મનદુરસ્તી:શ્રદ્ધા અને સારવારનો ઘરોબો એટલે ‘પ્લેસિબો’

ડૉ. પ્રશાંત ભીમાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માની લો કે દર્દીને એ ખબર હોય કે મને અપાતી દવાઓ પ્લેસિબો પ્રકારની છે તો પણ પ્લેસિબો અસરકારક બની શકે છે

ડોક્ટર, અમારાં આ વિમળાબાને ખબર નથી પડતી શું રોગ છે! એમને રોજ સવારે મંદિર જવા જોઇએ જ અને પછી ડ્રાઇવરને કહે કે, તું મને ડોક્ટર પાસે લઇ જા. મારું બ્લડપ્રેશર ઘટી ગયું છે. મને ચક્કર આવે છે. શરીરમાં શક્તિ નથી રહી, વગેરે વગેરે ...’ પછી રોજ એ ડોક્ટર એમને કોઇક દવા આપે અને દસ મિનિટમાં તો ઑલરાઇટ થઇ જાય. પછી એમના સિનિયર સિટીઝન ગ્રૂપમાં જઇ આખો દિવસ મજા કરે, આખા ગામની પંચાત કરે અને સાંજે ઘરે આવે કે તરત જ એમની ચાલ બદલાઇ જાય. ધીમે ધીમે ટેકાથી ચાલવા માંડે ને કોઇને કોઇ ગોળી માંગે. વિમળાબાના આ બિહેવિયરથી અમે થાકી ગયાં છીએ. એમને શું રોગ છે એ જ ખબર પડતી નથી. મારા સસરા રાજકારણમાં સક્રિય છે. આખો દિવસ ટીવી અને મોબાઇલમાં પોલિટિક્સની વાતો કરે. મારા સસરા જોડે એમને બનતું નથી. વચ્ચે અમારી ચટણી થયા કરે છે. અમારા જનરલ પ્રેક્ટિશનરે વારંવાર સૂચવ્યું કે વિમળાબાને સાયકોલોજિકલ હેલ્પની જરૂર છે એટલે અમે આવ્યાં છીએ.’ એક દીકરા તરીકે વિકાસભાઇની ચિંતા વાજબી હતી. વિમળાબેનને ચોક્કસ મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર તો હતી જ, પરંતુ એ વાત એમને ગળે સીધેસીધી ઊતરે એવું નહોતું. એમના જનરલ પ્રેક્ટિશનર ગોળીઓ આપીને કંટાળે એટલે અલગ-અલગ રંગરૂપની આકર્ષક દવાઓ દર વખતે બદલ્યા કરે. તબીબી વિજ્ઞાનમાં એક રસપ્રદ ખ્યાલ છે-‘પ્લેસિબો.’ આ પ્લેસિબો એટલે એવી કોઇ દવા કે પ્રક્રિયા જેનું કોઇ વાસ્તવમાં ઔષધમૂલ્ય ન હોય પણ ઔષધ કે સારવાર જેવું લાગે. આવી દવા-ગોળીઓનો દેખાવ વાસ્તવિક દવાઓ જેવો જ હોય પણ એમાં કોઇ મેડિસિનલ એક્ટિવ તત્ત્વ ન હોય. મોટેભાગે સ્ટાર્ચ કે સુગરથી બનેલી દવા-ગોળી વપરાતી હોય છે. પ્લેસિબો વાપરતી વખતે મોટેભાગે દર્દીને એની જાણ નથી હોતી. અલબત્ત, ઇન્ટ્રેસ્ટિંગ વાત અહીં એ છે કે, સંશોધનો એવું કહે છે કે, માની લો કે દર્દીને એ ખબર હોય કે મને અપાતી દવાઓ પ્લેસિબો પ્રકારની છે તો પણ પ્લેસિબો અસરકારક બની શકે છે. ‘નેચર કમ્યુનિકેશન્સ’ નામની લબ્ધપ્રતિષ્ઠિત જર્નલમાં આ વિશે રસપ્રદ સંશોધન પ્રકાશિત થયું છે. આ મુજબ દર્દી જાણતો હોય કે મને પ્લેસિબો અપાઇ રહી છે તો પણ એની મગજની ગતિવિધિઓ અસર પામે છે. ખાસ કરીને એ ભાવનાત્મક કે લાગણીને લગતી સમસ્યાઓ પર સક્રિય કામગીરી કરે છે. સ્ટ્રેસને લગતી ઇલેક્ટ્રિકલ બ્રેઇન એક્ટિવિટી ઘટે છે અને તણાવમાં ચોક્કસ ફાયદો થાય છે. આપણું મન જ્યારે કોઇપણ પ્રકારનું ધ્યાન કે લાગણીયુક્ત દરકાર માંગતું હોય ત્યારે તેનું સ્વરૂપ ગમે તે હોય પણ, એ દર્દીને તો ફાયદાકારક બને જ છે. એમાં પણ જો ડોક્ટર ઉપર શ્રદ્ધા હોય તો આ પ્લેસિબો ઇચ્છનીય અસરો જન્માવી શકે છે. કેટલાય જનરલ ફિઝિશિયનને એવો ચોક્કસ અનુભવ હશે જ કે, કેટલાક દર્દીઓ માત્ર દવાખાને આવવા ખાતર આવતા હોય છે અને પોતે કોઇ રોગથી પીડાય છે અથવા પીડાવાની શંકા છે એવા વિચારોથી નિયમિતપણે માત્ર બી.પી. મપાવવા કે ગોળીઓ લેવા આવતા હોય છે. વાસ્તવમાં આ બધા દર્દીઓને માનસિક હૂંફ અને એટેન્શનની જરૂર હોય છે. જી.પી.નું શ્રેષ્ઠ કામ કાઉન્સેલિંગનું છે. ડોક્ટરમાં શ્રદ્ધા અને પ્લેસિબો સારવાર ઘણીવાર આવા દર્દીઓમાં ચોક્કસ ધાર્યું કામ કરે છે. અલબત્ત, આ કાયમી ઇલાજ નથી હોતો.વિમળાબેનની સાયકોથેરાપી દરમ્યાન જાણવા મળ્યું કે એમની ભાવનાત્મક એકલતા આ વર્તનનું કારણ હતું. પતિ તરફથી જાણે અજાણે થતી અવગણના અને અચેતનપણે પોતાના તરફ પરિવારનાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાની દમિત ઇચ્છાઓ આ વર્તનનું કારણ હતું. આમાં એવું સમજવાની જરૂર નથી કે વિમળાબા નાટક કરે છે, પણ એ સમજવાની વધુ જરૂર છે કે એમની ઇમોશનલ જરૂરિયાત કઇ છે અને કેવી રીતે પૂરી થઇ શકે છે! વિમળાબેનને વધુ સક્રિય અને સમાજસેવાલક્ષી કાર્યો તરફ વાળવામાં આવ્યાં. એમનું સામાજિક મહત્ત્વ વધ્યું એટલે ફરિયાદો ઘટી ગઇ. હવે મંદિરે તો જાય છે પણ લોકોને પણ પોઝિટિવ વાતો કરી સક્રિય સિનિયર સિટીઝનનો રોલ ભજવે છે. એમનું માનસિક પ્રયાણ ઘરથી બહાર નીકળીને સમાજ તરફ વળ્યું છે. વિનિંગ સ્ટ્રોક :જો ખરેખર તરસ લાગી હોય તો પાણી જ પીવાય, પછી ભલે ને ઘી મળે તોય એ વાસ્તવિક તરસ બુઝાતી નથી.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...