એ( 1 ) ક બાઈકસવાર સડસડાટ જઈ રહ્યો હતો. રાતના બાર વાગ્યાનો સમય હતો. એણે દૂર એક લાઈટના થાંભલા નીચે સફેદ ગાઉન પહેરીને ઊભેલી એક યુવતીને જોઈ. યુવતીએ લિફ્ટ માંગવા માટે અંગૂઠો ઊંચો કર્યો. બાઈકસવારે બિલકુલ એની બાજુમાં બાઈક ઊભી રાખી. યુવતી બાઈક પર બેઠી એ દરમિયાન બાઈકસવારે એનું નિરીક્ષણ કર્યું. બાઈક ચાલુ થઈ. એ બંને લગભગ અડધો કિલોમીટર દૂર ગયાં પછી યુવતીએ સવાલ કર્યો, ‘હું જ્યારે બાઈક પર બેસતી હતી ત્યારે તું મારો પડછાયો જોતો હતો ને?’ ‘હા.’ ‘જોયો?’ ‘ના.’ ‘તો પછી મને બેસાડવાની હિંમત કેમ કરી? તને બીક નથી લાગતી?’ ‘ના.’ ‘કેમ?’ ‘એમ જ.’ બાઈકસવારે 180 અંશે માથું ઘુમાવીને જવાબ આપ્યો. (2) નિશાંત સાયકોપાથ હતો. છોકરીઓને પટાવી, ફસાવી, ધમકાવીને કે અપહરણ કરીને એ પોતાની વાસના સંતોષતો હતો. અને પછી એ છોકરીઓની હત્યા કરી દેતો હતો. અત્યાર સુધીમાં એ આઠ નિર્દોષ છોકરીઓને મોતને ઘાટ ઊતારી ચૂક્યો હતો. એ આ કામ એટલું સિફતથી કરતો હતો કે આજ સુધી પોલીસ તેના સુધી પહોંચી શકી ન હતી. નિશાંત એ હદે વિકૃત હતો કે લાશનો નિકાલ કરતાં પહેલાં એ લાશ સાથે સેલ્ફી જરૂર લેતો, જેથી એની પાસે યાદગીરી રહે. આજે એણે એના નવમા શિકારને કારમાં લિફ્ટ આપી. એ શિકાર ફસાવવા એણે મહેનત ના કરવી પડી, કેમ કે રાત્રે બાર વાગ્યે ઘરે જતી સૂમસામ સડક પર એકલી જતી છોકરીને એણે લિફ્ટ આપી હતી. જેવો ઝાડી-જાંખરાવાળો વિસ્તાર આવ્યો કે કાર રોકીને નિશાંત એ છોકરીને ઝાડીઓમાં ઘસડી ગયો, પણ એની સાથે બળજબરી કરવાની કોશિશમાં એ મરી ગઈ. નિશાંતે એની ધડકન, એનો શ્વાસ ચેક કરીને ખાતરી કરી કે એ મરી ચૂકી છે. એટલે દર વખતની જેમ એણે લાશ સાથે સેલ્ફી લેવા મોબાઈલનો કેમેરો ઓન કર્યો. તો એ છોકરીએ સ્માઈલ આપ્યું. બીજે દિવસે પોલીસને એકલા નિશાંતની લાશ મળી. (3) બલવિંદરને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળી ગયા. એ ખૂબ જ ખુશ હતો. એનો દોસ્ત મનજીત પહેલેથી જ ત્યાં હતો. બંને લંગોટિયા યાર હતા. ભટિંડામાં સાથે જ ઊછર્યાં, ભણ્યા અને સાથે જ કેનેડામાં સેટ થવાનાં સપનાં જોઈને બંનેએ વિઝા માટે કોશિશ કરી. નસીબજોગે મનજીતનો નંબર પહેલા લાગી ગયો, પણ હતા બંને ગરીબ. બંને જણે વિઝા માટે અપ્લાય તો કરી દીધું હતું, પણ પૈસા બંને પાસે અડધા જ હતા. એમાં મનજીતનો નંબર પહેલા લાગ્યો. એટલે બલવિંદરે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના પોતાની પાસે રહેલા અડધા પૈસા મનજીતને આપી દીધા અને મનજીત પહોંચી ગયો કેનેડા. ત્યાં પહોંચીને એણે રાત-દિવસ એક કરી નાખ્યા બલવિંદરને કેનેડા બોલાવવા માટેના પૈસા ભેગા કરવા માટે. છેવટે એ દિવસ આવી ગયો. બલવિંદર પણ કેનેડા પહોંચી ગયો. મનજીત એને લેવા માટે