હવામાં ગોળીબાર:કેવી મઝા આવે, જો 2022માં…

ઝવેરચંદ મેઘાણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવી મઝા આવે સ્મૃતિ ઈરાની મોટી સાસુબા બનીને આવે અને એકતા કપૂર પાસે આખા બંગલામાં સેનિટાઈઝરનાં પોતાં કરાવે!

છેલ્લાં બે વર્ષમાં આખી દુનિયાની પથારી ફરી ગયા પછી હવે આપણને ‘હેપ્પી ન્યૂ યર’ના જે મેસેજો આવે છે એ પણ નેતાઓનાં વચનો જેવાં લાગે છે ને! એટલે જ અમે અમારા પોતાના મનોરંજન ખાતર 2022માં મઝા આવે એવી ઘટનાઓની કલ્પના કરી છે… * * * 2022માં કેવી મઝા આવે… જો માર્ચ મહિનામાં કોરોનાનો જબરદસ્ત હુમલો થાય, પરીક્ષાઓ કેન્સલ થઈ જાય, બધાંને માસ પ્રમોશન મળી જાય અને પછી અચાનક એપ્રિલમાં કોરોના ગાયબ થઈ જાય! * * * અને કેવી મઝા આવે… જો ટીવીમાં ‘સાસ ભી કભી બહુ થી’ ફરી શરૂ થઈ જાય અને એમાં સ્મૃતિ ઈરાની મોટી સાસુબા બનીને આવે અને એકતા કપૂર પાસે આખા બંગલામાં સેનિટાઈઝરનાં પોતાં કરાવે! * * * અરે, કેવી મઝા આવે… જો ટીવીમાં રાહુલબાબાનાં લગ્ન માટેનો રિયાલિટી શો શરૂ થાય, જેમાં એમની સાથે પરણવા તૈયાર થયેલી સેંકડો કન્યાઓ વચ્ચે જોરદાર હરીફાઈ જામે! અને છેવટે એ શોને વરસના બેસ્ટ ‘કોમેડી’ શોનું ઈનામ મળે! * * * કેવી મઝા આવે… જો વિજય માલ્યાને ભારતમાં પાછો લાવવામાં આવે અને એ દિવસે આ દેશમાં જ નહીં, ગુજરાતમાં પણ એક દિવસ માટે દારૂ ઉપરથી પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવે! * * * અને કેવી મઝા આવે… કે જે દિવસે નીરવ મોદીને પકડીને ભારતમાં લાવવામાં આવે એ દિવસને ‘રાષ્ટ્રીય બેન્ક ફ્રોડ દિવસ’ તરીકે મનાવવા માટે દરેકનાં ખાતામાં 15-15 લાખ જમા થઈ જાય! (પછી ભલે એના માટે કોઈએ બહુ મોટું બેન્ક-ફ્રોડ કર્યું હોય.) * * * બાકી કેવી મઝા આવે… જો ભારતમાં કોઈ કોન્ફરન્સ માટે આવેલો ઈમરાન ખાન સાડી સત્તર વાર માગે છતાં એને જમવામાં ‘કાશ્મીરી પુલાવ’ હરગિઝ ના આપવામાં આવે… અને આખરે ત્યારે જ આપવામાં આવે જ્યારે ઈમરાન ખાન જાહેરમાં ‘ભારત માતા કી જય’ બોલીને બતાવે! * * * એમ તો કેવી મઝા આવે… જો બાબા રામદેવ કોઈ ભેદી-વિચિત્ર વાઈરસની ઝપેટમાં આવીને સખત રીતે બીમાર પડી જાય! અને એમને સારવાર માટે વિદેશ લઈ જવા પડે… જ્યાં તપાસ કરવાથી ખબર પડે કે બાબા રામદેવ પોતે પોતાની જ પતંજલિ બ્રાન્ડની રોગપ્રતિકારક શક્તિ વધારનારી દવાઓ ‘નહોતા’ લેતા એટલે જ આવું બધું થયું! * * * અને બોસ, કેવી મઝા આવે… જો પાકિસ્તાનના ટીવીમાં કોઈ કોમેડી શોના હોસ્ટ તરીકે નવજોત સિદ્ધુને બેસાડી દીધા હોય અને એમને કોઈ પણ જોક ઉપર હસવું જ ના આવતું હોય! આખરે ભારત-પાક વચ્ચે ખાસ ‘શાંતિ કરાર’ કરીને એમને ફરી હસાવવા માટે અહીંથી ખાસ રાહુલબાબાને ત્યાં મોકલવા પડે! * * * જરા વિચારો, કેવી મઝા આવે… જો મુકેશ અંબાણી અચાનક સન્યાસ લઈ લે અને પોતાની તમામ મિલકત દાનમાં આપીને કહે કે આમાંથી ઈન્ડિયાના તમામ મોબાઈલધારકોનાં લાઈફટાઈમ સુધીનાં બિલો ભરાતાં રહેશે, જાવ! * * * અને કેવી મઝા આવે… જો આપણા મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવાથી… નોકરી મળી જાય, છોકરી મળી જાય, પત્ની શાંત રહે, બોસ આપણાથી ડરે, કોરોના કદી ના થાય અને કેન્સર પણ મટી જાય! (પછી 2023માં ભલે જે થવાનું હોય તે થાય.)⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...