કિડની આપણા શરીરનું સૌથી જરૂરી અંગ છે. કિડનીની બીમારી જો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. તેથી આપણા શારીરિક સ્વાસ્થ્યને જાળવવા માટે કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. તણાવને કારણે હાયપરટેન્શન અને ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. તે કિડનીના સૌથી મોટા દુશ્મન કહેવાય છે.
કુટુંબ અને વ્યાવસાયિક જીવનના તણાવને કારણે કિડનીના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અને આ તણાવની અસર કિડની સુધી પહોંચી રહી છે, જે ઘણા સર્વે પરથી સાબિત પણ થયું છે. ઘણાં લોકો સાંધા કે શરીરના દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવા પણ લેતા હોય છે, જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની ઉપર તેની ખરાબ અસર થઈ શકે છે. ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં જ શાણપણ છે.
વર્લ્ડ કિડની ડેની શરૂઆત : કિડનીની બીમારી અને સારવાર વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ‘વર્લ્ડ કિડની ડે’ ઊજવવામાં આવે છે. 2006માં ‘ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશને’ મળીને આ દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી.
શરીરનું અગત્યનું અંગ : કિડની શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખે છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓમાં કિડનીને લગતી તકલીફમાં વધારો જોવા મળે છે. જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધુ હોય, જન્મ સમયે જે લોકોનું વજન ઓછું હોય, જે લોકો મેદસ્વી હોય, પરિવારમાં હાર્ટ
સંબંધિત બીમારી હોય, પરિવારમાં કોઈને હાઈ બ્લડપ્રેશર હોય તો આ લોકોમાં કિડનીની બીમારી થવાનું, કિડની ફેલ્યોર થવાનું જોખમ સૌથી વધુ રહે છે. તેથી કિડની સ્વસ્થ રાખવા માટે વજન અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટ : દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસો વધી રહ્યા છે. કહેવાય છે કે બે લાખ દર્દીઓ સામે માત્ર પંદર હજાર જ કિડની ડોનર્સ છે. આ આંકડા પરથી સ્પષ્ટ છે કે લોકો શરૂઆતમાં કિડનીની બીમારીને સમજી શકતા નથી અને એ કારણે જ વાત કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચે છે. આ ઉપરાંત કિડની ફેલ થવાના આરે રહેલા દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ સરળ પણ નથી કારણ કે પ્રમાણમાં ડોનર્સની સંખ્યા ઓછી છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટેની એક જ રીત છે કે કિડની બીમાર કરતી દરેક નાની નાની વાતો પર ધ્યાન રાખવું.
આ કારણે કિડનીના કેસ વધે છે : એક્સપર્ટના કહેવા મુજબ કિડનીમાં બીમારીની શરૂઆત થાય તો કેટલાંક લક્ષણો જોવા મળે છે. જોકે, ઘણા ખરા કેસમાં આ લક્ષણો અન્ય બીમારી સાથે પણ મેળ ખાય છે. તેથી લોકો તેની અવગણના કરે છે અને આમ કિડનીની બીમારી લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી જાય છે.
કેટલાંક લક્ષણો : ભૂખ ન લાગવી, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓ જકડાઈ જવી અને ઊંઘ ન આવવી જેવી સમસ્યા થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. યુરિનનો રંગ બદલાય તો તેની અવગણના ન કરો અથવા યુરિનમાં લોહી આવે તો તે કિડનીમાં બીમારીનાં લક્ષણ છે. આ લક્ષણ જણાવે છે કે કિડનીમાં પથરી, ટ્યૂમર અથવા સંક્રમણ છે. આ સિવાય યુરિનમાં ફીણ જોવા મળે અથવા રાત્રે વારંવાર યુરિન કરવા જવું પડે તો તે સંકેત આપે છે કે તમારી કિડનીમાં કોઈ તકલીફ છે. પીઠ કે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય, ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહે ત્યારે પણ કિડનીની તપાસ કરાવવી જોઈએ.
તમારી કિડની કેટલી સ્વસ્થ છે? : તમને કોઈ પણ લક્ષણ જણાય તો બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટથી બ્લડમાં પ્રોટીન અને ક્રિએટિનીનનું લેવલ ચેક કરવામાં આવે છે. તેની માત્રા વધારે હોય તો તેની સીધી અસર કિડની પર પડે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરથી પીડિત લોકોની ફેમિલીમાં કિડની ફેલ્યોરના કેસ સૌથી વધારે જોવા મળે છે.
કિડની સ્વસ્થ રાખવા માટે : દરરોજ ઓછામાં ઓછા સાતથી આઠ ગ્લાસ પાણી જરૂરથી પીવું. ખાવામાં મીઠું ઓછું લેવું. વધારે પડતું સોડિયમ બ્લડપ્રેશર વધારી શકે છે, જેનાથી કિડની ખરાબ થવાનું જોખમ વધી જાય છે. ધૂમ્રપાનથી દૂર રહેવું. લીલાં પાંદડાંવાળાં શાકભાજી, તાજાં ફળ અને ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પણ કિડની સ્વસ્થ રહે છે. આ ઉપરાંત દરરોજ હળવી એક્સરસાઈઝ કરવાથી પણ કિડની સ્વસ્થ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.