આવ્યો. કારમાં એને બધું જ સમજાવ્યું અને પોતે કેનેડામાં એક નાનું સામાન્ય ઘર ખરીદ્યુ હતું ત્યાં એને લઈ ગયો. પછી એણે એક પેટીમાં જમા કરેલા રૂપિયા એને બતાવ્યા. ત્યાર બાદ કેનેડામાં કઈ રીતે રહેવું, ક્યાં નોકરી કરવી, કઈ રીતે ટકવું એ બધું જ બલવિંદરને સમજાવીને એ કોઈ કામે બહાર ગયો, પણ જતાં પહેલાં એ બલવિંદરને પોતાના કેનેડાના દોસ્ત જસપ્રિતનો નંબર આપતો ગયો, જેથી મનજીતનો કોન્ટેક્ટ ના થાય તો જસપ્રિતનો કોન્ટેક્ટ કરી શકાય. એ ગયો પછી બે દિવસ સુધી પાછો જ ના આવ્યો. એનો ફોન પણ લાગતો ન હતો. એટલે ચિંતા થવાથી બલવિંદરે જસપ્રિતને ફોન કર્યો. જસપ્રિત એને મળવા આવ્યો અને એણે બલવિંદરને જણાવ્યું કે ચાર દિવસ પહેલાં જ મનજીતનું મૃત્યુ થયું છે. મનજીતને કેન્સર હતું, પણ એ પૈસા બચાવવા માટે પોતાનો ઈલાજ કરાવતો ન હતો. ખબર નહીં એ પૈસા શું કામ બચાવતો હતો? અને એણે મરતાં પહેલાં પોતાનું વીલ બનાવ્યુ હતું. આ મકાન એ તારા નામે કરતો ગયો છે. અને અમને બધાંને કહેતો ગયો છે કે અમે તને અહીં સેટ થવામાં મદદરૂપ થઈએ. એટલે તું ફિકર ના કર. અમે બેઠાં છીએ. જસપ્રિત ગયો એટલે બલવિંદરે આંસુભરી આંખે એ પેટી તરફ જોયું, જેમાં મનજીતે ભેગા કરેલા રૂપિયા હતા. (4) બે દિવસ થયા. મીનાની દીકરી મરી ગઈ હતી, પણ મીનાએ એના અંતિમસંસ્કાર ના કર્યા. એ ગંધાતી ગટર બની ગયેલા તળાવના કિનારે આવેલા એક માત્ર ઝૂંપડામાં રહેતી હતી. એટલે કોઈને ખબર જ ના પડી કે એની દીકરી મરી ગઈ છે. દીકરી જ મીનાના જીવતરનો સહારો હતી. એના માટે જ તો એ જીવતી હતી. મીનાનો દારૂડિયો પતિ તો એને ચાર મહિના પહેલાં જ છોડીને જતો રહ્યો હતો. જોકે, એ તો એને સારું જ લાગ્યું હતું. કેમ કે દરરોજ પીધા પછી એનો પતિ એને બેફામ પીટતો હતો. એ જીવનથી કંટાળી ગઈ હતી, પણ એની દીકરીને લીધે એ બધું જ સહન કરતી હતી. પતિ ગયો એટલે મા-દીકરી શાંતિથી સૂકો રોટલો ખાઈને પણ સુખેથી દિવસ વિતાવી દેતાં હતાં, પણ બીમારીને લીધે એક દિવસ દીકરી મરી ગઈ, પણ મીનાનું મન જાણે એ વાત સ્વીકારવા તૈયાર જ ના હોય એમ એ દીકરીની લાશ સાથે જીવવા લાગી. લાશ સાથે જ ખાતી-પીતી, રહેતી અને સૂઈ જતી. એક રાત્રે એનો નાલાયક પતિ ચિક્કાર પીને આવ્યો. ઝૂંપડામાં પ્રવેશ્યો. ઝૂંપડામાંથી એને પાછાં જતાં રહેવાની સૂચના મળી, પણ પેલો તો પીધેલો હોવાથી બેફામ ગાળો બોલવા લાગ્યો. ઝૂંપડામાંથી મારામારીનો અવાજ આવ્યો. એ જ સમયે પોટલી ખરીદવા ગયેલી મીના ઝૂંપડી પર પાછી આવી. અંદર જઈને જોયું તો દીકરીની લાશની બાજુમાં પતિની લાશ પડી હતી અને દીકરીની સડી ગયેલી લાશના ચહેરા પર એક શાંતિભર્યું સ્મિત પ્રગટ્યું હતું.⬛ makwanjagdish@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.