સ્ટાર્ટઅપ ટોક:સ્ટાર્ટઅપના માર્ગ પર સફળતા કેટલે વેંત દૂર?

વિરલ શાહ (સી.ઈ.ઓ., એલ. જે. ઈન્ક્યુબેશન સેન્ટર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાર્ટઅપ માટે એવું કહેવાય છે કે જો તે કંઈ જુદું, નવું કે મોટું ન કરે તો સ્ટાર્ટઅપ ના કહેવાય. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં આટલાં વર્ષો આપ્યાં પછી આજે થોડા જુદા અનુભવની વાત કરવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જ થઈ છે. બહુ અસામાન્ય અને ખૂબ જ અઘરા વિચારો આવે અને એવા ધંધાકીય વિચારો પર લોકો કામ કરતા હોય છે. આ પ્રકારના વિચારોને સામાન્ય વર્ગ પચાવી શકતાં નથી અને બહુ બધી દુન્યવી સલાહો અપાતી હોય છે. નવયુવાનો નક્કી કરે માર્ગ આ પણ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જે મોટાભાગે સારા આશયથી આપવામાં આવતી હોય છે, પરંતુ સ્ટાર્ટઅપનાં ફાઉન્ડર્સ પોતાની મસ્તીમાં અને ઝનૂનમાં કામ કરવાનું ચાલુ રાખતાં હોય છે. કુટુંબીજનો, મિત્રો, ગુરુજનો, સંબંધીઓ વગેરે ખૂબ સમજાવે છે, પરંતુ કંઈક કરી છૂટવાની ઈચ્છા રાખતા નવયુવાન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ પોતાની ધૂનમાં જ વ્યસ્ત રહેતાં જોવા મળે છે. સફળતાની કોઈ ગેરંટી નથી હોતી. આ વિચારોને ધંધાકીય એકમમાં ફળીભૂત કરવાનું પણ જો નવયુવાન લોકોને ઝનૂન ન હોય તો લોહી થોડું ગરમ કહેવાય! આ નવયુવાનો સ્ટાર્ટઅપના માર્ગ પર ચાલતા જાય, થોડું પડે, થોડું લડે, થોડું ઝઘડે અને આગળ વધવાનું ચાલુ રાખતા જોવા મળે છે. આ સફરમાં ખૂબ જ થોડાં લોકો સફળ થાય છે અને મોટાભાગનાં લોકો નિષ્ફળ જાય છે અને અન્ય કામમાં લાગી જાય છે. જે સફળ થાય છે એ ફેસબુક બને, એમેઝોન બને કે ઉબેર બને અને આ લોકોની સફળતા જોઈ નવા લોકો સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં આવે અને ફરીથી આ ચક્કર ચાલતું થાય. અનુભવમાંથી બોધપાઠ લેવો અહીં એ નોંધવું જરૂરી છે કે જે લોકો નિષ્ફળ જાય છે એ બીજે બધે નિષ્ફળ નથી જતાં. એક અનુભવ તો લઈ જ લે છે ધંધાની સામાન્ય બાબતોનો. ઘણી બધી રીતે ઘડાઈ ચૂક્યાં હોય છે, કેમ કે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય ત્યારે તેમણે પોતે જ માર્કેટિંગનું કામ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગનું કામ, દસ્તાવેજોનું કામ, નાણાંકીય વ્યવસ્થાનું કામ પોતે જ કર્યું હોય છે. મહેનતથી પાછાં પડતાં નથી. હવે જો આ લોકો કોઈ રૂઢિગત ધંધો મનથી હાથમાં લે તો જરૂર સફળ થાય છે અને જે નિષ્ફળ લોકો ધંધાની જગ્યાએ નોકરી કરવા લાગે છે એ લોકો સફળ કર્મચારી થઈ જાય છે. આ લોકોને શું કરવું એ ભલે ના ખબર હોય, પરંતુ શું ના કરવું એ જરૂરથી ખબર હોય છે. ફાઉન્ડર બની શકે સારા મેન્ટર સ્ટાર્ટઅપ શરૂ કરવાથી લઈ એને સફળ બનાવવા સુધીની સફરમાં ઘણી બધી આંટીઘૂંટીમાંથી પસાર થઈ ચૂક્યાં હોય છે. ઘણી બધી અલગ માનસિક અસરોમાંથી બહાર આવતાં હોય છે. આ સમયે નજીકનાં સંબંધીઓ, મિત્રો અને સારા મેન્ટરનો રોલ ખૂબ જ મહત્ત્વનો હોય છે. ઘણાં બધાં નિષ્ફળ સ્ટાર્ટઅપ ફાઉન્ડર સારા મેન્ટર બની જતાં હોય છે, તો ઘણાં લોકો અન્ય સ્ટાર્ટઅપનાં કો-ફાઉન્ડર બની જતાં હોય છે. ઘણાં નિષ્ફળ ફાઉન્ડર ઈન્ક્યુબેશન સેન્ટર કે એક્સીલરેટરના મેનેજર બની જતાં હોય છે. ઘણાં સફળ સ્ટાર્ટઅપ ફાઉન્ડર ઈન્વેસ્ટર બની જતાં હોય છે તો ઘણાં સિરિયલ આન્ત્રપ્રેન્યોર બની જતાં હોય છે. આજની વાતો સંપૂર્ણપણે અનુભવ આધારિત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના અન્ય િમત્રોનો અનુભવ અને માન્યતા જુદી હોઈ શકે, પરંતુ એક વાત તો ચોક્કસપણે કહીશ કે સફળતા માથા પરનો સાફો બને તો નિષ્ફળતા નાડું ઢીલું પડવા દેતી નથી. જીવનમાં તક મળે અને સંજોગો બને તો એક સ્ટાર્ટઅપ કરવું જોઈએ.{ ceoljkf@ljinstitutes.edu.in

અન્ય સમાચારો પણ છે...