શું છે આ બીમારી?:લિવરને બીમાર કરતી હીપેટાઈટિસની ગંભીર બીમારી

ડો. સુધીર મહર્ષિ,15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું છે આ બીમારી? હીપેટાઇટિસને સરળ ભાષામાં કહીએ તો લિવરમાં આવતો સોજો છે, જેનું મુખ્ય કારણ વાઇરસનો ચેપ છે. આ બીમારીમાં લિવર કેન્સર તેમજ લિવર ફેલ્યોર થવાની શક્યતાઓ રહે છે. આ ઉપરાંત આ બીમારીથી પીડાતાં લોકો એનાથી અજાણ હોવાથી ડોક્ટર પાસે તાત્કાલિક જતા નથી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)’ મુજબ, વિશ્વભરમાં 32 કરોડ કરતાં પણ વધુ લોકો હીપેટાઇટિસ-બી અને સી સામે લડી રહ્યાં છે. આ બીમારી સામાન્ય રીતે દૂષિત ખાણીપાણી અને ચેપગ્રસ્ત વસ્તુના ઉપયોગથી ફેલાય છે. હીપેટાઇટિસની બીમારી A, B, C, D અને E એમ પાંચ પ્રકારની હોય છે. જો આ બીમારીની યોગ્ય જાણકારી મેળવીને તેની સારવાર કરવામાં આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ બીમારીના પ્રાથમિક તબક્કે કોઇ લક્ષણ હોતાં નથી પણ સંપૂર્ણપણે ફેલાયાં પછી જ તેના વિશે જાણ થાય છે. જો પ્રારંભિક સારવાર ન મળે તો પરિસ્થિતિ ગંભીર બને છે અને લિવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.

બાળકો માટે જોખમી બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વયસ્ક કરતાં ઓછી હોવાથી તેમનામાં હીપેટાઈટિસના કેસ વધુ જોવા મળે છે. ખાસ કરીને હીપેટાઈટિસ-એ અને હીપેટાઈટિસ-ઈનો ચેપ બાળકોમાં ફેલાય છે. સગર્ભા સ્ત્રીઓને ખાસ કરીને હીપેટાઇટિસ-બીની તપાસ સાથે રસી આપવાની સલાહ અપાય છે. ડિલિવરી પછી શિશુને પણ આની રસી આપવી જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન હીપેટાઇટિસ-ઇ વધારે જોખમી છે, જે લિવર ફેઇલ થવાનું કારણ બની શકે છે. આનાથી બચવા માટે ઉકાળેલું પાણી પીવો, જમતાં પહેલાં સાબુથી હાથ ધુઓ અને ગર્ભાવસ્થા દરમિયાન બહારનું ખાવાનું ટાળો.

લિવરના આ છે 5 દુશ્મન હીપેટાઇટિસ-એ: દૂષિત ખોરાક અને પાણીથી શરીરમાં ફેલાય છે. એમાં લિવરમાં સોજો આવે, ભૂખ ન લાગે, તાવ આવે અને ઊલટી થાય. આ ઉપરાંત સાંધામાં દુખાવો રહે છે. હીપેટાઈટિસ-બી: ચેપગ્રસ્ત લોહી, સોય કે અસુરક્ષિત સેક્સથી ફેલાય છે. લિવર પર અસર થવાથી દર્દીને ઊલટી, થાક, પેટમાં દુખાવો થાય છે. ત્વચાનો રંગ પીળો પડી જાય. તે લિવર સિરોસીસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. સગર્ભા સ્ત્રીને આ બીમારી થાય તો બાળકને પણ ચેપ લાગી શકે છે. હીપેટાઈટિસ-સી: શરીર પર ટેટૂ દ્વારા તેમજ દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી કે બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે. હીપેટાઈટિસ-ડી: દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોય કે અન્યની શેવિંગ કીટના ઉપયોગથી ફેલાય છે. એમાં લિવરમાં ચેપથી ઊલટી થાય છે અને હળવો તાવ આવે છે. હીપેટાઈટિસ-ઇ: આ વાઈરસ દૂષિત ખોરાકથી ફેલાય છે. એનાથી પ્રભાવિત દર્દીને થાક લાગે છે, તેનું વજન ઘટે છે, ચામડી પીળી પડે છે અને હળવો તાવ આવે છે. આ બીમારીનાં લક્ષણો સામાન્ય રીતે પેટમાં દુ:ખે, ઊલટી થાય, આંખ અને ત્વચાનો રંગ પીળો પડતો દેખાય, યુરિનનો રંગ વધારે પડતો પીળો હોય, વધુ પડતો થાક લાગવા માંડે, મળનો રંગ સામાન્ય કરતાં જુદો હોય, ભૂખ ન લાગે. આવાં લક્ષણો દેખાતાં જ હીપેટોલોજિસ્ટને મળો અને તપાસ કરાવો. કેવો ખોરાક લઈ શકાય? આહારમાં લીલાં શાકભાજી, પપૈયું, કાકડી, કચુંબર, નાળિયેરનું પાણી, ટામેટાં, દ્રાક્ષ, બ્રાઉન રાઇસ, કિસમિસ, બદામનું સેવન કરવું. લીલાં શાકભાજીને સારી રીતે ધોઈને પછી જ તેનો ઉપયોગ કરવો.

અન્ય સમાચારો પણ છે...