શબ્દના મલકમાં:‘જે પોષતું તે મારતું : એવો દીસે ક્રમ કુદરતી!’- કલાપી

મણિલાલ હ. પટેલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમની અનેકવિધ ઊર્મિઓનું આલેખન કલાપીને લોકપ્રિય કવિ બનાવનારું પ્રમુખ પરિબળ હતું

કેટલાક સર્જકો એમના ઉપનામથી જ ઓળખાતા હોય છે. એમનું મૂળ નામ શું? એવું પરીક્ષામાં આજ સુધી પૂછાય છે. કલાપી, ધૂમકેતુ, સુન્દરમ્, મરીઝ- આ શ્રેણીનાં ઉપનામ છે. ‘કલાપી’ એટલે સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. રાજવી કવિ. રાજપાટ કરતાં કવિતાને અગ્રતા આપનાર કલાપીએ કહેલું કે: ‘બની શકે તો જીવીશ એકલાં પુસ્તકોથી હું!’ પરંતુ વિધિ કઠોર નીવડી. 26 વર્ષ અને 5 માસ માંડ જીવ્યા! ને આટલાં વર્ષોમાંય એમણે કવિતાની ઉપાસના કરી તથા પ્રેમમાં ગળાડૂબ રહ્યા. એમની કવિતાએ ઘણાં વર્ષો સુધી યુવા હૈયાં ઉપર પ્રેમપૂર્વક રાજ કર્યું હતું. પ્રેમની અનેકવિધ ઊર્મિઓનું આલેખન એમને લોકપ્રિય કવિ બનાવનારું પ્રમુખ પરિબળ હતું. ત્યારે પ્રેમપત્રોમાં કલાપીની કાવ્યપંક્તિઓ ટંકાતી. કલાપી (1874થી 1900)નું જીવનકવન ગુજરાતી સાહિત્યના પંડિતયુગ દરમિયાન આકાર લે છે ને અસ્ત પામે છે. કલાપી 1882થી 1890 દરમિયાન રાજકોટની રાજકુમારો માટેની સંસ્થામાં ભણ્યા હતા. 1889-90માં તો નવપરણિત રાજવી બંને રાણીઓના રસાલા સાથે રહીને ભણતા હતા. પછી એ બધું છોડીને રાજ સંભાળવા- જેનો વહીવટ-સગીર કુંવર હોવાથી- કંપની સરકાર પાસે હતો તે માટે કલાપી લાઠી પરત ફરે છે. 1891થી 1900, આ એક દાયકો અનેક સંઘર્ષો દરરોજ કલાપીની કસોટી કરે છે, પરંતુ કલાપી કવિતાને અને (1885 પછી) દાસી મોંઘીમાંથી શોભના બનાવેલી પ્રેયસીને છોડતા નથી. એ માટે જીવતર ફના કરી દે છે. પંડિત યુગના સાક્ષર-સર્જકો સાથે કલાપીને મૈત્રી થાય છે. ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ, કાન્ત, બ.ક. ઠાકોર, બાળાશંકર, નરસિંહરાવ ઈત્યાદિ પાસેથી કલાપી સતત કવિતા વિશે જાણતા રહે છે ને કાન્તની કવિતાને માપદંડ બનાવી પોતાની કવિતાની ઊણપોને પ્રમાણતા રહે છે. કલાપી રાજવહીવટથી દૂર સરતા જાય છે ને કવિતામાં જીવ પરોવે છે. આમેય એમનાથી આઠ વર્ષે મોટાં રાણી રમાબા જ રાજપાટ ચલાવે છે. રમાબાને રાજખટપટો ગમતી. પટરાણી થવાનો એમને ભારે અભરખો હતો. રમાબા સાથે આવેલી દાસી મોંઘીનું રૂપ ઉઘડતાં કલાપી એને ગુજરાતી શીખવે છે… ને એમ પ્રેયસી, છેવટે એને એના પતિના ત્રાસમાંથી છોડાવીને હૃદયરાજ્ઞી બનાવે છે. રમાબા જાણે આનું વેર લેતાં હોય એમ વર્તે છે. પટરાણી બનેલાં આનંદી બા કલાપીનો પડ્યો બોલ ઝીલતાં. કલાપીની કવિતા ‘હૃદય ત્રિપુટી’માં આ બધા સંઘર્ષો બોલકા બનીને પ્રગટે છે. લાઠી દસ-પંદર ગામોનું નાનકડું હરિયાળું રાજ્ય હતું. પડખે નદીને પાદરે મોટું તળાવ. શેરડી પાકતી. ‘ગ્રામમાતા’ કાવ્યમાં પોતાના અનુભવનું સારું કાવ્ય રૂપાંતર છે. 1886માં કલાપીનાં માતા રામબાનું અને 1888માં પિતાજીનું મૃત્યુ ઝેરથી થયેલું. મોટાભાઈ ભાવસિંહ નાની વયે ઘોડા પરથી પડી જતાં મૃત્યુ પામેલા. આવા વિષમય રજવાડામાં કલાપી, કવિ દરબાર ભરતા અને બોજ હલકો કરતા. કલાપીને આપણે આજે પણ એમની કેટલીક કવિતા માટે યાદ કરીએ છીએ. 1. ગ્રામમાતા: ‘રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ’- જેવી પ્રબોધક વાણી કહેવત બની ગઈ છે. આ કાવ્ય સુંદર શબ્દચિત્રો માટે પણ યાદગાર બની રહ્યું છે. આરંભે જુઓ: ‘ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં / ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી!’ શાર્દૂલ છંદની છટા! 2. ‘એક ઘા’ – શોભના સાથે રમાબાએ કરેલા આઘાતક વર્તનનો પ્રત્યાઘાત કવિ આ કાવ્યમાં આપે છે: ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો…/ મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ. / રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે… / આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને…’ પાઠ્યક્રમમાં આવાં કાવ્યો ઘણી પેઢીઓ ભણી ગઈ છે. કહેવત બની ગયેલી આ પંક્તિ વાંચીએ : ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી!’ ‘એક ઈચ્છા’, ‘આપની યાદી’, ‘વીણાનો મૃગ’, ‘કુદરત અને મનુષ્ય’, ‘ગાલે ચૂમું કે પાનીએ’ જેવી યાદગાર રચનાઓ પણ નવી પેઢી માટે પ્રેરક બને એવી છે. રાજા પ્રથમવાર ગાદીએ બેસે એ પહેલાં એ ભારતનો થોડો પ્રવાસ કરે તો પરિપક્વતા વધે. કંપની સરકારના આ નિયમ પ્રમાણે કવિ કલાપી (1891-92) ‘કાશ્મીરનો પ્રવાસ’ કરે છે ને ગ્રંથ લખે છે. કલાપીને પ્રેમ અને પ્રકૃતિનું પારાવાર ખેંચાણ હતું. એ બધાં સાથે વનમાં જવા ચાહતા હતા. રમાબા અસંમત ને આક્રમક બનેલાં. એક સાંજે રમાબાએ શોભના પાસે બેઠેલા કલાપીને બોલાવ્યા ને પોતાના હાથે સીમલવાળા પેંડા ખવરાવ્યા- એ જ રાતે કલાપીનું અવસાન થયેલું! આ રહસ્યમય મોત કલાપીના ચાહકોને આજે પણ અજંપ કરી દે છે.⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...