અજવાળાનો ઓટોગ્રાફ:શું તમે પણ તમારી સૂટકેસ પેક કરી રાખી છે?

ડૉ. નિમિત્ત ઓઝા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘આઈ લવ યુ’ કરતાંય વધારે તાકતવર શબ્દો કોઈ હોય તો એ છે, ‘હું તારી સાથે છું.’

મેંમારી પત્નીને કહ્યું, ‘આ સાંભળ. તને એક મસ્ત વાત કહું.’ અને પછી લેખક રયાન હોલીડેના બ્લોગ પર રહેલો એક અદ્્ભુત પ્રસંગ મેં તેને કહી સંભળાવ્યો. બાળ-ઉછેરની પ્રક્રિયા એક ટીમવર્ક છે અને એટલે જ ટીમના દરેક સદસ્યે પોતાની સ્ટ્રેટેજી કે પદ્ધતિ અન્ય સાથે શેર કરતા રહેવી જોઈએ. પેરેન્ટિંગ એક જ એવી જોબ છે જ્યાં અસંખ્ય ભૂલો કરવા છતાં તમારી નોકરી સલામત રહે છે. મા-બાપની ભૂલો બતાવનારું, ઠપકો આપનારું કે જરૂર પડે તેમનો કાન પકડનારું લગભગ કોઈ નથી હોતું. અને ધારો કે ઘરમાં વડીલ કે દાદા-દાદી જેવું કોઈ હોય તો પણ મા-બાપને એમનાં સૂચનો માન્ય નથી હોતાં. આ જ કારણથી મોટાભાગના વાલીઓ સ્વચ્છંદી અને સરમુખત્યાર બની જાય છે. એક શ્રેષ્ઠ, કોન્ફિડન્ટ અને ઈમોશનલી હેલ્ધી બાળક બનાવવાની ‘રેસિપી’માં સૌથી જરૂરી હોય એવું એક ઘટક તમારી સાથે શેર કરું છું. તો વાત એમ છે કે લેખક રયાન હોલીડે એક સુંદર મજાનો પોડકાસ્ટ ચલાવે છે જેનું નામ છે ‘The Daily Dad.’ એ પોડકાસ્ટમાં એકવાર તેમણે એક અદ્્ભુત પ્રસંગ શેર કર્યો. આ સત્ય-ઘટના અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ, જીમ વાલ્વાનોના જીવનમાં બનેલી. જીમ વાલ્વાનોને બાળપણથી જ બાસ્કેટબોલની રમત પ્રિય હતી. જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે એકવાર જીમે એમના પિતાને કહ્યું, ‘મારી ઈચ્છા કૉલેજ બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે. એટલું જ નહીં, મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશિપ પણ જીતવી છે.’ થોડા દિવસો પછી તેમના પિતાએ જીમને ખૂણામાં પડેલી એક સૂટકેસ બતાવીને કહ્યું, ‘તું જ્યારે નેશનલ ચેમ્પિયનશિપ રમીશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ. જો, મારી બેગ તો ઓલરેડી પેક થઈ ગઈ છે.’ બસ, આટલી જ વાત મારી આંખો પલાળવા માટે પર્યાપ્ત હતી. બાળ-ઉછેરને લગતી કેટલી મોટી વાત અને એ પણ કેટલી સરળતાથી! ‘મારી સૂટકેસ તો પેક થઈ ગઈ છે’ ફક્ત એટલું જ કહીને એક પિતાએ પોતાના મહત્ત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું. સૌથી પહેલી વાત, હું તારી સાથે છું. બીજી વાત, મને તારામાં ભરોસો છે. તારી પ્રતિભા અને ક્ષમતાઓમાં પૂરો વિશ્વાસ છે. ત્રીજી વાત, તારું સ્વપ્ન સાકાર કરવાની તૈયારીઓમાં હું તારા કરતાં આગળ રહીશ. એક સંતાનને એનાથી વધારે શું જોઈએ? સૂટકેસ તો અહીંયા માત્ર એક રૂપક છે. હકીકતમાં એક પિતા એના સંતાનને એવું કહેવા માંગે છે કે મેં પેક કરેલી