કિંચિત્:હારુકી મુરાકામીનો ‘શૃંગારરસ’

મયૂર ખાવડુ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘અતિકામુક દૃશ્યો કથાપ્રવાહને આગળ વધારી રસપ્રયુક્તિ અકબંધ રાખે છે.’

જાપાનના લેખક હારુકી મુરાકામી કોઈ શબ્દોના મોહતાજ નથી. 2021માં તાન્ઝાનિયાના લેખક અબ્દુલરઝાક ગુર્નાહને જ્યારે સાહિત્યના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે વિશ્વભરમાં રહેલા તેમના ચાહકો દ્વારા કમિટીની નિંદાનું ભાથું બાંધવામાં આવ્યું હતું. તેઓએ મુરાકામીને આ સતત થઈ રહેલો અન્યાય ગણાવ્યો હતો. મુરાકામી વિશે ઘણું ઘણું કહી શકાય. તેઓ ખુદ ગુલાબની પાંખડીની જેમ પોતાના જીવનના એક એક કિસ્સાને ‘વ્હોટ આઈ ટોક અબાઉટ વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ’ પુસ્તકમાં ઉઘાડી ચૂક્યા છે. તેઓ ઈચ્છતા હતા કે આ પુસ્તકમાં તેઓ પોતાની દોડચર્યા વિશે લખશે પણ લખતાં લખતાં ખ્યાલ આવ્યો કે મુરાકામી માટે લખવું અને દોડવું એ સમાંતર ચાલતી ક્રિયા છે. સ્ત્રીનું, સ્ત્રીના શરીરનું કામુક વર્ણન કરવામાં મુરાકામીની અસંખ્ય વખત આલોચના થઈ ચૂકી છે. આ લેખક કહે છે કે, ‘સેક્સ જો સારું છે તો તમે ઈજામાંથી ઉગરી જશો. તમારી કલ્પનાને વેગ મળશે, જે માટે મહિલાઓ માધ્યમ છે. આવનારી દુનિયાની અગ્રદૂત છે.’ મુરાકામી પોતાની નવલકથા ‘ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલ’માં એક પુરુષ અને સ્ત્રીના શરીર સંબંધોનું વર્ણન એવી રીતે અખત્યાર કરે છે જ્યારે ભાવક કોઈ પુસ્તક નહીં, પણ પોર્નોગ્રાફી કન્ટેન્ટ વાંચી રહ્યું હોય કે જોઈ રહ્યું હોય. નવલકથામાં ક્લેરવોયન્ટ ક્રેટા લકવાગ્રસ્ત ટોરુ ઓકાડાને મુખમૈથુનનો આનંદ આપે છે. ‘1Q84’ નવલકથામાં પુરુષોના વિકાસ માટે મહિલાઓનાં બલિદાનની વાત છે. જેમાં યુવાન છોકરીઓનાં યૌન શોષણના મુદ્દાને લઈ મહિલાઓ તેમનાં લખાણની સતત ટીકા કરતી આવી છે. ‘1Q84’ નવલકથાનો નાયક ટેન્ગો એક 17 વર્ષની છોકરીની સાથે પડખું સેવે છે. નવલકથામાં ટેન્ગો એ વાતને નોટિસ કરે છે કે 17 વર્ષની કિશોરીના જનનાંગની આસપાસ હોવા જોઈએ એટલી માત્રામાં વાળ નથી. તેમની નવલકથા ‘કિલિંગ કમેન્ડેટોર’માં એક તેર વર્ષની કિશોરી મારીયા જ્યારે પ્રોટોગોનિસ્ટ સાથે એકાંતમાં હોય છે ત્યારે પૂછે છે, ‘તને એવું નથી લાગતું, મારાં સ્તન ખરેખર નાનાં છે.’ ‘કાફ્કા ઓન ધ શોર’માં મિસ સાકી કાફ્કાના ઓરડામાં જાય છે, તેનાં વસ્ત્રો ઉતારે છે અને જ્યાં સુધી તેને ચરમસુખનો આનંદ નથી મળતો ત્યાં સુધી તેની સાથે સંભોગ કરે છે. કેટાલિના કુઓ મુરાકામીના સ્ત્રીઓનાં વર્ણન પર કંઈક એવી ટિપ્પણી કરે છે કે, ‘એવું લાગી રહ્યું છે જાણે લોલિતાને વ્યંગ વગર લખવામાં આવી હતી. જોકે યુવા છોકરીઓ સાથેનાં આ અતિકામુક દૃશ્યો હોવા જરૂરી છે, કારણ કે એ જ તો કથાપ્રવાહને આગળ વધારી રસપ્રયુક્તિ અકબંધ રાખે છે.’ મિરેકો ક્વાકામી નામની વિવેચકે હારુકી મુરાકામીનો આ સંદર્ભે ઈન્ટરવ્યૂ લીધેલો હતો. જેમાં તેમણે ‘કિલિંગ કમેન્ડેટોર’ નવલકથાના એ જ પ્રસંગને ટાંકીને પૂછેલું હતું કે, ‘તમારી નવલકથામાં તેર વર્ષની કિશોરી પોતાનાથી સખત મોટી વયના નેરેટરને પૂછે છે કે તને એવું નથી લાગતું મારાં સ્તન નાનાં છે. આ શબ્દો ક્યાંથી આવ્યા?’ જેના પર મુરાકામીએ કહેલું, ‘આજે મને ખરેખર ખ્યાલ નથી કે આ વાક્ય ક્યાંથી આવ્યું? હું ફક્ત કલ્પના કરું છું કે ત્યાં બહાર આવી કેટલીક છોકરીઓ છે જે આવું વિચારે છે.’ વિવેચક મિરેકો ક્વાકામી મુરાકામીને છોડવા નથી માગતી. એ ફરી એ પ્રશ્નને થોડો અલગ રીતે રજૂ કરે છે, ‘એ બંને વચ્ચે જે ઉંમરનો તફાવત છે એનું શું? જ્યારે તે સ્તન વિશે પૂછે છે ત્યારે તમે જવાબ આપવા માટે સંવાદોથી લઈ સંઘર્ષ ન કરાવ્યો.’ મુરાકામી કહે છે, ‘તેણે તેનાં સ્તન પર પોતાનું મંતવ્ય પૂછ્યું છે. એ તેને પુરુષ તરીકે નથી જોઈ રહી, એ તેને કોઈ કામની વસ્તુ તરીકે પણ નથી જોઈ રહી. મને એવું લાગે છે કે એ થોડા સમયથી કોઈ એવા વ્યક્તિને શોધી રહી છે કે જેને તે આ અંગે પૂછી શકે.’ જાપાનની નવલકથાઓમાં શૃંગારરસની અતિશયતા કે વિશિષ્ટતા કંઈ મુરાકામી નથી લાવ્યા. કિરીનો નસ્તુઓ અને રયુ મુરાકામી હારુકી મુરાકામી પહેલાં સેક્સ, ડ્રગ્સ અને રોક એન્ડ રોલની વિક્ષુબ્ધતા લાવ્યા હતા. વાચકોને રીતસરના ઘેલા કરી નાખેલા. આજેય જાપાનના વાચકો એ પાગલપનમાંથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી થયા. મુરાકામી તો એમને પણ ટક્કર આપે છે.⬛ cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...