20 22માં લિવ-ઈન-રિલેશનમાં રહેતી શ્રદ્ધા વૉકરની હત્યા બાદ આફતાબ પૂનાવાલાએ એના 35 ટુકડા કરી નાખ્યા. 2010માં અમેરિકા રિટર્ન રાજેશ ગુલાટીએ પત્ની અનુપમાના 72 ટુકડા કરીને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળે ફગાવી દીધા હતા. આફતાબ અને રાજેશને સારા તો કહેવડાવે પણ વધુ કમકમાટી ઉપજાવે એવો કેસ 2013ના જૂનમાં ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરમાં બન્યો હતો. દરેક દૃષ્ટિકોણથી પરીદા પરિવાર એકદમ સુખી-સંપન્ન ગણાય. ઘણાંને એમની ઈર્ષ્યા પણ થતી હશે. ડો. સોમનાથ પરીદા તબીબ હોવા સાથે ઈન્ડિયન આર્મીમાંથી રિટાયર થયા હતા. ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં ધર્મપત્ની ઉષાશ્રી સાથે રહે. થોડા શ્યામળા રંગ, ઊંચા કદ, નાકની ડાબી બાજુ મસો અને ચહેરા ઉપર ગંભીરતા અને કરડાકીનું મિશ્રણ એમની ઉંમર સાથે લશ્કરના અનુભવનું પ્રતિબિંબ પાડતા હતા. દીકરો અમેરિકામાં રહેતો હતો, તો દીકરીને દુબઈમાં પરણાવી હતી. દૂરથી સુખી દેખાતા કુટુંબમાં બધું સુખરૂપ હતું? ઘરવાળો તો ઠીક આડોશીપડોશીય ગણગણાટ કરે કે પરીદા દાદાનો સ્વભાવ બહુ આકરો. મગજ એવું ગરમ કે ગમે ત્યારે તડાફડી શરૂ થઈ જાય, પરંતુ આનો ઉકેલ શું? કોઈ ચલાવી લે, કોઈ અવગણના કરે, કોઈ સહન કરે અને કોઈ ચૂપ થઈ જાય. 2013ની 22મી જૂને ઉષાશ્રીના ભાઈ રાજન સામલ પોતાની બહેનને મળવા ડો. સોમનાથ પરીદાના ઘરે થોડાં સગાંસંબંધી સાથે ઓચિંતા આવી ચડ્યાં. સાળાસાહેબની સરપ્રાઈઝ આગમનથી ખુશ થવાને બદલે સોમનાથે તો દરવાજોય ન ખોલ્યો. તેમણે રાજનને કહી દીધું કે તારી બહેન તો દીકરીને મળવા દુબઈ ગઈ છે. પરંતુ રાજનને અમેરિકા અને દુબઈથી ભાઈ-બહેનના ફોન આવ્યા હતા કે 18-18 દિવસથી મમ્મી સાથે વાત થઈ નથી તો પ્લીઝ તમે એકવાર ઘરે જઈ આવો. એટલે ભાણા-ભાણીની વિનંતી મુજબ મામા દોડી આવ્યા હતા. જીજાજી દુબઈનું ગપ્પું હાંકતા લાગે છે એવી મનોમન ખાતરી થયા બાદ રાજન ત્યાંથી ટસનો મસ ન થયો. મામા સહિતના અન્ય સંબંધીઓને કંઈક અજુગતું લાગ્યું. ઘરની આસપાસ આંટો મારતા રાજને બારીમાંથી ઘરની અંદર ડોકિયું કર્યું, તો માથું ફાટી જાય એવી દુર્ગંધ નાકમાં ઘૂસી ગઈ. વધુ ચર્ચા વગર રાજન એન્ડ કંપની પહોંચી સીધી પોલીસ સ્ટેશન. ... અને ડો. સોમનાથ પરીદાના ઘરમાં પોલીસે પ્રવેશ કર્યો પછી ઓરિસ્સાના સામાજિક જીવનમાં મસમોટો વિસ્ફોટ થયો. આ સાથે 2016ની ત્રીજી જુલાઈની ભયંકર ઘટના પર્દાફાશ થઈ. એ દિવસેય પરીદા દંપતી વચ્ચે કંકાસ થયો ને ગુસ્સામાં ડો. સોમનાથે સ્ટીલની ટોર્ચ ઉપાડીને એટલા જોશભેર ઉષાશ્રીના માથામાં મારી કે જીવ જતો રહ્યો. આવો શિક્ષિત-અનુભવી માણસ શું કરે? એ જે કરે એ પણ આ ડોક્ટરસાહેબે ન કરવાનું કર્યું. 