
જોકે, અહીં તો ઘણી બધી સ્ત્રીઓ પણ એવું જ માને છે કે સદીઓથી સ્ત્રીનું જે ચિત્ર બન્યું છે તેને એ ચિત્રમાં જ રહેવાનું છે. બહાર તે ગમે એટલી પ્રતિભાશાળી હોય, પણ ઘરમાં જ્યાં સુધી પરંપરાગત સ્ત્રી જેવો વ્યવહાર ન કરે ત્યાં સુધી તે અપરાધભાવ અનુભવે છે. ખરેખર તો સ્ત્રીઓની પ્રતિભા આડે આવતું આ બંધન તૂટવું જોઈએ.
જાણીતા અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડ શોએ એક પુસ્તક લખેલું. એનું નામ પણ થોડું વિચિત્ર હતું: ‘ઈન્ટેલિજન્ટ વીમેન્સ ગાઇડ ટુ સોશિયાલિમ એન્ડ કેપિટલિઝમ.’ પહેલી વાર આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે સૌને આશ્ચર્ય થયેલું. લોકોએ પૂછ્યું કે સ્ત્રી માટે જ કેમ? પુરુષ માટે નહીં? તમારે નામ રાખવું જોઈએ: ‘ઈન્ટેલિજન્ટ મેન્સ ગાઇડ ટુ સોશિયાલિઝમ.’ ત્યારે બર્નાર્ડ શોએ કહ્યું કે જો ‘મેન્સ’ લખવાથી સ્ત્રીઓનો એમાં સમાવેશ થઈ જાય છે તો, ‘વીમેન્સ’ લખવાથી પુરુષ એમાં શું કામ સામેલ ન થઈ શકે? તેમનો તર્ક બહુ સચોટ છે. બર્નાર્ડ શો બુદ્ધિજીવી હતા તેથી તેમણે એ વખતે સામાજિક અસમાનતા વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો. તો આજે પણ સ્થિતિ ક્યાં સારી છે? ખરેખર આપણે સ્ત્રી ગુણોનો આદર કરવો જોઈએ. જેમકે, સર્જનની ક્ષમતા, પ્રેમની શક્તિ, ધીરજ, ક્ષમા, કરુણા, સ્નેહ આ બધા જ સ્ત્રી ગુણોને અપનાવીશું ત્યારે જ સાચા અર્થમાં માતાનું સન્માન થયું ગણાશે. માતાનું સન્માન કરવું એટલે આખી પ્રકૃતિનું સન્માન કરવું.
મૂળ મા તો પ્રકૃતિ છે. જો તે આપણને ન સાચવે, આપણું ભરણ પોષણ ન કરે તો શું આપણે જીવી શકત ખરાં? પણ આધુનિક યુગના માણસે તો જાણે સંવેદનશીલતા ગુમાવી દીધી છે.
હજુ આજે પણ ઘરે પ્રથમ દીકરીનો જન્મ થાય છે ત્યારે ઘણાં માતાપિતા પહેલાં તો એવું જ વિચારે છે કે કાશ, દીકરો હોત તો! હા, એ પછી દીકરીનાં લગ્ન માટે પૈસા જમા કરવાનું શરૂ કરી દે છે, કારણ કે દીકરી હોય એટલે જાણે તેમના હૃદય ઉપર એક ભાર છે. દીકરીની માને પણ ચિંતા હોય છે કે આજના આ અસુરક્ષિત વાતાવરણમાં દીકરીની રક્ષા કેવી રીતે કરવામાં આવે!
જોકે, આ વાતાવરણમાં પણ આ વિચારધારાથી હટકે ફેસબુક નિર્માતા ઝકરબર્ગ અને તેમના પત્ની ડો. પ્રિસ્કિલા ચાને તેમની સંપત્તિનો 99 ટકા હિસ્સો આવનારાં બાળકોનાં નામે કરી દીધો. આ ખરેખર બહુ જ સુંદર ઘટના છે. તેમણે પોતાની નવજાત દીકરીના નામે એક પત્ર લખ્યો અને એને વચન આપ્યું કે વિશ્વનાં બધાં જ બાળકો વચ્ચે સમાનતા સ્થપાય અને એ પેઢીની ક્ષમતાનો ભરપૂર વિકાસ થાય એ માટે અમે અમારી સંપત્તિનું દાન કરીએ છીએ. આ પ્રકારનો વિચાર મનમાં આવવો એ અસાધારણ વાત છે. આ દંપતીનું કેવડું મોટું દિલ કહેવાય! હજુ તો તેમની આગળ આખી જિંદગી બાકી છે, પણ પોતાના ભવિષ્ય વિશે ચિંતા ન કરીને સંપૂર્ણ માનવતાની, આવનારી પેઢીની ચિંતા કરી.{
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.