અજવાળાનો ઓટોગ્રાફ:જીવનમાં સર્જાયેલા ખાલીપાને તમે કઈ રીતે ભરશો?

3 મહિનો પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

ધારો કે તમે ઓરડામાંથી અમુક વસ્તુઓ એક પછી એક બહાર કાઢતા જાવ છો. જૂની નોટબુક્સ, જગ્યા રોકીને બેઠેલું અને બિનજરૂરી હોય એવું ફર્નિચર, જૂનાં કપડાં, પુસ્તકો, સંગ્રહ કરીને રાખેલી નકામી વસ્તુઓ અને આવું તો કેટલુંય જે હવે બિનઉપયોગી છે. ક્યારેક કેટલીક એવી વસ્તુઓ પણ કાઢવી પડે જેની સાથે જૂની યાદો સંકળાયેલી હોય. ભૂતકાળમાં મળેલાં પ્રેમપત્રો, ગ્રીટિંગ કાર્ડ્સ, ગિફ્ટ્સ અને એવું તો કેટલુંય જે નિહાળીને આપણામાં આનંદ અને ઉદાસીની મિશ્ર લાગણી ઉદ્્ભવે, પણ એ બધું જ ઓરડામાંથી ખાલી કરી નાંખીએ તો? બે પરિણામ શક્ય છે. પહેલું તો એ કે સ્વાભાવિક રીતે, એમાંની કેટલીક વસ્તુઓને આપણે મિસ કરીશું. એ આપણને યાદ આવશે. એ વસ્તુઓની હાજરીથી આપણો ઓરડો કેટલો ભર્યોભર્યો લાગતો! એ વિચાર મનમાં સતત અફળાયા કરશે, પણ બીજું પરિણામ વધારે રસપ્રદ છે, જેના તરફ સામાન્ય રીતે આપણે બેધ્યાન કે અજાણ હોઈએ છીએ. બીજું પરિણામ એ કે ઓરડામાં બાકી રહેલી વસ્તુઓ આપણને પહેલાં કરતાં વધારે સ્પષ્ટ દેખાવા લાગશે. આપણે હવે એમના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. બાકી બચેલાં પુસ્તકો વાંચવાની શરૂઆત કરીશું, ‘આ તો ગમે છે’ એવું વિચારીને જે નથી કાઢ્યાં એવાં કપડાં પહેરવાની શરૂઆત કરીશું, બાકી બચેલી ખુરશીઓ વધારે વહાલી લાગશે અને જો ક્યાંક ચેસ-બોર્ડ કે પત્તાં પડ્યાં હશે તો હવે આપણે એ રમવાની શરૂઆત કરીશું. એનો અર્થ એ થયો કે ઓરડામાંની કેટલીક વસ્તુઓ ખાલી થવાથી, ઓરડામાં બાકી બચેલી વસ્તુઓનું મહત્ત્વ અને મૂલ્ય આપમેળે વધી જશે. તમને થશે કે આ શું ક્યારનો ઓરડા, વસ્તુઓ અને ખાલીપામાં અટકેલો છે? કહેવા શું માંગે છે? તો એનો જવાબ એટલો જ છે કે જે સિદ્ધાંત ઓરડામાંની વસ્તુઓને લાગુ પડે છે, એ જ સિદ્ધાંત આપણા જીવનમાં રહેલી વ્યક્તિઓને લાગુ પડે છે. ‘The gaps of life’ના નામથી ઓળખાતી આ ફિલોસોફી મને ‘ધ કમ્ફર્ટ બુક’માંથી જડી. કેટલીક વ્યક્તિઓના ચાલ્યા જવાથી, બાકી રહેલી વ્યક્તિઓનું મહત્ત્વ વધી જાય છે. અકાળે મૃત્યુ પામેલાં કે ઘર છોડીને ચાલ્યાં ગયેલાં સ્વજનો, ‘બ્રેક-અપ’ કરીને દૂર થઈ ગયેલાં પ્રિયજનો કે પછી કોઈ અન્ય કારણસર ગુમાવી દીધેલા સંબંધો, આપણા જીવન-ઓરડામાં પણ એવો જ ખાલીપો સર્જે છે. એ દરેક સમયે આપણી પાસે બે વિકલ્પો હોય છે. કાં તો વિદાય પામેલી વ્યક્તિને યાદ કરીને આંસુ સારતા રહીએ, ને કાં તો બાકી બચેલાં પ્રિયજનોનું મહત્ત્વ સમજીને એમના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણી