બુધવારની બપોરે:હેડકી કોઈ ખાવાની ચીજ છે?

અશોક દવે18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષો પહેલાં કોઈ નોકરીના ઈન્ટરવ્યૂમાં મારી પ્રિય હૉબી વિશે પૂછાયું હતું, જેનો સરળ જવાબ મેં આપ્યો હતો, ‘હેડકી!’ પેલાએ મને ઓફર પણ આપી હતી કે, ‘એકાદી ખાઈ બતાવો ને!’ ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી કે, હેડકી બીજા ખાય એ જોવાની મારી હૉબી છે, જાતે ખાવાની નહીં! એમાં પાછું એકાદ હેડકીથી મારું પેટ ન ભરાય, આઈ મીન… કોઈને એકાદી જ આવે એ મને બહુ ન ગમે… સડસડાટ ઉપડ્યો હોય ને નોનસ્ટોપ એક ઉપર બીજી, ત્રીજી, અઢારમી ને છત્રીસમી ખાતો હોય તો મારું પેટ ભરાય… આઈ મીન, મન ભરાય! એનો સર્જક બિચારો પોતેય પોતાની કલાથી અજાણ હોય છે ને અચાનક ભફ્ફ… દેતો ઊંચો થઈ જાય ને પાછો વગર મહેનતે ધરતી પરેય આવી જાય! આવું બસ્સો-ત્રણસો વખત કરે તો આપણા પૈસા વસૂલ થાય એટલે કે, એના તનને ને આપણા મનને સંતોષ થાય…! સુંઉ કિયો છો? હેડકી એ સૂડી વડે સોપારીની માફક કાતરીને ખાવાની ચીજ નથી, એમ ઈચ્છો ત્યારે ખાઈ શકો એવી એ પાણીપૂરીય નથી. આ તો નકરો કુદરતનો કરિશ્મો છે. વિશ્વનો એકેય વિજ્ઞાની આજ સુધી મનુષ્ય શરીરમાં હેડકીનું કારણ અને મૂળ શોધી શક્યો નથી. હેડકી ફક્ત માનવીનો એકાધિકાર છે. ક્યારેય કોઈ હાથીને હેડકી ખાતો જોયો? સિંહ કહેવાય જંગલનો રાજા પણ હેડકી તો એની સત્તામાંય નથી આવતી. એ સાલાઓ તો ઝાડ નીચે બેઠા બેઠા ઓડકારોય નથી ખાતા! મનુષ્ય સિવાય અન્ય કોઈ જીવ હેડકી કે હેડકો ખાઈ શકતા નથી. અરે, બીજું કોઈ ખાતું હોય ને પળભરમાં ઊંચો થઈને સીધો ધરતી પર પાછો આવે, એ લઝ્ઝત કેવળ હેડકી આપે છે. વર્લ્ડ રેકોર્ડ ધરાવતા એક પહેલવાને ધડધડધડ એક પછી એક હાથના પ્રહાર વડે 2-3 મિનિટમાં 100 નારિયેળ ફોડી નાખ્યાં હતા. હું બાજુમાં ઊભો હતો. એણે ગર્વથી મારી સામે જોઈને એકાદ નારિયેળ ફોડી બતાવવાની ચેલેન્જ મૂકી હતી. મેં ભારે નમ્રતાથી સામી એને ઓફર કરી, ‘સર… દસ-બાર નહીં… ફક્ત એક હેડકી ખાઈ બતાવો ને!’ એ શરમનો માર્યો ઘટનાસ્થળ છોડીને જતો રહ્યો. કહે છે કે, કલા અને હેડકીને બારમો ચંદ્ર હોય છે. સ્ટેજ પર મુહમ્મદ રફીના ગીતો ગાતા એક ગાયકને ચાલુ ગીતે હેડકીઓ ઉપડવા માંડી. એ અમારા બધાના દેખતા છ લોટા પાણી પી ગયો પણ હેડકી બંધ ન થઈ ને શો કેન્સલ કરવો પડ્યો. કોઈ ચિત્રકારને ચાલુ ચિત્રે નાનકડું હેડકું (‘હેડકું’ એટલે હેડકીની નાજાઈઝ ઔલાદ : સ્પષ્ટતા પૂરી)ય આવી જાય તો એના પેઈન્ટિંગ ઉપર આ મોટો લિસોટો પડી જાય. શહેરમાં ગાડી ચલાવતા હેડકી આવે, એ માફ છે, પણ સ્કૂટર ચલાવતા એ ખાઈ શકાતી નથી. ખાઈએ તો ભમ્મ થઈ જવાય!… સુંઉ કિયો છો? એક શુકલજીને લગ્નવિધિ કરાવતા કરાવતા હેડકીઓ ઉપડી હતી, એમાં પેલો હેડકો ખાતો થઈ ગયો હતો. મધુરજનીએ પત્નીને ચુંબન કરવા ગયો ને હેડકી આવી એમાં ચુંબન પેલીના નાક પર ચોંટી ગયું હતું!