તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલે ગગન કે તલે:મેકેન્ઝી સ્કોટનું નામ સાંભળ્યું છે?

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેકેન્ઝી ઠાઠમાઠથી રહેતાં નથી. લગ્ન પહેલાં પણ સાધારણ હોન્ડા ગાડીમાં બાળકોને સ્કૂલે મૂકીને હસબન્ડને તેની ઓફિસે ઊતારી આવતાં

ભારતમાં ઘણી જગ્યાએ ઘરનાં બારણાં ઉપર તખતી હોય છે, ‘ફલાણાકુમાર ગુપ્તા, બીએ’; કે બીકોમ; કે એલેલબી. કોઈએ ઘાસ છોલવાની રીતો ઉપર મહાનિબંધ લખ્યો હોય તો નેમપ્લેટ ઉપર કોતરાય છે, ‘ડો. ઢિમાકાકુમાર ઘાસિયા’. ને કોઈએ મંદિરમાં હજાર રૂપિયાનું દાન કર્યું હોય તો તખતી મુકાય છે, ‘ગં. સ્વ. ગંગાબેન ઢોકળાંવાળાની સ્મૃતિમાં’. ને દેરાસરના રસ્તે ઇંડાંવાળો બેસે તેના વિરોધમાં જૈનપત્રિકામાં તંત્રીલેખ લખનાર પ્રોફેસરનું નામ હોય છે, ‘પ્રા. ડો. પી. કે. ગુંદરિયા’. માણસોનાં મૂલ્ય હવે ફેસબુકની ‘લાઇક’ની સંખ્યાથી ગણાય છે, અને માણસો છાપરે ચડીને ગાજે છે, કે મને જોવો, મને જોવો, પણ તમે મિઝ મેકેન્ઝી સ્કોટનું નામ સાંભળ્યું છે? અને ‘બિલિયન’માં કેટલાં ઝીરો આવે, ડૂ યુ નોવ? આ પ્રશ્નોનો ડ્રામો કરવાનું નિમિત્ત તે કે 50 વર્ષીય મેકેન્ઝી સ્કોટ નામની અમેરિકન મહિલાએ 6 બિલિયન ડોલરનું ગુપ્ત દાન કર્યું છે, યાને 6,000,000,000 ડોલર. યાને રફલી 445,486,500,000 રૂપીઝ! તે આ ભેદી મિઝ છે કોણ? તમે એમેઝોનવાલા જેફ બેઝોઝનું નામ સાંભળ્યું છે, યાહ? તેના એક્સ–મિસિસ, જેને છૂટાછેડા બાદ એમેઝોનના 4 ટકા શેર મળ્યા જે આજે 60 બિલિયન જેવી કિંમતના ગણાય. અને તેમાંથી 6 બિલિયનનાં તેણે દાન કરી દીધા છે, કેવી શરતે? મારાં નામનું કોઈ ફાઉન્ડેશન નહીં, મારું નામ કશે આવે નહીં, નાણાં વાપરવાની કોઈ શરત નહીં. વાયએમસીએ(YMCA)માં તેણે 18 મિલિયન આપ્યા ત્યારે તેના સીઈઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. દુનિયાની સૌથી ધનાઢ્ય નારીના પ્રમાણમાં, ઇંગ્લેન્ડની રાણી કરતાં જાસ્તી મૂળાનાં પતીકાં જેવા કલદારની માલકિન હોવા છતાં, મેકેન્ઝી પોતે ખાસ ઠાઠમાઠથી રહેતાં નથી. લગ્ન પહેલાં પણ સાધારણ હોન્ડા ગાડીમાં બાળકોને સ્કૂલે મૂકીને હસબન્ડને તેની ઓફિસે ઊતારી આવતાં મેકેન્ઝીબહેન, ને ઘરે પાર્ટી હોય તો સૌ પોતપોતાનાં ઘરેથી એક-એક ડિશ બનાવી લાવે