પાસે સ્પેરમાં પડેલું અને વણવપરાયેલું વહાલ એમના પર વરસાવી દઈએ, જેઓ હયાત છે. આપણી સાથે છે. કાં તો ગુમાવી દીધેલી વ્યક્તિની ફરિયાદ કરીને કાયમ ઈશ્વરને દોષી માનતા રહીએ, ને કાં તો બાકી બચેલા સંબંધોનું મૂલ્ય સમજીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. કાં તો સર્જાયેલા ખાલીપાનો શોક મનાવતા રહીએ, ને કાં તો બાકી બચેલા અર્થસભર સંબંધોને ઊજવતા રહીએ. કાં તો જેમને ગુમાવ્યા છે એમના પર ફોકસ કરતાં રહીએ, ને કાં તો જેઓ સાથે છે એમના પર કોન્સન્ટ્રેટ કરીએ. ‘જે ગયું છે’ અને ‘જે રહ્યું છે’ એ બેમાંથી આપણું એટેન્શન આપણે કોને આપીએ છીએ? એ વાત પર આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. વહેલી-મોડી આપણને દરેકને જીવનની એ વાસ્તવિકતા સમજાય જ છે કે ચાલ્યાં ગયેલાં લોકોના વિરહ અને વિયોગ કરતાં હાજર રહેલાં લોકોનો પ્રેમ અનેકગણો વધારે શક્તિશાળી હોય છે. અદૃશ્ય લોકોનાં પ્રેમ, વિચાર કે ઝંખનામાં જીવન વ્યતીત કરવાને બદલે દૃશ્યમાન પ્રિયજનોની કાળજી લઈને દિવસોની ઉજવણી કરવી વધારે યોગ્ય રહેશે. જીવનમાં સર્જાયેલા ખાલીપાને બે રીતે ભરી શકાય. કાં તો ગુમાવી દીધેલી વ્યક્તિના વિચારોથી, ને કાં તો હાજર રહેલી વ્યક્તિઓની વાતોથી. કાં તો અફસોસથી, કાં તો ઉજવણીથી. કાં તો કકળાટથી, કાં તો કૃતજ્ઞતાથી. કોઈ એક સ્ટેશન પર અચાનક ઉતરી જનારા સહયાત્રીઓથી, આપણી મુસાફરી અટકતી નથી. ન તો આપણું ગંતવ્યસ્થાન બદલાય છે, ન તો આપણી આરક્ષિત બેઠક. ન તો બારીની બહાર દેખાતી દુનિયા બદલાય છે, ન તો રેલગાડીનો અવાજ. અલબત્ત, એ ઉતરી ગયેલા મુસાફરની કંપની થોડો સમય મિસ કરીએ છીએ પણ આપણું સ્ટેશન ન આવે ત્યાં સુધી ઓબ્વીયસલી આપણે સામે બેઠેલી વ્યક્તિ સાથે વાતો શરૂ કરી દઈએ છીએ અને જો વાતો કરવાવાળું સામે કોઈ જ ન બેઠું હોય, તો થોડી ધીરજ રાખવી. જીવનમાં આવતાં દરેક સ્ટેશનનો એ ઉપકાર હોય છે કે એ ફક્ત ટ્રેન ખાલી નથી કરતું, ટ્રેન ભરે પણ છે. જૂના મુસાફરો ઉતરી જાય, પછી જ નવા મુસાફરો ચડી શકે છે. ખાલી થયેલી સીટ પર આપણો ‘ઈમોશનલ બેગેજ’ મૂકી રાખવાથી આપણે ફક્ત આપણી એકલતા વધારીએ છીએ. આપણી બાજુની એ સીટ ખાલી કરી આપીએ તો ટૂંક સમયમાં કોઈ નવો મુસાફર સામાનમાં નવી વાર્તાઓ અને અનુભવો લઈને આપણાં કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશશે અને આપણને પૂછશે, ‘એક્સક્યુઝ મી, આ સીટ પર કોઈ બેઠું તો નથી ને?’ બસ, એ ક્ષણે એ બેઠક પર રાખેલો આપણો જૂનો લગાવ સંકેલી લેવો અને એક નવી શક્યતાને જગ્યા કરી આપવી.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...