71 વર્ષના ડો. સોમનાથ મેડિકલ સર્જ્યન તો હતા જ. તેમણે એક કુશળ તબીબને શોભે એમ 65 વર્ષની પત્ની ઉષાશ્રીના શરીરના ટુકડા કર્યા. કેટલા? પૂરા 300. હા, ત્રણસો. પોલીસે બળજબરીથી રૂમના દરવાજા ખોલાવતા સ્ટીલના 22 ટિફિનમાં પ્રિઝર્વેટિવ કેમિકલ્સમાં સાચવી રખાયેલા ઘણા ટુકડા મળ્યા. આ ટિફિન બે મોટા ટ્રકમાં રખાયા હતા. તેઓ અનુભવી હોવાથી શસ્ત્રક્રિયા માટે વપરાતી નાની-નાની છરીઓનો સરસ ઉપયોગ કર્યો હતો. શબ કોહવાઈને ગંધ ન આવે એ માટે ઘરમાં સતત ફિનાઈલ છાંટતા રહેતા હતા. આ માણસને સ્વસ્થ કહેવો કે એકદમ ઠંડા કલેજાવાળો કાતિલ? આ હત્યા બાદ રોજ એ દવાખાને જતો દર્દીઓને સાજા કરવા. પત્નીને સાવ ભૂલી નહોતો ગયો હોં. ટેબલ પર મૂકેલા એના કાપેલા માથા સાથે રોજ સવાર-સાંજ વાતો અવશ્ય કરે. થોડાક દિવસ બાદ માથા પરથી વાળ અને ચામડીય ખરી પડ્યાં એટલે બધું ટ્રકમાં મૂકી દીધું. પોલીસની પૂછપરછ દરમિયાન ડો. પરીદાના ચહેરા પર વેદના કે પ્રાયશ્ચિતના ભાવનો અંશ સુદ્ધાંય નહોતો. પરંતુ ક્યાં ગુસ્સા, આક્રોશ કે નફરતનો લાવારસ આવી પાશવી હત્યામાં પરિણમ્યો? અખબારી અહેવાલો મુજબ ડો. સોમનાથ પોતાનાથી ઘણી નાની ઉંમરની મહિલા સાથે નિકટતા કેળવી રહ્યા હતા એની સામે વાંધો લઈને ઉષાશ્રી વારંવાર ઝઘડો કરતાં હતાં. ઢીલા કેરેક્ટર ધરાવતા હોવાનો આરોપ ડોક્ટરને જરાય પસંદ નહોતો. એ દિવસે મગજ પર કાબૂ ન રહ્યો અને આવેશમાં ઉપાડેલી ટોર્ચે ઉષાશ્રીની આંખમાં કાયમ માટેનું અંધારું ધકેલી દીધું. અદાલતી ખટલા દરમિયાન ડો. સોમનાથ સતત એક જ રટણ કરતા રહ્યા કે મેં હત્યા નથી કરી. ઉષાશ્રીએ જ પોતાનો જીવ લીધો હતો. અલબત્ત, પોતે ટુકડા શા માટે કર્યા એનો ખુલાસો નહોતો તેમની પાસે. આરોપી વયોવૃદ્ધ હોવા છતાં અપરાધ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ હોવાથી ડો. સોમનાથ પરીદાને આજીવન કેદની સજા સાથે રૂ. 50 હજારનો દંડ ફટાકારાયો હતો. આ સજા સાંભળીને તેઓ ભાંગી પડ્યા હતા. હા, પોલીસને કહેલી એક વાત રહી ગઈ: ‘ઉષાશ્રીની અંતિમ ઈચ્છા હતી કે તેની સમાધિ શીરડીમાં બને એટલે હું 23 સપ્ટેમ્બરે એના શરીરનો એક ટુકડો લઈને શીરડી જવાનો હતો.’ કહેવાય છે કે મોર્નિંગ વોકમાં ડો. પરીદા એક મહિલાને મળતા હતા અને દોસ્તી વધી ગઈ હતી. એના પછી આ મહિલાએ બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. ઉપરથી પત્ની આરોપ મૂકતી હતી. મોર્નિંગ વોક કાયમ આરોગ્યપ્રદ નથી હોતાં એ ખરું. ડો. સોમનાથ પરીદાના વ્યક્તિત્વ, સ્વભાવ, વર્તન, મગજ અને હૃદય સમાજવિજ્ઞાન અને માનસશાસ્ત્ર માટે કોયડો જ રહેવાનાં ને? { praful shah1@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.