સૂટકેસમાં ફક્ત કપડાં જ નહીં, ભરોસો, પ્રેમ અને બિનશરતી સહારો છે. તારા સપનાં પાછળ દોડવા માટે મેં સામાનમાં ‘ટેકો’ અને ‘છાંયો’ પેક કરી રાખ્યો છે. આ આખી વાતમાં મને સૌથી વધારે શું ગમ્યું, એ ખબર છે? એક પિતાએ તેના સંતાનને બાસ્કેટબોલની તૈયારી કે મહેનત વિશેની કોઈ સલાહ ન આપી. બાસ્કેટબોલ રમી શકવાની ક્ષમતા વિશે કોઈ શંકા પણ વ્યક્ત ન કરી. ‘તારે ઘણી મહેનત કરવી પડશે’, ‘એમ કાંઈ નેશનલ ચેમ્પિયનશિપ જીતવી સહેલી છે?’, ‘પહેલાં ભણવામાં ધ્યાન આપ’ કે ‘ફલાણું તો કરી શકતો નથી, પ્રતિયોગિતા શું જીતવાનો?’ જેવું એક પણ નિરાશાજનક વિધાન કહ્યું નથી. તું નેશનલ ચેમ્પિયનશિપ જીતી જ જઈશ, એવું પણ કહ્યું નથી. તેમણે ફક્ત એવું કહ્યું કે ‘તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ.’ એ મેચનું પરિણામ જે પણ આવે, એ વખતે હું તારી સાથે હોઈશ. એ વાતમાં કોઈ નવાઈ નથી કે જીમ વાલ્વાનો અમેરિકાના એક મહાન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ બની શક્યા. કમનસીબે મોટાભાગનાં પેરેન્ટ્સ પોતાનાં સંતાનોને આટલી સરળ વાત નથી કહી શકતાં કે ભલે ગમ્મે તે થાય, હું તારી સાથે છું. ઉલટું, પોતાની મરજી કે અભિપ્રાય વિરુદ્ધ જઈને સંતાને લીધેલા નિર્ણયમાં જો તેને નિષ્ફળતા મળે તો ‘પોતે કેટલાં સાચાં હતાં’ એ વાત પર અભિમાન કરતા વાલીઓને પણ જોયા છે મેં! સ્વતંત્ર રીતે લીધેલા કોઈ નિર્ણયમાં સંતાન જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તેને સૌથી વધારે જરૂર સહારાની હોય છે, સલાહની નહીં. જિંદગીમાં આટલા સ્ટ્રેસ ઓછા છે કે પોતાનાં મમ્મી-પપ્પાની સામે કોઈ સંતાને પોતાની જાત કે લાયકાત સાબિત કરવી પડે! પોતે લીધેલા કોઈ નિર્ણય માટે જે સંતાનને નિષ્ફળતા કરતાં વધારે ડર એનાં મમ્મી કે પપ્પાનો લાગતો હોય, એ સંતાન જિંદગીની સૌથી મોટી લડત નીડરતાથી કઈ રીતે લડી શકે? ‘આઈ લવ યુ’ કરતાંય વધારે તાકતવર શબ્દો કોઈ હોય તો એ છે, ‘હું તારી સાથે છું.’ બેટા, તું હારે કે જીતે. ઉડે કે પડે. પસંદગી પામે કે અસ્વીકાર. સફળ થાય કે નિષ્ફળ. પ્રેમમાં હોય કે હાર્ટ-બ્રેકમાં. યુફોરિયામાં હોય કે ડિપ્રેશનમાં. હું તારી સાથે છું. આનાથી વિશેષ એક સંતાનને મા-બાપ પાસેથી બીજું કશું જ નથી જોઈતું. એને પોતાના પગ પર ઊભા રહેવું છે, ગમતા રસ્તા પર ચાલવું છે પણ સાથે એને એ ભરોસો પણ જોઈએ છે કે કદાચ ક્યાંક હું નિરાશ થઈને બેસી જાઉં તો કોઈ મારી સાથે છે. મારો પગ લપસે અને હું પડી જાઉં, તો મેણાં માર્યા વગર મને ટેકો આપનારું કોઈ છે. કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે. એ પ્રક્રિયા દરમિયાન ટીકા કર્યા વગર ટેકો આપવો, એ જ તો પેરેન્ટિંગ છે.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...