… આ તો એક વાત થાય છે! વિશ્વમાં પહેલી હેડકી કોણે ખાધી અથવા હેડકીની શોધ કોણે કરી અથવા હેડકી બંધ કરવાના ઉપાયો કયા, એ હજી વિજ્ઞાન શોધી શક્યું નથી, પણ મારા ખ્યાલથી, આવતી હેડકીને રોકવી શું કામ જોઈએ? આવતી હોય તો ભલે ને આવે! જોનારાને કેવી ગમ્મત પડે અને ખાનારાની કોઈ સંપત્તિ લૂંટાઈ જવાની નથી! પણ મારું માનવું છે કે, પ્રભુ શ્રીરામ કે શ્રીકૃષ્ણના જમાનામાં હેડકીઓ નહીં થતી હોય, કારણ કે મેં ‘રામાયણ’ અને ‘મહાભારત’ તેમજ ‘શ્રીમદ્ ભગવદ્્ ગીતા’ બધુંય વાંચ્યું છે, પણ એકેયમાં હેડકીનો નાનકડો ઉલ્લેખેય આવતો નથી. શહેનશાહ અકબરે જોધાના ત્રાસથી ત્રાસીને ગમ બહુ ખાધી હતી, પણ એણે એકેય હેડકી નહોતી ખાધી. મહાત્મા ગાંધીના ‘સત્યના પ્રયોગો’થી માંડીને એમના વિશેનું વિપુલ વાંચન મેં કર્યું છે, પણ બાપુ ઉપવાસને દહાડે પણ હેડકી ખાતા નહોતા. એકવાર તો જમતા જમતા અમસ્તા બાપુ હલ્યા હતા એમાંય બા ખીજાયાં હતાં. (બા એટલે કસ્તુરબા!) ‘આમ શું લુછલુછ ખાઓ છો. જરા શાંતિથી ખાઓ…!’ એવી ટકોર બાને કદી કરવી પડી નહોતી. તો પછી, હેડકી શું, આપણા નવા જમાનાની શોધ છે? ફિલ્મોમાં શરાબીઓ લેવાદેવા વગરની હાવ ખોટ્ટી હેડકીઓ ખાય છે, પણ આપણને ખૂબ હસાવે એવી હેડકી લોરેલ-હાર્ડીની એક ફિલ્મમાં લોરેલ નોનસ્ટોપ હેડકીઓ ખાઈને હાર્ડીની ઊંઘ બગાડે છે અને હસાવી હસાવીને આપણી પિદુડી કાઢી નાંખે છે. લોરેલ કેવો ગ્રેટ એક્ટર હતો કે, શૂટિંગ માટે તો બનાવટી હેડકીઓ ખાવાની હોય, છતાં જોઈને આપણને એ સાચી હેડકીઓ લાગે છે… (જુઓ ‘યૂ-ટ્યૂબ’ પર, Laurel & Hardy’s Hiccups). જ્યાં એની શોધના જ ઠેકાણાં નથી ત્યાં એને નાબૂદ કરવા કે મટાડવાના ઉપાયો તો આઈન્સ્ટાઈન પણ શોધી ન શકે. વિજ્ઞાન પણ જે ચાર-પાંચ ઉપાયો બતાવે છે, એ ભંકસ છે. એનાથી હેડકી મટશે જ, એવું નક્કી ન કહેવાય! પણ મારું તો સોલિડ માનવું છે કે, હેડકી મટાડવી શું કામ જોઈએ? એક તો લાઈફટાઈમમાં માંડ બે-ચાર વાર આવતી હોય ને નુકસાન કાંઈ કરતી નથી ને જોનારાને બે ઘડી ગમ્મત આપે છે, તો છો ને આવતી, ભ’ઈ! કહે છે કે, છીંક હેડકીની મોટી બહેન કહેવાય. એય એકવાર ઉપડી પછી અટકવાનું નામ નથી લેતી, પણ છીંક જરા કદરૂપી છે. આજુબાજુ બેઠેલાને દૂર કરી દે છે અને ફ્લોર પણ બગાડે છે. આંખો ખુલ્લી રાખીને વિશ્વનો કોઈ માનવી છીંક ખાઈ શકતો નથી, જ્યારે હેડકીને એવા કોઈ બંધનો નથી. હેડકી કોઈનું કાંઈ બગાડતી નથી કે અમીછાંટણા કરતી નથી. એ ભોળુડી તો કેવળ એને ખાનારને બે ઘડી ગમ્મત અને શાતા આપે છે. જોનારનેય એમાં કાંઈ વાંધાજનક લાગતું નથી. એનો ચેપ પણ લાગતો નથી. કોઈ પણ મહેફિલ કે મુશાયરામાં એકસાથે દસ-બારને હેડકી ઉપડે, એવું શક્ય નથી, પણ એકે છીંક ખાધી તો બીજાને ચેપ લગાડી શકે છે. સાહિત્યના અનેક સંમેલનોમાં ધરખમ બોર થવાથી હું શ્રોતાઓમાં બેઠો બેઠો ‘તડાક’ છીંકણી લઈ જતો અને ભારે વિનયપૂર્વક આજુબાજુવાળાને ધરતો. આઠ-દસ જણા મારું મન રાખે એની ચોથી મિનિટે પૂરા હૉલમાં તડાક-તડાક-તડાક છીંકો શરૂ થઈ જતી અને બોરિંગ વક્તો ત્રાસીને બેસી જતો. હેડકી કોઈને ઉધાર કે દાનમાં આપી શકાતી નથી. એને માટે સ્વાવલંબી બનવું પડે છે. એકાદી ખાઈ જુઓ…!

અન્ય સમાચારો પણ છે...