નીલે ગગન કે તલે:હસમુખ ગાંધી: અજાણતાં કુસેવા

3 મહિનો પહેલાલેખક: મધુ રાય
  • કૉપી લિંક

ભાષાભ્રમર હોવાનો વહેમ હોવાથી ગગનવાલા અવારનવાર ભાષાશાસ્ત્ર તથા શબ્દવિજ્ઞાન આદિ વિષયોમાં ભૂસકા મારે છે ને ઘોડા મારે શીંગડાં જેવી રંગબિરંગી ફ્રેન્ચફિરંગી વાતો શોધી લાવીને વારે તહેવારે પુરવાર થાય કે નયે થાય તેવા, ફતવા કાઢે છે. આજે એવો તહેવાર છે. અને ધ ફતવા ફોર ટુડે ઇઝ કે ગુજરાતી સાહિત્યમાં મોહન ગાંધીએ જોડણી પ્રમાણભૂત કરી અને ગુજરાતી પત્રકારત્વમાં હસમુખ ગાંધીએ સમાચારની રજૂઆત લોકોની બોલીમાં આપવાનું શરૂ કર્યું, જે અલબત્ત મુંબઈની લોકલ ટ્રેનોમાં બોલાતી ઇંગલિસ વર્ડિંગથી લથપથ મધરટન્ગ હતી. એક સમયે વાચકો દૈનિકો વાંચીને શિષ્ટ ભાષા શીખતા (જેને પ્રિસ્ક્રિપ્ટિવ એપ્રોચ કહેવાય છે) તેના સ્થાને હવે વાચકોની વાતો સાંભળી સાંભળીને દૈનિકો ભાષા શીખવા લાગ્યા (ડિસ્ક્રિપ્ટિવ એપ્રોચ). પણ એનો અર્થ એવો બિલકુલ નહીં કે લખો ભાંગ પીને જેમ ફાવે તેમ, લોકો બોલે તે ભાષા! હસમુખભાઈ વ્યાકરણની સજ્જતા અને જોડણીની શિસ્તના અખંડ મરજાદી હતા. એમના દૈનિક ‘સમકાલીન’માં કશેય પણ જોડણીની કે વ્યાકરણની ભૂલ આવે તો કહેવાય છે કે હસમુખભાઈ પોતાના ગાલે લિટરલી તમાચા મારતા. એમની ઇંગલિસ વર્ડઝો વાપરવાની સ્ટાઇલ જોઈને ગુજરાતના કેટલાક અભણ, ને આળસુ સાંવાદિકો કાને પૂમડાં ને આંખે પાટા ને મગજ ઉપર શટર પાડીને ગોબરી, કુત્સિત ને કોહેલા કાંદા જેવી ભાષા લખતા થઈ ગયા છે, ને તેવી ભાષાનો ચેપ વાચકો/પત્રકારો સામસામા આપી અભણ–રોગ ફેલાવે છે. વિનોબા ભાવે લખે છે કે ‘કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી. હકીકત એ છે કે આપણી ભાષાઓ બહુ જ વિકસિત ભાષાઓ છે. આપણી બધી ભાષાઓનો વિકાસ સેંકડો વરસથી થતો આવ્યો છે. કન્નડમાં એક હજાર વરસથી ઉત્તમ સાહિત્ય લખાઈ રહ્યું છે. એક હજાર વરસ પહેલાં અંગ્રેજી ભાષા નહોતી. મેં જોયું કે તમિલમાં કેટલું બધું પ્રાચીન સાહિત્ય છે! કદાચ સંસ્કૃતને બાદ કરતાં આટલું વિશાળ સાહિત્ય હિંદુસ્તાનની બીજી કોઈ પ્રચલિત ભાષામાં નથી. અને છતાં આપણે એમ માનીએ કે આપણી ભાષાઓ પૂરતી વિકસિત નથી, પૂરતી સમર્થ નથી!’ ધ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા નામે સર્વેક્ષણ અનુસાર ભારતમાં કુલ 179 ભાષાઓ છે જે સર્વની કુલ 544 બોલીઓ છે. એક જાડી માન્યતા તે છે કે દસ લાખ લોકો બોલતા હોય તેને ભાષા કહેવાય (હિન્દી, અંગરેજી, ચીની, સ્પેનિશ વગેરે) અને તેથી ઓછા લોકો બોલતા હોય તેને બોલી કહેવાય (ચરોતરી, સુરતી, કાઠિયાવાડી, બનાસકાંઠાની ને પારસી વગેરે). આજે આપણે જેને નાગરી હિન્દી કહીએ છીએ, જે હિન્દી મહાનાયકજી બચ્ચનજી સરજી કમ્પયુટરજી સાથેના સંવાદમાં પ્રયોજે છે; જે હિન્દી સાહિત્યમાં અને સાહિત્યિક સામયિકોમાં વપરાય છે; અને જે હિન્દી આકાશવાણીના દેવકીનંદન પાંડે બોલતા હતા તે કુરુક્ષેત્રમાં બોલાતી ખડીબોલી અથવા કૌરવી હિન્દીની જ 28 બોલીઓ છે: હરિયાણવી, ભોજપુરી, રાજસ્થાની, છત્તીસગઢી, મેવાડી, મારવાડી, માળવી વગેરે. ભારતમાં 22 ભાષાઓને માન્યતા અપાઈ છે, (અંગ્રેજી કક્કાવારી મુજબ) આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિંદી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સાન્તાલી, સિંધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ. એક વધુ ભાષા પણ માન્યતાપ્રાપ્ત છે, તે અંગ્રેજી જે નાગાલેન્ડની રાજભાષા છે; અને ભારતીય લેખકો દ્વારા અંગ્રેજીમાં લખાતું વિપુલ સાહિત્ય છે. આમ ભારતમાં મુખ્ય 23 ભાષાઓમાં પ્રામાણિત છે. અલબત્ત ઇંગ્લિશ ભાષા એ અદ્્ભુત દેણગી છે જગતને અંગરેજોની, અને તેના બેમિસાલ સાહિત્ય, ફિલ્મ અને ચકનાચૂર નાટકો માટે ગગનવાલા તહેદિલથી, અલ્લાતાલાના શુક્રગુજાર છે. આ નિબંધ ‘અંગ્રેજી હટાઓનો ને ગુજરાતી બચાઓ’નો શિલાલેખ નથી. ભારતની તમામ ભાષાઓને આ ઇંગલિસ અજગર ગ્રસી બેઠો છે કેમકે અંગ્રેજી તે વિશ્વભાષા છે. જય ભાષાભ્રમરજી!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...