ક્રાઈમ ઝોન:જીવનને નિરર્થક માનીને પત્ની, બે દીકરી અને દીકરાને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યાં

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘કોઈ મને સમજતું નહોતું, એટલે હું એકાંતવાસમાં સરી પડ્યો. પછી મેં નવું ઘર બાંધ્યું અને અલગ રહેવા માંડ્યાં, પણ એનાથી સારું ન થયું.’

રમેશ વર્મા. આ દુકાનદારે રાત્રે દસ વાગ્યાના બદલે બપોરે ત્રણ વાગ્યે જ દુકાન બંધ કરી લીધી. 38 વર્ષની પ્રમાળ પત્ની સુનિતા, મીઠડી દીકરીઓ 14 વર્ષની અનુષ્કા અને 12 વર્ષની દીપિકા તથા જીવથી વ્હાલા 10 વર્ષના કેશવના ચહેરા આંખ સામેથી હટતા નહોતા. રમેશે આખા પરિવારને ડિનરમાં ખીર પીરસી. એની આંખ એક-એક સ્વજનને એકદમ પ્રેમપૂર્વક નિહાળતી રહી. જાણે બધાંયને કાયમ માટે આંખમાં-હૃદયમાં કાયમ માટે સંઘરી રાખવા માગતો હોય. * * * 2021ની 20 ડિસેમ્બરે એટલે કે બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે અગ્રોહા પોલીસને ફોન આવ્યો કે અગ્રોહા-બરવાળા રોડ પર અકસ્માત થયો છે અને એક માણસ રોડ પર પડ્યો છે. પોલીસે દોડી જઈને ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડ્યો પણ ત્યારે ડોક્ટર કંઈ કરી શકે એમ નહોતા. મૃતક પાસેથી મળેલી ચીજવસ્તુ પરથી ખબર પડી કે એનું નામ રમેશ વર્મા. ઉંમર વર્ષ 45 અને હરિયાણાના હિસ્સાર જિલ્લાના નંગથલા ગામનો વતની હતો. પોલીસ સ્વજનના મોતની માહિતી આપવાની કપરી જવાબદારી નિભાવવા મૃતકના ઘરે પહોંચી. કેટલું સુંદર ઘર! ગામના આ સૌથી આકર્ષક મકાનમાં પ્રવેશ સાથે જ લીમડાનું વૃક્ષ નજરે પડ્યું. પછવાડાના ગુલાબ અને ગલગોટાના છોડ. પક્ષીઓના ટહુકા સતત સંભળાય. સૌથી વધુ ધ્યાન ખેંચતાં પંખીઓ માટે બનાવાયેલાં નાનાં-નાનાં 70 ઘર એટલે માળા, પિંજરાં વગેરે. પાડોશીઓએ સાદેરી પુરાવી કે રમેશ પક્ષીઓને ખૂબ પ્રેમ કરે અને જીવનમાં ક્યારેય કીડીય મારે નહીં. ભોળા મહાદેવનો મોટો ભક્ત. ક્યારેય સાપ-નાગથી ન ડરે. આ બધી માહિતીથી થોડું ઘણું આશ્ચર્ય થયું, પરંતુ પોલીસને આઘાત લાગ્યો ઘરમાં જઈને. અંદર લાશ પડી હતી. એક નહીં ચાર-ચાર. સુનિતા અને ત્રણ સંતાનો અનુષ્કા, દીપિકા અને કેશવ નિર્જીવ અવસ્થામાં પડ્યાં હતાં. પોલીસ એકદમ મુંઝાઈ ગઈ. ઘરના મોભીનું અકસ્માતમાં મોત થયું હતું કે પછી ખૂન? કોઈએ લંૂટફાટ માટે ચાર જણની હત્યા કરીને રમેશને મારી નાખીને અકસ્માતનો દેખાડો તો નથી કર્યો ને? સવાલો અનેક હતા જેના જવાબમાં ક્યાંક, કદાચ સચ્ચાઈ હતી. પોલીસે આડોશીપાડોશી, મિત્રો, ઓળખીતા અને સગાંસંબંધીની પૂછપરછમાંથી જ તર્કના સથવારે સચ્ચાઈ સુધી પહોંચવાનું હતું. રમેશે આર્થિક સંકડામણમાં આકરું-આત્મઘાતી પગલું ભર્યું હશે? જવાબ નકારમાં મળ્યો, કારણ કે લગ્નની કંકોત્રી છાપવાના ધંધામાં સારી કમાણી થતી હતી. નહોતી કોઈ ખોટી આદત કે સોબત. હા, રમેશ લોકોને હળેમળે ઓછો. ભલો પોતાનો ધંધો, ઘર અને પક્ષીપ્રેમ. કુદરત, પંખી, વૃક્ષ અને ફૂલોને ગળાફાડ પ્રેમ કરે. એ બધું એના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ખબર પડી. થોડે દૂર રહેતી માતા ઓમવતી અને કાકા સીતારામે રમેશને સદ્્ગુણી અને ધાર્મિક માણસ ગણાવ્યો. મોટાભાગની પૂછપરછનો અર્ક એટલો જ નીકળ્યો કે બધી રીતે આ વર્મા પરિવાર એકદમ સામાન્ય હતો. જોકે, હળવી ઘૂસપૂસ પણ પોલીસને કાને પડી કે થોડા સમયથી કંઈક બરાબર નહોતું. વર્મા