અંદાઝે બયાં:ઘર, બેઘર, દરબદર હર ઝમી એક મૌત માંગતી હૈ!

સંજય છેલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાર દીવાલોમાં ચારસો વાર્તાઓ છુપાયેલી હોય છે. (છેલવાણી) આર. કે. લક્ષ્મણના એક કાર્ટૂનમાં, જર્જર ઝૂંપડીની બહાર ફિલ્મનું પોસ્ટર ચીપકાવેલું છે ને મ્યુનિસિપાલિટીવાળાઓ એને ઉખેડી રહ્યા. અંદરથી ગરીબ કહે છે: ‘રહેવા દો સાહેબ. આ પોસ્ટરને આધારે તો મારી દીવાલ ટકી છે!’ આવી છે દેશમાં બેઘરોની હાલત! આ વર્ષે પણ મુંબઇમાં ઝૂંપડપટ્ટી પર પહાડની જમીન ખિસકી ગઇ અને અનેક ઘરો ને લોકો દબાઇ મૂઆ! દેશમાં દાયકાઓથી પૂરમાં કૈં કેટલાં ઘરો, જિંદગીઓ તબાહ થઇ જાય છે. વર્ષોથી બધી પાર્ટીવાળાં ઘરે-ઘરે ફરીને પાક્કાં ઘર બનાવવાનાં વચનો આપે છે પણ હજુયે સૌ માટે ઘર નથી. જે છે એ ઓછાં છે. ઓછાં છે એ પડું પડું છે. 60-70ના દાયકામાં દેશ મુખર્જી નામનો ચિત્રકાર બોલિવૂડમાં ફિલ્મોના સેટ્સનો ડિઝાઇનર બનવા સંઘર્ષ કરતો હતો, પણ રહેવા ઘર નહોતું. આખો દિવસ એ સ્ટુડિયોમાં નાનાં મોટાં કામ કરતો ને રાતે વોચમેનની ઓળખાણથી મુંબઇની સાયન હોસ્પિટલના ઠંડાગાર મોર્ગ કે શબઘરમાં ચૂપચાપ મડદાંઓ વચ્ચે સૂઇ જતો. વર્ષો સુધી આમ ચાલ્યું! દેશ મુખર્જી કહેતો: ‘મને માણસો કરતાં આ મડદાંઓ વચ્ચે વધુ શાંતિ મળે છે!’ હિંદી લેખક શંકર શેષની એક વાર્તામાં મુંબઇનું એક કપલ, ઘર ખરીદવા સંઘર્ષ કરે છે, બિલ્ડર એમના પૈસા ખાઇ જાય છે. છેવટે છોકરી પ્લાન કરે છે કે એ બુઢ્ઢા, પૈસાદાર પણ બીમાર બોસને પરણી જશે ને પછી એના મર્યા બાદ પ્રેમી સાથે પરણી જશે! પણ લગ્ન પછી બુઢ્ઢો બોસ જીવી જાય છે. છોકરી પતિને છોડી શકતી નથી ને પેલો પ્રેમી રખડી પડે છે. આ કથા પરથી ‘ઘરૌંદા’ નામની ફિલ્મ પણ બનેલી. મુંબઇ જેવા શહેરની ફૂટપાથો પર આવી અનેક રસ્તે રઝળતી વાર્તાઓ સદીઓથી લખાતી આવી છે. ઇન્ટરવલ આપકે કમરે મેં કોઈ રહેતા હૈ, હમ નહીં કહતે ઝમાના કહેતા હૈ. (મજરૂહ) મુંબઇમાં આજકાલ જૂનાં મકાનોનાં રીડેવલપમેન્ટની સીઝન ચાલે છે. તો મુંબઇના એક મોટા પ્રતિષ્ઠાવાન બિલ્ડરે જૂહુ ખાતે આખેઆખી સોસાયટીને 20 વર્ષ પહેલાં તોડીને ખાલી કરાવી અને નવાં ઘરો બનાવવાનું લેખિત વચન આપ્યું. શરૂઆતમાં બિલ્ડરે થોડા પૈસા ને ભાડાંનાં ઘર આપ્યાં પછી બધું જ બંધ! મામલો કોર્ટમાં ગયો ને પછી તો 15-20 વર્ષ ત્યાંનાં સેંકડો લોકો ઘર વિના રખડી પડ્યાં, રીતસર રસ્તા પર આવી ગયાં, કેટલાંય કપલનાં લગ્ન થતાં ટકી ગયાં, કેટલાંયની લવસ્ટોરીઓ ખતમ થઇ ગઇ, કેટલાંય લોકોએ આપઘાત કરી લીધા, કેટલાંય થાકીને ગામ જતાં રહ્યાં અને છેવટે રડ્યાં ખડ્યાં લોકોને થોડા ફ્લેટ્સ મળ્યા એય જેમ તેમ 20 વર્ષે… બાકીના ફ્લેટ કરોડોના ભાવે બિલ્ડર આજે બિનધાસ્ત વેચી રહ્યો છે! મુંબઇના રીયલ એસ્ટટના ધંધા માટે અમે એક ફિલ્મમાં ડાયલોગ લખેલો કે- ‘ઇસ શહર મેં હર ઝમીન, હર મકાન એક મૌત માંગતી હૈ!’ અહીં તો હવે એ સાવ નાગું સત્ય બની ગયું છે ને આવા ઘરઝુરાપાના અનેક કરુણ કિસ્સાઓથી કોર્ટરૂમ ગૂંજે છે! ખરેખર તો મોટાં શહેરોમાં ઘર ખરીદવા, આખેઆખી જુવાની ગીરવી મૂકવી પડે છે! ઘર એટલે ચાર દીવાલો, બે બારી, એક બારણું અને એક છત! તમે એને ઘર, આશિયાના, મકાન કે ફ્લેટ કહો. ત્યાં ભીંતને આકાર ને રંગ હોય ને ત્યાં ટીંગાડેલા ફોટાને લીધે એક ઓળખ હોય છે. ભીંતમાં કીકી જેવી ઝીણી અણીદાર ખીલી હોય છે. ભીંતની આ તરફ અને પેલી તરફ, બે અલગ દુનિયા હોય છે. ચાર ભીંતમાં માણસોની વાતો, ઝઘડા, લાગણી, માંગણી, શ્વાસ-ઉચ્છ્્્વાસ બધું અથડાતું હોય છે. એ અથડામણના ગવાહી જેવા ડાઘા ન રહી જાય એટલે જ કદાચ માણસ ભીંતને રંગ કરાવતો હોય છે! જીવતરનાં કળતરની કપાસીને સુંવાળપ આપવા ફર્શ પર ટાઈલ્સ નંખાવે છે! ઘરના ખૂણેખાંચરે ફૂલઝાડ મૂકીને ખાતરી કરી લે છે કે માંહ્યલામાં લીલાશ બચી છે! ઘર, એક ‘મૂવેબલ મદહોશી’ છે. બેઘરની તલાશમાં, આશ્રિતના અજંપામાં કે ખાનાબદોશની રઝળપાટમાં ઘરની ઇચ્છા પડઘાય છે. રેંકડી પર છત્રી લગાવી સૂતા માણસના બહાર લટકતા પગમાં રસ્તાઓ સમયની લીલ બનીને ટપકતાં હોય છે. ‘જગ્યા આપવી છે’-વાળી જાહેરખબરો, ઘર ત્યજીને નીકળેલા માણસને રોજેરોજ છાપામાં ડંખતી હોય છે. આપણે ત્યાં કન્યાવિદાય માટે ગીતો છે, પણ ઘર છોડીને નીકળી પડતા યુવાનને વિદાય આપવા ગીતો લખાયાં નથી. જુવાન ઘર છોડે છે એ પ્રસંગ સાવ છાને ખૂણે જ પતી જાય છે. એ પુરુષ, સ્વપ્નના ઘરને મુઠ્ઠીમાં લઈને નીકળી પડે છે. હાથમાં સૂટકેસ, વિચારોમાં ધુમ્મસ સાથે એ ‘ક્યાં?’ નામની દિશામાં ખોવાઇ જાય છે. હમણાં થોડાં વર્ષ પહેલાં સુધી મારી ઓફિસની સામે ખેતર કે લીલીછમ્મ વાડી હતી. આજે ત્યાં મેટ્રો ટ્રેનનું યાર્ડ છે. પહેલાં ત્યાંથી દૂર દૂર સુધીનું શહેર દેખાતું. હવે નવાં મકાનોથી બધું ઢંકાઈ ગયું છે. એ મકાનોના ઓરડાઓ વર્ષોથી ખાલીખમ છે. કદાચ કાલે ત્યાં કોઈ કપલ આવશે અથવા ઘોંઘાટિયું કુટુંબ. દર બે મિનિટે છીંકતો વૃદ્ધ કે કપડાં સુકવતી કોઇ કન્યા આવશે…ત્યાં સુધી કોંક્રીટની એક કબર બનીને તૈયાર છે. ખાલી મકાનનું એકાંત તો જડબાં ઉઘાડીને બેસી ગયું છે! -અને મારા હિસ્સાનું એક નાનકું આકાશ હતું તેય ગાયબ થઇ ગયું. મારાં સપનાંઓનો રન-વે ચોરાઈ ગયો, રાતોરાત. એન્ડ ટાઇટલ્સ આદમ: ઘર કોને કહેવાય? ઇવ: જ્યાં-તું ને હું!{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...