તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:રોડ પર ઘોડા થનગને, સિગ્નલ મારે આંખ!

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો માલિકને પત્ની ઉપરાંત ગર્લફ્રેન્ડ પણ હોય તો ઘોડો કદાચ કન્ફ્યૂઝ થાય કે સાહેબને ક્યાં લઇને જવા?

ટાઇટલ્સ ગધેડાની પાછળ ને નેતાની આગળ ચાલવું નહીં. (છેલવાણી) એક જમાનામાં ગુજરાતી ફિલ્મોમાં હીરો પાસે હીરોઇન ન હોય તો ચાલે પણ ઘોડો જોઇએ જ! ડાકુઓની ફિલ્મોમાં વાર્તા ભલે એક ડગલું પણ આગળ ના ચાલે, પણ ઘોડા દોડે જ રાખે! શૂટિંગમાં કેમેરા ના હોય પણ ઘોડા મસ્ટ! અગાઉ હિન્દી ફિલ્મોમાં પણ નવા એક્ટરોને પૂછવામાં આવતું કે અભિનય કે ડાન્સ છોડો પણ ઘોડેસવારી આવડે છે ને? અગાઉ સની દેઓલ કે સંજય દત્ત જેવા સ્ટારપુત્રોની ફિલ્મોમાં ઘોડાના સ્ટંટ ના હોય તો સેન્સરવાળાં સર્ટિફિકેટ ના આપે એવું નિર્માતા-નિર્દેશકો માનતા! આજકાલ ‘અચ્છે દિન’માં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ઘોડા કે બળદગાડાં આપણે વાપરવાં જોઇએ. (1973માં પેટ્રોલના ભાવવધારા વિરુદ્ધ વાજપેઇજી બળદગાડું લઇને સંસદમાં ગયેલા એના પરથી આપણને આ સૂઝ્યું!) 5 વરસ અગાઉ લાલુ યાદવના સુપુત્ર તેજપ્રતાપ યાદવે પટનામાં વિધાનસભા સુધી ઘોડો ચલાવીને હાહાકાર મચાવી દીધેલો! તેમણે પર્યાવરણ મંત્રી તરીકે સલાહ આપેલી કે ઘોડો વાપરીએ તો પ્રદૂષણ ના થાય! આવો ‘હણહણતો આઇડિયા’ એક બિહારીને જ આવી શકે! રાજા-મહારાજાઓ અશ્વોને જાનથી વધુ વ્હાલ કરતા ને યુદ્ધમાં શહીદ અશ્વોના અનેક પાળિયા બન્યા છે. ઘાયલ રાણા પ્રતાપને એમનો ઘોડો ચેતક, યુદ્ધમાંથી બચાવીને પોતાની મેળે ઘરે લઇ ગયેલો! તો પછી આજે ઘોડો જો વાહન હોય તો નોકરીએથી થાકીને પાછાં ફરતાં માલિકને પીઠ પર સૂવા દઇને છેક ઘરે આરામથી પહોંચાડી શકે! પણ જો માલિકને પત્ની ઉપરાંત ગર્લફ્રેન્ડ પણ હોય તો ઘોડો કદાચ કન્ફ્યૂઝ થાય કે સાહેબને ક્યાં લઇને જવા? ઇન્ટરવલ ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ! (મેઘાણી) વળી ટ્રાફિકમાં ઘોડો, આગળની ચાર-પાંચ કાર પરથી હવામાં કુદાવીને ફટાફટ પહોંચાડી પણ શકે! વળી ઘોડો, પૂંછડીને લેફ્ટ કે રાઇટ લહેરાવીને પાછળનાં વાહનોને સિગ્નલ પણ આપી શકે! કોઇ રિક્ષાવાળો ઓવરટેક કરવા જાય તો સ્વમાની ઘોડો રિક્ષાને લાત મારીને ઊથલાવી પણ શકે! ટ્રાફિક હવાલદાર રોકીને ઘોડાનું લાઇસન્સ, નંબર પ્લેટ વગેરે પૂછીને આપણને હેરાન પણ ના કરી શકે અને એમ સમાજમાં ભ્રષ્ટાચાર પણ ઘટે! પણ હા, અગાઉ જો ઘોડો, વરઘોડાવાળો હોય તો એ રસ્તા પર ફુલેકું જોઇને, બંને પગ ઊંચકીને અચાનક નાચવા લાગે તો આપણે ભોઠાં કે ભોંય પર પડી શકીએ. કહેવાય છે કે નેપોલિયન ચાલુ યુદ્ધમાં ઘોડા પર સૂઇ જતો પણ શહેરોના ટ્રાફિકમાં ઘોડો ખુદ જ ઊભો-ઊભો ઝોંકા ખાવા માંડે તો? માલિકે એને સાઇડમાં લઇ જઇને જગાડવો પડે! જોકે, પછી તો અશ્વો માટે ઓફિસોમાં–શોપિંગમોલમાં ઘોડાઓનાં પાર્કિંગ માટે તબેલા પણ બનાવવા પડે! વળી ઘોડા ઉછેરવા કે ભાડે આપવાના, ઘોડાના વીમાના કે એમના ઓર્ગેનિક ચણા વેચવાના વ્યવસાયો શરૂ થઇ શકે ને દેશમાં રોજગારીયે વધી શકે! પછી તો બૈરાંઓ કિટી-પાર્ટીમાં વટથી કહેશે, ‘મારી પાસે તો 2-2 ઘોડા છે. હસબન્ડ, અરબી ઘોડો વાપરે ને કાઠિયાવાડી ઘોડો હું શાકભાજી લેવા વાપરું! જોકે, પીન્ટુ (ઘોડો) શાક લેવા જ દેતો નથી ને! હું મૂળા લઉં તો એ ગાજર ખાવા માંડે, બોલો!’ ત્યારે એની ફ્રેન્ડ તરત કોમેન્ટ કરશે, ‘તારી ચરબી જોઇને થાય છે કે અરબી ઘોડો તારે ચલાવવો જોઇએ!’ પછી તો એ બૈરાંઓ ઘોડાઓને આંખ, કાન કે પૂંછડી પર ચશ્માં, ચોટલા કે માળાઓથી શણગારીને ઘોડાઓનો કદાચ ફેશન શો પણ યોજશે! ઇનશોર્ટ, ઘાસનો ભાવ ગમે તેટલો વધે પણ પેટ્રોલ-ડીઝલથી વધારે તો નહીં જ થાય, માટે ઘોડો બેસ્ટ વિકલ્પ છે, …પણ તમારા ઘોડા માટે તમે ડ્રાઇવર પણ ના રાખી શકો એ એક માઇનસ પોઈન્ટ છે! પણ બીજી બાજુ, વરસાદમાં ગમે તેટલું પાણી ભરાય કે ખાડા થાય પણ કારની જેમ ઘોડો બંધ નહીં પડે, એ તો પાણી ચીરીને તબડક-તબડક દોડશે કે કૂદીને આગળ વધશે. પણ હા, જો સામેથી કોઇ સુંદર ઘોડી પસાર થશે તો ઘોડો તરત યુ-ટર્ન લઇને એની પાછળ-પાછળ દોડવા લાગે તો એને કાબૂમાં લેતાં દમ નીકળી જશે! તોયે શું? છેને પેટ્રોલથી બચવાનો પાણીદાર આઇડિયા? એન્ડ ટાઈટલ્સ આદમ : ઘોડેસવારી શીખું? ઈવ : સોફા પર બેઠાં-બેઠાં? sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...