તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:એક પંજો મારીને યેતિએ એનરિકને ફંગોળી દીધો

જગદીશ મેકવાન25 દિવસ પહેલા
  • કૉપી લિંક

એનરિક યેતિને શોધવા માગતો હતો. એ ક્યાંકથી એવી વાહિયાત વાત જાણી લાવ્યો હતો કે યેતિનું હૃદય ખાનાર અમર થઈ જાય છે અને એ વાત સાચી માનીને એનરિક યેતિને શોધવા નેપાળ પહોંચ્યો. ત્યાં એને મળ્યો, શેરપા ગુડ્ડુ. શેરપા ગુડ્ડુ ભલો માણસ હતો. પર્વતારોહણ માટે જે ટુકડીઓ જતી, એમાંથી અમુકના ગાઈડ તરીકે એ સાથે જતો. જરૂરિયાતો ઓછી હોવાના લીધે એનું ઘર સરળતાથી ચાલતું, પણ છેલ્લા થોડા વખતથી એની પત્નીની તબિયત ખરાબ થઈ રહી હતી. શેરપાને પત્નીના ઈલાજ માટે મોટી રકમની જરૂર હતી અને એનરિક તરફથી એને એ રકમની ઓફર મળી. આમ તો એ આવી રીતે કોઈ એકલ-દોકલને હિમાલય પર લઈ જવા તૈયાર જ ના થાય, પણ મજબૂરીએ એને પરવશ બનાવી દીધો હતો. એટલે એ તૈયાર થઈ ગયો, પણ એનરિકે એવી શરત મૂકી કે શેરપા ગુડ્ડુએ એને યેતિ બતાવવો. આ બાબત અશક્ય હતી, કેમ કે ગુડ્ડુ હજારથી પણ વધારે વખત હિમાલય ચડ્યો હતો. અને બે વાર તો છેક માઉન્ટ એવરેસ્ટ સુધી જઈ આવ્યો હતો, પણ આજ સુધી એને કોઈ યેતિ કે યેતિની ફૂટપ્રિન્ટ સુદ્ધાં મળી ન હતી. યેતિ તો દૂરની વાત છે, ત્યાં પોલાર બીઅર સુદ્ધાં જોવા મળતું ન હતું. એક વાર ગુડ્ડુએ બ્રાઉન બીઅર જોયેલું. અમુક શેરપાઓ પોલાર બીઅર જોવાનો દાવો કરતા હતા. એવા કોઈ સફેદ રીંછને યેતિ માની લેવામાં આવ્યો હોય એ વાત શક્ય હતી. મૂંઝવણ એ વાતની હતી કે જો એનરિકને યેતિ બતાવવામાં ના આવે તો મોટી રકમ ના મળે, પણ જે હોય જ નહીં એ બતાવવું કઈ રીતે? એટલે ગુડ્ડુએ એક વચલો રસ્તો કાઢ્યો. એણે એના જિગરી દોસ્ત શેરપા તેજસિંહની મદદ માગી. એણે તેજસિંહને કહ્યું કે જો તેજસિંહ સફેદ રીંછનો કોસ્ચ્યૂમ પહેરીને ઢળતી સાંજે, લગભગ અંધારું થાય ત્યારે, દૂરથી હિમાલયની બરફની ટેકરીઓ વચ્ચે અલપ-ઝલપ દેખા દે તો ગુડ્ડુનું કામ બની જાય. ઢળતી સાંજના કારણે એનરિકને ખ્યાલ જ ના આવે કે કોઈકે પોલાર બીઅરનો કોસ્ચ્યૂમ પહેર્યો હશે. તેજસિંહ ગુડ્ડુની આર્થિક મજબૂરીથી સારી રીતે વાકેફ હતો. એ ગુડ્ડુને પૈસાની મદદ કરવા માગતો હતો, પણ એની પોતાની જ આર્થિક સ્થિતિ એટલી મજબૂત ન હતી. એટલે પૈસા કમાવાની આ રીત ખોટી હોવા છતાંય તે ગુડ્ડુની મદદ કરવા તૈયાર થઈ ગયો. અગાઉથી નક્કી થયા મુજબ એનરિકે ગુડ્ડુને એડવાન્સમાં જ બધી રકમની ચૂકવણી કરી દીધી, પણ છેલ્લી ઘડીએ સમાચાર આવ્યા કે આગલી રાત્રે બરફનું તોફાન આવ્યું હતું અને આજે પણ શક્યતા હતી. એટલે બીકના માર્યા એનરિકે શેરપા ગુડ્ડુને એક દિવસ રાહ જોવાનો આગ્રહ કર્યો, પણ જો રાહ જોવામાં આવે તો શેરપા તેજસિંહ અટવાઈ જાય, કેમ કે પછીના દિવસે એણે એક ટુકડીને લઈને રવાના થવાનું હતું. એટલે ગુડ્ડુએ એનરિકને સમજાવ્યો કે તોફાનના લીધે હિમાલય પર એ બંને એકલા હશે તો યેતિને શોધતી વખતે એ બંને કોઈની નજરમાં નહીં આવે. આ વાત એનરિકના મગજમાં બેસી ગઈ અને બંને જણે હિમાલયની ચઢાઈ શરૂ કરી. ગુડ્ડુ આસાનીથી આગળ વધવા લાગ્યો, પણ એનરિકને તમ્મરિયાં આવી ગયાં. ઉપરથી બરફવર્ષાએ જોર પકડ્યું. પવન તેજ થવા લાગ્યો. તોફાન ધીમે-ધીમે જોર પકડવા લાગ્યું. બાળપણથી જ હિમાલયને ખોળે ઉછરેલા ગુડ્ડુને ખ્યાલ આવી ગયો કે મામલો ભયંકર છે. ખતરનાક તોફાન આવવાની તૈયારીમાં છે. ગુડ્ડુને ચિંતા થઈ કે જો એનો દોસ્ત શેરપા તેજસિંહ સમયસર યેતિ બનીને પ્રગટ નહીં થાય તો પાછું ફરી જવું પડશે, કેમ કે આવનારું તોફાન એને અને એનરિકને ભરખી જશે. ‘આપણે કાલે આવીએ તો કેવું?’ બરફનું તોફાન જોઈને બીકથી ફિક્કા પડી ગયેલા એનરિકે પૂછ્યું, પણ દૂર બરફ તરફ તાકી રહેલા ગુડ્ડુની આંખોમાં પ્રગટેલી ચમક જોઈને એણે એ દિશામાં નજર નાખી. દૂરથી એક વિશાળ સફેદ આકૃતિ એ બંને જણ તરફ આવી રહી હતી. એને જોતાં જ એનરિક બધી તકલીફો ભૂલીને ખુશીનો માર્યો ચિલ્લાઈ ઊઠ્યો, ‘યેતિ...’ જેમ-જેમ એ આકૃતિ નજીક આવતી ગઈ એમ-એમ ગુડ્ડુના ચહેરા પર ચિંતાના ભાવ વધવા લાગ્યા. તેને થયું કે શેરપા તેજસિંહ પોલાર બીઅરના કોસ્ચ્યૂમમાં વધારે વિશાળ દેખાઈ રહ્યો છે. જો એ વધારે નજીક આવ્યો તો એનરિકને ખબર પડી જશે અને એનો ભાંડો ફૂટી જશે. એટલે એ અવાજમાં નકલી બીકના ભાવ લાવીને બોલ્યો, ‘ભાગો...યેતિ આવ્યો... એ આપણને મારી નાખશે.’ ‘ના. હું એને મારી નાખીશ.’ બોલીને એનરિકે ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને એ તરફ તાકી. એ જોઈને ગુડ્ડુ ભડક્યો અને બીકનો માર્યો બોલી ઊઠ્યો, ‘એ યેતિ નથી. મારો દોસ્ત શેરપા તેજસિંહ છે.’ ‘યેતિને બચાવવા માટે તું જુઠ્ઠું બોલે છે, પણ હું સાચું બોલીશ. મને હિમાલય ચડવાનો કોઈ શોખ નથી. હું તો અહીં યેતિનો શિકાર કરવા આવ્યો છું, પણ એ ઘટના તું જોઈશ તો નીચે જઈને મારો ભાંડો ફોડી નાખીશ. એટલે સૌથી પહેલાં હું યેતિનો શિકાર કરીશ. પછી તારો શિકાર કરીશ.’ બોલીને એનરિકે ગોળી છોડવા રિવોલ્વરના ટ્રિગર પર ભાર આપ્યો, પણ ગોળી છૂટે એ પહેલાં તો ગુડ્ડુએ એનરિકના હાથને ધક્કો માર્યો. ગોળી છૂટી, પણ એ પેલા પ્રાણીની બાજુમાંથી પસાર થઈ ગઈ. ગોળીબારના અવાજથી ભડકીને એ પ્રાણી અટકી ગયું. નિશાન ચૂકી જવાથી એનરિકને ભારે ગુસ્સો ચડ્યો. એણે રિવોલ્વર ગુડ્ડુ તરફ તાકી. અને બોલ્યો, ‘હવે પહેલાં તું મર. પછી યેતિનો વારો.’ પણ એ ટ્રિગર દબાવે એ પહેલાં તો વીસ ફૂટની ઊંચાઈ ધરાવતું સફેદ રીંછ જેવું દેખાતું એ પ્રાણી દૂરથી વિશાળ છલાંગ લગાવીને એ બંનેની નજીક આવી ગયું. એક પંજો મારીને એણે એનરિકને ફંગોળી દીધો અને એનરિક પર ધસી જઈને એને ફાડી ખાધો. કાળજુ કંપાવી દેનારું એ દૃશ્ય જોઈને ગુડ્ડુ બેહોશ થઈ ગયો. ⬛ ⬛ ⬛ ચાર દિવસ પછી ગુડ્ડુ હોશમાં આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતો. તેનો મિત્ર શેરપા તેજસિંહ તેની નજીક બેઠો હતો. એ બોલ્યો, ‘તંુ નસીબદાર છે કે તને ગુફા મળી ગઈ. એટલે તું તોફાનથી બચી ગયો. પેલો એનરિક તો ગાયબ છે. મને લાગે છે કે એ બરફમાં ક્યાંક દટાઈ ગયો હશે. તું ગુફામાં પહોંચ્યા પછી બેભાન થઈ ગયો હોઈશ. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે આટલા ભયંકર તોફાનમાં દસ ફૂટ ચાલવાનું પણ શક્ય નથી. તો તું છેક 8100 મીટરની ઊંચાઈવાળા અન્ન્પૂર્ણા શિખર પર આવેલી ગુફા સુધી કઈ રીતે પહોંચ્યો?’ શેરપા ગુડ્ડુએ એ સવાલનો જવાબ આપવાના બદલે આંખ મીંચી દીધી. કેમ કે, એને ખ્યાલ આવી ગયો હતો કે બેભાન અવસ્થામાં ગુફામાં લઈ જઈને એનો જીવ કોણે બચાવ્યો હશે અને એટલે જ એણે મોં બંધ રાખવાનું મુનાસિબ માન્યું. કેમ કે, અમુક રહસ્ય, રહસ્ય રહે એ જ યોગ્ય છે.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...