ડૉક્ટરની ડાયરી:દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નથી, ખાબોચિયાંને ઠાઠથી તે તરવા નીસર્યા!

ડૉ. શરદ ઠાકર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

એનું મૂળ નામ તો રણછોડ ખોડાભાઈ, પણ મેડિકલ કોલેજના કેમ્પસમાં આવ્યા પછી એને પોતાને લાગ્યું હશે કે આ નામ ગામડીયું લાગે છે. વધુમાં આ નામની આગળ ભવિષ્યમાં ડો. લખાશે કે બોલાશે તો એ શોભશે નહીં એવું માનીને રણછોડે પોતાનું નામ આર.કે. કરી નાખ્યું. હું અંગત રીતે એવું માનું છું કે નામ ફક્ત માણસની ઓળખ માટે હોય છે, એનાથી શરમાવાની જરા પણ જરૂર નથી. પણ અમારા મેડિકલ કેમ્પસમાં રહેતા ગામડેથી આવેલા મોટાભાગના મિત્રો એમના નામથી શરમાતા હતા. પરિણામે હોસ્ટેલ્સમાં કે.ડી., આર.કે., જે.ટી., એમ.કે., જે.જે., કે.કે. આવાં ટૂંકાક્ષરી નામો અમને મોટી સંખ્યામાં સાંભળવા મળતા હતા. આ બધામાં આર.કે. સાવ અનોખો હતો. એ મહેસાણાની પાસેના ગામડેથી આવતો હતો. એનું દરેક વાક્ય ‘દિયોર’થી શરૂ થતું હતું અને ‘એની બૂનના ધણી’ સાથે પૂરું થતું હતું. દિલનો સાફ. પૂરો જાંગડ. પોલિશ કર્યા વગરના હીરા જેવો રફ. એને પોલિશ્ડ થવામાં રસ પણ ન હતો. ‘દિયોર, આપણે તો જેવા છંયૈ એવા જ રે’વાના! બદલાય એ બીજા.’ આ એનો કાયમી તકિયા કલામ. હું એક વાર એને પૂછી બેઠો, ‘દોસ્ત, તું વારંવાર એવું કહ્યા કરે છે કે બદલાય એ બીજા, તો પછી તેં તારું નામ રણછોડ ખોડાભાઈમાંથી આર.કે. કેમ કરી નાખ્યું?’ ‘ઈ તો સામેવાળાની સગવડ ખાતર, દિયોર! અને મેં મારું નામ ક્યાં બદલ્યું છે? મેં તો ખાલી એને ટૂંકું કરી નાખ્યું છે.’ ‘ઓ.કે.! પણ હવે તું મને એક વાતનો જવાબ આપ, ડોક્ટર બની ગયા પછી પણ તું આ જ રીતે વાત કરવાનું ચાલુ રાખીશ? કે તારી શૈલીમાં જરાક…?’ ‘હોંભળી લે મારા દિયોર! મારે મારા ગોમડાંના દર્દીઓ હારે પનારો પાડવાનો છે. એ લોકો જે બોલીમાં હમજે એ જ રીતે હું વાત કરવાનો. મારે ક્યાં અમેરિકા જઈને…?’ આવું બોલતી વખતે એને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં એની જિંદગી અમેરિકાની ધરતી પર વીતવાની છે! અમારું કેમ્પસ વિશાળ હતું. ત્યારે તો સ્વચ્છ પણ રહેતું હતું. દરેક હોસ્ટેલમાં 16-16 બાથરૂમ્સ-ટોયલેટ્સ હતાં. તો પણ આર.કે. લઘુશંકા કરવા માટે ખુલ્લામાં જ ઊભો રહી જતો હતો. ‘દોસ્ત, તું આ બરાબર નથી કરી રહ્યો. વી આર મેડિકલ સ્ટુડન્ટ્સ. ચાર વર્ષ પછી આપણે ડોક્ટર્સ હોઈશું. તું આવી રીતે ખુલ્લામાં ઊભાં ઊભાં…’ એની પાસે દલીલ તૈયાર હતી, ‘લ્યા, આ બોય્ઝ હોસ્ટેલમાં મને કોની શરમ છે? ઉપરાંત આપણો દેશ તપતા સૂરજનો દેશ છે. અહીં તો નદી જેવી નદી પણ સુકાઈ જાય છે ત્યારે હું આ જરાક ભીનું કરું એને સુકાતાં વાર કેટલી?’ ‘સવાલ ભીનાં-સુક્કાનો નથી, સવાલ ડિસન્સીનો છે. કોઈ વિદ્યાર્થીનાં મમ્મી-પપ્પા આવ્યાં હોય અને એ લોકો તને આવું કરતાં જોઈ જાય તો કેવું ખરાબ લાગે?’ ‘એમાં ખરાબ શેનું, હેં? એનો દીકરો નાનો હશે ત્યારે ઘરની બહાર ખુલ્લામાં જ કરતો હશે ને?’ ‘પણ તું નાનો નથી.’ ‘લ્યા, દિયોર! આ ચાર દિન કી ચાંદની જેવી જિંદગીમાં નાનું શું અને મોટું શું? હું તો ઘરડો થઈશ ત્યારે પણ જાહેર રસ્તા પર ઊભો રહીને આ જ રીતે…’ એનું બાકીનું વાક્ય લખી શકાય તેવું નથી. પાન-મસાલા ખાવા અને પછી થૂંકવું એ આર.કે.ની આદત હતી. હોસ્ટેલની દીવાલો ઉપર ઠેર-ઠેર એણે કરેલાં લાલરંગી પેઈન્ટિંગ્સ દૃષ્ટિગોચર થતાં હતાં. એની સૌથી ખરાબ ટેવ સબડકા ભરીને ચા પીવાની હતી. કપમાંથી ચા પીવાને બદલે એ હંમેશાં રકાબીમાંથી જ પીવાનું પસંદ કરતો હતો. ઘૂંટડો ભરતી વખતે એ જે સબડકો લેતો હતો એનાથી અમને બધાને ભયંકર ચીતરી ચડતી હતી. અમારી વધારે ખરાબ હાલત તો મેસમાં જમતી વખતે થતી હતી. અમારામાંથી મોટાભાગના સ્ટુડન્ટ્સ જ્યાં સુધી ઘરે હતા ત્યાં સુધી હાથ વડે કોળિયો લેવા માટે ટેવાયેલા હતા, હોસ્ટેલમાં ગયા પછી અમને ટેબલ મેનર્સ શીખવા મળી. અમે ચમચીનો ઉપયોગ શરૂ કર્યો, પણ આર.કે. દાળ-ભાતનો એવો મોટો સબડકો લેતો હતો કે અમારામાંથી મોટાભાગનાઓએ એની સાથે બેસીને જમવાનું બંધ કરી દીધું. ‘આર.કે. તું દાળ-ભાત ખાવા માટે ચમચીનો ઉપયોગ કેમ નથી કરતો? આ રીતે જમતી વખતે અવાજો કરવા એને અશિષ્ટાચાર માનવામાં આવે છે.’ મેં એક વાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ‘કોણ મને અશિષ્ટ કહે છે? એની તો…’ હું સમજી ગયો કે આ તળપદો માણસ જીવનભર આવો જ રહેવાનો. એને સુધારવાની કોશિશ કરવી વ્યર્થ છે. અમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું. ઈન્ટર્નશિપનું એક વર્ષ પણ પસાર થઈ ગયું. એ પછી અમારી બેચનું વિઘટન થઈ ગયું. કેટલાક મિત્રો ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી શોધીને કંકોત્રીના પાસપોર્ટ પર સવાર થઈને વિદેશ ચાલ્યા ગયા. કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે વિવિધ સંસ્થાઓમાં જોડાઈ ગયા. બહુ ઓછા મિત્રોએ જનરલ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. એક દિલ કે ટુકડે હજાર હુયે, કોઈ ઈધર ગિરા, કોઈ ઉધર ગિરા. હું જામનગર છોડીને અમદાવાદ આવી ગયો. પ્રખ્યાત વી.એસ. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રવેશ મેળવીને ભવિષ્યનાં સપનાંઓ ગૂંથવામાં વ્યસ્ત બની ગયો. મારા જીવનમાં મારા આદર્શ હીરો, મારા રોલમોડલ મારા કાકા રહ્યા છે, જેઓએ દાયકાઓ પહેલાં આ જ વી.