એવો નિયમ. તેમણે વોરન બફેટ, બિલ ગેટ્સ, મલિન્ડા ગેટ્સ આદિ 200 ઠસોઠસ દૌલતમંદોના સહયોગમાં એક જાહેરનામું બહાર પાડેલું કે મારી પાસે મારી જરૂરત કરતાં અનેકગણા પૈસા છે તેથી મારી દોલતનો તગડમતગડો હિસ્સો હું સખાવતમાં વાપરીશ. અમેરિકાના તવંગરો દર વર્ષે એક ટ્રિલિયન ડોલરની સખાવત કરે છે, ને ટ્રિલિયનમાં કેટલાં મીડાં તે ભગવાન જાણે. તે સૌ દાનવીરોમાં મેકેન્ઝીબાલા અલગ એ રીતે તરી આવે છે કે તે કીર્તિથી દૂર રહે છે. દાખલા તરીકે એક કોલેજના કર્તાહર્તાને એક ઇમેલ આવે છે કે અમે અમુક રકમનું દાન કરવા ઇચ્છીએ છીએ, તેની ચર્ચા કરવા ક્યારે મળી શકો? કર્તાહર્તાએ જવાબ તો લખ્યો, પણ કશીક કપટની શંકા થતાં તેના કમ્પ્યૂટરપટ્ટુઓ પાસે તપાસ કરાવી કે આ કોણ હશે. પછી એક બહેનનો ફોન આવ્યો જેનું નામ જાહેર ન કરવાની શરત સાથે તે બહેને જણાવ્યું કે મેકેન્ઝી સ્કોટ નામે એક મહિલા 15 મિલિયનનું દાન કરવા માગે છે, અને બદલામાં કોઈ ઠેકાણે તેનું નામ મૂકવાનું નથી. તે પછી પણ મેકેન્ઝીએ બિલિયન ઉપર બિલિયન ડોલરની સખાવતો કરી છે, ન કોઈ ફોટા, ન કોઈ મુલાકાતો, ન કોઈ નમ્રતાના ડોળવાળાં નિવેદન. ટાઇમ મેગેઝિને તેના વિશે લેખ અંગે મુલાકાત માટે વારંવાર કાલાંવાલાં કીધાં પણ નો, નો, નો. અલ્પભાષી મેકેન્ઝીએ જેફ બેઝોઝ સાથે છૂટાછેડા લીધા ત્યારે પણ ટ્વિટર ઉપર આટલી ટ્વીટ મૂકેલી, ‘જેફ સાથે મારાં લગ્નજીવનની ફારગતીની શાંતિપૂર્ણ સમજૂતી થયાનો મને સંતોષ છે.’ ટ્વિટર ઉપર મેકેન્ઝીએ કુલ ત્રણ વાર ટ્વીટ મૂકી છે; ને તેના ફોલોઅર્સ કેટલાં છે? 148,000. લગ્ન પહેલાં મેકેન્ઝી નાનીમોટી નોકરીઓ કરીને અને ગ્રાન્ટો મેળવીને ભણેલાં. તે જ કારણસર પોતાની મિલકત વડે નારીચેતનાની, વર્ણભેદ નિવારણની સંસ્થાઓ, વગેરેને સહાય આપી છે. આ લખતાં-લખતાં ને તમને વાંચતાં-વાંચતાં ફેન્ટેસી તો થાય, રાઇટ? કે સપોઝ મારી પાસે બિલિયનના બિલિયન ડોલરની મિલકત હોય તો હું શું શું કરું! આ–હ, ઊફ્ફ! હવે મેકેન્ઝીએ બીજું લગ્ન કર્યું છે, તેનાં બાળકોના સાયન્સ ટીચર સાથે, ઊંચો, છરહરા બદનનો ને મેકેન્ઝીથી પાંચ વર્ષ નાનો મુસ્ટન્ડો, ડાન જેવેટ. જય લક્ષ્મીનારાયણની જોડી!⬛ (ચિત્ર: ટાઇમ મેગેઝિનમાંથી ચિત્રકાર: અગાટા નોવિકા.) madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...