પરિવાર કોઈ સાથે ભળતું નહોતું. પત્ની અને બાળકો ભાગ્યે જ ઘરની બહાર દેખાતાં હતાં. દીકરા કેશવના એક દોસ્તે માહિતી આપી કે એને રમવા આવવા ફોન કરું ત્યારે નિશ્ચિત એકના એક જવાબ મળે: સ્કૂલે જવું છે, સાપને ખવડાવું છું, પંખીને ચણ આપું છું કે ઊંઘી રહ્યો છું. રમેશના બે મિત્ર સુનિલ અને સંજયે રસપ્રદ માહિતી આપી: એ માનસિકપણે વ્યથિત લાગતો હતો. ‘દોઢેક વર્ષ અગાઉ બાઈક એક્સિડન્ટ બાદ એ દિવસો સુધી બોલી નહોતો શક્યો અને ત્યારબાદ એકદમ બદલાઈ ગયો.’ પોલીસને આછીપાતળી દિશા દેખાતી હતી, પણ એ બહુ લાંબું બોગદું હતું. એનો છેડો દેખાતો નહોતો. હવે કરવું શું? ત્યાં જ ઘરમાંથી એક નોટબુક મળી. એમાં રમેશ વર્માની લાગણી હતી. જે થયું એનાં કારણો સ્પષ્ટ થવા માંડ્યાં. તેણે સાફ શબ્દોમાં લખ્યું કે, ‘હું પાગલ નથી. આ કૃત્રિમ જીવન ત્યાગીને હું મોક્ષ પામવા માગું છું. આ માટે મારે જીવનનો અંત લાવવો છે. પરંતુ હું નિર્દોષ બાળકોને એકલાં કેવી રીતે છોડી શકું? મારી પત્ની સુનિતાય મારી વાત સાથે સંમત થાય છે. તે ઈચ્છે છે કે જીવતા હોઈએ કે મૃત, પણ બધાં રહીએ સાથે જ.’ આ સ્યુસાઈડ નોટ્સમાં પરિવારના ચારેય સ્વજનોની ખીરમાં ઊંઘવાની ગોળી ભેળ‌વ્યા બાદ તેમને મારી નાખવા માટે રમેશે સૌની માફીય માગી. ‘મુઝે મોક્ષ-શાંતિ ચાહિયેથી. મેં જીવનભર જોયેલું સપનું આજે સાકાર કરી લીધું છે.’ આ પત્ર લખતી વખતે રમેશ કેટલો બધો સ્વસ્થ હતો એનો એક પુરાવો જુઓ. પોતાને કોની પાસેથી બે લાખ રૂપિયા લેવાના છે એનું નામ લખ્યું અને એ રકમ કોને આપવી એનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો. આ આખરી પત્રમાં રમેશે જીવનનાં રહસ્યોના તાગ પામવાની ઈચ્છા, 2005માં પિતાના અવસાન, પોતાનું દુન્યવી જીવનમાં ગરકાવ થઈ જવા અને પોતાને ખોટી રીતે સમજવા જેવી વેદનાને વાચા આપી. ભાઈ અને પરિવારજનો લાલચી હતા અને ઉંમર વધવા સાથે પોતે ગુસ્સા પરનો કાબૂ ગુમાવી બેઠાનીય કબૂલાત કરી. ‘આપણે શા માટે પૃથ્વી પર છીએ? આપણે શેનાથી ભાગી રહ્યાં છીએ? કોલેજ છોડ્યા પછી બધું બનાવટી લાગવા માંડ્યું. ક્યાંય શાંતિ નહોતી. હું દુવિધામાં હતો, ત્યાં પપ્પા ગુજરી ગયા અને એ મારા સર્વનાશની શરૂઆત. હું મારી માતા અને ભાઈને સંભાળી શકું એટલે મને પરાણે પરણાવી દીધો. છેલ્લાં 15 વર્ષથી મારું મન એક સંન્યાસી જેવું હતું. મોક્ષ પામવો હતો, પણ ઘર-પરિવાર છોડી શકતો નહોતો. કોઈ મને સમજતું નહોતું, એટલે હું એકાંતવાસમાં સરી પડ્યો. પછી મેં નવું ઘર બાંધ્યું અને અલગ રહેવા માંડ્યાં. પણ એનાથી કંઈ સારું ન થયું. બધાં મારાથી અંતર વધારવા માંડ્યાં, કારણ કે તેઓ લાલચી હતાં.’ આ પત્રમાં તેણે અગાઉ કરેલા આપઘાતના પ્રયાસનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો. ‘હે ભગવાન, વીજળીના જીવંત વાયરનો આંચકોય મારો જીવ ન લઈ શક્યો… હવે સવારના ચાર વાગ્યા છે અને હું ઘર છોડી રહ્યો છું. અગ્રોહા પોલીસ સ્ટેશનને જાણ કરજો.’ ઘરેથી નીકળને દોડતા વાહન સામે કૂદી પડેલા રમેશની મોક્ષ માટેની સમજ-નાસમજ વચ્ચે તેણે ચારેય સ્વજનોને બેભાન કરી નાખ્યાં બાદ ભારે બોથડ પદાર્થથી માથા, છાતી અને અન્ય ફટકા મારીને ખાતરી કરી લીધી કે કોઈ જીવતું ન બચે. આપણી આસપાસ સ્વસ્થ દેખાતા ઘણાંની અંદર તોફાન હોય છે એ આવું બન્યા પછી જ ખબર પડે છે!{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...