એસ. હોસ્પિટલના આ જ ચિનાઈ મેટરનિટી વિભાગમાંથી ગાયનોકોલેજિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. કાકા તો પછી ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. હાલમાં પણ ત્યાં જ છે. વરસે દહાડે જ્યારે માટીની તાવડીમાં શેકાયેલો મકાઈનો રોટલો ખાવાની ઈચ્છા થાય છે ત્યારે ઈન્ડિયા આવે છે. આર.કે. ક્યાં જઈને ‘સેટલ’ થઈ ગયો એની કશી જ જાણકારી મને મળી નહીં. દિવસ ગણતા માસ થયા અને માસ ગણતા વરસ. અડધી સદીની જીવનયાત્રા સંપન્ન થઈ ગઈ. અચાનક જાણે પાતાળમાંથી આર.કે. પ્રગટ થયો. એ નહીં પણ એનો ફોન આવ્યો. એના અવાજમાં જૂની દોસ્તીનો દરિયો ઘૂઘવતો હતો, ‘દિયોર, ક્યાં છો? સાંભળ્યું છે કે તું અમેરિકા આવ્યો છે.’ ‘હા, હાલમાં એક મહિના માટે હું અમેરિકા આવ્યો છું. તું ક્યાં છે?’ ‘લ્યા, હું તો પાંત્રીસ વર્ષથી અમેરિકામાં જ મૂવો છું ને! તું નથી જાણતો? અહીંની છોડી હારે પૈણીને હું સીધો અહીં જ આવી ગયો છું. તું ક્યાં રોકાયો છે? સરનામું આપ. કાલે તને લેવા આવું છું.’ એણે કશી જ આળપંપાળ કર્યા વગર સીધી ને સટ્ટ વાત કરી, જે મેં પણ સીધી જ સ્વીકારી લીધી. બીજા દિવસે આર.કે. ગાડી લઈને આવ્યો અને મને લઈ ગયો. લગભગ એક કલાકની ડ્રાઈવ પછી અમે એના સિટીમાં પહોંચ્યા. એક સ્થાન પર એણે કારને ધીમી પાડી, મને કહ્યું, ‘ડાબી બાજુ પર બંગલો દેખાય છે? એ રોહનનો છે.’ ‘રોહન? એ કોણ?’ મને આ નામ અજાણ્યું લાગ્યું. ‘રોહન મારો દીકરો છે. એ દિયોર મારા કરતાંયે ચડી ગયો. મેં તો અમેરિકામાં જન્મેલી પણ મૂળ ઈન્ડિયન ઓરિજીનની છોડી હારે લગન કર્યાં હતાં, રોહને તો અહીંની જ ગોરીયણ જોડે…’ ‘મને એ કપલને મળવામાં રસ પડશે. તારા રોહનની સાથે ઓળખાણ નહીં કરાવે તું?’ મારી વાત સાંભળીને આર.કે. વિચારમાં પડી ગયો. થોડી વારના મનોમંથન પછી બોલ્યો, ‘લઈ તો જઉં તને… પણ પહેલાં રોહનને ફોન કરીને પૂછવું પડે. એમ કોઈના ઘરે સીધું પહોંચી ન જવાય.’ ‘કોઈનું ઘર ક્યાં છે? આ તો તારા દીકરાનું ઘર છે. એ તારું જ કહેવાય.’ ‘એવું નથી. મારા છોકરાનું બૈરું હાળું બહુ વિચિત્ર છે. એની પાસે આપણી ઈન્ડિયન મેનર્સ ન ચાલે.’ આર.કે.એ દીકરાને ફોન જોડ્યો, પૂરેપૂરી વિનંતીપૂર્વક એના ઘરે જવાની પરવાનગી માગી, દીકરાએ થોડી વારના હિચકિચાટ પછી હા પાડી. આર.કે.એ આજુબાજુ નજર દોડાવી. એક પબ્લિક ટોયલેટ શોધી કાઢ્યું. મને પૂછ્યું, ‘તારે આવવું છે? મને બહુ પ્રેશર આવ્યું છે. ટાંકી ખાલી કરવી પડશે. તારે આવવું હોય તો આવ મારી સાથે. રોહનના બંગલામાં… યુ નો… એનો બાથરૂમ યૂઝ કરીશું તો… એને ને એની વાઈફને નહીં ગમે. દિયોર, અહીં આવ્યા પછી ચેન્જ તો થવું પડે. આ આપણું ઈન્ડિયા નો’ય!’ (સત્ય ઘટના. નામ બદલ્યાં છે.)⬛ શીર્ષક પંક્તિ: રમેશ પારેખ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...